પાઠ ૯૧
ઈસુને જીવતા કરવામાં આવ્યા
ઈસુના મરણ પછી, યૂસફ નામના એક અમીર માણસે પિલાત પાસે ઈસુનું શબ માંગ્યું. યૂસફે શબને વધસ્તંભ પરથી ઉતારીને સુગંધી દ્રવ્યો અને શણના કાપડમાં લપેટ્યું. પછી શબને નવી કબરમાં મૂક્યું, જ્યાં કદી કોઈ શબ મૂકવામાં આવ્યું ન હતું. તેમણે કબરના મુખ પર મોટો પથ્થર મૂકવા જણાવ્યું. મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું: ‘અમને ડર છે કે ઈસુના અમુક શિષ્યો આવીને તેનું શબ લઈ જશે અને કહેશે કે તે જીવતો થઈ ગયો છે.’ એટલે પિલાતે તેઓને કહ્યું: ‘કબરને બરાબર બંધ કરી દો અને ત્યાં ચોકીદારો રાખો.’
ત્રણ દિવસ પછી, અમુક સ્ત્રીઓ વહેલી સવારે કબર પાસે ગઈ. તેઓએ જોયું કે કબર આગળથી પથ્થર ખસેડી નાખવામાં આવ્યો છે. કબરની અંદર એક દૂત હતો. દૂતે સ્ત્રીઓને કહ્યું: ‘ડરશો નહિ! ઈસુને જીવતા કરવામાં આવ્યા છે. જાઓ, જઈને તેમના શિષ્યોને જણાવો કે તેઓ ઈસુને મળવા ગાલીલ જાય.’
મરિયમ માગદાલેણ તરત પિતર અને યોહાનને શોધવા નીકળી પડ્યાં. મરિયમે તેઓને કહ્યું: ‘ઈસુનું શબ કોઈ લઈ ગયું છે.’ પિતર અને યોહાન દોડીને કબર પાસે આવ્યા. તેમણે જોયું કે કબર તો ખાલી છે, એટલે તેઓ પાછા ઘરે જતા રહ્યા.
મરિયમ કબર પાસે પાછાં આવ્યાં ત્યારે, તેમણે બે દૂતોને જોયા. મરિયમે દૂતોને કહ્યું: ‘હું નથી જાણતી કે તેઓ મારા માલિકને ક્યાં લઈ ગયા છે.’ પછી મરિયમને એક માણસ દેખાયો. તેમને લાગ્યું કે તે માળી છે અને એ માણસને કહ્યું: ‘ભાઈ, મને જણાવો કે તમે મારા માલિકને ક્યાં લઈ ગયા છો.’ પણ એ માણસે તેમને “મરિયમ!” કહીને બોલાવ્યા ત્યારે, તે તરત ઓળખી ગયા કે એ માણસ ઈસુ છે. તે બોલી ઊઠ્યા: ‘ગુરુજી!’ અને તેમને પકડી રાખ્યા. ઈસુએ તેમને કહ્યું: ‘જઈને મારા ભાઈઓને જણાવ કે તેં મને જોયો છે.’ મરિયમ તરત દોડીને શિષ્યો પાસે ગયા અને તેઓને જણાવ્યું કે તેમણે ઈસુને જોયા છે.
એ જ દિવસે, બે શિષ્યો યરૂશાલેમથી એમ્મોસ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે એક માણસ ચાલવા લાગ્યો. તેણે તેઓને પૂછ્યું: ‘તમે શેના વિશે વાતો કરી રહ્યા છો?’ તેઓએ કહ્યું: ‘શું તમે નથી સાંભળ્યું? ત્રણ દિવસ પહેલાં પ્રમુખ યાજકોએ ઈસુને મારી નાખ્યા હતા. હવે અમુક સ્ત્રીઓ કહી રહી છે કે તે જીવતા થઈ ગયા છે.’ એ માણસે પૂછ્યું: ‘શું તમને પ્રબોધકોની વાતો પર ભરોસો નથી? પ્રબોધકોએ કહ્યું હતું કે મસીહને મારી નાખવામાં આવશે અને પછી જીવતા કરવામાં આવશે.’ તે શિષ્યોને શાસ્ત્રમાં લખેલી વાતો સમજાવતા રહ્યા. જ્યારે તેઓ એમ્મોસ પહોંચ્યા, ત્યારે શિષ્યોએ તેમને પોતાની સાથે રોકાવા કહ્યું. સાંજે જમવાના સમયે એ માણસે રોટલી પર પ્રાર્થના કરી ત્યારે, શિષ્યો ઓળખી ગયા કે તે ઈસુ છે. પછી ઈસુ ગાયબ થઈ ગયા.
બંને શિષ્યો તરત યરૂશાલેમ પાછા આવ્યા. તેઓ એ ઘરે ગયા, જ્યાં પ્રેરિતો ભેગા થયા હતા અને જે બન્યું હતું એ બધું તેઓને જણાવ્યું. તેઓ ઘરની અંદર હતા ત્યારે, ઈસુ બધાને દેખાયા. પહેલા તો પ્રેરિતોને ભરોસો ન થયો કે તે ઈસુ છે. એટલે ઈસુએ તેઓને કહ્યું: ‘મારા હાથ જુઓ, મને અડકીને જુઓ. શાસ્ત્રમાં લખ્યું છે કે ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં આવશે.’
“માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા દ્વારા જ પિતા પાસે જઈ શકાય છે.”—યોહાન ૧૪:૬