ભાગ ૨૦
ઈસુને મારી નાખવામાં આવે છે
ઈસુ નવી ઊજવણી શરૂ કરે છે. એક શિષ્ય તેમને દગો દે છે. ઈસુને થાંભલા પર ચડાવીને મારી નાખવામાં આવે છે
ઈસુએ સાડાત્રણ વર્ષ લોકોને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો. તે જાણતા હતા કે પોતાના જીવનની ઘડીઓ ગણાઈ રહી છે. યહૂદી ધર્મગુરુઓ ઈસુને મારી નાખવા ચાહતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા, કેમ કે લોકો માનતા હતા કે ઈસુને ઈશ્વરે મોકલ્યા છે. એ સમયે શેતાને યહૂદા ઇશ્કારિયોતને ખોટું કરવા લલચાવ્યો. યહૂદા તો ઈસુના પ્રેરિતોમાંનો એક હતો. તોય તેણે ધર્મગુરુઓ પાસેથી ચાંદીના ૩૦ સિક્કા લઈને ઈસુને દગો કર્યો.
જીવનની આખરી રાતે ઈસુ તેમના ૧૨ પ્રેરિતો સાથે પાસ્ખા નામનો ઉત્સવ ઉજવતા હતા. યહૂદાને જવાની રજા આપ્યા પછી ઈસુએ નવી ઊજવણી શરૂ કરી. એ ઊજવણી તેમના મરણની યાદ અપાવે છે. અમુક એને ‘પ્રભુભોજન’ પણ કહે છે. એ ઊજવણીમાં ઈસુએ રોટલી લઈને પ્રાર્થના કરી અને ૧૧ પ્રેરિતોને એ આપીને કહ્યું: ‘આ મારા શરીરને રજૂ કરે છે, એ તમારે માટે આપવામાં આવ્યું છે. મારી યાદગીરીમાં આ કરો.’ પછી તેમણે દ્રાક્ષદારૂનો પ્યાલો લઈને પ્રાર્થના કરી. એ શિષ્યોને આપીને કહ્યું: ‘આ મારા લોહીને રજૂ કરે છે જે તમારા માટે રેડવામાં આવ્યું છે. એનાથી નવો કરાર શક્ય બને છે.’—લૂક ૨૨:૧૯, ૨૦.
ઈસુએ એ રાતે પ્રેરિતો સાથે ઘણી બાબતો વિષે વાત કરી. તેમણે આ નવી આજ્ઞા આપી: ‘તમે એકબીજા પર પ્રેમ રાખો, એનાથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.’ તે શિષ્યોને કોઈ સ્વાર્થ વગર દિલથી પ્રેમ કરવા કહેતા હતા. (યોહાન ૧૩:૩૪, ૩૫) પછી તેમણે શિષ્યોને કહ્યું કે થોડી વારમાં જે બનાવો બનશે એનાથી હિંમત ન હારે. ઈસુએ તેઓના ભલા માટે પ્રાર્થના કરી. તેઓએ સાથે ભજનો ગાયા. પછી મોડી રાતે ગેથસેમાને બાગમાં ગયા.
બાગમાં ઈસુ ઘૂંટણે પડ્યા અને દિલ ઠાલવીને ઈશ્વરને પ્રાર્થના કરી. થોડા જ સમયમાં સિપાઈઓ તેમને પકડવા આવ્યા. સાથે યાજકો અને બીજા માણસો પણ હતા. તેઓમાંથી યહૂદાએ ઈસુની ઓળખ આપવા તેમને ચુંબન કર્યું. સિપાઈઓએ તરત ઈસુને પકડી લીધા. પણ ઈસુના શિષ્યો નાસી છૂટ્યા.
ઈસુને યહુદી ન્યાયસભામાં લાવવામાં આવ્યા. ત્યાં ઈસુએ કબૂલ કર્યું કે તે ઈશ્વરના દીકરા છે. ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકીને ન્યાયસભાએ ઈસુને દોષિત ઠરાવ્યા. તેઓ ઈસુને મોતની સજા આપવા માગતા હતા. એટલે તેમને રૂમી અધિકારી પોંતિયસ પિલાત પાસે લઈ ગયા. પિલાતને ઈસુમાં કોઈ વાંક-ગુનો દેખાયો નહિ. તોપણ તેણે ઈસુના દુશ્મનોનું માની લીધું.
રૂમી સિપાઈઓ ઈસુને ગલગથા નામની જગ્યાએ લઈ ગયા. તેમને થાંભલા પર હાથે-પગે ખીલા મારીને લટકાવ્યા. અચાનક ભર દિવસે અંધારું છવાઈ ગયું. મોડી બપોરે ઈસુએ દમ તોડી દીધો. એ જ ઘડીએ મોટો ધરતીકંપ થયો. પછી ઈસુને એક કબરમાં મૂકવામાં આવ્યા, જે ખડકમાં ખોદેલી એક ગુફા હતી. બીજા દિવસે ધર્મગુરુઓએ એ ગુફાને મોટા પથ્થરથી પૂરી દીધી. ત્યાં ચોકીદાર પણ રાખ્યો. પછી ઈસુનું શું થયું? એક મોટો ચમત્કાર થયો. ચાલો જોઈએ.
—આ માહિતી માથ્થી ૨૬-૨૭; અધ્યાય; માર્ક ૧૪-૧૫ અધ્યાય; લૂક ૨૨-૨૩ અધ્યાય; યોહાન ૧૨-૧૯ અધ્યાયમાંથી લીધી છે.
a ઈસુએ આપેલી કુરબાની વિષે વધુ જાણવા,