શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
મરણનો કારમો ઘા
‘હું ને મારી પત્ની સોફિયાનુંa જીવન ખુશીઓથી ભરેલું હતું. ૩૯ વર્ષના લગ્નજીવન પછી અમારા સંસારમાં વાવાઝોડું આવ્યું. અચાનક સોફિયા બીમાર પડી. તેની બીમારી લાંબો સમય ચાલી ને છેવટે તેને ભરખી ગઈ. એ કારમો ઘા સહેવા મિત્રોએ મને ઘણો સાથ આપ્યો. હું કામકાજમાં વ્યસ્ત રહેવા લાગ્યો. એ બનાવને એક વર્ષ વીતી ગયું તોય દિલના ઘા તાજાને તાજા હતા. મારા દિલમાં ઉથલપાથલ થતી રહેતી. આજે સોફિયાના મરણને ત્રણેક વર્ષ થવાં આવ્યાં છે, તોપણ અમુક વાર અચાનક લાગણીઓના વમળમાં ઘેરાઈ જાઉં છું અને તેની યાદોથી મન ઉદાસ થઈ જાય છે.’—કોસ્ટાસ.
શું તમારું પણ કોઈ ગુજરી ગયું છે? એમ હોય તો કદાચ તમે પણ કોસ્ટાસ જેવું અનુભવતા હશો. કદાચ તમે લગ્નસાથી, સગા-વહાલા કે મિત્રને ગુમાવ્યા હશે. એ દુઃખમાં તમારે બીજી ચિંતાઓ સાથે હતાશાનો પણ સામનો કરવો પડે. નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત થાય છે. અમેરિકાનું એક સામયિક (ધી અમેરિકન જર્નલ ઓફ સાઇકાઅટ્રી) આમ જણાવે છે: ‘મોતમાં કોઈને ગુમાવવું એના જેવી આકરી અને કાયમી ખોટ બીજી કોઈ નથી.’ એ ખોટ સહેનાર દુઃખી વ્યક્તિને કદાચ થાય: ‘ક્યાં સુધી મારે આ ગમ સહેવો? શું મારા ચહેરા પર ફરી રોનક આવશે? આમાંથી બહાર આવવા હું શું કરું?’
એ સવાલોના જવાબ સજાગ બનો!ના આ અંકમાં જોવા મળશે. હવે પછીનો લેખ બતાવશે કે તમે હમણાં જ કોઈને ગુમાવ્યા હોય તો, તમારા પર કેવા પડકારો આવી શકે. એ પછીના લેખોમાં અમુક એવાં સૂચનો છે, જેનાથી તમારું દુઃખ હળવું થશે.
અમે દિલથી ચાહીએ છીએ કે મરણનો કારમો ઘા સહી રહેલા લોકોને હવે પછીની માહિતી આશ્વાસન અને મદદ આપે.
a આ લેખોમાં અમુક નામ બદલ્યાં છે.