શરણાર્થીઓ સાથેના વ્યવહાર
માટેની એક ઢબ
યહોવાહ દેવે ઈસ્રાએલ પ્રજાને આપેલા નિયમમાં, ઈસ્રાએલીઓને મિસરમાંની શરણાર્થીઓ તરીકેની તેઓની સ્થિતિ યાદ દેવડાવવામાં આવી હતી. (નિર્ગમન ૨૨:૨૧; ૨૩:૯; પુનર્નિયમ ૧૦:૧૯) તેથી તેઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ મધ્યેના પરદેશી રહેવાસીઓ સાથે તેઓએ માયાળુ, ખરેખર ભાઈઓ તરીકેનો વ્યવહાર રાખવાનો હતો.
દેવનો નિયમ જણાવતો હતો: “જો કોઈ પરદેશી [જે ઘણીવાર શરણાર્થી હતો] તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય, તો તેને તમે નાહક ન કનડો. તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી; કેમકે તમે મિસર દેશમાં પ્રવાસી હતા.”—લેવીય ૧૯:૩૩, ૩૪.
પરદેશી રહેવાસીઓ અવારનવાર નિર્બળ તથા અસલામત હતા એ જાણીને યહોવાહે તેઓના હિત તથા રક્ષણ માટે ખાસ નિયમો આપ્યા. તેઓને બાંયધરી આપવામાં આવેલા હક્કો નીચે આપવામાં આવ્યા છે એ વિચારો.
નિષ્પક્ષ મુકદ્દમાનો હક્ક: “જેમ વતનીને સારૂ તેમજ પરદેશીને સારૂ એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો.” “પરદેશીનો . . . ન્યાય તું ન મરડ.”—લેવીય ૨૪:૨૨; પુનર્નિયમ ૨૪:૧૭.
દશાંશમાં સહભાગી થવાનો હક્ક: “દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી સઘળી ઊપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો; અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય.”—પુનર્નિયમ ૧૪:૨૮, ૨૯.
સમાન વેતનનો હક્ક: “તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગળોમાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર.”—પુનર્નિયમ ૨૪:૧૪.
અજાણે માણસને મારી નાખનાર માટે આશ્રયનો હક્ક: “આ છ નગરો ઈસ્રાએલપુત્રોને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય; એ સારૂ કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય.”—ગણના ૩૫:૧૫.
મોડનો હક્ક: “જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે. અને તારી દ્રાક્ષવાડીનો સલો તું વીણી ન લે, તેમજ તારી દ્રાક્ષવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે; તું ગરીબને સારૂ તથા વટેમાર્ગુને સારૂ તે રહેવા દે; હું યહોવાહ તમારો દેવ છું.”—લેવીય ૧૯:૯, ૧૦.
સાચે જ, આપણા ઉત્પન્નકર્તા યહોવાહ દેવને શરણાર્થીઓ માટે કરુણા છે, અને આપણે પણ એમ કરીએ ત્યારે તે ખુશ હોવા જ જોઈએ. “દેવનું અનુકરણ કરનારાં થાઓ,” ખ્રિસ્તી પ્રેષિત પાઊલે લખ્યું, “અને પ્રેમમાં ચાલો.”—એફેસી ૫:૧, ૨.
(g96 8/22)
ડાબી બાજુએ છોકરો: UN PHOTO 159243/J. Isaac