કરોડોનું જીવન લેનાર
ત્રેવીસ વર્ષિય મેરીલિન પાતળી થતી ગઈ અને તેને નબળાઈ જણાઈ ત્યારે, તેણે અનુમાન કર્યું કે તેની સગર્ભાવસ્થાના કારણે એમ બન્યું હોય શકે. તેને સતત ખાંસી પણ થયા કરતી, જેના વિષે તેણે ડૉક્ટરને જણાવ્યું. તેમણે કહ્યું કે એનું કારણ શ્વસનતંત્રની ઉપરની નળીમાંનો ચેપ હતો, અને ઍન્ટિબાયોટીક્સ લખી આપી. પછીથી, રાત્રે અતિશય પરસેવો થવાનો શરૂ થયો ત્યારે, મેરીલિન ખરેખર ગભરાઈ ગઈ. તે પોતાના ડૉક્ટર પાસે ફરીથી ગઈ, જેણે તેણીને છાતીનો એક્સ-રે કઢાવવાની ગોઠવણ કરી આપી.
એક્સ-રેની માહિતીથી તાકીદના પગલા લેવાની જાણ થઈ, પરંતુ મેરીલિનનો ફોનથી સંપર્ક સાધી શકાય એમ ન હતું. “ડૉક્ટરે મારી માતાનો સંપર્ક સાધ્યો અને તેને જણાવ્યું કે હું ખૂબ જ બીમાર હતી,” મેરીલિને કહ્યું. “મારી માતા મને શોધતા આવ્યા અને મને તાત્કાલિક [ડૉક્ટર] પાસે જવા જણાવ્યું. તેમણે મને હૉસ્પિટલમાં મોકલી જ્યાં મારો બીજો એક્સ-રે લેવામાં આવ્યો અને તેઓએ મને ત્યાં જ દાખલ કરી દીધી.”
મેરીલિન એ જાણીને આઘાત પામી કે તેને ફેફસાંનો રોગ (ટીબી) હતો. તેને લાગ્યું કે તે મરી જશે, પરંતુ ટીબી-વિરોધી દવાથી સારવાર પછી, તે જલદી જ સાજી થઈ ગઈ.
મેરીલિનને ટીબી થયાની નવાઈ લાગી એ સમજી શકાય એમ છે. હાલપર્યંત, ઘણા આરોગ્ય નિષ્ણાતો પણ માને છે કે ટીબી વિકસિત જગતમાં નાબૂદ કરવામાં આવ્યો છે. “મને લાગ્યું કે ટીબીનો તો લાંબા સમય પહેલાં જડમૂળથી નાશ કરવામાં આવ્યો છે,” લંડનના સારવાર કેન્દ્રના એક વૈદકીય સહાયકે કહ્યું. “પરંતુ હું અહીં નોકરી કરવા આવી ત્યારે, મને જણાયું કે એ હજુ અસ્તિત્વ ધરાવે છે અને આંતરિક શહેરમાં ઝડપથી વધી રહ્યો છે.”
ટીબી સદંતર નાશ પામ્યો હતો ત્યાં, પાછો આવ્યો છે; જ્યાં હતો જ ત્યાં વધારે ખરાબ થયો છે. નાબૂદ થવાની તો વાત જ બાજુએ રહી, પણ ટીબી યુદ્ધ અને દુકાળ જેટલો જ ખૂની છે. આ વિચારોઃ
▪ આધુનિક દવાની અદ્ભુતતાઓ છતાં, છેલ્લાં સો વર્ષમાં ટીબીએ ૨૦ કરોડ લોકોને કબર ભેગા કરી દીધા છે.
▪ લગભગ ૨૦૦ કરોડ લોકો—દુનિયાની વસ્તીનો ત્રીજો ભાગ—ટીબી કીટાણું, અતિ સૂક્ષ્મ જંતુઓથી ચેપીલા થયેલા છે. વધુમાં, દર સેકન્ડે એક વધુ વ્યક્તિને ટીબીનો ચેપ લાગે છે!
▪ વર્ષ ૧૯૯૫માં ખરાબ રીતે ટીબીથી પીડાતા લોકોની સંખ્યા આશરે ૨.૨ કરોડ હતી. લગભગ ૩૦ લાખ મરણ પામ્યા, જેમાંના મોટા ભાગના અવિકસિત દેશોમાં હતા.
ટીબી સામે લડવા અસરકારક દવા પ્રાપ્ય હોવા છતાં, શા માટે આ રોગ માનવજાતિમાં મરકી ફેલાવવાનું ચાલુ રાખે છે? શું એ કદી પણ નાબૂદ થશે? એનાથી પોતાને રક્ષવાની કોઈ રીત છે? આ પ્રશ્નોના જવાબ હવે પછીના લેખ આપશે.
New Jersey Medical School
—National Tuberculosis Center