તમારા સ્વાસ્થ્યને રક્ષવાના છ માર્ગો
સજાગ બનો!ના નાઇજીરિયામાંના ખબરપત્રી તરફથી
વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) અનુસાર, વિકાસશીલ દેશોમાં રહેતા લગભગ ૨૫ ટકા લોકોને ચોખ્ખું પાણી મળતું નથી. લગભગ ૬૬ ટકાથી વધુ—ઓછામાં ઓછા ૨.૫ અબજ લોકો—માટે ગટરની પૂરતી વ્યવસ્થાનો અભાવ છે. એના પરિણામે ઘણાને રોગ થાય છે અને મરી જાય છે.
આવા સંજોગોમાં, સારી સ્વચ્છતા જાળવી રાખવી ઘણું અઘરું છે. તોપણ, તમે વ્યક્તિગત સ્વચ્છતાને જીવનમાં એક નિયમ બનાવો તો, તમે પોતાને ઘણા રોગોથી રક્ષશો. અહીં છ પગલાં આપેલાં છે કે જેનાથી તમે પોતાને અને તમારા કુટુંબને કીટાણુંઓથી રક્ષી શકો છો કે જે તમારા શરીરમાં દાખલ થઈને સ્વાસ્થ્ય બગાડી શકે.
૧. મળના સંપર્કમાં આવ્યા પછી અને ખોરાકને અડકતા પહેલાં તમારા હાથ સાબુ અને પાણીથી ધુઓ.
બીમારીથી બચવાની એક મહત્ત્વની રીત એ છે કે, ખાતરી કરવી હંમેશા સાબુ અને પાણી પ્રાપ્ય હોય જેથી તમારા કુટુંબના દરેક સભ્ય પોતાના હાથ ધોઈ શકે. સાબુ અને પાણી હાથમાંનાં કીટાણુંઓને દૂર કરે છે—નહિ તો એ કીટાણુંઓ ખોરાકમાં કે મોં દ્વારા પ્રવેશી શકે છે. નાનાં બાળકો અવારનવાર પોતાની આંગળીઓ પોતાના મોંઢામાં નાખતા હોવાથી, વારંવાર તેઓના હાથ ધોવડાવવા જરૂરી છે, ખાસ કરીને તેઓને ખોરાક આપતા પહેલા.
ખાસ કરીને એ મહત્ત્વનું છે કે સંડાસનો ઉપયોગ કર્યા પછી, ખોરાકને અડતા પહેલાં, અને હમણાં જ સંડાસ કર્યું હોય એવા શિશુ કે બાળકના કૂલા સાફ કર્યા પછી હાથ સાબુથી ધોવા.
૨. સંડાસનો ઉપયોગ કરો.
કીટાણુંઓને ફેલાવાથી અટકાવવા માટે, મળનો યોગ્ય રીતે નિકાલ કરવો મહત્ત્વનું છે. ઘણી બીમારીઓ, ખાસ કરીને મરડો, માનવના મળમાંનાં કીટાણુંઓથી થાય છે. આ કીટાણુંઓ પીવાના પાણી કે ખોરાકમાં, હાથમાં, અથવા વાસણોમાં કે ખોરાક બનાવવાના કે પીરસવાની જગ્યાઓએ આવી શકે છે. એમ થાય છે ત્યારે કીટાણુંઓ લોકોના પેટમાં જવાથી બીમાર બની શકે.
એને અટકાવવા માટે, સંડાસનો ઉપયોગ કરો. પ્રાણીઓનો મળ ઘરો અને પાણીના ઉદ્ભવોથી દૂર રાખવો જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થઈ શકે કે શિશુઓ કે નાનાં બાળકોનો મળ મોટાઓના મળ કરતાં વધુ જોખમકારક હોય છે. તેથી નાનાં બાળકોને પણ સંડાસનો ઉપયોગ કરતા શીખવવું જોઈએ. બાળકો ગમે ત્યાં સંડાસ કરે ત્યારે, તેનો મળ ત્યાંથી તાત્કાલિક સાફ કરીને તેને સંડાસમાં નાખી દેવો કે દાટી દેવો જોઈએ.
સંડાસ હંમેશા ચોખ્ખું અને ઢાંકેલું રાખવું.
૩. સ્વચ્છ પાણી વાપરો
જે ઘરોમાં નળથી પુરતું ચોખ્ખુ પાણી આવતુ હોય, તેઓ જેઓના ઘરે નથી આવતુ તેઓ કરતાં ઓછા બીમાર પડે છે. નળનું પાણી ન હોય તેઓ, કૂવાઓને ઢાંકીને રાખવાથી અને ગંદાપાણીને, પીવા, નહાવા કે ધોવાના પાણીથી અલગ રાખીને સ્વાસ્થ્યને રક્ષી શકે છે. પ્રાણીઓને ઘરની બહાર અને પીવાના પાણીથી દૂર રાખવાં પણ મહત્ત્વનું છે.
પોતાને બીમારીથી સુરક્ષિત રાખવાની એક બીજી રીત પાણી ભરવા અને ભરી રાખવા ઉપયોગમાં લેવામાં આવતી ડોલ, દોરડાઓ અને માટલાઓને બની શકે તેટલાં સ્વચ્છ રાખવાં જોઈએ. દાખલા તરીકે, ડોલને ભોંય પર નીચે મૂકવા કરતાં તેને લટકાવી રાખવી વધુ સારું છે.
ઘરમાં રાખેલાં પીવાના પાણીને સ્વચ્છ બંધ વાસણમાં રાખવું જોઈએ. એ વાસણમાંથી પાણીને એક સ્વચ્છ ડોયા કે પ્યાલાથી કાઢવું જોઈએ. પીવાના પાણીમાં કોઈને પોતાના હાથ ઘાલવા ન દો અથવા પાણી રાખવાના વાસણમાંથી સીધું પીવા ન દો.
૪. નળનું પાણી ચોખ્ખું ન હોય તો પીવાનું પાણી ઉકાળો.
સામાન્ય રીતે પીવાનું ચોખ્ખું પાણી નળમાંથી આવે છે. બીજા ઉદ્ભવોમાંથી આવતું પાણી ભલે સ્વચ્છ દેખાય એમાં કીટાણું હોવાની શક્યતા વધુ હોય છે.
પાણીને ઉકાળવાથી કીટાણુઓ મરી જાય છે. તેથી તમે તળાવો, નહેરો કે ટાંકીમાંથી પાણી ભરો ત્યારે એને ઉકાળીને ઠંડુ કરીને પીવું ડહાપણભરેલું છે. કીટાણું-મુક્ત પીવાનું પાણી ખાસ કરીને શિશુઓ અને નાનાં બાળકો માટે મહત્ત્વનું છે, કારણ કે તેઓમાં કીટાણુંઓથી લડવાની ક્ષમતા મોટાઓ કરતાં ઓછી હોય છે.
પીવાનું પાણી ઉકાળી ન શકાય તો, એને પારદર્શક પ્લાસ્ટિક કે કાચના બંધ વાસણમાં ભરી અને વાપરવાં પહેલાં એને બે દિવસ સુધી તડકામાં રાખો.
૫. તમારો ખોરાક સ્વચ્છ રાખો.
જે ચીજોને કાચી ખાવાની હોય તેને સારી રીતે ધોવી જોઈએ. બીજી ચીજોને, ખાસ કરીને માંસ અને મરઘાંબતકાંને, સારી રીતે રાંધવાં જોઈએ.
ખોરાક રાંધ્યા પછી તરત જ ખાઈ લેવો સારું છે; એ રીતે એને બગડવાનો સમય રહેશે નહિ. તમારે રાંધેલો ખોરાક પાંચ કલાક કરતાં વધુ સમય રાખી મૂકવો હોય તો, એને ગરમ રાખવો જોઈએ અથવા ફ્રિજમાં રાખવો જોઈએ. એને ખાતા પહેલાં, તમારે ફરીથી પૂરેપૂરો ગરમ કરવો જોઈએ.
સામાન્ય રીતે કાચું માંસ કીટાણુંઓવાળું હોય છે, તેથી તમારે એને રાંધેલા ખોરાકની પાસે ન રાખવું જોઈએ કે જેથી એ અડી જાય. કાચું માંસ તૈયાર કર્યા પછી, ઉપયોગ કરેલ વાસણો અને માસને અડેલી જગ્યાઓ સાફ કરો.
ખોરાક રાંધવાની જગ્યાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. ખોરાકને ઢાંકીને અને માખીઓ, ઉંદરો, છછુંદરો અને બીજાં પ્રાણીઓની પહોંચથી દૂર રાખવો જોઈએ.
૬. ઘરના કચરાને બાળી દો અથવા દાટી દો.
માખીઓ જે કીટાણુંઓ ફેલાવે છે, તે ખોરાકની કચરાપેટીમાં પેદા કરવાનું પસંદ કરે છે. તેથી ઘરના કચરાને જમીન પર ફેંકવો જોઈએ નહિ. દરરોજ, એને દાટવો, બાળવો, કે કોઈ બીજી રીતે નાશ કરવો જોઈએ.
આ માર્ગદર્શનને અનુસરવાથી, તમે પોતાને અને તમારા કુટુંબને મરડો, કૉલેરા, ટાઇફોઈડ, કરમીયા, ખોરાક બગડી જવાથી થતી બીમારી અને ઘણી બીજી બીમારીઓથી રક્ષણ કરવામાં મદદ કરી શકો.
ઉદ્ભવ: જીવનની હકીકતો (અંગ્રેજી), સંયુક્ત રાષ્ટ્ર બાળ નિધિ, સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક, અને સાંસ્કૃતિક સંગઠન, અને હુ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત.