પાઠ ૪
ગુસ્સાનું ખરાબ પરિણામ
એદન બાગમાંથી નીકળ્યા પછી આદમ અને હવાને ઘણાં બાળકો થયાં. તેઓનાં પહેલા દીકરાનું નામ હતું, કાઈન. તે ખેતી કરતો હતો. બીજા દીકરાનું નામ હતું, હાબેલ. તે ઘેટાં ચરાવતો હતો.
એક દિવસે કાઈન અને હાબેલે યહોવાને અર્પણ ચઢાવ્યું. શું તમે જાણો છો અર્પણ એટલે શું? અર્પણ એટલે ઈશ્વરને આપવામાં આવતી ભેટ. હાબેલની ભેટથી યહોવા બહુ ખુશ થયા, પણ કાઈનની ભેટથી ખુશ ન થયા. એટલે કાઈનને બહુ ગુસ્સો આવ્યો. યહોવાએ કહ્યું: ‘ગુસ્સો કરવાનું છોડી દે, નહિ તો તું કંઈક ખોટું કામ કરી બેસીશ.’ પણ કાઈને તેમની વાત ન માની.
કાઈને હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને તેના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. એ જોઈને યહોવાએ શું કર્યું? યહોવાએ કાઈનને સજા કરી. તેમણે કાઈનને તેના કુટુંબથી એકદમ દૂર મોકલી દીધો અને ફરી ક્યારેય પાછો આવવા ન દીધો.
એમાંથી શું શીખી શકીએ? આપણને જે ગમતું હોય એ ન થાય ત્યારે, ગુસ્સો આવી શકે. આપણને ગુસ્સે થતા જોઈને કદાચ બીજાઓ કહે કે ગુસ્સે ન થઈશ. એ સમયે આપણે તરત જ ગુસ્સો કરવાનું છોડી દેવું જોઈએ, નહિ તો આપણાથી કંઈક ખોટું થઈ શકે છે.
હાબેલ યહોવાને પ્રેમ કરતા હતા. તે યહોવાને જે ગમતું હતું એ જ કરતા હતા. એટલે યહોવા તેમને હંમેશાં યાદ રાખશે. જ્યારે યહોવા આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે, ત્યારે તે હાબેલને જીવતા કરશે.
“પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.”—માથ્થી ૫:૨૪