બાઇબલનું દૃષ્ટિબિંદુ
તમે કોની દોરવણીમાં ભરોસો
મૂકી શકો?
“ચાલો આપણે જઈએ!” એમ એક પિતા પોતાના પાંચ વર્ષના દીકરાને કહે છે. પિતા પોતાનો હાથ લંબાવે છે, અને દીકરો અચકાયા વિના પોતાનો નાનો હાથ લંબાવી પોતાના પિતાની આંગળીઓ ફરતે એ વીંટાળે છે. ગમે ત્યાં જવાનું હોય છતાં, બાળક પોતાના મા/બાપની દોરવણીમાં ભરોસો મૂકે છે અને આત્મવિશ્વાસથી અનુસરે છે. ગમે તે થાય છતાં, બાળકની મજબૂત પકડ જડવાઈ રહે છે.
આપણે આર્થિક, રાજકીય, અને વ્યક્તિગત અચોક્કસતાના સમયમાં જીવતા હોવાથી, શું તમે જેના પર પૂરેપૂરો ભરોસો રાખી શકો એવા ઉદ્ભવનો દોરવણી આપતો હાથ આવકારશો નહિ? તોપણ, આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે સિદ્ધાંતહીન લોકો બિનઅનુભવી વ્યક્તિઓનો ગેરલાભ ઉઠાવે છે. આમ, આપણે કોના પર ભરોસો મૂકીએ છીએ એ વિષે સાવધ રહેવાને સારું કારણ છે. કદાચ ભૂતકાળમાં દોરવણી માટે તમે જેના પર આધાર રાખ્યો હોય એવી કોઈક વ્યક્તિને લીધે તમને ઘોર નિરાશા સાંપડી હોય શકે.
તથાપિ, બાઇબલ આપણને આપણો ભરોસો દેવમાં મૂકવાનું ઉત્તેજન આપે છે. “કેમકે હું યહોવાહ તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું, કે તું બીશ મા; હું તને સહાય કરીશ,” યશાયાહ પ્રબોધકે નોંધ્યું. (યશાયાહ ૪૧:૧૩) અને પ્રેષિત પીતરે સલાહ આપી: “એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૬, ૭.
છતાં, તમે પૂછી શકો કે, ‘દોરવણી માટે દેવમાં ભરોસો મૂકવાને મારે શું કારણ છે?’ પ્રાચીન ઈસ્રાએલીઓના અહેવાલમાં નીચેનાં નક્કર કારણો મળે છે.
દેવનો હાથ તેમના લોકોને દોરે છે
નીસાન ૧૪, ૧૫૧૩ બી.સી.ઈ.ની રાતે પરાકાષ્ઠાએ પહોંચેલા બનાવોની શૃંખલાએ સરમુખત્યારી અમલદાર ફારૂન અને મિસરીઓનો નિર્ધાર તોડ્યો, જેથી તેઓએ દેવના લોકો, ઈસ્રાએલીઓને ગુલામીમાંથી મુક્ત કર્યા. (નિર્ગમન ૧:૧૧-૧૩; ૧૨:૨૯-૩૨) નીસાન ૧૫ના રોજ, ઉલ્લાસિત ઈસ્રાએલ પ્રજા વચનના દેશને માર્ગે અરણ્ય તરફ ગઈ. વચનના દેશમાં જવાનો બહુ સીધો રસ્તો મેમ્ફિસની ઉત્તરે થઈ ભૂમધ્ય સમુદ્રને કિનારે કિનારે, ભયાનક પલિસ્તીઓના દેશની નજીકથી જતો હતો. જોકે, દેવના મનમાં બીજો રસ્તો હતો.—નિર્ગમન ૧૩:૧૭, ૧૮; ગણના ૩૩:૧-૬.
દેવે પ્રાચીન ઈસ્રાએલ પ્રજાને દૃશ્ય માર્ગદર્શક પૂરો પાડ્યો, જે દિવસે મેઘસ્તંભ અને રાતે અગ્નિસ્તંભ તરીકે દેખાયો. (નિર્ગમન ૧૩:૨૧, ૨૨) યહોવાહે આ ચમત્કારિક ઘટના ઉપરાંત વિશ્વાસુ માણસ મુસાનો ઉપયોગ પોતાના પાર્થિવ પ્રતિનિધિ તરીકે કર્યો. (નિર્ગમન ૪:૨૮-૩૧) તેથી, દેવનો હાથ ઈસ્રાએલીઓને દોરી રહ્યો હતો એ વિષે નિર્વિવાદ સાબિતી હતી.
તેઓની છાવણીની બીજી જગ્યા, “અરણ્યની સરહદ ઉપર”ના એથામ ખાતે, યહોવાહે મુસાને પાછા ફરવા અને પીહાહીરોથ ખાતે રાતા સમુદ્રને કિનારે છાવણી નાખવાનું માર્ગદર્શન આપ્યું. (નિર્ગમન ૧૩:૨૦) એ અકળ જણાતા પગલાંએ ફારૂનને એવા નિષ્કર્ષ પર આવવા પ્રેરણા આપી કે ઈસ્રાએલીઓ “દેશમાં ગૂંચવાઈ ગયા છે.” હઠીલો થવાથી, ફારૂનનું હૃદય બદલાયું. હવે ઈસ્રાએલીઓને ફરીથી ગુલામ બનાવવાનો નિર્ધાર કરી તેણે પોતાનું સૈન્ય ભેગું કર્યું અને તેઓની પાછળ લાગ્યો.—નિર્ગમન ૧૪:૧-૯.
દેખીતી રીતે જ મુસા એ પ્રજાને રાતા સમુદ્ર તરફ દોરી જતા મેદાનમાં ભિન્ન દિશામાં દોરી ગયો તેથી, એમ જણાયું કે તે ઈસ્રાએલીઓને એવી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો જ્યાં તેઓ પીહાહીરોથ ખાતેની છાવણીની બંને બાજુના પર્વતો, રાતો સમુદ્ર, અને ફારૂનના આવી રહેલા સૈન્ય વચ્ચે સપડાય જશે. એમ લાગ્યું કે ઈસ્રાએલીઓ ઝડપી ગુલામી કે વિનાશ માટે સહેલું નિશાન બન્યા હતા.
એની તેઓ પર શું અસર પડી? શું તેઓ યહોવાહની દોરવણીમાં ભરોસો પ્રદર્શિત કરશે? બાહ્ય દેખાવ પ્રમાણે તો, પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક હતી. તેથી, કેટલાક લોકો ગભરાયા. બીજા કેટલાક મુસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. વળી કેટલાક તો પડતું મૂકવા અને મિસરની ગુલામીમાં પાછા જવા પણ તૈયાર હતા!—નિર્ગમન ૧૪:૧૦-૧૨.
દેવનો હાથ મજબૂતપણે પકડી રાખો!
એ પરિસ્થિતિમાં ઈસ્રાએલીઓએ સર્વશક્તિમાનમાં એક બાળકની જેમ ભરોસો પ્રદર્શિત કરવાની જરૂર હતી. એક પ્રજા તરીકે તેઓ બેખબર હતા કે, યહોવાહ દેવ પાસે મુસાને પીહાહીરોથ ખાતે રાતો સમુદ્ર ઓળંગવાની સૂચના આપવા માટે સારું કારણ હતું. ઈસ્રાએલીઓને પલિસ્તીઓના દેશની દક્ષિણે વચનના દેશમાં પ્રવેશ અપાવીને યહોવાહે પ્રેમાળ અંતર્દૃષ્ટિ બતાવી. ઈસ્રાએલીઓ ૨૧૫ વર્ષ મિસરમાં રહ્યા પછી એમાં કોઈ શંકા ન હતી કે ઘાતકી યોદ્ધાઓવાળી પ્રજા સાથે યુદ્ધ કરવા તેઓ તૈયાર ન હતા. તેથી, યહોવાહે એવો વિગ્રહ નિવારતો રસ્તો પસંદ કર્યો.a—નિર્ગમન ૧૩:૧૭, ૧૮.
a પીહાહીરોથ વિષે વધુ માહિતી માટે, વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૨, પાન ૬૩૮-૯ જુઓ.
એ પ્રજાનો છુટકારો અને રાતા સમુદ્ર ખાતે ફારૂન તથા એના સૈન્યની હાર તારવાની દેવની શક્તિની અદ્ભુત સાક્ષી આપે છે. વધુમાં, ઈસ્રાએલીઓ કેટલા આભારી હશે કે, તેઓને અમુક માર્ગે દોરી જવાનું દેવનું કારણ ન સમજવા છતાં, તેઓએ દેવનો હાથ પડતો મૂક્યો નહિ! તેઓ મજબૂતપણે વળગી રહ્યા અને તેઓએ ચમત્કારિક રીતે રાતા સમુદ્રના ભાગ થતા જોયા તેમ જ તેઓના શત્રુઓનો નાશ થતો જોયો. યહોવાહની દોરવણીમાંના તેઓના ભરોસાનો બદલો આપવામાં આવ્યો.—નિર્ગમન ૧૪:૧૯-૩૧.
ફરી, ચાલો આપણે મા/બાપનો હાથ પકડેલા બાળકના ઉદાહરણનો વિચાર કરીએ. બાળક ડરી જાય છે ત્યારે, તે કઈ રીતે વર્તે છે? બાળક તેના મા/બાપની આંગળીઓ ફરતેના પોતાના નાના હાથની પકડ જતી કરવા કે ઢીલી કરવાને બદલે તેને વધુ મજબૂત રીતે પકડે છે. એમ કરવામાં, તે મા/બાપમાં એવો અડગ ભરોસો પ્રદર્શિત કરે છે કે તેઓ મુશ્કેલી દરમ્યાન નિષ્ફળ ન જતી દોરવણી અને સામર્થ્ય પૂરાં પાડશે.
તેવી જ રીતે, આપણે જીવનમાં દુઃખ અનુભવીએ ત્યારે, આપણે દેવની દોરવણીમાં હજુ પણ વધુ ભરોસો રાખી આપણી પકડ મજબૂત કરવાની જરૂર છે! તેમનો શબ્દ, બાઇબલ, આપણને દોરવણી આપતો પ્રકાશ બની શકે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) વળી, એ પણ યાદ રાખો કે ભરોસાની સાથે ધીરજ પણ આવે છે. તેથી, દેવ આપણને અમુક માર્ગે શા માટે દોરી રહ્યા છે એ કેટલાક સમય સુધી આપણે પૂરેપૂરી રીતે ન સમજીએ છતાં, આપણે યહોવાહને બાબતો પાર પાડવા માટે સમય આપવો જ જોઈએ. હા, આપણે દેવની દોરવણીમાં ભરોસો મૂકી શકીએ.—નિર્ગમન ૧૫:૨, ૬; પુનર્નિયમ ૧૩:૪; યશાયાહ ૪૧:૧૩.