વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૧ પાન ૨૬-૨૮
  • મારી ઓળખ શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મારી ઓળખ શું છે?
  • સજાગ બનો!—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ મારા સારા ગુણો કયા છે?
  • ૨ મારી નબળાઈઓ કઈ છે?
  • ૩ મારા કયા ધ્યેયો છે?
  • ૪ હું શું માનું છું?
  • મારી ઓળખ શું છે?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • ૯ સારી ઓળખ બનાવો
    સજાગ બનો!—૨૦૧૮
  • ટાઇમ ક્યાં ભાગે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?
    સજાગ બનો!—૨૦૦૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૧
g ૧૦/૧૧ પાન ૨૬-૨૮

યુવાનો પૂછે છે

મારી ઓળખ શું છે?

ભાવેશને આવતા માઇકલ જુએ છે અને ગભરાઈ જાય છે. માઇકલને અંદાજો છે કે તે કેમ આવ્યો છે. ભાવેશ નજીક આવીને પોતાની મુઠ્ઠી ખોલતા કહે છે, ‘હાય માઇક, લે આ અજમાવ.’ માઇકલ જે ધારતો હતો એ જ થયું. ભાવેશના હાથમાં સિગારેટ છે. માઇકલને એ લેવી પણ નથી, તેમ જ મિત્રની નજરમાં નીચા પડવું નથી. એટલે તે નરમ અવાજમાં કહે છે: ‘યાર, આજે નહિ પછી ક્યારેક . . . ઓકે!’

હવે, ભાવેશને આવતા જેસિકા જુએ છે. તે પણ જાણે છે ભાવેશ શું કહેવાનો છે. જેસિકાને ખબર છે કે હવે શું કરવું. ભાવેશ કહે છે, ‘હાય જસ્સી, લે આ અજમાવ.’ જેસિકાએ જે ધાર્યું હતું એ જ ભાવેશના હાથમાં છે.’ સિગારેટ. જેસિકા મક્કમ રીતે કહે છે, ‘ના, મારે નથી જોઈતી. મારે લાંબું જીવવું છે. તારા જેવો સમજુ સિગારેટ પીવે છે એની મને નવાઈ લાગે છે!’

ઉપર જણાવેલી ઘટનામાં જેસિકા મક્કમતાથી દબાણનો સામનો કરી શકી, જ્યારે માઇકલ ન કરી શક્યો. શા માટે? કારણ કે જેસિકા પાસે પોતાની ઓળખ હતી. એ ‘ઓળખ’ વ્યક્તિના ફોટાવાળું કોઈ કાર્ડ નથી. પણ વ્યક્તિનું અંતર છે, જે તેને જણાવે છે કે પોતે શું માને છે. ખોટું કરવાની લાલચ આવે ત્યારે વ્યક્તિનું અંતર તેને ચેતવે છે, જેથી તે બીજાના રંગે રંગાઈ નહિ. તમે કઈ રીતે જેસિકાની જેમ મક્કમ નિર્ણય લઈ શકો? એની શરૂઆત તમે નીચે આપેલા સવાલોના જવાબ આપીને કરી શકો.

૧ મારા સારા ગુણો કયા છે?

એ જાણવું કેમ મહત્ત્વનું છે? તમારા સારા ગુણો અને આવડત જાણવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

આ વિચારો: બધા પાસે અલગ અલગ આવડત હોય છે. જેમ કે, કોઈ આર્ટિસ્ટ હોય તો કોઈ સંગીતકાર અથવા તો કોઈ સ્પોર્ટ્‌સમાં આગળ. દાખલા તરીકે, રેચલ કાર રિપેર કરવામાં માસ્ટર છે.a તે કહે છે, “હું પંદરેક વર્ષની હતી ત્યારથી મારે મિકૅનિક બનવું હતું.”

બાઇબલમાંથી દાખલો: ઈશ્વરભક્ત પાઊલે લખ્યું, ‘જો કે બોલવામાં કેળવાયેલો ન હોઉં તોપણ, જ્ઞાનમાં હું અપૂર્ણ નથી.’ (૨ કોરીંથી ૧૧:૬) પાઊલને શાસ્ત્રની ઊંડી સમજણ હોવાથી લોકોના વિરોધમાં પણ તે ટકી શક્યા. એવા સંજોગોમાં પણ તે હિંમત ન હાર્યા, તેમની શ્રદ્ધા ઠંડી પડી નહિ.—૨ કોરીંથી ૧૦:૧૦; ૧૧:૫.

પોતાનો વિચાર કરો: તમારી પાસે હોય એવી ટેલેન્ટ અથવા સ્કીલ્સ વિષે નીચે લખો.

․․․․․

હવે તમારા ગુણો વિષે લખો. (જેમ કે, શું તમે બીજાની પરવા કરો છો? ઉદાર છો? ભરોસાપાત્ર છો? સમયના પાબંદ છો?)

․․․․․

“હું લોકોને મદદ કરવા પ્રયત્ન કરું છું. હું કામમાં હોઉં ત્યારે પણ કોઈને મારી સાથે વાત કરવી હોય તો શાંતિથી વાત સાંભળું છું.”—બીના.

તમારામાં કેવા ગુણો છે એ ખબર ન હો તો આ વિષે નીચે લખો: નાનપણથી યુવાની સુધીમાં તમે કઈ બાબતમાં સુધારો કર્યો? આ સમજવા “બીજા યુવાનો શું કહે છે?” બૉક્સ જુઓ.

․․․․․

૨ મારી નબળાઈઓ કઈ છે?

એ જાણવું કેમ મહત્ત્વનું છે? એક ઉદાહરણ લઈએ. જો ચેઇનની કડી નબળી હશે તો ચેઇન સહેલાઈથી તૂટી જશે. એવી જ રીતે, તમે નબળાઈ પર કાબૂ નહિ મેળવો તો, તમારી ઓળખ સહેલાઈથી ભૂંસાઈ જશે.

આ વિચારો: બધામાં ખામીઓ હોય છે. (રોમનો ૩:૨૩) દરેકમાં કોઈને કોઈ નબળાઈ હોય છે, જેને તેઓ સુધારવા ચાહે છે. સેજલ કહે છે, “ખબર નહિ કેમ હું નાનીસૂની બાબતમાં ગુસ્સે થઈ જઉં છું. મારું ધાર્યું ન થાય તો મને ચીડ ચઢે અને બહુ ગુસ્સો આવે છે!”

બાઇબલમાંથી દાખલો: ઈશ્વરભક્ત પાઊલ પોતાની નબળાઈઓ જાણતા હતા. એ વિષે તેમણે લખ્યું: “મારા નવા સ્વભાવ પ્રમાણે હું ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવામાં આનંદ માનું છું. પરંતુ મારો જૂનો સ્વભાવ નવા સ્વભાવ સાથે લડાઈ કરે છે. એમાં જૂનો સ્વભાવ જીતે છે, અને મને પાપનો ગુલામ બનાવે છે.”—રોમન ૭:૨૨, ૨૩, IBSI.

પોતાનો વિચાર કરો: તમારી કઈ નબળાઈ ઉપર તમારે જીત મેળવવી છે? નીચે લખો.

․․․․․

“મને જોવા મળ્યું છે કે રોમૅન્ટિક ફિલ્મ જોયા પછી હું જરા ઉદાસ થઈ જઉં છું. મને કોઈ છોકરાના પ્રેમમાં પડવાની ઇચ્છા થાય છે. એવું ન થાય માટે હું એવી મૂવી જોવાનું ટાળું છું.”—શીલા.

૩ મારા કયા ધ્યેયો છે?

એ જાણવું કેમ મહત્ત્વનું છે? જીવનમાં કોઈ ગોલ હોય ત્યારે તમને દિશા અને હેતુ મળે છે. ગોલ હોવાને લીધે તમે એવા સંજોગો અને લોકોને ટાળશો જેઓ તમને એ હાંસલ કરતા રોકે.

આ વિચારો: શું તમે ટૅક્સીમાં બેસીને ડ્રાઇવરને એમ કહેશો કે, પેટ્રોલ ખૂટી જાય ત્યાં સુધી ઘરની આસપાસ ગાડી ફેરવો? એમ કરવું તો મૂર્ખામી કહેવાય અને પૈસાનું પાણી પણ, ખરુંને! એ જ રીતે, તમારા જીવનમાં ધ્યેય હશે તો તમે અમથા ગોળગોળ નહિ ફરો. બલ્કે, જે હાંસલ કરવું છે એને પહોંચી વળવા જરૂરી પ્લાનીંગ કરશો.

બાઇબલમાંથી દાખલો: ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું.” (૧ કરિંથી ૯:૨૬, IBSI) ગોળગોળ ફરવાને બદલે પાઊલે જીવનમાં ધ્યેય બાંધ્યો હતો અને એ પ્રમાણે જીવ્યા હતા.—ફિલિપી ૩:૧૨-૧૪.

પોતાનો વિચાર કરો: ત્રણ ગોલ લખો, જે તમે એક વર્ષમાં હાંસલ કરવા ચાહો છો.

૧ ․․․․․

૨ ․․․․․

૩ ․․․․․

આ ત્રણમાંથી કયો ગોલ તમારા માટે સૌથી મહત્ત્વનો છે. એને હાંસલ કરવા તમે શું કરશો એ લખો.

․․․․․

“જીવનમાં ધ્યેય નહિ હોય તો તમે આમતેમ ફાંફાં માર્યા કરશો. એના કરતા ધ્યેય બાંધીને એ હાંસલ કરવા મહેનત કરવી સારી છે.”—જતીન.

૪ હું શું માનું છું?

એ જાણવું કેમ મહત્ત્વનું છે? તમારી શ્રદ્ધા મજબૂત નહિ હોય તો સારા નિર્ણયો નહિ લઈ શકો. જેમ કાંચીડો આસપાસના માહોલમાં ભળી જવા બદલાય છે, તેમ તમે પણ દોસ્તો સાથે ભળી જવા વિચારો બદલશો. પણ એનાથી દેખાઈ આવશે કે તમારી ખુદની ઓળખ નથી.

આ વિચારો: બાઇબલ આપણને ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શું છે,’ એનો પુરાવો આપતા રહેવા ઉત્તેજન આપે છે. (રોમનો ૧૨:૨) પોતાની માન્યતા પ્રમાણે જીવીને તમે સાબિત કરો છો કે તમારી ખુદની ઓળખ છે, ભલેને બીજાઓ ગમે એ કરે.

બાઇબલમાંથી દાખલો: ‘કુટુંબ અને સાથી ભક્તોથી દૂર છું તોપણ ઈશ્વરના નિયમોને વળગી રહીશ.’ એવો ઈશ્વરભક્ત દાનીયેલે નાનપણમાં, “પોતાના મનમાં ઠરાવ કર્યો” હતો. (દાનીયેલ ૧:૮) એનાથી તે પોતાની સાથે ઈમાનદાર રહ્યાં. દાનીયેલ પોતે જે માનતા હતા એ પ્રમાણે જીવ્યાં.

પોતાનો વિચાર કરો: તમારી માન્યતા શું છે? દાખલા તરીકે:

• શું તમે માનો છો ઈશ્વર છે? જો હા, તો એના પુરાવા આપો.

• તમને લાગે છે કે ઈશ્વરના નિયમો આપણા ભલા માટે છે? જો હા, તો કેમ? દાખલા તરીકે, તમારા ફ્રેન્ડ્‌સ માને છે કે ગમે તેની સાથે સેક્સ માણવાથી ખુશી મળે છે. પણ તમે કેવી રીતે કહી શકો કે સેક્સ વિષેના ઈશ્વરના નિયમ પાળવાથી તમને ખુશી મળે છે?

આ પ્રશ્નોના જવાબો ફટાફટ આપશો નહિ. પણ સમય કાઢીને વિચારજો કે તમારી માન્યતાનો આધાર શું છે? એમ કરવાથી, જ્યારે ખોટું કરવાનું કોઈ દબાણ આવે ત્યારે મક્કમતાથી તમે જવાબ આપી શકશો.—નીતિવચનો ૧૪:૧૫; ૧ પીતર ૩:૧૫.

“તમારી માન્યતામાં જો તમે પાકા ન હો તો સ્કૂલના બીજા બાળકો મજાક ઉડાવશે. એટલે હું નથી ચાહતી કે લોકો મજાક ઉડાવે. મારી માન્યતા દૃઢ રીતે જણાવી શકું એ માટે હું મહેનત કરું છું. હું એવું નથી કહેતી કે ‘મારો ધર્મ મને એ કરતા રોકે છે.’ પણ એમ કહું છું, ‘મને નથી લાગતું કે આ બરાબર છે.’ આ મારી માન્યતા છે.”—દીના.

તમારે કેવા બનવું છે? ઝાડના પાન જેવા, જે જરા અમથા પવનમાં ફેંકાય જાય છે? કે પછી મજબૂત વૃક્ષ જેવા જે વાવાઝોડામાં પણ ટકી રહે છે? પોતાની ઓળખ મજબૂત બનાવશો તો તમે પણ એ વૃક્ષ જેવા ગણાશો. એ તમને આ સવાલનો જવાબ મેળવવા મદદ કરશે કે મારી ઓળખ શું છે? (g11-E 10)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

a આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્રો]

બીજા યુવાનો શું કહે છે?

“મોટા થયા પછી નાના-મોટા નિર્ણય લેતી વખતે હું બધા જ પાસાઓનો વિચાર કરું છું, જેથી ઈશ્વરને પસંદ ન હોય એવી બાબતોથી દૂર રહું.”

“હું નાની હતી ત્યારે બીજાના વિચારો મારાથી જુદા હોય તો તેઓને વિચિત્ર ગણતી. પણ હવે હું સમજુ છું કે બધાના વિચારો એક-સરખા નથી હોતા. એટલે મને બીજાના વિચારો જાણવા ગમે છે.”

[ચિત્રો]

જર્માયા

જેનીફર

[પાન ૨૮ પર બોક્સ]

તમારા માબાપને પૂછો

તમને શું લાગે છે મારામાં કેવી ટેલેન્ટ્‌સ છે? કેવી આદતો મારે ટાળવી જોઈએ? ઈશ્વરના ધોરણોમાં શ્રદ્ધા મજબૂત કરવા તમે શું કરતા?

[પાન ૨૮ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સારા ગુણો

નબળાઈ

ધ્યેયો

માન્યતા

[પાન ૨૮ પર ચિત્ર]

પોતાની ઓળખ મજબૂત હશે તો વાવાઝોડામાં ટકી રહેલા મજબૂત વૃક્ષ જેવા ગણાશો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો