થાક ટ્રક-ચાલકોનો છૂપો ફાંદો સ જા ગ બ નો! ના જ ર્મ ની માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
ક લાકો સુધી ટ્રક ચલાવતા, શક્તિશાળી એંજીનનો કર્કશ અવાજ અને ૧૪ પૈડાનો એકધારો અવાજ ટ્રક-ચાલકોને થાક સામે લડવું મુશ્કેલ કરી દે છે. હેડલાઈટના પ્રકાશમાં માર્ગ નિશાનીઓ ચૂપચાપ નીકળી જાય છે. અચાનક જ, ટ્રેઈલર બાજુમાં ઘસડાવવા લાગે છે; એણે માર્ગની નીચે ઉતરી જવાનું શરૂ કર્યું છે.
સ્ટીઅરીંગ ચક્રને જોરથી ફેરવીને, ડ્રાઇવર પોતાના ૪૦ ટનના વાહનને પાછું માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરે છે. પૂર્ણ જાગૃત થયા પછી તેને ભાન થાય છે કે પાછલી કેટલીક સેકંડોમાં શું બન્યું એની તેને ખબર નથી. તે થાકથી પીડાઇ રહ્યો છે.a
વાહન ચલાવતી વખતે જે કોઈ પણ થાક સામે લડતું હોય તેને સહેલાઈથી ઝોકું આવી શકે. આજના ભરચક માર્ગોનો વિચાર કરતા, એ અતિ ભયાનક હોય શકે—બીજાઓ માટે પણ. દાખલા તરીકે, દક્ષિણ આફ્રિકામાં, જાન્યુઆરી ૧૯૮૯ અને માર્ચ ૧૯૯૪ વચ્ચે થયેલા, ભારે વાહનો સહિત બધા અકસ્માતોમાં ૩૫ ટકા કરતાં વધુનું કારણ ડ્રાઇવરની ઊંઘ હતું.
પ્રાધ્યાપક જી. સ્ટોકર, ડ્રાઇવરની વર્તણૂકના સંશોધક જર્મન સામયિક ફર્શ્યુલમાં કહ્યું કે થાકનો વધારો ઘેનમાં પરિણમે છે અને એની અસર આલ્કોહોલયુક્ત પીણાના જેટલી જ હોય છે. અલબત્ત, તેની ટીકાઓ ફક્ત ટ્રક ડ્રાઇવરોને જ નહિ પરંતુ દરેક વાહનોના ડ્રાઇવરને લગતી છે.
થાકનાં કારણો
શા માટે થાકને લગતા અકસ્માતો ઘણી વાર થાય છે, જ્યારે કે ઘણા દેશોએ ડ્રાઇવર વધુમાં વધુ કેટલા કલાક વાહન ચલાવી શકે એની ભલામણ કરી છે અથવા તો નિયમ બનાવ્યો છે તો પણ? શરૂઆતમાં, આપણે ડ્રાઇવરના કામના કુલ કલાકો જોવા જ જોઈએ જેમાં વાહન ચલાવવા સિવાયના બીજાં કામોનો પણ સમાવેશ થાય છે. આ કામના કલાકો ઘણી વાર લાંબા હોય છે અને અનિયમિત હોય છે.
મોટા ભાગના ટ્રક ડ્રાઇવરોને કામ શરૂઆતથી અંત સુધી જોવું પડે છે, જેનો અર્થ કે કોઈ પણ રીતે માલને ગ્રાહક સુધી પહોંચાડવો. સિદ્ધિને નક્કી કરેલ અંતર અને પહોંચાડેલા માલથી આંકવામાં આવે છે. કામના કલાકો સરેરાશ કરતાં વધુ હોય શકે. જર્મનીમાં મોટા ભાગના લોકો અઠવાડિયાના ૪૦ કરતાં ઓછા કલાક કામ કરે છે, પરંતુ ઘણા ટ્રક ડ્રાઇવરો એનાથી બમણુ કામ કરે છે.
બીજા દેશોમાં પણ પરિસ્થિતિ સારી નથી. દક્ષિણ આફ્રિકામાં પગાર ઓછો છે, તેથી ડ્રાઇવરો પોતાની કમાણીને પૂરી કરવા માટે વધુ કલાકો કામ કરે છે. ભારતનો અહેવાલ સૂચવે છે કે પરિવહન નિગમ ડ્રાઇવરને તેઓનું કામ પૂરું કરવા પૂરતો સમય આપે છે છતાં, ઘણા ટ્રક ડ્રાઇવરો વધુ જગ્યાઓનું વધુ ભાડુ લઈને પોતાની આવક વધારે છે જેમાં વધુ કલાક વાહન ચલાવવાનો સમાવેશ થાય છે. આમ તેઓને નિગમ પર સમયે પાછા પહોંચવા પોતાની ઊંઘનો સમય કાપી નાખવો પડે છે.
યુરોપી સંગઠનમાં, નિયમ દ્વારા પરવાનગી આપેલા વધુમાં વધુ કલાકનો ઉપયોગ કરીને, ટ્રક ડ્રાઇવર વાહન ચલાવવા અઠવાડિયાના ૫૬ કલાક વિતાવી શકે. પરંતુ પછીના અઠવાડિયામાં તેના વધુમાં વધુ કલાકો ઘટીને ૩૪ થાય છે. માલ ચડાવવા ઉતારવા સહિત તેના કામના કલાકો, મોનિટર દ્વારા નોંધવામાં આવે છે. આ અહેવાલ તપાસને શક્ય બનાવે છે કે દરેક ડ્રાઇવર નિયમને પાળે છે કે કેમ.
બીજુ પાસુ જે વાહન ચલાવવાના સમયને અસર કરે છે એ માલિકનું દૃષ્ટિબિંદુ છે. તેની ટ્રક ખર્ચાળ રોકાણ છે માટે જો શક્ય હોય તો એ ગ્રાહકના ખર્ચે દિવસના ૨૪ કલાક વાપરે. પરિવહન નિગમો મધ્યે હરીફાઈ વધી રહી છે અને સંચાલકો ડ્રાઇવરને સ્વેચ્છાપૂર્વક વધુ કામ કરવાનું દબાણ કરે છે.
કામનો સમય લાંબો હોય ત્યારે થાક વર્તાય છે પરંતુ ત્યારે પણ જ્યારે કસમયે કામ શરૂ કરે છે. દાખલા તરીકે, સવારના એકથી ચારમાં કામ શરૂ કરવું સામાન્ય છે. એ સમય છે જ્યારે ઘણા ડ્રાઇવરો પોતાની સૌથી નીચી ક્ષમતાએ હોય છે અને તેઓની એકાગ્રતા સૌથી નબળી હોય છે. એવા નિગમોમાં દબાણ વધે છે જ્યાં તેઓ માલની ડિલિવરી ‘સમયમાં જ’ માંગે છે. આનો અર્થ કે ડ્રાઇવરે ગ્રાહકને ત્યાં નક્કી થયેલ ચોક્કસ સમયે પહોંચવું જ. ભારે ટ્રાફિક, ખરાબ હવામાન માર્ગનું સમારકામ મોડુ થવાનું કારણ બની શકે જેને ડ્રાઇવરે કંઈક રીતે સમાધાન કરવાનું હોય છે.
વાહન ચલાવવામાં પરવાનગી મળેલા કલાકોના અંકુશ છતાં, પોલીસ દ્વારા અચાનક તપાસ બતાવે છે કે નિયમનો ભંગ થાય છે. સામયિક પોલીઝી વેર્કર ઍન્ડ ટેકનીક અનુસાર, “બધી ટ્રક, બસ અને ખતરનાક કાર્ગો ટ્રાંસપોર્ટના આંઠમાંથી એક ડ્રાઇવર વાહન ચલાવવાના અને આરામના સૂચવેલા કલાકને પાળતો નથી.” હમબર્ગમાં ટ્રાફિક તપાસ દરમિયાન, પોલીસે એક એવા ટ્રક ડ્રાઇવરને શોધી કાઢ્યો જેણે આરામ કર્યા વગર ૩૨ કલાક વાહન ચલાવવામાં ગાળ્યા હતા.
ભયને ઓળખવો
એક લાંબા અંતરના ડ્રાઇવરને જેણે આંતરરાષ્ટ્રીય માલની હેરફેરમાં ૩૦ વર્ષો પસાર કર્યાં હતાં તેને થાકની સમસ્યા વિષે પૂછવામાં આવ્યુ. તેણે અવલોક્યું: “ગર્વ અને વધુ પડતો આત્મવિશ્વાસ ડ્રાઇવરને થાક અવગણવા તરફ દોરી શકે. એ રીતે અકસ્માત થાય છે.” થાકની નિશાનીઓ પાન ૨૨ પર બૉક્સમાં દર્શાવી છે.
વહેલી ચેતવણીમય નિશાનીઓ ઓળખવી જીવન બચાવી શકે. યુનાઈટેડ સ્ટેટ્સમાં નૅશનલ સેફટી બોર્ડ દ્વારા કરેલ અભ્યાસ ચેતવણીમય આંકડા રજૂ કરે છે: ૧૦૭ અકસ્માત જેમાં બીજાં વાહનો સામેલ નહોતા એમાંથી ૬૨ અકસ્માત થાકને કારણે હતા. તેથી, પરિવહન ઉદ્યોગ તકનીકી મદદના વિકાસને વધુ મહત્ત્વ આપે છે જે ડ્રાઇવર જ્યારે પણ સૂઈ જાય ત્યારે ચેતવણી આપે.
જાપાની નિગમ એવી વિજાણુ પદ્ધતિ પર કામ કરી રહી છે જે વિડીયો કૅમેરાનો ઉપયોગ કરીને અવલોકે કે ડ્રાઇવર કેટલી વાર પોતાની આંખો ઝબકાવે છે. એકદમ લાંબી ઝબક હોય તો, પહેલેથી રેકર્ડ કરેલો અવાજ ભયાનક પરિસ્થિતિની ચેતવણી આપે છે. એક યુરોપિયન કંપની એવા સાધન પર કામ કરી રહી છે જે માપે કે વાહનને કેટલું સહેલાઈથી ચલાવી શકાય છે. જો ટ્રક સરળતાથી ન જતી હોય તો, કેબીનમાં ચેતવણીનો અવાજ આવે છે. છતાં, એ અસરકારક સાધનોના ઉત્પાદનમાં અમુક સમય લાગશે.
ભયને દૂર કરવો
થાક એ દરેક વાહનોમાં બિનઆમંત્રિત અને બિનઆવકારમય મુસાફર છે. પ્રશ્ન એ છે કઈ રીતે એનો પીછો છોડવો. કેટલાક ડ્રાઇવરો કેફીનનો નાનો ટુકડો ચૂસ્યા કરે છે તો પણ જોવા મળ્યું છે કે થાક તેઓનો પીછો નથી છોડતો. બીજાઓ અન્ય ઉત્તેજક પીણા તરફ વળે છે. કહેવાની જરૂર નથી કે આમાં સ્વાસ્થ્યનું જોખમ સમાયેલું છે. મૅક્સિકોમાં કેટલાક ડ્રાઇવરો જાગૃત રહેવા માટે મરચું (તીખા મરીયા) ખાય છે.
વહેલા શરૂ કરતા પહેલાં, પૂરતી ઊંઘ મેળવવી સલાહભર્યું છે. અને સિદ્ધાંતની રુએ, વ્યક્તિએ સૂચિત કલાકો વાહન ચલાવવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં, નિષ્ણાતો પાંચ કલાક વાહન ચલાવ્યા પછી અટકવાની ભલામણ કરે છે. માર્ગની કંટાળાજનક મુસાફરી પર ડ્રાઇવરે પોતાનું મન સક્રિય અને કેન્દ્રિત રાખવાની જરૂર છે. કેટલાક ડ્રાઇવરો રેડિયો સાંભળે છે અથવા સીબી રેડિયો પર બીજા ડ્રાઇવર સાથે વાત કરે છે. એક ડ્રાઇવર જે યહોવાહનો સાક્ષી છે એ બાઇબલ વિષયોની કૅસેટો સાંભળે છે જેમ કે ચોકીબુરજ અને સજાગ બનો! અને બાઇબલમાંથી ફકરાઓ. બીજાં સૂચનો આ બૉક્સના પાના પર જોઈ શકાય છે.
જીવનની જરૂરિયાતોને પહોંચી વળવા જેટલું કમાવવું પણ અઘરુ બની રહ્યુ છે તેથી સમતોલપણુ જાળવવું સહેલું નથી. કેટલાક નિગમો અને સંચાલકો ડ્રાઇવરો માટે રહેલા થાકના ફાંદાના ભયને અવગણે છે. તો પછી, પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા બધાએ, થાક વિષે અત્યાર સુધી જે શીખ્યા એ યાદ રાખવું જોઈએ. વધુમાં, ડ્રાઇવરો પાસે પણ પોતાના અનુભવમાંથી ઉપયોગી સૂચનો હોય છે જે બીજાઓને પણ ઘેન સામે લડવા મદદ કરી શકે.
અલબત્ત, જાગૃત રહેવાનો સૌથી સારો માર્ગ, શરીરને એની માંગ પ્રમાણે ખંડણી આપવી છે: તમને કોઈ પણ ચેતવણીમય નિશાની જોવા મળે તો, પછીના જ વિશ્રામગૃહે થોભો અને ઊંઘ મેળવો. ત્યાર પછી, ફરી એકવાર વાહન ચલાવવાનો પડકાર ઉઠાવો. થાકના છુપા ફાંદાનો ભોગ ન બનો!
ત્વરીત પગલાં માંગી લેતી ચેતવણીની નિશાનીઓ • શું તમારી આંખો બળે છે કે તેમાંથી પાણી ટપકે છે? • શું તમે બાબતો વિચારી શકો છો કે તમે પોતાને દીવાસ્વપ્નોમાં જુઓ છો? • શું તમને રોડ સાંકડા દેખાય છે કે જે તમને મધ્ય રેખા પર વાહન ચલાવવાનું કારણ બને? • શું તમારી મુસાફરીનો કેટલોક ભાગ તમને યાદ નથી? • શું તમારા સામાન્ય વાહન ચલાવવા કરતાં વધુ આંચકા આવે છે? ઉપરના પ્રશ્નોમાંના એકનો પણ જવાબ હા હોય તો એનો અર્થ એ કે તમને તરત જ આરામની જરૂર છે
લાંબા-અંતરની મુસાફરી પર • પૂરતી ઊંઘ મેળવો • ઉત્તેજિત દ્રવ્યો પર આધાર ન રાખો • નિયમિત આરામ લો, હાથ પગને છૂટા રાખવાની કસરત કરો • યાદ રાખો કે ખાસ કરીને માર્ગની કંટાળાજનક મુસાફરી જોખમકારક છે • ભૂખ્યા પેટે મુસાફરી શરૂ ન કરો. ખાવાની સારી ટેવ કેળવો: હલકો અને તંદુરસ્ત ખોરાક • પુષ્કળ પીણા પીવો, પરંતુ ઓલ્કોહોલને ટાળો
[Footnotes]
a જર્મનીમાં ફક્ત થોડીક જ સ્ત્રી ડ્રાઇવરો હોવાથી આ લેખ પુર્લિંગમાં લખાયો છે.