વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૨ પાન ૧૦-૧૧
  • કાર ઍક્સિડન્ટ કઈ રીતે ટાળી શકાય?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કાર ઍક્સિડન્ટ કઈ રીતે ટાળી શકાય?
  • સજાગ બનો!—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યોગ્ય સ્પીડ, સીટ બેલ્ટ અને એસ.એમ.એસ.
  • રસ્તાઓની સ્થિતિ અને વાહનની સંભાળ
  • દારૂ પીને કાર ન ચલાવવી
  • વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?
    સજાગ બનો!—૨૦૦૨
  • વાહનમાં પટ્ટો બાંધો
    સજાગ બનો!—૧૯૯૮
  • શું મારે વાહન ચલાવવાનું બંધ કરી દેવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
સજાગ બનો!—૨૦૧૨
g ૧/૧૨ પાન ૧૦-૧૧

કાર ઍક્સિડન્ટ કઈ રીતે ટાળી શકાય?

જો તમે કાર અકસ્માતના ભોગ બન્યા હોવ અથવા એ થતા જોયું હોય, તો આનાથી જાણકાર હશો: ટાયરના ચીચવાટા, કાર અથડાવાનો ધડાકો, કાચ તૂટવાનો અવાજ અને લોકોની ચીસાચીસ. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે આખી દુનિયામાં દર વર્ષે અકસ્માતમાં ૧૨ લાખથી વધારે લોકો મરણ પામે છે અને પાંચ કરોડ ઘાયલ થાય છે.

પોતાની અને બીજાની સલામતીનો વિચાર કરીને કાર ચલાવવામાં આવે તો, ઘણા અકસ્માત ટાળી શકાય. ચાલો જોઈએ એમ કઈ રીતે કરી શકીએ.

યોગ્ય સ્પીડ, સીટ બેલ્ટ અને એસ.એમ.એસ.

અમુક રસ્તાઓ પર સ્પીડ લિમિટ બહુ ઓછી લાગે. પરંતુ સ્પીડ વધારવાથી મંઝિલે પહોંચવામાં કંઈ ખાસ ફરક પડતો નથી. એક દાખલો લઈએ. માનો કે તમે ૫૦ કિલોમિટર અંતરની મુસાફરી કરો છો. તમે ૮૦ કિ.મિની સ્પીડને બદલે ૧૦૦ની સ્પીડે કાર ચલાવો તો, માંડ આઠેક મિનિટ વહેલા પહોંચશો. તો શું એટલી મિનિટો માટે જીવન જોખમમાં મૂકવું જોઈએ?

સીટ બેલ્ટથી વ્યક્તિનું રક્ષણ થાય છે. અમેરિકાની એજન્સીનું કહેવું છે કે ૨૦૦૫-૨૦૦૯માં સીટ બેલ્ટ બાંધવાથી ફક્ત અમેરિકામાં ૭૨,૦૦૦ લોકોનું જીવન બચ્યું. શું સીટ બેલ્ટ વગર, ફક્ત ઍર બેગ રક્ષણ આપી શકે? ના. ઍર બેગ અને સીટ બેલ્ટ એકબીજાની જોડે કામ કરે છે, જેનાથી વધારે રક્ષણ મળે. જો તમે સીટ બેલ્ટ ન બાંધો, તો એકલી ઍર બેગ પણ કામ નહિ આવે અને પૂરતું રક્ષણ નહિ મળે. તેથી કાર ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ બાંધો અને પૅસેન્જરને પણ બાંધવાનું કહો. એ પણ ધ્યાન રાખો કે કાર ચલાવતી વખતે એસ.એમ.એસ. કરવો કે વાંચવો પણ નહિ.

રસ્તાઓની સ્થિતિ અને વાહનની સંભાળ

ધૂળિયા, કાંકરીવાળા કે ભીના રસ્તા પર ટાયરની પકડ ઓછી હોય છે. એવા રસ્તા પર કાર ધીમેથી ચલાવીશું તો, બ્રેક મારતી વખતે સ્લીપ થવાની શક્યતા ઓછી છે. જો તમે બરફીલા રસ્તા પર વારંવાર આવ-જા કરતા હોવ તો, ઊંડા ખાંચાવાળા ટાયર નંખાવવા જોઈએ. એનાથી કાર જલદી સ્લીપ થશે નહિ.

ચાર રસ્તા જોડાતા હોય એવી જગ્યાએ બધા જ ડ્રાઇવરે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એક નિષ્ણાંતે સલાહ આપી: ટ્રાફિક લાઇટ પાસે હોઈએ અને લીલી લાઇટ થાય એટલે તરત જ કાર ભગાવવી ન જોઈએ. કેમ કે, કોઈ વાર લાલ લાઇટ થયા પછી પણ કાર પસાર થતી હોય છે. એટલે લીલી લાઇટ થયા પછી બે ઘડી થોભવાથી તમે ઍક્સિડન્ટ ટાળી શકશો.

કારને સારી કંડિશનમાં રાખવાથી ઍક્સિડન્ટ ટાળી શકાય છે. ધારો કે તમે કાર ચલાવતા હોવ અને બ્રેક ન લાગે તો શું થઈ શકે? આવી કોઈ તકલીફો ન થાય માટે ઘણા માલિકો પોતાની કારને ગૅરેજમાં નિયમિત સર્વિસ કરાવવા આપે છે. જ્યારે કે કેટલાક લોકો અમુક કામો જાતે જ કરે છે. તમે જાતે કરો કે ગૅરેજમાં લઈ જાઓ, ગાડીને બધી જ રીતે સારી કંડિશનમાં રાખવા કોઈ કચાશ ન રાખશો.

દારૂ પીને કાર ન ચલાવવી

સૌથી સારા ડ્રાઇવર પણ દારૂ પીને કાર ચલાવે તો ખતરો ઊભો થાય છે. ભારતના રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો પ્રમાણે ૨૦૦૯માં, ૧,૩૫,૦૦૦થી પણ વધારે લોકો અકસ્માતમાં માર્યા ગયા. એમાંના મોટા ભાગના ડ્રાઇવર દારૂ પીને ચલાવતા હતા. જો થોડું પણ પીધું હોય તો એની કાર ચલાવવા પર અસર પડે છે. એટલે ઘણા નક્કી કરે કે એક ટીપું પણ દારૂ પીને કાર ચલાવશે નહિ.

ટ્રાફિકના નિયમો પાળીશું, સીટ બેલ્ટ બાંધીશું, કાર સારી કંડિશનમાં રાખીશું અને પીને ગાડી ચલાવવાનું ટાળીશું તો, પોતાનું અને કોઈનું પણ જીવન જોખમમાં નહિ આવે. કાર ચલાવતી વખતે આ સૂચનો લાગુ પાડશો તો, ઍક્સિડન્ટ ટાળી શકશો. (g11-E 07)

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

ઊંઘ આવતી હોય ત્યારે ન ચલાવશો

નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના એક અધિકારીએ જણાવ્યું કે “લોકોએ યાદ રાખવું જોઈએ કે ઊંઘ આવતી હોય ત્યારે કાર ચલાવવી એ દારૂ પીને ચલાવવા જેવું છે.” આ શબ્દો બતાવે છે કે ઊંઘ આવતી હોય ત્યારે કાર ચલાવવી બહુ ખતરનાક છે. બાજુમાં જણાવ્યા પ્રમાણે તમે અનુભવતા હોવ તો કાર ન ચલાવવી જોઈએ:a

● ધ્યાન આપી શકતા ન હોય, વારંવાર આંખો પટપટાવો અથવા આંખો ભારે હોય

● ઊંઘના લીધે માથું સીધું રહેતું ન હોય

● વારંવાર બગાસાં આવતા હોય

● છેલ્લા થોડા કિલોમિટરમાં શું થયું એ યાદ ન હોય

● રસ્તો કે પછી રસ્તા પર કોઈ સાઇન ચૂકી જાઓ

● કાર એક લાઇનમાંથી બીજીમાં ભાગી જાય, આગળની કારની એકદમ નજીક ચલાવવા લાગો અથવા રસ્તા પરથી ઊતરી જવા લાગો.

કાર ચલાવતી વખતે તમે પણ આવું અનુભવો તો, બીજા કોઈને ચલાવવાનું કહો અથવા કાર સલામત જગ્યાએ ઊભી રાખીને આરામ લઈ લો. મંઝિલે પહોંચતા મોડું થાય તો વાંધો નહિ, પણ પોતાનું અને બીજાઓનું જીવન સલામત રહે એ સૌથી મહત્ત્વનું છે.

[ફુટનોટ]

a નેશનલ સ્લીપ ફાઉન્ડેશન પાસેથી આવેલું લીસ્ટ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો