પ્રકરણ ૩૩
પીવું—શા માટે નહિ?
‘શું પીવું ખોટું છે? શું એ ખરેખર હાનિકારક છે? અથવા શું એ ફકત મારે માટે ખોટું છે પરંતુ પુખ્ત વ્યકિતઓ માટે યોગ્ય છે?’ એ પ્રશ્નો તમારા મનમાં આવ્યા હોય શકે. છેવટે તો, તમારા માબાપ એમાં ભાગ લેતા હશે. તમારી ઉંમરના ઘણાં યુવાન લોકો (પીવાની કાયદેસર પુખ્ત ઉંમરની પરવા વિના) પીતા હોય છે. ટીવીના કાર્યક્રમો અને ચલચિત્રો એ લલચાવનારું બતાવે છે.
પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે તો, આલ્કોહોલ ખરેખર આનંદદાયક બની શકે. બાઈબલ કબૂલે છે કે દારૂ હૃદયને ખુશ કરી શકે અથવા ભોજનનો સ્વાદ વધારી શકે. (સભાશિક્ષક ૯:૭) જો કે, આલ્કોહોલનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે, એ માબાપ, શિક્ષકો, અને પોલીસ સાથેની અથડામણથી માંડીને અકાળ મૃત્યુ સુધીના ગંભીર કોયડા ઊભા કરે છે. બાઈબલ કહે છે તેમ: “દ્રાક્ષારસનું ફળ ઠઠ્ઠા છે મદ્યાનું ફળ ટંટા છે; જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.” (નીતિવચન ૨૦:૧) તેથી, પીવા વિષે તમે જવાબદાર નિર્ણય કરો એ મહત્ત્વનું છે.
પરંતુ આલ્કોહોલ અને એની અસર વિષે તમે ખરેખર કેટલું જાણો છો? નીચેની કસોટી તમને એ શોધી કાઢવા મદદ કરશે. ફકત ખરું છે કે ખોટું તે લખો:
૧. આલ્કોહોલયુકત પીણા મુખ્યત્વે ઉત્તેજક હોય છે. ____
૨. કોઈ પણ માત્રામાં આલ્કોહોલ માનવ શરીરને
હાનિકારક છે. ____
૩. બધા આલ્કોહોલયુકત પીણા—મદિરા, દારૂ, બીયર —તમારા લોહીમાં
સરખા જ દરે ભળે છે. ____
૪. વ્યકિત કાળી કોફી પીએ અથવા ઠંડા પાણીથી નહાય તો નશો
વધુ ઝડપથી ઊતરી શકે. ____
૫. સરખા પ્રમાણમાં પીનાર દરેક વ્યકિત પર આલ્કોહોલ સરખી જ
અસર કરે છે. ____
૬. છાકટાપણું અને આલ્કોહોલિઝમ એક જ બાબત છે. ____
૭. આલ્કોહોલ અને બીજા નશાકારક ડ્રગ્સ (જેમ કે બાર્બિટ્યૂરેટ્સ)
સાથે લેવાથી એકબીજાની અસર અનેક ગણી વધારે છે. ____
૮. પીણાં બદલતાં રહેવાથી વ્યકિત છાકટી બનતા અટકે છે. ____
૯. શરીર આલ્કોહોલને ખોરાકની જેમ પચાવે છે. ____
હવે તમારા જવાબોને પાન ૨૭૦ પર આપેલા જવાબો સાથે સરખાવો. શું આલ્કોહોલ વિષેની તમારી કેટલીક દ્રષ્ટિ ખોટી હતી? એમ હોય તો, એ સમજો કે આલ્કોહોલ વિષેની અજ્ઞાનતા પ્રાણઘાતક બની શકે. બાઈબલ આપણને ચેતવણી આપે છે કે અયોગ્યપણે ઉપયોગ કરવામાં આવે તો, આલ્કોહોલ “સર્પની પેઠે કરડે છે, અને નાગની પેઠે ડસે છે.”—નીતિવચન ૨૩:૩૨.
દાખલા તરીકે, જોન તરુણ હતો ત્યારે તેણે લગ્ન કર્યું. એક રાત્રે, તેની યુવાન પત્ની સાથે ઝગડો કર્યા પછી, તે છાકટો થવાનો નિર્ણય કરી ઘરમાંથી બહાર ધસી ગયો. અડધો લીટર વોડકા ગટગટાવી જવા પછી, તે બેભાન બન્યો. ડોકટરો અને નર્સોના પ્રયત્નો વિના, જોન મૃત્યુ પામ્યો હોત. દેખીતી રીતે જ તેને ખબર ન હતી કે મોટા પ્રમાણમાં આલ્કોહોલ ઝડપથી ગટગટાવી જવું પ્રાણઘાતક પણ બની શકે છે. તેણે અજ્ઞાનતાને લીધે લગભગ પોતાનું જીવન ચૂકવ્યું હોત.
પ્રત્યાઘાતી અસર
એ આલ્કોહોલની બહુ જ કપટી અસર છે. આલ્કોહોલ ઉદાસીનતા લાવનારો છે, ઉત્તેજક નથી. તમે પીઓ પછી જે હળવાશ અનુભવો છો તેનું કારણ એ છે કે આલ્કોહોલ તમારી ચિંતાના સ્તરને દબાવે છે, અથવા નીચું લાવે છે. તમે પીધા પહેલા હતા એના કરતાં વધુ આરામમાં, ઓછા ચિંતાતુર, ઓછા વ્યગ્ર હોવાનું અનુભવો છો. આમ, પ્રમાણસર લેવામાં આવે તો આલ્કોહોલ, કંઈક હદ સુધી, વ્યકિતને ‘પોતાની મુશ્કેલીઓ ભૂલવા’ મદદ કરે છે. (નીતિવચન ૩૧:૬, ૭) દાખલા તરીકે, પોલ નામના એક યુવકે કૌટુંબિક કોયડાથી છૂટવા પીધું. “મને બહુ શરૂઆતમાં શીખવા મળ્યું કે પીવાથી મારા દબાણમાં રાહત મળતી હતી,” તે યાદ કરે છે. “એણે મારા મનને આરામ આપ્યો.”
કંઈ હાનિ ન થઈ, ખરું? ખોટું! આલ્કોહોલની પ્રત્યાઘાતી અસર હોય છે. બેએક કલાક પછી, આલ્કોહોલની નશાકારક અસર ઊતરી જાય ત્યારે, તમારી ચિંતાનું સ્તર કૂદકેને ભૂસકે ઉપર આવે છે—પરંતુ સામાન્ય સ્તરે પાછું આવતું નથી. તમે પીધું એ પહેલાંના સ્તર કરતાં વધુ ઊંચા સ્તર સુધી કૂદીને ઉપર જાય છે! તમે પહેલા કરતા વધુ ચિંતા અથવા વધુ તાણ અનુભવો છો. આલ્કોહોલની પીછેહઠ ૧૨ કલાક સુધી ટકી શકે. સાચું, તમે બીજી વાર પીઓ તો, તમારી ચિંતાનું સ્તર ફરીથી નીચું જશે. પરંતુ બેએક કલાક પછી એ ઉંચું જશે, આ વખતે પહેલા કરતા પણ વધુ! અને એમ કૃત્રિમ નશો અને હંમેશા ઊંડી જતી ઉદાસીનતાનું એ ઘાતકી વમળ ચાલે છે.
આમ લાંબા ગાળે, આલ્કોહોલ ખરેખર તમારી ચિંતા ઓછી નહિ કરે. એ એને વધારી મૂકશે. અને આલ્કોહોલનો નશો ઊતરી જશે ત્યારે તમારા કોયડા તો ત્યાં જ હશે.
કુંઠિત લાગણી
બીજાઓ દાવો કરે છે કે આલ્કોહોલ તેઓને વધુ સારી રીતે કાર્ય કરવા મદદ કરે છે. દાખલા તરીકે, ડેનિસ અત્યંત શરમાળ હતો અને સાદી વાતચીત કરવી પણ તેને મુશ્કેલ લાગતું. પરંતુ પછી તેણે એક શોધ કરી. “થોડું પીધા પછી હું મોકળાશ અનુભવતો,” તેણે કહ્યું.
કોયડો એ છે કે ડેનિસની જેમ મુશ્કેલ પરિસ્થિતિથી દૂર નાસવાથી નહિ, પરંતુ એનો સામનો કરવાથી વ્યકિત પરિપકવ થાય છે. યુવાન તરીકે તમારી સમક્ષના કોયડાનો સામનો કરતા શીખવું એ પુખ્ત વ્યકિત તરીકેની કસોટીઓ માટેનો પૂર્વપ્રયોગ માત્ર હોય છે. આમ ડેનિસને લાંબા ગાળે જણાયું કે, આલ્કોહોલની હંગામી અસરે તેને તેનું શરમાળપણું આંબવામાં મદદ કરી નહિ. “આલ્કોહોલનો નશો ઊતરી જતો ત્યારે, હું મારી કોટડીમાં પાછો જતો,” તેણે જણાવ્યું. હવે વર્ષો પછીનું શું? ડેનિસ કહેવાનું ચાલુ રાખે છે: “મારા પોતાના સાચા સ્તરે લોકો સાથે વાતચીતવ્યવહાર કઈ રીતે કરવો એ હું ખરેખર કદી પણ શીખ્યો નહિ. મને લાગે છે કે એ રીતે હું કુંઠિત બન્યો.”
તણાવનો સામનો કરવામાં આલ્કોહોલને ટેકા તરીકે ઉપયોગ કરવા વિષે પણ એમ જ છે. તરુણી તરીકે એમ કરનાર જોઆન કબૂલે છે: “તાજેતરમાં, તણાવમય પરિસ્થિતિમાં મેં વિચાર્યું: ‘હમણાં જ પીવાનું મળે તો સારું થાય.’ તમે વિચારો છો કે પીવાથી તમે પરિસ્થિતિ વધારે સારી રીતે હાથ ધરી શકો.” એવું નથી!
ન્યૂ યોર્ક સ્ટેટ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલો એક લેખ કહે છે: “[આલ્કોહોલનો સમાવેશ કરતા] ડ્રગ્સ મુશ્કેલ પરિસ્થિતિ—શૈક્ષણિક, સામાજિક, કે વ્યકિતઓ મધ્યેની—હળવી કરવાનું સાધન બને છે ત્યારે પછીથી સામનો કરવાની આરોગ્યપ્રદ કુનેહ જતી રહે છે. અસરો પુખ્તતા સુધી ન અનુભવી શકાય, જ્યારે વ્યકિતગત સંબંધો સ્થાપિત કરવા વધુ મુશ્કેલ સાબિત થાય છે, તથા વ્યકિત લાગણીમય રીતે અટૂલો પડી જાય છે.” કોયડા અને મુશ્કેલ પરિસ્થિતિનો સીધેસીધો સામનો કરવો અને હાથ ધરવા વધુ સારું છે!
“તેણે તે લીધો નહિ”
ઈસુ ખ્રિસ્તના ઉદાહરણનો વિચાર કરો. ઈસુએ પોતાના જીવનની છેલ્લી રાત્રે ભયંકર તણાવમય કસોટી સહન કરી. પરસ્વાધીન કરવામાં આવ્યા, પછી ધરપકડ કરવામાં આવી, ત્યારે ઈસુએ શૃંખલાબંધ પૂછતાછ સહન કરી જેમાં તેમની વિરુદ્ધ જૂઠા તહોમતો મૂકવામાં આવ્યા. છેવટે, આખી રાત જાગ્યા પછી, તેમને વધસ્થંભે જડવા સોંપવામાં આવ્યા.—માર્ક ૧૪:૪૩–૧૫:૧૫; લુક ૨૨:૪૭–૨૩:૨૫.
ત્યારે ઈસુને એવું કંઈક આપવામાં આવ્યું જે તેમના સંવેદનોને લાગણીશૂન્ય કરી નાખે—મિજાજ બદલતો પદાર્થ જે તેમને માટે આ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવું સહેલું બનાવે. બાઈબલ સમજાવે છે: “તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો; પણ તેણે તે લીધો નહિ.” (માર્ક ૧૫:૨૨, ૨૩) ઈસુ બધી રીતે સજાગ રહેવાનું ઇચ્છતા હતા. તે આ મુશ્કેલ સ્થિતિનો સીધેસીધો સામનો કરવા માગતા હતા. તે છટકી જવા માગતા ન હતા! જો કે, પછીથી તેમની તરસ છીપાવવા માટે દેખીતી રીતે જ ડ્રગ વિનાનો દારૂ આપવામાં આવ્યો ત્યારે ઈસુએ એ સ્વીકાર્યો.—યોહાન ૧૯:૨૮-૩૦.
સરખામણીમાં તમારા કોયડા, દબાણો, અથવા તણાવો કંઈ વિસાતમાં નથી. પરંતુ છતાં તમે ઈસુના અનુભવ પરથી મૂલ્યવાન બોધપાઠ શીખી શકો. કોયડા, દબાણો, અને બેચેન કરતી પરિસ્થિતિનો સામનો કરવા મિજાજ બદલતા પદાર્થ (જેમ કે આલ્કોહોલ)નો ઉપયોગ કરવાને બદલે, એને સીધેસીધા હાથ ધરવું તમારે માટે વધારે સારું છે. તમે જીવનના કોયડાનો સામનો કરવામાં વધુ અનુભવ મેળવશો તેમ, તમે એને વધુ સારી રીતે હલ કરશો. તમે વૃદ્ધિ કરીને તંદુરસ્ત લાગણીમય બંધારણ ધરાવશો.
તમે કાયદેસર ઉંમર લાયક થાઓ ત્યારે તમે પ્રસંગોપાત—અને પ્રમાણસર—પીવાનું પસંદ કરશો કે નહિ એ તમારે (અને કદાચ તમારા માબાપે) નિર્ણય કરવાનો રહેશે. એને માહિતીપ્રદ, બુદ્ધિપૂર્વકનો નિર્ણય બનાવો. તમે ન પીવાનું પસંદ કરો તો, તમારે દિલગીર થવાને કારણ નથી. પરંતુ તમે કાયદેસર ઉંમર લાયક હો અને પીવાનો નિર્ણય કરો તો, વાજબીપણે પીઓ. કદી પણ છટકબારી તરીકે અથવા કૃત્રિમ હિંમત મેળવવા માટે ન પીઓ. બાઈબલની સલાહ સાદી અને સ્પષ્ટ છે: “વધુ પડતું પીવું તમને ઘોંઘાટિયા અને મૂર્ખ બનાવે છે. છાકટા થવું મૂર્ખતા છે.”—નીતિવચન ૨૦:૧, ટૂડેઝ ઈંગ્લીશ વર્શન.
સમોવડિયા, ટેલિવિઝન, અને કેટલીક વાર માબાપ પણ યુવાનોને પીવાનું શરૂ કરવા અસર કરી શકે
આલ્કોહોલનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે ‘સર્પની પેઠે કરડી’ શકે
પીવું યુવાન વ્યકિતને કૃત્રિમ નશો અને હંમેશા ઊંડી જતી ઉદાસીનતાના ઘાતકી વમળમાં ફસાવી શકે
પીને વાહન ચલા-વવું ઘણી વાર આ-માં દોરી જાય છે
“મારા પોતાના સાચા સ્તરે લોકો સાથે વાતચીતવ્યવહાર કઈ રીતે કરવો એ હું ખરેખર કદી પણ શીખ્યો નહિ. મને લાગે છે કે એ રીતે હું કુંઠિત બન્યો.”—તરુણ તરીકે આલ્કોહોલનો દુરુપયોગ કરનાર યુવક
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૩૩
◻ શા માટે ઘણાં યુવાનો આલ્કોહોલયુકત પીણાં પીવામાં સંડોવાય છે?
◻ આલ્કોહોલ વિષેની કેટલીક સામાન્ય ખોટી માન્યતાઓ કઈ છે?
◻ વાહન ચલાવવું અને પીવું બંને સાથે કરવાનાં જોખમો કયાં છે?
◻ કોયડામાંથી છટકવા આલ્કોહોલનો ઉપયોગ કરવાના જોખમો કયાં છે?
◻ કોયડા સામે આવે ત્યારે યુવાને શું કરવું જોઈએ, અને શા માટે?
‘અમે શા માટે પીવાનું શરૂ કર્યું’
અગાઉ પીનારા કેટલાક તરુણોનો ઇન્ટર્વ્યૂ
ઇન્ટર્વ્યૂ લેનાર: તમે શા માટે પીધું?
બિલ: મારે માટે, શરૂઆતમાં હું જે વૃંદમાં હતો એને લીધે. એમ કરવું “ફેશન”ની બાબત હતી, ખાસ કરીને શનિરવિના દિવસોએ.
ડેનિસ: મેં લગભગ ૧૪ની વયની આસપાસ પીવાનું શરૂ કર્યું. મારા પપ્પા બહુ પીતા હતા. ઘરે હંમેશા મિશ્રિત દારૂની પાર્ટીઓ થતી. બાળક તરીકે મેં જોયું કે પીવું સામાજિકપણે કરવાની બાબત હતી. પછી, હું મોટો થયો ત્યારે, હું જંગલી ટોળામાં ભળ્યો. બીજાં બાળકો મારો સ્વીકાર કરે માટે હું પીતો હતો.
માર્ક: હું રમતગમતમાં સંકળાયો હતો. મને લાગે છે મેં બાસ્કેટબોલની ટીમમાંના છોકરાઓ સાથે લગભગ ૧૫ વર્ષની વયે પીવાનું શરૂ કર્યું. મને લાગે છે કે એ મોટે ભાગે જિજ્ઞાસાને લીધે હતું.
જોઆન: મેં ટીવી પર જે જોયું એની મારા પર ઘણી અસર પડી. હું પાત્રોને પીતા જોતી. એ એટલું મઝાનું દેખાતું.
પોલ: મારા પિતા દારૂડિયા છે. હવે હું જોઈ શકું છું કે દારૂડિયાપણાને લીધે અમને આટલા બધા કોયડા હતા. હું એમાંથી છટકવાનો પ્રયત્ન કરતો હતો. કટાક્ષમય રીતે, એ એક કારણે હું પીવા તરફ વળ્યો.
જોઆન: મારા માબાપ સામાન્ય રીતે ખાસ કંઈ પીતા નહિ. પરંતુ પપ્પા વિષે મને એક બાબત યાદ છે કે, તે કેટલું બધું પી શકતા એ વિષે સામાજિક પ્રસંગોએ તે બડાઈ મારતા. મેં પણ એ પ્રકારનું વલણ વિકસાવ્યું—એમ વિચારીને કે હું અજોડ છું. એક વાર મેં અને મારા મિત્રોએ પીવાની ઉજવણી કરી. અમે કલાકો સુધી પીધું. મને બીજાઓ જેટલી અસર થઈ નહિ. મને એમ વિચારવાનું યાદ છે, ‘હું બિલકુલ મારા પપ્પા જેવી છું.’ મને લાગે છે આલ્કોહોલ વિષેના તેમના વલણે મને જરૂર અસર કરી.
ઇન્ટર્વ્યૂ લેનાર: પરંતુ ઘણાં શા માટે છાકટા થાય એ હદ સુધી પીએ છે?
માર્ક: અમે એ જ કારણથી પીધું—છાકટા થવા. મને ખરેખર સ્વાદની કંઈ પડી ન હતી.
ઇન્ટર્વ્યૂ લેનાર: તો તમે અસર માટે પીધું?
માર્ક: હા.
હેરી: હું પણ એમ જ કહીશ. એ નિસરણી ચઢવા જેવું છે. તમે પીઓ છો એ દરેક વખતે વધુ નશા સુધી પહોંચી રહ્યા છો—નિસરણી પરનું બીજું પગથિયું.
વાહન ચલાવવું અને પીવું—ઘાતક મિશ્રણ
“છાકટા થઈને વાહન ચલાવવું ૧૬-૨૪ વર્ષની વયના યુવાન લોકોના મોતનું આગવું કારણ છે,” ૧૯૮૪નો રીપોર્ટ ઓન ધ નેશનલ કોન્ફરન્સ ફોર યુથ ઓન ડ્રિન્કીંગ એન્ડ ડ્રાઈવિંગ કહે છે. ખરેખર, “બીજા કોઈ પણ ચાલક કરતા તરુણને આલ્કોહોલ સંબંધિત અકસ્માત થવાની ચાર ગણી વધુ શકયતા છે.” (જસ્ટ અલોંગ ફોર ધ રાઈડ) આવી બિનજરૂરી ખૂનરેજી કંઈક અંશે આલ્કોહોલની અસર વિષેની ઘણી દંતકથાઓને લીધે છે. આ રહ્યા કેટલાક નમૂના:
દંતકથા: ફકત બે બીયર જ પીધી હોય તો ગાડી ચલાવવી સલામત છે.
હકીકત: “બીયરના ૩૫૦ મિલિલીટરના બે કેનમાંનો આલ્કોહોલ એક કલાકની અંદર પીવાથી વાહન ચાલકનો પ્રત્યાઘાત સેકન્ડના ૨/૫મા ભાગ જેટલો ધીમો પડે છે—જેથી ૯૦ કિલોમીટરની ઝડપે જતું વાહન ૧૦ મીટર વધારે આગળ જાય છે—કદાચ જરાકમાં ચૂકી જવું અને અકસ્માત વચ્ચેનો તફાવત.” જેમ્સ એલ. માલ્ફેટી, ઈડી.ડી., અને ડારલીન જે. વિન્ટર, પીએચ.ડી. કૃત ડેવલપમેન્ટ ઓફ એ ટ્રાફિક સેફટી એન્ડ આલ્કોહોલ પ્રોગ્રામ ફોર સીનિયર એડલ્ટસ.
દંતકથા: તમે છાકટા થયા છો એમ ન લાગતું હોય ત્યાં સુધી વાહન ચલાવવામાં કંઈ વાંધો નથી.
હકીકત: તમને કેવું લાગે છે એના પર આધાર રાખવો જોખમકારક છે. આલ્કોહોલ સારાપણાનો ભ્રમ પેદા કરે છે, જેથી વાહનચાલકને લાગે છે કે તે કાબૂ ધરાવે છે, જ્યારે કે હકીકતમાં તેની ક્ષમતાઓ ઓછી થઈ ગઈ હોય છે.
પીવું અને વાહન ચલાવવું કોઈને પણ માટે જોખમકારક છે ત્યારે, યુવાનો માટે એ વધુ જોખમકારક છે. પીનાર યુવાનોની વાહન ચલાવવાની ક્ષમતા “પુખ્ત વ્યકિતઓ કરતા વધુ ઝડપથી કથળે છે કેમ કે તેઓ માટે વાહન ચલાવવું વધુ નવી અને ઓછા નિત્યક્રમવાળી આવડત છે. ટૂંકમાં, મોટા ભાગના તરુણો બિનઅનુભવી વાહનચાલકો અને બિનઅનુભવી પીનારા એમ બંને હોય છે, અને પીવું તથા વાહન ચલાવવું બંને સાથે કરવામાં હજુ પણ વધુ બિનઅનુભવી હોય છે.”—ડારલીન જે. વિન્ટર, પીએચ.ડી. કૃત, સીનિયર એડલ્ટસ, ટ્રાફિક સેફટી એન્ડ આલ્કોહોલ પ્રોગ્રામ લીડર્સ ગાઈડ.
પુખ્ત વ્યકિત કરતા યુવાનને ઓછા આલ્કોહોલથી નશો ચડે છે. સામાન્ય રીતે યુવાનોનું વજન પુખ્ત વ્યકિતઓ કરતાં ઓછું હોય છે, અને વ્યકિતનું વજન જેટલું ઓછું, તેણે પીધેલા આલ્કોહોલને મંદ કરવા માટે તેના શરીરમાં તેટલું ઓછું પ્રવાહી. તમારા લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ જેટલું વધારે તેટલો વધુ નશો ચડે.
“ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ [“બિનઅનુભવી,” NW] આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” (નીતિવચન ૨૨:૩) પીવું અને વાહન ચલાવવું, બંને સાથે કરવાના જોખમોનો વિચાર કરી, તમે એ બંનેને સાથે ન કરવાનું પોતાને વચન આપો તો તમે ‘ડાહ્યા માણસ’ છો. આમ તમે પાંગળા બનાવતી—અથવા ધાતક—ઈજાથી પોતાને બચાવશો એટલું જ નહિ પરંતુ તમે બીજાઓનાં જીવન માટે પણ માન બતાવશો.
વધુમાં તમારે નિર્ણય કરવો જોઈએ કે (૧) વાહનચાલકે પીધું હોય તો તેના વાહનમાં બેસશો નહિ અને (૨) મિત્રએ પીધું હોય તો તેને વાહન ચલાવવા દેવું નહિ. એ તમારા મિત્રને નારાજ કરી શકે, પરંતુ તેને ભાન થશે ત્યારે તે તમે તેને માટે જે કર્યું તેની કદર કરશે.—સરખાવો ગીતશાસ્ત્ર ૧૪૧:૫.
વાહનચાલકે પીધું હોય તો તેના વાહનમાં બેસશો નહિ, અને મિત્રએ પીધું હોય તો તેને વાહન હંકારવા દેવું નહિ
ખરું કે ખોટું કસોટીના જવાબ
(પાન ૨૬૩)
૧.ખોટું. આલ્કોહોલ મુખ્યત્વે ઉદાસીનતા લાવનારો છે. એ તમારું ચિંતાનું સ્તર દબાવીને, અથવા નીચું લાવીને, તમને નશો ચડાવી શકે, જેથી તમને આરામ લાગે, તમે પીધું એ પહેલાના કરતા ઓછી ચિંતા લાગે.
૨.ખોટું. પ્રમાણસર અથવા થોડા પ્રમાણમાં આલ્કોહોલ પીવાથી શરીરને કંઈ પણ ગંભીર હાનિ થતી જણાતી નથી. જો કે, લાંબા સમય સુધી અને વધારે પીવું હૃદય, મગજ, કલેજું, અને બીજાં અવયવોને નુકસાન કરી શકે.
૩.ખોટું. મદિરા અથવા સ્પિરિટ સામાન્ય રીતે દારૂ કે બીયર કરતા વધારે ઝડપથી શોષાય જાય છે.
૪.ખોટું. કોફી તમને જગાડી શકે, અને ઠંડા પાણીથી નહાવાથી તમે ભીંજાય શકો, પરંતુ તમારું કલેજું કલાકના અડધા અંશના દરે આલ્કોહોલનું રાસાયણિક પરિવર્તન કરી નાખે નહિ ત્યાં સુધી આલ્કોહોલ તમારા લોહીમાં રહે છે.
૫.ખોટું. આલ્કોહોલ તમને કઈ રીતે અસર કરે એના પર, તમારા શરીરનું વજન અને તમે ખાધું છે કે નહિ એવા અનેક ઘટકો અસર કરી શકે.
૬.ખોટું. છાકટાપણું વધુ પડતા પીવાના પરિણામ દર્શાવે છે. પીવા પરનો કાબૂ ગુમાવવો આલ્કોહોલિઝમનું લક્ષણ છે. જો કે, બધા જ પીનારા દારૂડિયા (આલ્કોહોલિક) હોતા નથી, અને બધા દારૂડિયા છાકટા થતા નથી.
૭.ખરું. કેટલાક ડ્રગ્સને આલ્કોહોલ સાથે મિશ્રિત કરવાથી એ એકલા આલ્કોહોલ કે ડ્રગથી અપેક્ષિત સામાન્ય પ્રત્યાઘાતો કરતા ઘણાં જ વધારે હોય છે. દાખલા તરીકે, આલ્કોહોલને શામક કે નશાકારક ગોળીઓ (tranquilizers or sedatives) સાથે મિશ્રિત કરવાથી સખત પીછેહઠ લક્ષણો, બેભાન થવું, અને મૃત્યુ પણ પરિણમી શકે. આમ, એક પીણા સાથે એક ગોળીની અસર તમે કલ્પી શકો એ કરતાં ઘણી વધુ હોય શકે. ખરેખર, ડ્રગની અસર ત્રણ ગણી, ચાર ગણી, દશ ગણી, અથવા એથી પણ અનેક ગણી વધે છે!
૮.ખોટું. છાકટાપણું વધારે પડતા પ્રમાણમાં પીવાનું પરિણામ છે, પછી એ જીન, વ્હિસ્કી, વોડકા, કે બીજા કશાના રૂપમાં હોય.
૯.ખોટું. આલ્કોહોલ મોટા ભાગના બીજા ખોરાકની જેમ ધીમેથી પચતો નથી. એને બદલે, લગભગ ૨૦ ટકા તરત જ જઠરની દિવાલોમાંથી લોહીમાં ભળે છે. બાકીનો જઠરમાંથી નાના આંતરડામાં જાય છે, અને ત્યાંથી એ લોહીમાં શોષાય છે.