દેવનું નામ જેણે મારું જીવન બદલી નાખ્યું!
સોન્ડી યોસી ડ્ઝોસીના જણાવ્યા પ્રમાણે
મોર્મોન પંથના અનુયાયીઓએ અમારો દરવાજો ખખડાવ્યો ત્યારે, હું અને મારી નાની બહેનો ખીખીખી કરતી અને એકબીજાને ધક્કામુક્કી કરતી પલંગ નીચે સંતાઈ જવાનો પ્રયત્ન કરવા લાગી.a છેવટે મેં દરવાજો ખોલ્યો અને સખતાઈથી તેઓને જણાવ્યું કે અમે ચુસ્ત નવાહો છીએ અને ગોરાઓના ધર્મ વિષે કંઈ પણ વાત કરવા માંગતા નથી.
અમારા મમ્મી-પપ્પા જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા બહાર ગયા હતા. તેઓને ઘરે પાછા ફરતા સાંજ થઈ ગઈ. તેઓને ઘરે આવ્યા પછી ખબર પડી કે હું મોર્મોન અનુયાયીઓ સાથે બહુ સખતાઈથી વર્તી હતી. તેઓએ મને સારો એવો ઠપકો આપ્યો કે ફરીથી કોઈ પણ વ્યક્તિનું આવી રીતે અપમાન કરીશ નહિ. અમને બીજાઓ સાથે આદર અને દયાથી વર્તવાનું શીખવવામાં આવ્યું હતું. મને યાદ છે કે એક દિવસે અમારા ઘરે અચાનક એક મહેમાન આવી ચઢ્યા હતા. મારા મમ્મી-પપ્પાએ ઘરની બહાર આંગણામાં તેમના માટે જમવાનું બનાવ્યું હતું. તેઓએ આદરસત્કાર સાથે પહેલા તેમને જમાડ્યા હતા અને પછી અમે જમ્યા હતા.
અનામત વિસ્તારમાં જીવન
અમે હૉવેલ મેસા, ઍરિઝોનામાં રહેતા હતા કે જે હોપી ઇન્ડીઅનો માટે અનામત રાખેલા વિસ્તારથી ઉત્તરપશ્ચિમે પંદર કિલોમીટર દૂર આવેલું હતું, એ ખીચોખીચ વસ્તીથી ભરેલાં શહેરો તથા નગરોથી દૂર હતું. એ યુનાઈટેડ સ્ટેટ્સના નૈઋત્યે આવેલું છે, કે જ્યાં રણપ્રદેશનું સુંદર દૃશ્ય જોવાલાયક છે. ત્યાં અજોડ લાલ રંગના રેતાળ પથ્થરો પણ જોવા મળે છે. ત્યાં ઊંચા સમથળ પહાડી પ્રદેશો આવેલા છે. એ પહાડો પરથી અમે આઠ કિલોમીટર દૂર સુધી અમારા ઘેટાંને ચરતા જોઈ શકતા હતા. આ દેશની એટલે કે મારા વતનની શાંતિ મને કેટલી ગમતી હતી!
માધ્યમિક શાળાના અભ્યાસ દરમિયાન, અમેરિકન ઇન્ડીઅન ચળવળ (એ.આઈ.એમ.)ને ટેકો આપનાર મારા મામા-માસીના છોકરાઓ સાથે મારે ખૂબ મિત્રતા બંધાઈ ગઈ.b હું મૂળ અમેરિકાની વતની હોવા માટે ગર્વ અનુભવતી હતી અને મને તક મળતી ત્યારે, હું ગોરા લોકોને, તેઓએ વર્ષોથી અમારું જે શોષણ કર્યું છે એ વિષે જણાવતી હતી. હું માનતી હતી કે બ્યુરો ઑફ ઇન્ડીઅન અફેર્સ (બી.આઈ.એ.) આ બધાનું કારણ છે. જોકે, હું મારા મામા-માસીના છોકરા-છોકરીઓની જેમ, મારો રોષ ખુલ્લી રીતે બતાવતી ન હતી. મેં એ મારા મનમાં જ ભરી રાખ્યો. એના કારણે જેની પાસે પણ બાઇબલ હોય તેઓને હું ધિક્કારવા લાગી.
હું એવું સમજતી હતી કે બાઇબલને કારણે જ ગોરા લોકો પાસે અમારી જમીન, મૂળભૂત હક્કો અને અમારા પોતાના પવિત્ર રીતરિવાજો પાળવાની સ્વતંત્રતા છીનવી લેવાની તાકાત છે! હું બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી ત્યારે, અમને ચર્ચમાં જવા માટે ફરજ પાડવામાં આવતી હતી, એ સમયે પ્રોટેસ્ટંટ અને કૅથલિકોની ધાર્મિક વિધિઓમાં ભાગ ન લેવા માટે હું મારા પપ્પાની બનાવટી સહી કરતી હતી. એ શાળાઓનો મુખ્ય હેતુ, અમને તેઓના તરફ કરી લેવાનો અને અમારો ઇન્ડીઅન વારસો ભુલાવી દેવાનો હતો. ત્યાં સુધી કે અમને અમારી પોતાની ભાષા બોલવાની પણ છૂટ ન હતી!
અમને પ્રકૃતિ અને વાતાવરણ માટે ઊંડો આદર હતો. દરરોજ સવારે અમે પૂર્વ તરફ મોં રાખીને ઊભા રહેતા, અમારી પ્રાર્થના કરતા અને મકાઈના પવિત્ર પરાગરજને છાંટીને આભાર માનતા.c નવાહોની રીતે એવી ઉપાસના કરવાની મને પહેલેથી તાલીમ આપવામાં આવી હતી અને મેં ગર્વથી એને પૂરેપૂરી અપનાવી લીધી હતી. સ્વર્ગમાં જવા વિષેની ખ્રિસ્તીઓની માન્યતા મને ગળે ઊતરતી ન હતી અને હું અગ્નિમય નરકની પીડામાં પણ માનતી ન હતી. હું પૃથ્વી પર જ રહેવા ઇચ્છતી હતી.
શાળાની રજાઓમાં, હું મારા પ્રેમાળ કુટુંબ સાથે ખૂબ મજા માણતી હતી. અમારા નવાહોના હોગન કહેવાતા ઘરની સફાઈ કરવી, કાપડ વણવું અને ઘેટાંને સાચવવાં મારું રોજનું કામ હતું. અમે નવાહો સદીઓથી ઘેટાંપાળકો રહ્યા છીએ. હું અમારું હોગન ઘર (નીચે ફોટો જુઓ) સાફ કરતી ત્યારે, દર વખતે એક લાલ રંગનું પુસ્તક નજરે પડતું કે જેમાં બાઇબલનું ગીતશાસ્ત્રનું પુસ્તક અને “નવા કરાર”ના કેટલાંક પુસ્તકો હતાં. હું એને લાત મારીને અહીથી તહીં ખસેડી દેતી, પરંતુ એમાં શું લખેલું છે કે એનો અર્થ શું થાય છે એ જોવાની દરકાર કરતી ન હતી. તેમ છતાં, મેં એને ફેંકી દીધું નહિ.
લગ્ન—શું ધાર્યું હતું અને શું થઈ ગયું
કૉલેજમાંથી સ્નાતક થયા પછી, મારી યોજના ઍલ્બકર્કી, ન્યૂ મેક્સિકોમાં હુન્નર શાળામાં દાખલ થવાની હતી. તેમ છતાં, ત્યાં જતા પહેલાં હું મારા ભાવિ પતિને મળી. લગ્ન કરવા હું નવાહોના અનામત વિસ્તારમાં પાછી ફરી, જેને અમે રેઝ કહેતા હતા. મારા મમ્મી-પપ્પાના લગ્નને ઘણાં વર્ષો થયાં હતાં. હું તેઓના પગલે ચાલવા માંગતી હતી માટે મેં પણ લગ્ન કર્યા. મને ગૃહિણી બનવાનું ખૂબ ગમ્યું અને અમારા કૌટુંબિક જીવનનો આનંદ માણવા લાગી જેમાં, અમારા પુત્ર લીઓનેલના જન્મનો આનંદ અનેરો હતો. હું અને મારા પતિ બહુ ખુશ હતા પરંતુ, એક દિવસ મેં દુઃખદ સમાચાર સાંભળ્યા!
મારા પતિને બીજી સ્ત્રી હતી! તેમના વિશ્વાસઘાતને લીધે અમારું લગ્નજીવન તૂટી પડ્યું. હું લાગણીમય રીતે ભાંગી પડી અને તેમને ખૂબ ધિક્કારવા લાગી. હું એનો બદલો લેવા માંગતી હતી! પરંતુ, અમારા પુત્ર અને આર્થિક મદદ મેળવવા વિષેની છૂટાછેડાની લડાઈમાં, હું ખૂબ નિરાશ થઈ ગઈ. મને એમ લાગ્યું કે હું કંઈ કામની નથી અને હવે જીવનમાં કોઈ આશા રહી નથી. મારું દુઃખ હળવું કરવા માટે હું કેટલાક કિલોમીટર દોડતી. હું બહુ જલદી રડી પડતી અને મારી ભૂખ પણ મરી ગઈ. મેં ખૂબ એકલતા અનુભવી.
થોડા સમય પછી, મેં એક એવા પુરુષ સાથે સંબંધો બાંધ્યા કે જેને પણ મારા જેવી લગ્નની સમસ્યાઓ હતી. અમે બંને લાગણીમય રીતે દુઃખી હતા. તેણે મારા પ્રત્યે સહાનુભૂતિ બતાવી અને મને જેની જરૂર હતી એવો લાગણીમય ટેકો પૂરો પાડ્યો. મેં તેને મારા અંગત જીવનના વિચારો અને લાગણીઓ જણાવ્યા. તેણે એ ધ્યાનથી સાંભળ્યું, જેનાથી મને લાગ્યું કે તે મારી કાળજી લે છે. છેવટે, અમે લગ્ન કરવાની યોજના બનાવી.
પરંતુ, થોડા જ સમયમાં મને સમજ પડી કે તે પણ વફાદાર નથી! તેને ભૂલી જવો ખૂબ મુશ્કેલ અને દુઃખદ હોવા છતાં, મેં મારા જીવનમાંથી તેને કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. મને તરછોડી દેવામાં આવી હોય એવી લાગણી થઈ અને હું ખૂબ હતાશામાં ડૂબી ગઈ. હું અતિશય ગુસ્સાવાળી, બદલાની ભાવનાવાળી બની ગઈ અને આપઘાત કરવાનું વિચારવા લાગી. મેં આપઘાત કરવા બે વખત પ્રયત્નો પણ કર્યા. બસ, હું મારું જીવન ટૂંકાવી દેવા માંગતી હતી.
સાચા પરમેશ્વરને જાણવા પ્રેરાઈ
હું ઓળખતી પણ ન હતી એવા પરમેશ્વરને પ્રાર્થના કરતી વખતે મેં ઘણાં આંસુ વહાવ્યા. તોપણ, હું એ માનવા તરફ વળી કે આ પ્રચંડ વિશ્વને ઉત્પન્ન કરનાર કોઈક પરમેશ્વર તો છે. સૂર્યાસ્તનાં સુંદર દૃશ્યોને જોઈને અને કોઈક અજાણી વ્યક્તિએ એ સુંદરતા માણવાની પરવાનગી આપી છે એના પર મનન કરતા હું વિમાસણમાં પડી ગઈ હતી. તેથી, હું જાણતી ન હતી એવી અદૃશ્ય વ્યક્તિ માટે મને પ્રેમ ઊમટ્યો. હું તેમને કહેવા લાગી: “હે પરમેશ્વર, તમે ખરેખર અસ્તિત્વ ધરાવતા હોવ તો, મને મદદ કરો, મને માર્ગદર્શન આપો અને ફરીથી મારું જીવન સુખી બનાવો.”
એ સમય દરમિયાન, મારું કુટુંબ અને ખાસ મારા પપ્પા મારી ખૂબ ચિંતા કરતા હતા. મને સાજી કરવા તેઓ પૈસા આપીને ભૂવાને બોલાવી લાવ્યા. મારા પપ્પાએ કહ્યું કે સારા ભૂવા પૈસા માંગતા નથી અને તે જેનો પ્રચાર કરે છે એ જ આચરણમાં મૂકે છે. તેઓને ખુશ કરવા માટે, નવાહોના આશીર્વાદ લેવા હું કેટલાય પ્રસંગોમાં ધાર્મિક વિધિઓમાંથી પસાર થઈ હતી.
હું કેટલાક દિવસો સુધી મારા હોગન ઘરમાં એકલી પડી રહી, ફક્ત રૅડિયો મારો સાથી હતો. હું પાદરીઓના ભાષણને તિરસ્કારથી સાંભળતી હતી કેમ કે હું ઈસુને મારા હૃદયમાં સ્વીકારતી ન હતી. તેથી, હું ખૂબ કંટાળી ગઈ! હું ગોરાઓના ધર્મ અને મારા પોતાના ધર્મથી કંટાળી ગઈ હતી! મેં પોતાની જાતે જ પરમેશ્વરને શોધવાનું નક્કી કર્યું.
મારા હોગન ઘરમાં એકલતા દરમિયાન, ફરી પેલા લાલ પુસ્તક પર મારી નજર પડી. મેં જોયું કે એ બાઇબલનો એક ભાગ હતો. ગીતશાસ્ત્રને વાંચીને, મને દાઊદ રાજાની પીડા અને નિરાશા વિષે ખબર પડી અને એનાથી મને દિલાસો મળ્યો. (ગીતશાસ્ત્ર ૩૮:૧-૨૨; ૫૧:૧-૧૯) તેમ છતાં, ગોરા લોકો કરતાં ઉચ્ચ હોવાના મારા અભિમાનને લીધે મેં જે વાંચ્યું હતું એ બધું મનમાંથી કાઢી નાખ્યું. હા, હું ગોરા લોકોના ધર્મને સ્વીકારવા માંગતી ન હતી.
ભારે હતાશા છતાં, હું મારા દીકરાની સારી રીતે કાળજી લઈ શકી. તે મને ઉત્તેજન આપનાર બન્યો. મેં ધાર્મિક ટીવી કાર્યક્રમો જોવાનું શરૂ કર્યું કે જેમાં લોકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી. એક વાર મેં ફોન ઉપાડ્યો અને નિરાશામાંથી બહાર નીકળવા મદદ માટે ૮૦૦ નંબર પર ફોન જોડ્યો. પરંતુ, મને ૫૦ કે ૧૦૦ ડૉલર પ્રદાન આપવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં ફોન મૂકી દીધો!
અદાલતમાં છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન, મારા પતિને ન્યાયાધીશ સમક્ષ જૂઠું બોલતા જોઈને હું ખૂબ હતાશ થઈ ગઈ. અમારા દીકરાનો કબજો કોને મળશે એ બાબતની લડાઈ હોવાને કારણે અમને છૂટાછેડા મળવામાં ઘણો સમય લાગ્યો. પરંતુ, હું જીતી ગઈ. મારા પિતા એક પણ શબ્દ બોલ્યા વગર કાર્યવાહી દરમિયાન મને ટેકો આપતા રહ્યા. તેમણે જોયું કે હું ખૂબ દુઃખી થઈ ગઈ છું.
સાક્ષીઓ સાથે પ્રથમ મુલાકાત
પછી મેં આવતી કાલની ચિંતા કર્યા વગર જીવવાનું નક્કી કર્યું. એક પ્રસંગે મેં જોયું કે એક નવાહો કુટુંબ મારા પડોશીઓ સાથે વાત કરી રહ્યું હતું. હું તેઓને છૂપી રીતે જોયા વગર રહી શકી નહિ. તેઓ ઘરેઘરે જઈને કોઈક પ્રકારનું કામ કરી રહ્યા હતા. તેઓ મારા ઘરે પણ આવ્યા. સાન્ડ્રા નામની એક નવાહોએ પોતાને યહોવાહની સાક્ષી તરીકે ઓળખાવી. બીજા બધા કરતાં યહોવાહ નામ પર મારું વધારે ધ્યાન ગયું. મેં પૂછ્યું: “યહોવાહ કોણ છે? તમારો ધર્મ નવો લાગે છે. શા માટે મને ચર્ચમાં પરમેશ્વરનું નામ શીખવવામાં આવ્યું ન હતું?”
તેણે પોતાના બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૮૩:૧૮ ખોલ્યું, જે કહે છે: “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” તેણે સમજાવ્યું કે પરમેશ્વરનું વ્યક્તિગત નામ છે અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તે યહોવાહ વિષે સાક્ષી આપી હતી. તેમણે મને યહોવાહ અને ઈસુ વિષે વધુ શીખવવાની ઑફર કરી અને મારા માટે સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક છોડી ગયા.d હું ખૂબ ઉત્તેજિત થઈ ગઈ હતી, મેં કહ્યું: “હા, મારે આ નવા ધર્મને અપનાવી જોવો છે!”
મેં એક જ રાતમાં આખું પુસ્તક વાંચી નાખ્યું. એના વિષયો નવા અને એકદમ જુદા હતા. એ સમજાવતું હતું કે જીવનનો એક હેતુ છે. જીવનમાં ફરીથી રસ જાગૃત કરવા મને એની જ જરૂર હતી. મેં બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને મને એ વાતની ખુશી થઈ કે મારા ઘણા પ્રશ્નોના જવાબ મને બાઇબલમાંથી મળ્યા. હું જે શીખી એ દરેક બાબત પર મેં પૂરો વિશ્વાસ કર્યો. એ મને સાચું લાગ્યું અને એ સત્ય જ હતું!
લીઓનેલ છ વર્ષનો હતો ત્યારે, મેં તેને બાઇબલ સત્ય શીખવવાનું શરૂ કર્યું. અમે બંને સાથે પ્રાર્થના કરતા. યહોવાહ કાળજી લે છે અને અમારે તેમના પર ભરોસો મૂકવાની જરૂર છે એ વિષે અમે બંને એકબીજાને ઉત્તેજન આપતા. ઘણી વખત હું ભાંગી પડતી હતી. તોપણ, જ્યારે તે પોતાના નાના હાથ મારી ફરતે વીંટાળતો અને પૂરી ખાતરીથી અને ભરોસાથી મને કહેતો કે, “મમ્મી રડીશ નહિ, યહોવાહ આપણી કાળજી રાખશે” ત્યારે, એનાથી ખૂબ ફરક પડી જતો. એનાથી મને ખૂબ દિલાસો મળ્યો અને બાઇબલ અભ્યાસ ચાલુ રાખવાનો દૃઢ નિર્ણય કર્યો! હું માર્ગદર્શન માટે સતત પ્રાર્થના કરતી હતી.
ખ્રિસ્તી સભાઓની અસર
અમે યહોવાહની કદર કરતા હોવાથી, ટુબા શહેરમાં યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યા. ત્યાં જવા-આવવામાં અમે ૨૪૦ કિલોમીટર મુસાફરી કરતા હતા. અમે ઉનાળામાં દર અઠવાડિયે બે વખત અને શિયાળામાં ખરાબ હવામાનને કારણે બધા રવિવારોએ જ હાજરી આપતા. એક સમયે સભામાં જતા અમારી કાર બગડી ગઈ ત્યારે, અમે બીજાં વાહનોમાં લીફ્ટ માંગી માંગીને રાજ્યગૃહે પહોંચ્યા. લાંબી મુસાફરી થકવી નાખનાર હતી, પરંતુ, ત્યારે લીઓનેલે કહ્યું કે મૃત્યુ સામે ઝઝૂમતા ન હોઈએ ત્યાં સુધી આપણે આપણી સભાઓ ચૂકી જવી ન જોઈએ. એ શબ્દોએ મારા મન પર ઊંડી છાપ પાડી કે યહોવાહ તરફથી આવતી આત્મિક સૂચનાઓને આપણે ક્યારેય ગૃહિત માની લેવી જોઈએ નહિ.
અમે સભાઓમાં, દુઃખ-તકલીફો વગરના હંમેશના જીવન પર ભાર મૂકતા રાજ્ય ગીતો ગાતાં ત્યારે, મારી આંખો આંસુઓથી છલકાઈ જતી. મેં યહોવાહના સાક્ષીઓ તરફથી દિલાસો અને ઉત્તેજન મેળવ્યા. તેઓએ અમને ઘણી વાર જમવા તથા નાસ્તા માટે પોતાના ઘરે આમંત્રણ આપીને પરોણાગત બતાવી અને અમે તેઓના ઘરે તેઓના કૌટુંબિક બાઇબલ અભ્યાસમાં પણ જોડાતા હતા. તેઓએ અમારામાં રસ બતાવ્યો અને અમારું સાંભળ્યું. અમને સાંત્વના આપવામાં અને યહોવાહ આપણી કાળજી રાખે છે એવી ખાતરીને વધુ મજબૂત બનાવવામાં વડીલોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. સાચા મિત્રો મેળવવાથી મને ખૂબ ખુશી થઈ હતી. તેઓ તાજગી આપનારા હતા અને હું વધુ સહન કરી શકીશ નહિ એમ અનુભવીને રડી પડતી ત્યારે, તેઓની આંખોમાં પણ આંસુ છલકાઈ જતા.—માત્થી ૧૧:૨૮-૩૦.
બે મોટા નિર્ણયો
યહોવાહે કરેલી જોગવાઈઓથી હું સંતુષ્ટ હતી ત્યારે જ મારો પુરુષ મિત્ર સમાધાન કરવા પાછો આવ્યો. હજુ પણ હું તેને પ્રેમ કરતી હોવાથી તેની વિનંતીને ઠુકરાવી ન શકી. અમે લગ્ન કરવાની યોજનાઓ બનાવી. મેં વિચાર્યું કે સત્ય તેને બદલી નાખશે. પરંતુ, એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી! હું તેની સાથે ખુશ ન હતી. મારું અંતઃકરણ મને ખૂબ ડંખવા લાગ્યું. મારા માટે દિલગીરીની વાત એ બની કે તે સત્ય સ્વીકારવા માંગતો ન હતો.
મેં એક વડીલને બધી જ ખાનગી વાત કહી દીધી. તેમણે શાસ્ત્રવચનોથી મારી સાથે વિચારદલીલ કરી અને મારા નિર્ણય પર મારી સાથે પ્રાર્થના કરી. મેં નિષ્કર્ષ કાઢ્યો કે યહોવાહ કદી મને દુઃખી કરશે નહિ પરંતુ, અપૂર્ણ માણસોને આપણે ગમે તેટલો પ્રેમ કરીએ તોપણ, તેઓ જ છેવટે દુઃખી કરે છે. હકીકતમાં, હું શીખી કે કાનૂની રીતે લગ્ન કર્યા વગર સાથે રહેવામાં પણ સલામતી નથી. છેવટે, મેં એ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો. એ ઘણું મુશ્કેલ અને દુઃખદ હતું. મને નાણાકીય ભીડ પડવાની હતી છતાં, મારે પૂરા હૃદયથી યહોવાહ પર ભરોસો મૂકવાની જરૂર હતી.
હું યહોવાહને પ્રેમ કરતી હતી અને મેં તેમની સેવા કરવાનો નિર્ણય કર્યો. મેં યહોવાહને કરેલું સમર્પણ મે ૧૯, ૧૯૮૪માં બાપ્તિસ્મા દ્વારા બતાવ્યું. મારો પુત્ર લીઓનેલ પણ બાપ્તિસ્મા લઈને યહોવાહનો સાક્ષી બન્યો. અમે મારા કુટુંબ અને મારા ભૂતકાળના પતિ તરફથી ખૂબ સતાવણી સહી. પરંતુ, અમે સર્વ સમય અમારી બાબતો યહોવાહના હાથમાં સોંપી દીધી. અમે નિરાશ થયા ન હતા. પછીથી મારું કુટુંબ શાંત થઈ ગયું અને ૧૧ વર્ષના લાંબા ગાળા પછી અમારા નવા જીવન માર્ગને અપનાવી લીધો.
હું તેઓને ખૂબ ચાહું છું અને ઇચ્છું છું કે તેઓ પણ યહોવાહ વિષે શીખે જેથી, તેઓ પણ સુખી બની શકે. મારા પિતા એવું વિચારતા હતા કે હું હતાશામાં ડૂબી ગઈ હોઈશ અને આપઘાત કરી લીધો હશે, પરંતુ તેમણે મને હિંમત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોઈ. મને ફરીથી સુખી જોઈને તેમને સંતોષ થયો. મેં અનુભવ્યું છે કે યહોવાહને પ્રાર્થના કરવાથી, યહોવાહના સાક્ષીઓની સભાઓમાં હાજરી આપવાથી અને બાઇબલને જીવનમાં લાગુ પાડવાથી લાગણીમય રીતે સાજા થવામાં ઘણી મદદ મળે છે.
ભવિષ્ય માટે આશા
હું એ સમયની રાહ જોઉં છું જ્યારે દુઃખ-તકલીફો, અપૂર્ણતા, જૂઠાણું અને ધિક્કારનું નામનિશાન નહિ રહે. હું કલ્પના કરું છું કે અમારી નવાહો ધરતી કે જ્યાં પીચ અને એપ્રિકોટના વૃક્ષો થતાં હતાં, એ ભરપૂર લીલોતરીથી ખીલી ઊઠશે. હું કલ્પનામાં જોઈ શકું છું કે પોતાના વતનની સૂકી જમીનને અલગ અલગ જાતિના લોકો, નદીઓ અને વરસાદ દ્વારા સુંદર પારાદેશમાં ફેરવી રહ્યા છે. હું જોઈ શકું છું કે તાજેતરમાં થઈ રહ્યું છે તેમ, જમીન માટે ઝગડા કરવાને બદલે, અમે અમારા હોપી પડોશીઓ અને બીજી જાતિઓ સાથે જમીનની વહેંચણી કરી રહ્યા છીએ. હું હવે અનુભવું છું કે કઈ રીતે દેવનો શબ્દ બધી જ્ઞાતિ, કુળ અને વંશના લોકોને એકતામાં લાવે છે. ભવિષ્યમાં પણ હું કુટુંબો અને મિત્રોને તેઓના પુનરુત્થાન પામેલા પ્રિયજનો સાથે એક થયેલા જોઈશ. એ સમય ખૂબ આનંદનો હશે કેમ કે આપણે બધા અનંતજીવનનો આનંદ માણી માણી શકીશું. આવી સુંદર આશા વિષે કોઈ શીખવા ન માંગતું હોય એવી હું કલ્પના પણ કરી શકતી નથી.
નવાહોની ધરતી પર આત્મિક વૃદ્ધિ
ટુબા શહેરમાં રાજ્યગૃહ જોવું અને નવાહો તથા હોપી લોકોના અનામત વિસ્તારોe, ચીનલ, કાયેન્ટા, ટુબા સીટી અને કેમ્સ કૅન્યનમાં ચાર મંડળો સાથે થતો વધારો જોવો ખરેખર આનંદની બાબત છે. મેં ૧૯૮૩માં પહેલી વાર દેવશાહી સેવા શાળામાં મારું નામ નોંધાવ્યું ત્યારે, હું એવી કલ્પના કરતી હતી કે એક દિવસ એવી શાળા નવાહોમાં પણ ભરવામાં આવે તો કેવું સારું. પરંતુ, હવે મારી એ કલ્પના હકીકત બની ગઈ છે. વર્ષ ૧૮૯૮થી, દેવશાહી સેવા શાળા નવાહો ભાષામાં ચલાવવામાં આવે છે.
પરમેશ્વરને એક વ્યક્તિગત નામ છે એવું બીજાઓને જણાવવાથી ખૂબ આશીર્વાદો આવે છે. પૃથ્વી પર સદાકાળ જીવનનો આનંદ માણો!, દેવ આપણી પાસે શું માંગે છે અને તમે પરમેશ્વરના મિત્ર બની શકો છો! એ મોટી પુસ્તિકાઓ અમારી પોતાની નવાહો ભાષામાં વાંચવી અને એમાં મળી આવતા વિશ્વાસ દૃઢ કરનારાં વક્તવ્યો બીજાઓને જણાવવા કેટલી ખુશીની બાબત છે એને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. બાઇબલના આ અસરકારક શૈક્ષણિક કાર્ય માટે હું વિશ્વાસુ અને શાણા ચાકરનો આભાર માનું છું, કેમ કે એના દ્વારા અમારા નવાહોની, ડીને જાતિ સહિત બધી પ્રજાઓ, જાતિઓ અને ભાષાઓ લાભ મેળવી શકે છે.—માત્થી ૨૪:૪૫-૪૭.
હું મારું ગુજરાન ચલાવવા પૂરા સમયનું કામ કરું છું, પરંતુ એ સાથે નિયમિત રીતે સહાયક પાયોનિયર સેવાનો પણ આનંદ માણું છું. હું એકલવાયી છું એનો મને કોઈ રંજ નથી અને કોઈ પણ વિઘ્ન વગર યહોવાહની સેવા કરવા ઇચ્છું છું. હું મારા લોકોને અને બીજાઓને, ખાસ કરીને નિરુત્સાહ થઈ ગયેલાઓને એ કહેતા સંતોષ અને ખુશી અનુભવું છું કે “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.
હવે મને બિલકુલ લાગતું નથી કે બાઇબલ ફક્ત ગોરાઓ માટે છે. દેવનો શબ્દ બાઇબલ, એમાંથી શીખવા અને એના શિક્ષણને જીવનમાં લાગુ પાડવા ઇચ્છનાર દરેક માટે છે. યહોવાહના સાક્ષીઓ તમારી મુલાકાતે આવે ત્યારે, તેઓને બતાવવા દો કે સાચી ખુશી કઈ રીતે મેળવી શકાય છે. તેઓ તમારી પાસે પરમેશ્વરનું નામ, યહોવાહના સુસમાચાર લાવે છે કે જેણે મારું જીવન બદલી નાખ્યું! “હા, દેવનું નામ યહોવાહ છે.” (g01 7/8)
[ફુટનોટ્સ]
a મોર્મોન ધર્મ વિષે વધુ માહિતી માટે નવેમ્બર ૮, ૧૯૯૫ના સજાગ બનો! (અંગ્રેજી)માં જુઓ.
b એ.આઈ.એમ. એ નાગરિક હક્કોની સંસ્થા છે જે ૧૯૬૮માં એક મૂળ અમેરિકને સ્થાપી હતી. એ હંમેશા બી.આઈ.એ.નો વિરોધ કરે છે. બી.આઈ.એ. ૧૮૨૪માં સ્થપાયેલી સરકારી એજન્સી છે, જે દેખીતી રીતે અમેરિકન ઇન્ડીઅનોના ભલા માટે સ્થાપવામાં આવી હતી. બી.આઈ.એ. અમેરિકન ઇન્ડીઅન સિવાયના લોકોને ઘણી વાર ખનીજ, પાણી અને જમીન જેવી સંપત્તિ ભાડાપટ્ટે આપી દે છે.—વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા.
c મકાઈના પરાગરજને પવિત્ર વસ્તુ ગણવામાં આવે છે અને એનો પ્રાર્થના તથા વિધિઓમાં ઉપયોગ થાય છે. એ જીવન કે પુનર્જન્મને દર્શાવે છે. નવાહોમાં એવી માન્યતા છે કે જમીન પર વેરેલી પરાગરજ પર ચાલવાથી વ્યક્તિ પવિત્ર બને છે.—મૂળ અમેરિકી ધર્મોનો વિશ્વકોશ.
d યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પરંતુ હવે છપાતું નથી.
e વધુ માહિતી માટે, “અમેરિકન-ઇન્ડીઅન—તેઓનું ભવિષ્ય શું છે?” (અંગ્રેજી) સપ્ટેમ્બર ૮, ૧૯૯૬ના સજાગ બનો!ના અંકમાં જુઓ
[પાન ૨૬ પર ચિત્ર]
પરંપરાગત નવાહો હોગન
[પાન ૨૬ પર ચિત્ર]
મારા પુત્ર, લીઓનેલ સાથે
[પાન ૨૯ પર ચિત્ર]
વર્ષ ૧૯૯૩માં મૉસ્કોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં રશિયન મિત્રો સાથે
[પાન ૩૦ પર ચિત્ર]
કેયેન્ટા મંડળ, ઍરિઝોનામાં મારા આત્મિક પરિવાર સાથે