પ્રાણીઓના જગતમાં જતન
સ્પેનના સજાગ બનો!ના લેખક તરફથી
આપણને બાળકોનો ઉછેર કરવામાં લગભગ વીસ વર્ષ લાગે છે. પણ હવે જરા પ્રાણીજગતનો વિચાર કરો. તેઓની પાસે તો થોડા જ મહિનાઓ હોય છે. એમાં તેઓ બચ્ચાંઓના પેટ ભરે ને તાલીમ આપે છે. ચાલો અમુક દાખલા જોઈએ.
૧. બગલો: જરા આ બગલાભાઈનું ચિત્ર જુઓ. ઉનાળામાં એને કંઈ રજા મળતી નથી. નાના નાના ટાબરીયાના પેટ ભરવા માટે બગલાભાઈને તળાવમાં આવ-જા કરવી પડે છે. એમાંથી તે દેડકાં, નાની નાની માછલીઓ, ગરોળી જેવા કંઈક ભોજનો ઉપાડી લાવે છે. આટલાથી કંઈ બગલાભાઈનું કામ પૂરું થઈ જતું નથી. માળો તૂટી જાય તો એ પણ વારંવાર સમો કરવો પડે છે. બગલો અને ‘બગલીને’ તો બેસવાની પણ ફુરસદ મળતી નથી! તેઓના બચ્ચાં ખા-ખા કરે તોય પેટ ન ભરાય. તેઓ જન્મે એ મહિનામાં જ ઢગલો ખાવાનું ઝાપટી જાય. તેઓ ઊડતા શીખી જાય તોપણ ઘરમાં રહીને મહિનાઓ સુધી માબાપ પર નભે છે.
૨. ચિત્તો: ચિત્તાના જગતમાં ફક્ત મા જ ત્રણથી પાંચ બચ્ચાંઓનું પાલન-પોષણ કરે છે. બચ્ચાંઓ સારી રીતે ધાવી શકે એ માટે પોતાને દરરોજ શિકાર કરવો પડે છે. શિકાર પણ આસાનીથી નથી થતો. મોટા ભાગની દોડ નકામી જાય છે. બીજું કે સિંહ બચ્ચાંઓનો શિકાર ન કરે માટે તેણે વારંવાર ઘર બદલવું પડે છે. ચિત્તાના બચ્ચાં સાતેક મહિનાના થાય ત્યારે મા તેઓને શિકાર કરતા શીખવે છે. આ કંઈ સહેલું નથી, લગભગ વર્ષ એમાંને એમાં ખેંચી નાખે છે. આ બચ્ચાંઓ મા સાથે લગભગ વર્ષ કે દોઢ વર્ષ રહે છે.
૩. ડૂબકી: ડૂબકી ને તેના બચ્ચા સાથેને સાથે જ રહે છે. બચ્ચાં જન્મે પછી તરત જ માળામાં રહેવાને બદલે માબાપ પર સવારી કરવા લાગે છે. માબાપની પાંખો વચ્ચે નાનકડી જગ્યા હોય છે, ત્યા બચ્ચાંઓ ચીપકીને બેસે છે. માબાપ તરતા હોય કે ડૂબકી મારીને ખોરાક શોધતા હોય અને બચ્ચાં સરસ મજાની હૂંફમાં આરામ કરતા હોય! ધીરે ધીરે બચ્ચાંઓ પણ તરતા શીખે ને ડૂબકી મારતા શીખે જેથી તેઓને પણ ખોરાક મળી શકે. તેઓ બધું શીખી જાય તોપણ માબાપ સાથે થોડો વખત રહે છે.
૪. જિરાફ: જિરાફ એકાદ બચ્ચાંને જ જન્મ આપે છે. ફૉટામાં દેખાય છે એમ જન્મેલા જિરાફનું વજન લગભગ ૬૦ કિલો હોય છે. ઊંચાઈ છ ફૂટ હોય છે. જિરાફનું બચ્ચું જન્મે એના કલાકમાં જ પગ પર ઊભું થઈને માનું દૂધ પીતું હોય છે. તે નવ મહિના સુધી મા પર નભે છે. એ દરમ્યાન ઘાસ ખાતું પણ થઈ જાય છે. જો બચ્ચાંને કોઈની બીક લાગે તો, તે માના પગ વચ્ચે ભરાય જાય છે. પછી તો, કોઈની મજાલ છે કે હેરાન કરે! કેમ કે મા દુશ્મનોને એવી જોરદાર લાત મારે કે તેઓ ઊભી પૂંછડીએ ભાગી જાય.
૫. કલકલિયો: કલકલિયો પોતાના બચ્ચાં માટે માછલી પકડે ત્યારે, બહું વિચાર કરે છે. એવું જાણવા મળ્યું છે કે માબાપ બચ્ચાં માટે માછલી પકડવા જાય ત્યારે, લગભગ એક-બે સેન્ટિમિટરની જ માછલી પકડે કે જેથી બચ્ચાંઓ પચાવી શકે. માબાપ માછલીને ચાંચમાં પકડી રાખે પણ માછલીનું માથું આગળ રાખે. કેમકે બચ્ચાંઓ સહેલાઈથી ખાઈ શકે. બચ્ચાંઓ મોટા થતા જાય તેમ, માછલીની સાઇઝ પણ વધતી જાય. માબાપ ખોરાકનું પ્રમાણ પણ વધારે છે. પહેલાં પહેલાં તો, દર ૪૫ મિનિટે બચ્ચાંને ખવડાવે. પણ બચ્ચાં લગભગ ૧૮ દિવસના થાય ત્યારે તો, દર ૧૫ મિનિટે ખાવા દોડે! ફૉટામાં જોઈએ છીએ એ બચ્ચાંઓ તો, હવે માળો છોડીને પોતે શિકાર કરી શકે છે. આપણને થાય કે હાશ હવે માબાપને નિરાંત! પણ નિરાંત વળી શાની! એટલામાં તો, બીજા ઈંડા મૂકવાનો ને બચ્ચાંઓને મોટા કરવાનો સમય પાકી ચૂકે છે!
પ્રાણી જગતમાં માબાપ કઈ કઈ રીતે તેઓના બચ્ચાંઓનું ધ્યાન રાખે છે એની ઘણી વિગતો હજુ આપણે જાણતા નથી. પરંતુ, એક વાત તો પાક્કી કે પ્રાણીજગતમાં માબાપ પોતાના બચ્ચાંઓનું સારી રીતે ધ્યાન રાખે છે. જતન કરે છે. પરમેશ્વરે પ્રાણીઓને આટલી અક્કલ તો આપી જ છે. આપણે શીખી શકીએ કે આપણે તો માણસો છીએ. તો પછી, આપણે આપણા બાળકોનું કેટલું ધ્યાન રાખવું જોઈએ! (g05 3/22)