વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 ઑક્ટોબર પાન ૧૮-૨૦
  • દવાઓ ઉપયોગ અને દુરુપયોગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દવાઓ ઉપયોગ અને દુરુપયોગ
  • સજાગ બનો!—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • સદુપયોગ કે દુરુપયોગ?
  • દવાઓનો ઉપયોગ ડહાપણભરી રીતે કરો
    સજાગ બનો!—૧૯૯૬
  • કઈ રીતે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકો?
    સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૨૦૦૯
g09 ઑક્ટોબર પાન ૧૮-૨૦

દવાઓ ઉપયોગ અને દુરુપયોગ

એન્જીને પોતાના વધારે પડતા વજનની બહુ ચિંતા હતી. એક વાર તે મમ્મી-પપ્પાને એમ વાત કરતા સાંભળી ગઈ કે દવાને લીધે તેના નાના ભાઈની ભૂખ ઓછી થઈ છે. બસ, એન્જીને તો જોઈતું મળી ગયું! તે પોતાના ભાઈની દવામાંથી થોડા થોડા દિવસે એક એક ગોળી ચોરીને ખાવા માંડી. તેનો એક ફ્રેન્ડ પણ એ જ દવા લેતો હતો. એટલે એન્જીએ તેની પાસેથી પણ અમુક ગોળીઓ માંગી, જેથી મમ્મી-પપ્પાને ખબર ન પડે.a

ડૉક્ટરે લખી આપેલી (પ્રિસ્ક્રિપ્શનથી મળતી) દવાઓનો આવો દુરુપયોગ કેમ થાય છે? એક તો એવી દવા સહેલાઈથી ઘરમાં મળી રહે છે. બીજું કે ભલે ડૉક્ટરે બીજા કોઈ માટે દવા આપી હોય, તોપણ ઘણા યુવાનોને એવી દવા લેવામાં કોઈ નિયમ તૂટતો હોય એવું લાગતું નથી. ત્રીજું કે નશીલી દવાઓ (ડ્રગ્સ) કરતાં, એવી દવાઓમાં ઓછું ઝેર હોય એવું લાગે. અમુક યુવાનિયા કહેશે કે ‘જો ડૉક્ટર બાળકને એવી દવાઓ લખી આપતા હોય, તો એનાથી નુકસાન નહિ જ થાય.’

ખરું કે ડૉક્ટરે લખી આપેલી દવાઓનો યોગ્ય ઉપયોગ લાભ કરે છે. તબિયતમાં સુધારો કરે. અરે, જીવન પણ બચાવી શકે. પણ જ્યારે એનો ખોટી રીતે ઉપયોગ થાય, ત્યારે એ નશીલા ડ્રગ્સ જેવું નુકસાન કરી શકે છે. જેમ કે, ઘેન ખંખેરીને જ્ઞાનતંતુઓ ઉત્તેજિત કરવા ડૉક્ટરે લખી આપેલી અમુક દવાનો (સ્ટીમ્યુલન્ટનો) દુરુપયોગ કરવાથી હાર્ટફેઇલ થઈ શકે કે તાણ-આંચકી આવી શકે. અમુક બીજી દવાઓથી વ્યક્તિના શ્વાસનો દર ધીમો પડી શકે અને આખરે મોત આવી શકે. અમુક એવી દવાઓ હોય છે, જે બીજી દવાઓ સાથે લેવાથી કે દારૂ સાથે લેવાથી ઘણું નુકસાન કરી શકે. ૨૦૦૮ની શરૂઆતમાં એરિઝોના રિપબ્લિક ન્યૂઝપેપરે જણાવ્યું કે એક જાણીતો ઍક્ટર ‘ટેન્શન ઓછું કરવાની છ ગોળી, ઊંઘવાની અને દુઃખાવાની ગોળીઓ બધી ભેગી લેવાથી’ મરણ પામ્યો.

દવાઓના દુરુપયોગનું એક જોખમ એ પણ છે કે વ્યક્તિ એની લતે ચડી જઈ શકે. જ્યારે વધારે પડતી દવાઓ લેવાય કે ખોટા કારણે લેવાય ત્યારે અમુક દવાઓની અસર નશીલા ડ્રગ જેવી થાય છે. એ દવાઓની અસર તરત જ મગજ પર પડે છે અને વ્યક્તિને નશો ચડે છે. વ્યક્તિને એની એવી આદત પડી જઈ શકે કે એના વિના ચાલે જ નહિ. ટેન્શનમાંથી બચવા કે મજા માટે લોકો એવી દવાઓનો દુરુપયોગ કરતા હોઈ શકે. પણ એ તો જીવનમાં વધારે મુશ્કેલીઓ ઊભી કરે છે. એનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન વધી જઈ શકે, તબિયત બગડે, રોજના કામકાજમાં તકલીફ પડે કે એના બંધાણી થઈ જવાય. અથવા તો એ આ બધીય તકલીફો ઊભી કરી શકે. એનો ભોગ બનેલાને ઘરમાં, સ્કૂલમાં કે જોબ પર મુશ્કેલીઓનો પાર નથી રહેતો. તો પછી ડૉક્ટરે લખી આપેલી દવાઓનો સારો ઉપયોગ કરીએ છીએ કે નહિ એ કઈ રીતે નક્કી કરી શકાય?

સદુપયોગ કે દુરુપયોગ?

દવાનો સારો ઉપયોગ કરવા શું કરવું જોઈએ? ડૉક્ટર આપણો કેસ જાણતા હોવાથી, તેમના માર્ગદર્શન પ્રમાણે દવા લઈએ. યોગ્ય સમયે, તેમણે જણાવેલો ડોઝ તેમની સૂચના પ્રમાણે લઈએ. તેમણે જણાવેલી બીમારીને લીધે જ લઈએ. જો વધારે પડતી આડઅસર જણાય, તો તરત જ ડૉક્ટરને જાણ કરીએ. પછી ડૉક્ટર નક્કી કરી શકે કે દવા બદલવી જોઈએ કે પછી વ્યક્તિને એ દવા માફક નહિ આવે એટલે તેણે એ ન લેવી જોઈએ. મેડિકલ સ્ટોરમાંથી મળતી દવા લેતી વખતે પણ ઉપરનાં સૂચનો યાદ રાખીએ. આપણે જે બીમારી હોય એ કારણે જ દવા લેવી. લેબલ પર લખેલી સૂચના ધ્યાનથી પાળવી.

જ્યારે લોકો મન ફાવે એમ દવા લે, મરજી આવે એટલો ડોઝ લે, કોઈ બીજાની દવા લે કે પછી લેવાની સૂચના પાળે નહિ ત્યારે તેઓ જોખમમાં આવી પડે છે. જેમ કે, અમુક ગોળીઓ આખી ગળવાની હોય છે, જેથી એમાં રહેલાં તત્ત્વો ધીમે ધીમે અસર કરે. પણ એનો દુરુપયોગ કરનારા નશો ચડાવવા એ ગોળીઓ ચાવી જશે. અથવા તો એને વાટીને સૂંઘશે કે પછી પાણીમાં ઓગાળીને એનું ઇંજેક્શન લેશે. ખરું કે કદાચ વ્યક્તિને તરત જ સારું લાગે, પણ એ નશાના બંધાણી બનવાનું પહેલું પગલું છે. એટલું જ નહિ, એવી રીતે દવા લેવાથી જીવ પણ ગુમાવવો પડે!

હવે માનો કે વ્યક્તિ ડૉક્ટરે જણાવ્યા પ્રમાણે જ દવાઓ લેતી હોય. પણ જો દવાનું વ્યસન થતું હોય એમ તેને લાગે તો તરત ડૉક્ટરને જણાવવું જોઈએ. ડૉક્ટરને ખબર હશે કે સલામત રીતે એ તકલીફનો ઉકેલ લાવવા શું કરવું. તેમ જ, કઈ રીતે મૂળ બીમારીનો ઇલાજ હજુ ચાલુ રાખવો.

આખી દુનિયામાં દવા અને ડ્રગ્સનો દરેક રીતે દુરુપયોગ થાય છે, એ શું બતાવે છે? કુટુંબ, જેમાં આપણે રોજના ટેન્શનમાંથી બચવા પ્રેમ અને રાહતની આશા રાખીએ છીએ, એ જ આજે આફતમાં આવી પડ્યું છે. આજે ભગવાનનો ડર, સારા સંસ્કાર કે જીવનની કિંમત જેવું કંઈ રહ્યું જ નથી. (૨ તીમોથી ૩:૧-૫) બીજું કારણ એ પણ છે કે લોકોને સારા ભાવિની કોઈ આશા નથી. જ્યાં જુઓ ત્યાં નિરાશાનાં કાળાં વાદળ છવાયેલાં નજરે પડે છે. એટલે ઘણા વિચારે છે કે ‘કાલ કોણે જોઈ? જીવનમાં જે મજા લેવાય, એ લઈ લો.’ ઘણી વાર એ માટે જંગલીની જેમ વર્તે છે. બાઇબલ કહે છે કે ઈશ્વરના માર્ગે ન ચાલનારા અને કોઈ આશા વિનાના “લોક સઘળી મર્યાદા છોડી દે છે.”—નીતિવચનો ૨૯:૧૮.

જોકે, એવો સમય આવે છે જ્યારે કોઈ પણ પ્રકારની દવાની જરૂર નહિ પડે. શું ખરેખર એમ બનશે? હા, બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; કોઈ મરશે નહિ. તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થશે નહિ; પ્રથમની વાતો જતી રહેલી છે.’ એ ‘વાતોમાં’ આજની તકલીફો પણ આવી જાય છે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

તમે પોતે બાઇબલ તપાસો અને જુઓ કે એની સલાહ અને શિક્ષણ તમને કઈ રીતે લાભ કરશે. યહોવાહના સાક્ષીઓને તમારી સાથે એની વાત કરતા ખુશી થશે. (g09 05)

[ફુટનોટ્‌સ]

a ટીનહેલ્થ વેબ સાઇટમાંથી.

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

બે ઘડીની મોજ માટે

અમુક લોકો બે ઘડીની મજા માટે ગમે એ અજમાવવા તૈયાર થઈ જાય છે. એમાં ખાસ આ વધારે નુકસાન કરે છે: સાફસફાઈ કરવાના પ્રવાહી, નેઈલ પોલિશ, ફર્નિચર પોલિશ, પેટ્રોલ, ગુંદર, સિગારેટ લાઇટર, સ્પ્રે પેઇન્ટ કે એવાં બીજાં પ્રવાહી સૂંઘવા. એવું કંઈ સૂંઘવાથી તરત શરીરમાં ફરતા લોહીમાં એ ભળી જાય છે. એનાથી તરત જ વ્યક્તિને અસર થાય છે.

અમુક લોકો મજા લેવા બીજી આ રીત પણ અપનાવે છે: મેડિકલ સ્ટોરમાંથી એવી દવાઓ લે, જેમાં આલ્કોહોલ હોય અથવા જે ઘેન ચડાવતી હોય. જ્યારે એ વધારે પડતી લેવામાં આવે, ત્યારે એ જોવા-સાંભળવા જેવી ઇન્દ્રિયો પર અસર કરે છે. કદાચ વ્યક્તિને ગૂંચવી નાખે, જાતજાતનો ભ્રમ થાય, હાથ-પગમાં ખાલી ચડી જાય અને પેટમાં દુખાવો પણ થાય.

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

દવા મેળવવાની ચાલાકી

એક પુસ્તક કહે છે કે ‘દવા કે ડ્રગ્સના બંધાણીઓ દવા મેળવવા ઇમર્જન્સી કોલ કરે છે. દવાખાનું બંધ થવાના સમયે દવા લેવા આવે. કોઈ તપાસ કે ટેસ્ટ કરાવવાની ના પાડશે. પ્રિસ્ક્રિપ્શન ખોવાઈ ગયું, કહીને નવું માગશે. પ્રિસ્ક્રિપ્શનમાં પોતે ફેરફાર કરશે. મેડિકલ રિપોર્ટ આપવાની અથવા તો પહેલાંના ડૉક્ટરની માહિતી આપવાની ના પાડશે. દવા અને ડ્રગ્સના જે બંધાણીઓને વ્યસનમાંથી છૂટવા કોઈ મદદ ન મળી હોય, તેઓ જુદા જુદા ડૉક્ટર પાસેથી દવાઓ લખાવી લે, એ કોમન છે. દવા કે ડ્રગ્સના બંધાણીઓમાં આવી ચાલાકી સામાન્ય છે.’—ફીઝીશિયન્સ ડેસ્ક રેફરન્સ.

નીચે જણાવેલી ત્રણ પ્રકારની દવાનો વધારે દુરુપયોગ થાય છે:

▪ ઑપીઓઈડ્‌સ—દુખાવો ઓછો કરવા માટે ડૉક્ટર લખી આપે છે

▪ સીએનએસ (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) ડિપ્રેસન્ટ્‌સ—બાર્બીટ્યુરટ અને બેન્ઝોડાયાઝપીન જેવી દવાઓ, જે ચિંતા અને ઊંઘની તકલીફ માટે ડૉક્ટર લખી આપે છે. મોટે ભાગે સીડેટીવ કે ટ્રાન્ક્‌વીલાઇઝર કહેવાય છે

▪ સ્ટીમ્યુલન્ટ્‌સ—અટેન્શન ડીફીસીટ હાઇપર એક્ટીવીટી ડીસઓર્ડર (એડીએચડી) હોય, નાર્કોલેપ્સી કે નિદ્રારોગ હોય કે પછી જાડા હોય, તેઓને ડૉક્ટર આ દવા લખી આપે.*

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

* નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓન ડ્રગ અબ્યુઝ તરફથી મળેલી માહિતી.

[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]

દવાનો સદુપયોગ કરવા

૧. ડૉક્ટરનાં સૂચનો ધ્યાનથી પાળો.

૨. ડૉક્ટરને પૂછ્યા વગર દવામાં વધારો-ઘટાડો ન કરો.

૩. ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવાનું બંધ ન કરો.

૪. ડૉક્ટરે કહ્યું ન હોય તો ગોળીઓનો ભૂકો ન કરો કે તોડો નહિ.

૫. યાદ રાખો, તમારા ડ્રાઇવીંગ કે બીજા કોઈ કામ પર દવાની અસર થઈ શકે છે.

૬. ભલે ડૉક્ટરે આપેલી કે મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવા હોય, પૂછો કે એ દવાને આલ્કોહોલ સાથે કે બીજી દવાઓ સાથે લેવાથી કેવી અસર થશે.

૭. તમે કદીયે કોઈ દવા કે ડ્રગ્સના બંધાણી થયા હોય તો ડૉક્ટરને એ જણાવો.

૮. કોઈની દવા ન લો. તમારી દવા કોઈને ન આપો.*

[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]

* યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપેલાં સૂચનોને આધારે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો