વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૪ પાન ૬-૯
  • પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો
  • સજાગ બનો!—૨૦૧૪
  • સરખી માહિતી
  • પૈસા વિશે યોગ્ય વલણ
    સજાગ બનો!—૨૦૧૫
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
  • તમારી ધનદોલત કે તમારું જીવન?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૧/૧૪ પાન ૬-૯

મુખ્ય વિષય

પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

આ નવાઈની વાત છે: ભલે લોકોને પોતાની નોકરી, ઘર અને પેન્શન ગુમાવવાનો ખતરો હોય, તોપણ તેઓમાંના ઘણા એવા છે, જેઓ પૈસાથી ખરીદી શકાતું હોય એવું બધું જ લેવા ગાંડા થાય છે.

એવા લોકો જાહેરાત કરનારાઓના સહેલાઈથી શિકાર બની જાય છે, જેઓની લલચાવનારી જાહેરાતો જણાવે છે કે આપણી પાસે મોટું ઘર, વધારે સારી કાર અને જાણીતી કંપનીનાં કપડાં હોવાં જ જોઈએ. પૈસા નથી? વાંધો નહિ, ઉધાર લો! ઘણાનો ધ્યેય અમીર દેખાવાનો હોય છે, ભલેને તેઓ દેવામાં ડૂબેલા હોય.

જોકે, વહેલા કે મોડા હકીકતનો સામનો કરવો પડે છે. ધ નાર્સિસિઝમ એપિડેમિક નામનું પુસ્તક કહે છે કે, ‘અમીર દેખાવા અને અનુભવવા ભપકાદાર ચીજો ઉધાર ખરીદવી, એ પોતાનો મૂડ સુધારવા કોકેન ડ્રગ્સ લેવા જેવું છે. શરૂઆતમાં બંને ચીજો સસ્તી અને સારી લાગે, પણ એ ફક્ત થોડા સમય માટે જ હોય છે. લાંબા ગાળે એ બંને તમને દેવામાં ડુબાડીને ડિપ્રેશ બનાવી દે છે.’

બાઇબલ જેને “જીવનનો અહંકાર” કહે છે, એની મૂર્ખતાને એ ખુલ્લી પાડે છે. (૧ યોહાન ૨:૧૬) હકીકતમાં, ચીજવસ્તુઓ મેળવવાનું ગાંડપણ જીવનમાં સૌથી મહત્ત્વની બાબતોથી આપણું ધ્યાન ભટકાવી દે છે. એ એવી બાબતો છે, જે પૈસાથી ખરીદી શકાતી નથી. ચાલો, ત્રણ દાખલા જોઈએ.

૧. કુટુંબની એકતા

અમેરિકામાં રહેતી બ્રીયાનીa નામની છોકરીને લાગે છે કે તેના પિતા પોતાના કામ અને એનાથી મળતા પૈસાને વધારે પડતું મહત્ત્વ આપે છે. તે કહે છે કે, ‘અમને જરૂરી બધું જ અમારી પાસે છે અને એનાથી પણ વધારે છે. પરંતુ, મારા પિતા કદી ઘરે નથી હોતા, કેમ કે તે હંમેશાં મુસાફરી કરતા હોય છે. મને ખબર છે કે તે પોતાના કામ માટે એમ કરે છે, તોય મને લાગે છે કે કુટુંબ પ્રત્યે પણ તેમની જવાબદારી છે!’

આના વિશે વિચાર કરો: બ્રીયાનીના પિતાને જીવનનાં પાછલાં વર્ષોમાં કેવો પસ્તાવો થઈ શકે? પૈસા અને ચીજવસ્તુઓને વધારે પડતું મહત્ત્વ આપવાથી, તે પોતાની દીકરી સાથેના સંબંધ પર કેવી અસર પડવા દે છે? તેમની પાસેથી કુટુંબને પૈસા કરતાં વધારે શાની જરૂર છે?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને ઘણાં દુઃખોથી કેટલાકે પોતાને વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૧૦.

  • ‘દુશ્મન સાથે મિષ્ટાન્‍ન ખાવા કરતાં જેનામાં પ્રેમભાવ હોય તેની સાથે ભાજી ખાવી વધારે સારું છે.’—નીતિવચનો ૧૫:૧૭, IBSI.

ભૂલશો નહિ: પૈસાથી કુટુંબની એકતા ખરીદી શકાતી નથી. એ તો ફક્ત કુટુંબ સાથે સમય પસાર કરીને અને તેઓને પૂરતો પ્રેમ અને ધ્યાન આપવાથી મળી શકે.—કોલોસી ૩:૧૮-૨૧.

૨. સાચી સલામતી

સત્તર વર્ષની સારાહ કહે છે, “મારી મમ્મી કાયમ મને એમ કહે છે કે મારે અમીર છોકરા સાથે લગ્‍ન કરવા; તેમ જ, કોઈ સારું કામ શીખવું, જેથી જો જરૂર પડે તો મારી પાસે સારી નોકરી હોય અને સારી રીતે જીવી શકું. તેમના મનમાં ફક્ત એક જ વાત હોય છે કે ક્યાંથી પૈસા મળતા રહે.”

આના વિશે વિચાર કરો: ભવિષ્યનો વિચાર કરતી વખતે તમને કેવી ચિંતાઓ થાય છે જે વાજબી હોય? ક્યારે વાજબી ચિંતાઓ હદ પાર કરીને વધારે પડતી ચિંતાઓ બની જાય છે? પૈસાથી મળતી સલામતી પ્રત્યે સારાહની મમ્મી કઈ રીતે વધારે વાજબી વલણ કેળવી શકે?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • ‘પૃથ્વી પર પોતાને માટે ધન એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાંથી ચોર ચોરી જાય છે.’—માથ્થી ૬:૧૯.

  • “કાલે શું થશે એની તમને ખબર નથી.”—યાકૂબ ૪:૧૪.

ભૂલશો નહિ: પૈસા ભેગા કરવાથી ભાવિ સલામત થઈ જતું નથી. ખરું જોતા, પૈસા ચોરાઈ જઈ શકે અને એ બીમારી મટાડી શકતા નથી કે મોત રોકી શકતા નથી. (સભાશિક્ષક ૭:૧૨) બાઇબલ શીખવે છે કે સાચી સલામતી ઈશ્વર અને તેમના હેતુ વિશે જાણવાથી મળે છે.—યોહાન ૧૭:૩.

૩. સંતોષ રાખવો

ચોવીસ વર્ષની તાનિયા કહે છે કે “મારાં માબાપે મને સાદી રીતે જીવતા શીખવ્યું છે. ભલેને મોટા ભાગે અમારી પાસે જરૂર પૂરતું જ હતું, તોપણ મારું અને મારી જોડિયા બહેનનું બચપણ મજાનું હતું.”

આના વિશે વિચાર કરો: ફક્ત જીવન જરૂરિયાતની ચીજોથી સંતોષ મેળવવો કેમ અઘરું લાગી શકે? પૈસાની વાત આવે ત્યારે, તમારા કુટુંબ માટે તમે કેવો દાખલો બેસાડો છો?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૮.

  • “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”—લુક ૧૧:૨૮.

ભૂલશો નહિ: પૈસા અને એનાથી ખરીદી શકાય એવી ચીજો કરતાં, જીવનમાં ઘણું વધારે રહેલું છે. ખરું જોતા, બાઇબલ કહે છે તેમ, “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) સાચે જ, જીવનમાં સૌથી વધારે સંતોષ આવા મહત્ત્વના સવાલોના જવાબથી મળે છે:

  • આપણા જીવનનો હેતુ શું છે?

  • ભાવિ કેવું હશે?

  • ઈશ્વરની ભક્તિની તરસ હું કઈ રીતે છીપાવી શકું?

આ મૅગેઝિનના પ્રકાશકો, યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી એ સવાલોના જવાબ મેળવવા મદદ કરશે.

a આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.

સુખની ચાવી?

ધ નાર્સિસિઝમ એપિડેમિક નામનું પુસ્તક કહે છે કે, “મોટા ભાગે ધનસંપત્તિ પાછળ દોડનારા થોડા આનંદી અને વધારે ઉદાસ હોય છે. અરે, જેઓ ફક્ત વધારે પૈસા મેળવવા દોટ મૂકે છે, તેઓ પણ મનની શાંતિ ગુમાવી દે છે; અહેવાલ મુજબ તેઓની તબિયત પણ નરમ-ગરમ રહેતી હોય છે; જેમ કે, તેઓને શરદી થવાની હોય એમ લાગ્યા કરે, કમરનો દુખાવો રહે અને માથું દુઃખે; વળી, તેઓ મોટા ભાગે વધારે દારૂ પીએ છે અને ડ્રગ્સ લે છે. ધનવાન થવા પાછળની દોડ લોકોની હાલત ખરાબ કરી નાખે છે.”

‘વલણમાં આવેલો ફેરફાર’

‘૧૯૬૦-૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કૉલેજમાં જતા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ કૉલેજમાં જાય છે? મોટા ભાગનાએ જણાવ્યું કે “ભણેલા-ગણેલા લોકો બનવા” અથવા “જીવનની ફિલસૂફી કેળવવા.” તેઓમાંના ફક્ત થોડાક જ એવા હતા જેઓએ કૉલેજમાં જવાનું મુખ્ય કારણ “ઘણા બધા પૈસા બનાવવા” એવું જણાવ્યું. ૧૯૯૦ પછીનાં વર્ષોથી, મોટા ભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કૉલેજ જવાનું સૌથી મહત્ત્વનું કારણ “ઢગલો પૈસા બનાવવા” થઈ ગયું છે. કૉલેજના વિદ્યાર્થીઓના વલણમાં આવેલો આવો ફેરફાર એ જ સમયે થયો છે, જ્યારે એ ઉંમરના યુવાનોમાં ડિપ્રેશન, આપઘાત અને બીજી માનસિક તકલીફોમાં પણ અચાનક વધારો થયો.’—ડૉ. મેડેલિન લવાઇને લખેલું પુસ્તક, ધ પ્રાઇસ ઑફ પ્રિવલેજ.

‘ખરીદી કરવાથી મળતો દિલાસો’

ડૉ. મેડેલિન લવાઇનના કહેવા પ્રમાણે, ‘ખરીદી કરવાથી’ લોકોને એવી દુનિયામાં થોડો દિલાસો મળે છે, જ્યાં તેઓના કુટુંબ, સમાજ અને ચર્ચે તેઓને પડતા મૂક્યા છે. ડૉ. મેડેલિન પોતાના પુસ્તક ધ પ્રાઇસ ઑફ પ્રિવલેજમાં લખે છે કે ‘ખરીદી કરવી એ આપણી આસપાસના સંજોગો પર કાબૂ મેળવવાની એક રીત છે. એનાથી લેવડ-દેવડ આપણા હાથમાં આવે છે અને ખરીદનાર તરીકે અમુક હદે સત્તા મળે છે. આવી સત્તા ફક્ત ભ્રમ છે. ખરી સત્તા તો મોટા મોટા વેપારીઓ અને તેઓની જાહેરાત કરનારાઓ પાસે છે. તેઓને એવી રીતે જાહેરાત કરવા માટે પૈસા અપાય છે, જેનાથી ખરીદનારને લાગે કે વેચાતી ચીજોથી તેઓને સલામતી આપનારી અને જાદુઈ સત્તા મળી જશે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો