પાઠ ૭૧
યહોવાએ ઈસુને બચાવ્યા
ઇઝરાયેલના પૂર્વમાં એક દેશ હતો. ત્યાંના લોકો માનતા હતા કે તારાઓ કોઈ જગ્યાનો રસ્તો બતાવી શકે છે. એક રાતે પૂર્વના અમુક માણસોએ આકાશમાં તારા જેવું કંઈક ચમકતું જોયું, જે આગળ વધતું હતું. એ માણસો એની પાછળ પાછળ જવા લાગ્યા. એ તારો તેઓને યરૂશાલેમ લઈ આવ્યો. એ માણસોએ લોકોને પૂછ્યું: ‘એ બાળક ક્યાં છે, જે મોટું થઈને યહૂદીઓનો રાજા બનશે? અમે તેને ઘૂંટણિયે પડીને નમન કરવા આવ્યા છીએ.’
યરૂશાલેમના રાજા હેરોદે એ નવા રાજા વિશે સાંભળ્યું ત્યારે, તે ખૂબ ચિંતામાં પડી ગયો. તેણે મુખ્ય યાજકોને બોલાવીને પૂછ્યું: ‘એ રાજાનો જન્મ ક્યાં થવાનો છે?’ તેઓએ કહ્યું: ‘પ્રબોધકોના જણાવ્યા પ્રમાણે એનો જન્મ બેથલેહેમમાં થશે.’ પછી હેરોદે પૂર્વથી આવેલા એ માણસોને બોલાવ્યા અને કહ્યું: ‘તમે બેથલેહેમ જાઓ અને એ બાળકને શોધો. પછી મને આવીને જણાવજો કે એ ક્યાં છે. હું પણ એને ઘૂંટણિયે પડીને નમન કરવા માંગું છું.’ પણ હેરોદ જૂઠું બોલતો હતો.
તારો ફરી આગળ વધવા લાગ્યો. પૂર્વના એ માણસો એની પાછળ પાછળ ગયા અને બેથલેહેમ પહોંચ્યા. એ તારો એક ઘર પર આવીને અટકી ગયો. તેઓ ઘરમાં ગયા અને ઈસુને તેમની મા મરિયમ સાથે જોયા. તેઓએ બાળકને ઘૂંટણિયે પડીને નમન કર્યું. તેઓએ ભેટમાં સોનું, લોબાન અને બોળ આપ્યાં. શું એ માણસોને યહોવાએ ઈસુ પાસે મોકલ્યા હતા? ના!
એ જ રાતે યહોવાએ સપનામાં યુસફને કહ્યું: ‘હેરોદ ઈસુને મારી નાખવા માંગે છે. તું તારી પત્ની અને દીકરાને લઈને ઇજિપ્ત નાસી જા. જ્યાં સુધી હું કહું નહિ, ત્યાં સુધી ત્યાં જ રહેજે.’ યુસફ અને તેમનું કુટુંબ તરત ઇજિપ્ત જતા રહ્યા.
યહોવાએ પૂર્વથી આવેલા માણસોને કહ્યું કે તેઓ હેરોદ પાસે પાછા ન જાય. જ્યારે હેરોદને ખબર પડી કે એ માણસો પાછા નહિ આવે, ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. તે ઈસુને શોધી શકતો ન હતો. એટલે તેણે હુકમ આપ્યો કે બેથલેહેમમાં ઈસુની ઉંમરના છોકરાઓને મારી નાખવામાં આવે. પણ ઈસુ તો બેથલેહેમથી બહુ દૂર ઇજિપ્તમાં હતા. ત્યાં તેમને કોઈ જોખમ ન હતું.
થોડા સમય પછી હેરોદ મરી ગયો. યહોવાએ યુસફને કહ્યું: ‘હવે કોઈ ખતરો નથી. તું પાછો જઈ શકે છે.’ એટલે યુસફ, મરિયમ અને ઈસુ ઇઝરાયેલ પાછા ગયા અને નાઝરેથ શહેરમાં રહેવા લાગ્યાં.
‘મારા મોંમાંથી નીકળેલું વચન મારા કહેવા પ્રમાણે ચોક્કસ પૂરું થશે.’—યશાયા ૫૫:૧૧