મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
સમજી-વિચારીને પૈસા વાપરો
ચીજવસ્તુઓના ભાવ વધતા જાય છે તેમ, આપણી મુશ્કેલીઓ પણ વધતી જાય છે. પણ તમે એવું ન વિચારશો કે સંજોગો તમારા હાથ બહાર જતા રહ્યા છે. તમે સંજોગો સુધારવા અમુક પગલાં ભરી શકો છો.
એ કેમ જરૂરી છે?
જો તમે સમજી-વિચારીને પૈસા નહિ વાપરો, તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ભલે તમારી પાસે ઓછા પૈસા હોય, તોપણ એને સમજી-વિચારીને વાપરવા તમે અમુક બાબતો કરી શકો છો.
તમે શું કરી શકો?
જેટલું છે એમાં જીવવાનું શીખો. એમ કરશો તો પૈસા સાચવીને વાપરી શકશો અને અચાનક કોઈ મોટો ખર્ચો આવી પડે તો તમારી પાસે થોડી-ઘણી બચત હશે.
જેટલું છે એમાં જીવવા સારું બજેટ બનાવો. જો તમે બજેટમાં લખી લેશો કે તમારી આવક કેટલી હશે અને સામે ખર્ચાઓ કેટલા હશે, તો તમને આવક કરતાં વધારે પૈસા ન વાપરવા મદદ મળશે. બજેટ બનાવતી વખતે એવી જ વસ્તુઓ પાછળ પૈસા ખર્ચો, જેની ખરેખર જરૂર હોય. પછી બજેટને વળગી રહો. પણ તમારી આવકમાં અથવા વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય તો બજેટમાં પણ જરૂરી ફેરફાર કરો. અને હા, જો તમે પરણેલા હો, તો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા જીવનસાથી જોડે વાત કરો.
અજમાવી જુઓ: ક્રૅડિટ-કાર્ડ, હપ્તા (ઈએમઆઈ) કે ઉધાર પર વસ્તુઓ ખરીદવાને બદલે પૂરેપૂરા પૈસા આપીને ખરીદો. જો શક્ય હોય તો રોકડા પૈસા આપીને ખરીદો. અમુક લોકો આ રીતે ખરીદી કરે છે ત્યારે, બજેટને વળગી રહી શકે છે અને દેવું કરવાથી બચી શકે છે. વધુમાં, સમય કાઢીને તપાસો કે તમારા બૅન્ક ખાતામાં કેટલા પૈસા છે. એનાથી તમે પહેલેથી નક્કી કરી શકશો કે કેટલો ખર્ચો કરવો. આમ પૈસાને લગતી તમારી ચિંતા ઓછી થશે.
જેટલું છે એમાં જીવવું અઘરું લાગી શકે. પણ સમજી-વિચારીને બજેટ બનાવ્યું હશે તો ઘણી મદદ મળશે. અરે, ટેન્શન પણ ઓછું થશે!
નોકરી ટકાવી રાખવા મહેનત કરો. નોકરી હાથમાંથી જતી ન રહે એ માટે શું કરી શકો? આ અમુક સૂચનો પાળી જુઓ: દરેક કામ સમયસર કરો. કામ વિશે સારું વલણ રાખો. કામ કરવા પહેલ કરો અને મહેનતુ બનો. બીજાઓ સાથે આદરથી વાત કરો. નિયમો પાળો અને આવડતો નિખારવા મહેનત કરો.
પૈસા વેડફવાનું ટાળો. પોતાને પૂછો, ‘શું હું વારેઘડીએ બિનજરૂરી બાબતો પાછળ અથવા ખોટી આદતો પાછળ ખર્ચા કરું છું?’ દાખલા તરીકે, અમુક લોકો પોતાની મહેનતની કમાણી ડ્રગ્સ, જુગાર, ધૂમ્રપાન કે દારૂની લત પાછળ વેડફી નાખે છે. અરે, આવી આદતોને લીધે તેઓની તબિયત અને નોકરી બંને ખતરામાં આવી શકે છે.
અણધાર્યા સંજોગો માટે પૈસા બચાવો. જો શક્ય હોય તો અણધાર્યા સંજોગો માટે થોડી રકમ બાજુ પર રાખો. એટલે જો અચાનક તમને કે તમારા કુટુંબને સ્વાસ્થ્યને લગતી તકલીફ ઊભી થાય, નોકરી છૂટી જાય અથવા કંઈક ન બનવાનું બને તો તમારા હાથમાં થોડા પૈસા હશે.