વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૩ પાન ૧૭-૨૩
  • “તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો”
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • “વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે?
  • કેમ ‘આગેવાની લેતા ભાઈઓને યાદ રાખવા’ જોઈએ?
  • આપણે કઈ રીતે ભરોસો બતાવીએ છીએ?
  • ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • વિશ્વાસુ કારભારી અને ગવર્નિંગ બૉડી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૩ પાન ૧૭-૨૩

પ્રકરણ ૩

“તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો”

પ્રેરિત પાઉલના એ શબ્દો હિબ્રૂઓ ૧૩:૭માં નોંધેલા છે. માલિક ઈસુ ખ્રિસ્તના વફાદાર પ્રેરિતોએ સાલ ૩૩ના પચાસમા દિવસથી નિયામક જૂથ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ જૂથે નવા મંડળોને માર્ગદર્શન આપવા આગેવાની લીધી. (પ્રે.કા. ૬:૨-૪) સાલ ૪૯ સુધીમાં ઈસુના પ્રેરિતોની સાથે નિયામક જૂથમાં બીજા ભાઈઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો. સુન્‍નત વિશે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે, યરૂશાલેમના “પ્રેરિતો અને વડીલો” નિયામક જૂથનો ભાગ હતા. (પ્રે.કા. ૧૫:૧, ૨) બધા ખ્રિસ્તીઓને અસર કરે એવી બાબતો હાથ ધરવાની જવાબદારી તેઓની હતી. તેઓ મંડળોને પત્રો લખતા અને પોતાના નિર્ણયો જણાવતા. એનાથી મંડળો શ્રદ્ધામાં મજબૂત થતાં. તેમ જ, બધા શિષ્યો એકમનના થતા અને એકતામાં કામ કરતા. બધાં મંડળો નિયામક જૂથનું માર્ગદર્શન પાળતા અને એને આધીન રહેતા. એટલે તેઓને યહોવાના આશીર્વાદ મળ્યા અને મંડળો વધતાં ગયાં.—પ્રે.કા. ૮:૧, ૧૪, ૧૫; ૧૫:૨૨-૩૧; ૧૬:૪, ૫; હિબ્રૂ. ૧૩:૧૭.

૨ પ્રેરિતોના મરણ પછી મંડળમાં જૂઠા શિક્ષણનો પગપેસારો થયો. (૨ થેસ્સા. ૨:૩-૧૨) ઈસુએ ઘઉં અને જંગલી છોડના ઉદાહરણમાં જે કહ્યું હતું એવું જ થયું. જ્યાં ઘઉં (અભિષિક્ત ખ્રિસ્તીઓ) વાવવામાં આવ્યા હતા ત્યાં પછીથી જંગલી છોડનાં બી (ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતા લોકો) પણ વાવવામાં આવ્યાં. સદીઓ સુધી એ બંનેને સાથે વધવા દેવામાં આવ્યા. કાપણીનો સમય, એટલે કે ‘દુનિયાના અંતનો’ સમય આવ્યો નહિ ત્યાં સુધી એને વધવા દેવામાં આવ્યા. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) એ વર્ષો દરમિયાન અભિષિક્ત ખ્રિસ્તીઓ પર ઈસુની કૃપા હતી. પણ ત્યારે નિયામક જૂથ ન હતું, એટલે કે પૃથ્વી પર એવી કોઈ ગોઠવણ ન હતી, જેના દ્વારા ઈસુ શિષ્યોને માર્ગદર્શન આપે. (માથ. ૨૮:૨૦) પણ ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે કાપણીના સમયે એક ફેરફાર થશે.

૩ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને સવાલ પૂછ્યો: “વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે?” પછી તેમણે એક ઉદાહરણ આપ્યું, જે ‘દુનિયાના અંતના સમયની નિશાનીનો’ એક ભાગ હતું. (માથ. ૨૪:૩, ૪૨-૪૭) ઈસુએ જણાવ્યું કે વિશ્વાસુ ચાકર ઈશ્વરભક્તોને “યોગ્ય સમયે” ભક્તિને લગતું શિક્ષણ આપવામાં વ્યસ્ત હશે. એ ચાકર માણસોના સમૂહનો બનેલો છે. પહેલી સદીમાં ઈસુએ એક વ્યક્તિને નહિ, પણ અમુક માણસોને આગેવાની લેવા પસંદ કર્યા હતા. એવી જ રીતે ઈસુ દુનિયાના અંતના સમયે વિશ્વાસુ ચાકરનો ઉપયોગ કરે છે.

“વિશ્વાસુ અને સમજુ ચાકર” કોણ છે?

૪ શિષ્યોને ભક્તિને લગતું શિક્ષણ આપવા ઈસુએ કોને જવાબદારી સોંપી? આપણે કહી શકીએ કે તેમણે પૃથ્વી પરના અભિષિક્તોને એ જવાબદારી સોંપી. બાઇબલ તેઓને “રાજાઓ તરીકે સેવા આપતા યાજકો” કહે છે. તેઓને આજ્ઞા આપવામાં આવી છે કે “‘તમે બધી જગ્યાએ એ ઈશ્વરના મહાન ગુણો જાહેર કરો,’ જે તમને અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં લાવ્યા છે.” (૧ પિત. ૨:૯; માલા. ૨:૭; પ્રકટી. ૧૨:૧૭) શું પૃથ્વી પરના બધા જ અભિષિક્તો વિશ્વાસુ ચાકરનો ભાગ છે? ના, એવું નથી. યાદ કરો કે ઈસુએ ચમત્કાર કરીને ૫,૦૦૦ પુરુષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોને જમાડ્યાં ત્યારે શું કર્યું હતું? ઈસુએ પહેલા શિષ્યોને ખોરાક આપ્યો અને તેઓએ ટોળાને વહેંચી આપ્યો. (માથ. ૧૪:૧૯) તેમણે થોડા શિષ્યોની મદદથી ઘણાને જમાડ્યા. આજે પણ ઈસુ થોડા લોકો દ્વારા ભક્તિને લગતો ખોરાક ઘણાને પૂરો પાડી રહ્યા છે.

૫ “વિશ્વાસુ અને સમજુ ચાકર” અભિષિક્ત ભાઈઓથી બનેલો નાનો સમૂહ છે. તેઓ ખ્રિસ્તની હાજરી દરમિયાન ભક્તિને લગતો ખોરાક તૈયાર કરે છે અને એને મંડળો સુધી પહોંચાડે છે. (લૂક ૧૨:૪૨) આ છેલ્લા દિવસોમાં, “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકે સેવા આપતા અભિષિક્ત ભાઈઓ મુખ્યમથકમાં સંપીને કામ કરે છે. આજે એ અભિષિક્ત ભાઈઓથી યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ બનેલું છે.

૬ ખ્રિસ્ત ઈસુ નિયામક જૂથ દ્વારા સમજણ આપે છે કે કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. તેમ જ, રોજબરોજના જીવનમાં કઈ રીતે બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડી શકાય. એ શિક્ષણ યહોવાના સાક્ષીઓનાં બધાં મંડળોમાં સમયસર આપવામાં આવે છે. (યશા. ૪૩:૧૦; ગલા. ૬:૧૬) બાઇબલ સમયમાં વફાદાર ચાકર અથવા કારભારી માલિકના ઘરની દેખરેખ રાખતો હતો. એવી જ રીતે, વિશ્વાસુ અને સમજુ ચાકરને વફાદાર ભક્તોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે વિશ્વાસુ ચાકર આની દેખરેખ રાખે છે: સંગઠનની માલ-મિલકત, પ્રચારકામ, સંમેલન અને મહાસંમેલનનો કાર્યક્રમ. એ ચાકર સંગઠનની અલગ અલગ જવાબદારીઓ ઉપાડવા ભાઈઓને નીમે છે અને બાઇબલનું શિક્ષણ આપતું સાહિત્ય તૈયાર કરે છે. એ બધાથી ‘ઘરના સેવકોને’ ફાયદો થાય છે.—માથ. ૨૪:૪૫.

૭ “ઘરના સેવકો” કોણ છે? જેઓ બાઇબલના શિક્ષણનો લાભ લે છે તેઓ “ઘરના સેવકો” છે. શરૂઆતમાં ઘરના સેવકોમાં અભિષિક્તો હતા. પછી એમાં મોટા ટોળાના ‘બીજાં ઘેટાંનો’ પણ સમાવેશ થયો. (યોહા. ૧૦:૧૬) એ બંને સમૂહના લોકો વિશ્વાસુ ચાકર દ્વારા આપવામાં આવતું શિક્ષણ લે છે.

૮ ઈસુ મોટી વિપત્તિ વખતે દુષ્ટ દુનિયાનો ન્યાય કરવા આવશે ત્યારે, વિશ્વાસુ ચાકરને “પોતાની બધી માલ-મિલકતની” જવાબદારી સોંપશે. (માથ. ૨૪:૪૬, ૪૭) જે અભિષિક્તો વિશ્વાસુ ચાકરનો ભાગ છે તેઓને સ્વર્ગમાં ઇનામ મળશે. છેવટે સ્વર્ગમાં ૧,૪૪,૦૦૦ લોકો ખ્રિસ્ત જોડે રાજ કરશે. એ પછી પૃથ્વી પર વિશ્વાસુ અને સમજુ ચાકર નહિ હોય. પણ યહોવા અને ઈસુ “આગેવાનો” દ્વારા મસીહના રાજમાં લોકોને માર્ગદર્શન આપશે.—ગીત. ૪૫:૧૬.

કેમ ‘આગેવાની લેતા ભાઈઓને યાદ રાખવા’ જોઈએ?

૯ ‘આગેવાની લેતા ભાઈઓને યાદ રાખવા’ અને તેઓ પર ભરોસો કરવાના આપણી પાસે ઘણાં કારણો છે. એનાથી આપણને જ ફાયદો થાય છે. પ્રેરિત પાઉલે જણાવ્યું: “તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે. જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.” (હિબ્રૂ. ૧૩:૧૭) આગેવાની લેતા ભાઈઓ આપણી દેખરેખ રાખે છે, જેથી યહોવા સાથે આપણો સંબંધ મજબૂત રહે અને આપણું ભલું થાય. એટલે જરૂરી છે કે એ ભાઈઓનું કહેવું માનીએ અને તેઓને આધીન રહીએ.

૧૦ પાઉલે ૧ કોરીંથીઓ ૧૬:૧૪માં કહ્યું: “તમે જે કંઈ કરો, એ પ્રેમથી કરો.” પ્રેમના ગુણ વિશે ૧ કોરીંથીઓ ૧૩:૪-૮ જણાવે છે: “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે. પ્રેમ ઈર્ષા કરતો નથી. એ બડાઈ મારતો નથી, ફુલાઈ જતો નથી. પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનો જ લાભ જોતો નથી, ઉશ્કેરાઈ જતો નથી, કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી. પ્રેમ અન્યાયમાં ખુશ થતો નથી, પણ સત્યમાં ખુશ થાય છે. પ્રેમ બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે, બધું ધીરજ રાખીને સહન કરે છે. પ્રેમ કાયમ ટકી રહે છે.” યહોવાના ભક્તોના ભલા માટે બધા નિર્ણયો પ્રેમને આધારે લેવામાં આવે છે. એટલે આપણે સંગઠન દ્વારા મળતા માર્ગદર્શન પર ભરોસો રાખી શકીએ છીએ. વધુમાં એ માર્ગદર્શનમાં યહોવાના પ્રેમની ઝલક જોવા મળે છે.

યહોવા સાથે આપણો સંબંધ મજબૂત રહે એ માટે જરૂરી છે કે દેખરેખ રાખતા ભાઈઓને આધીન રહીએ

૧૧ પહેલી સદીની જેમ આજે પણ યહોવા પોતાના ભક્તોને દોરવા માણસોનો ઉપયોગ કરે છે. આપણી જેમ તેઓથી પણ ભૂલો થાય છે. યહોવાએ પોતાની ઇચ્છા પૂરી કરવા અગાઉ પણ એવા માણસોનો ઉપયોગ કર્યો હતો. જેમ કે નૂહે વહાણ બનાવ્યું અને આવનાર વિનાશ વિશે પ્રચાર કર્યો હતો. (ઉત. ૬:૧૩, ૧૪, ૨૨; ૨ પિત. ૨:૫) યહોવાએ મૂસાને જવાબદારી સોંપી હતી કે તે ઈશ્વરભક્તોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવે. (નિર્ગ. ૩:૧૦) અમુક માણસોએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખ્યું હતું, તેઓમાં પણ પાપ અને મરણની અસર હતી. (૨ તિમો. ૩:૧૬; ૨ પિત. ૧:૨૧) પ્રચારકામ અને શિષ્યો બનાવવાના કામની દેખરેખ રાખવા યહોવા આજે આપણા જેવા પાપી માણસોનો ઉપયોગ કરે છે. એ જાણીને ઈશ્વરના સંગઠન પર આપણો ભરોસો ઓછો થતો નથી. પણ આપણો ભરોસો તો વધારે મજબૂત થાય છે કે યહોવા જ સંગઠન ચલાવે છે. આજે સંગઠન જે મોટાં મોટાં કામ કરે છે એ તેમની મદદ વગર શક્ય નથી. વિશ્વાસુ ચાકર ઘણી મુશ્કેલીઓમાંથી પાર ઊતરી શક્યો, એનાથી દેખાઈ આવ્યું કે ઈશ્વરની શક્તિ એને દોરી રહી છે. આજે યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગને ઘણા આશીર્વાદો મળે છે. એટલે આપણે પૂરા દિલથી એને સાથ આપીએ છીએ અને એના પર ભરોસો મૂકીએ છીએ.

આપણે કઈ રીતે ભરોસો બતાવીએ છીએ?

૧૨ અમુક ભાઈઓને મંડળમાં આગેવાની લેવા નીમવામાં આવે છે. તેઓ પોતાની સોંપણી ખુશીથી સ્વીકારે છે અને બધી જવાબદારીઓ દિલથી નિભાવે છે. આમ તેઓ યહોવા અને તેમની ગોઠવણો પર ભરોસો બતાવે છે. (પ્રે.કા. ૨૦:૨૮) આપણે રાજ્યની ખુશખબર જણાવવા ઉત્સાહથી ઘર ઘરના પ્રચારકામમાં ભાગ લઈએ છીએ, ફરી મુલાકાતો કરીએ છીએ અને બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) વિશ્વાસુ ચાકર ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે અને આપણે એનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ છીએ. એ માટે આપણે સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોની તૈયારી કરીએ છીએ અને એમાં હાજર રહીએ છીએ. ભાઈ-બહેનોને મળીને અને એકબીજાને ઉત્તેજન આપીને આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૧૩ દાન આપીને બતાવીએ છીએ કે આપણને સંગઠન પર ભરોસો છે. (નીતિ. ૩:૯, ૧૦) જ્યારે ભાઈ-બહેનોને પૈસેટકે મદદની જરૂર હોય છે ત્યારે આપણે તરત મદદનો હાથ લંબાવીએ છીએ. (ગલા. ૬:૧૦; ૧ તિમો. ૬:૧૮) એમ કરવાનું કારણ એ છે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ અને યહોવા તથા તેમના સંગઠન તરફથી મળતા આશીર્વાદોની કદર બતાવવા ચાહીએ છીએ.—યોહા. ૧૩:૩૫.

૧૪ સંગઠને લીધેલા નિર્ણયો સ્વીકારીને પણ બતાવીએ છીએ કે આપણને એના પર ભરોસો છે. એ માટે જરૂરી છે કે ‘આગેવાની લેતા ભાઈઓ’ જેમ કે, સરકીટ નિરીક્ષકો અને વડીલોનું માર્ગદર્શન આપણે નમ્રતાથી સ્વીકારીએ અને તેઓને આધીન રહીએ. (હિબ્રૂ. ૧૩:૭, ૧૭) બની શકે કે તેઓના અમુક નિર્ણયો આપણને પૂરી રીતે ન સમજાય, તોપણ આપણને ખબર છે કે એ નિર્ણયો પ્રમાણે કરવાથી આપણું જ ભલું થશે. જ્યારે બાઇબલ અને યહોવાના સંગઠનની સલાહ સ્વીકારીએ છીએ, ત્યારે યહોવા આપણા પર આશીર્વાદો વરસાવે છે. એમ કરીને બતાવીએ છીએ કે આપણે બધી બાબતોમાં માલિક ઈસુ ખ્રિસ્તને આધીન છીએ.

૧૫ વિશ્વાસુ અને સમજુ ચાકર પર પૂરો ભરોસો રાખવાના આપણી પાસે ઘણાં કારણો છે. આ દુનિયાનો દેવ શેતાન, યહોવાના નામને અને તેમના સંગઠનને બદનામ કરવા આકાશ પાતાળ એક કરી રહ્યો છે. (૨ કોરીં. ૪:૪) પણ આપણે ધ્યાન રાખીએ કે શેતાનની ચાલાકીઓથી છેતરાઈ ન જઈએ. (૨ કોરીં. ૨:૧૧) તે જાણે છે કે “તેની પાસે થોડો જ સમય છે.” જલદી જ તેને અનંત ઊંડાણમાં નાખી દેવામાં આવશે. તે બની શકે એટલા યહોવાના ભક્તોને તેમનાથી દૂર લઈ જવા ધમપછાડા કરે છે. (પ્રકટી. ૧૨:૧૨) ભલે શેતાન ગમે એટલા પ્રયત્નો કરે પણ આપણે યહોવાની નજીક જવા બનતું બધું કરીએ. ચાલો, આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ. તેમ જ યહોવા જેના દ્વારા પોતાના ભક્તોને માર્ગદર્શન આપે છે, એ વિશ્વાસુ ચાકર પર પણ પૂરો ભરોસો રાખીએ. એમ કરીએ છીએ ત્યારે ભાઈ-બહેનો વચ્ચે એકતા મજબૂત થાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો