પાઠ ૯૯
કેદખાનાના અધિકારી ઈશ્વર વિશે શીખ્યા
ફિલિપી શહેરમાં એક દાસી દુષ્ટ દૂતના કાબૂમાં હતી. દુષ્ટ દૂતને લીધે એ છોકરી ભવિષ્ય જણાવી શકતી હતી. એના લીધે તેના માલિકો ઘણા પૈસા કમાતા હતા. પાઉલ અને સિલાસ ફિલિપી આવ્યા ત્યારે, ઘણા દિવસો સુધી એ છોકરી તેઓની પાછળ પાછળ ફરતી. દુષ્ટ દૂત એ છોકરી પાસે બૂમો પડાવીને બોલાવતો: “આ માણસો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે.” છેવટે પાઉલે દુષ્ટ દૂતને કહ્યું: ‘ઈસુના નામમાં હું તને હુકમ કરું છું કે તેને છોડીને જતો રહે.’ તરત જ દુષ્ટ દૂત જતો રહ્યો.
એ છોકરીના માલિકોએ જોયું કે હવે પૈસા આવવાના બંધ થઈ ગયા છે. એટલે તેઓને બહુ ગુસ્સો આવ્યો. તેઓ પાઉલ અને સિલાસને ઘસડીને શહેરના ઉચ્ચ અધિકારીઓ પાસે લઈ ગયા અને કહ્યું: ‘આ માણસો કાયદો તોડી રહ્યા છે અને આખા શહેરમાં ધાંધલ મચાવી રહ્યા છે.’ એ અધિકારીઓએ હુકમ કર્યો કે પાઉલ અને સિલાસને ફટકા મારીને કેદખાનામાં નાખી દેવામાં આવે. કેદખાનાના અધિકારીએ તેઓને સૌથી અંદરની અંધારી કોટડીમાં પૂરી દીધા. તેમ જ, તેઓના પગ હેડમાં એટલે કે, લાકડાંના પાટિયામાં જકડી દીધા.
પાઉલ અને સિલાસ યહોવાની સ્તુતિ કરવા ગીતો ગાઈ રહ્યા હતા. બીજા કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા. અડધી રાતે અચાનક મોટો ધરતીકંપ આવ્યો અને કેદખાનાના પાયા હલી ગયા. બધા દરવાજા ખુલી ગયા અને કેદીઓને બાંધ્યા હતા, એ બધાં બંધનો પણ ખુલી ગયાં. કેદખાનાના અધિકારી દોડીને અંદરની કોટડી પાસે ગયા અને જોયું કે દરવાજા ખુલ્લા છે. તેમને લાગ્યું કે બધા કેદીઓ ભાગી ગયા છે. એટલે તેમણે પોતાનો જીવ લેવા તલવાર કાઢી.
એટલામાં પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું: “એવું ના કરીશ. અમે બધા અહીંયા જ છીએ!” કેદખાનાના અધિકારી તરત અંદર ગયા અને પાઉલ અને સિલાસના પગે પડ્યા. તેમણે તેઓને પૂછ્યું: “ઉદ્ધાર મેળવવા મારે શું કરવું જોઈએ?” તેઓએ કહ્યું: ‘તારે અને તારા ઘરના બધા સભ્યોએ ઈસુમાં શ્રદ્ધા મૂકવી જોઈએ.’ પાઉલ અને સિલાસે તેઓને યહોવાનો સંદેશો જણાવ્યો. કેદખાનાના અધિકારી અને તેમના ઘરના સભ્યોએ બાપ્તિસ્મા લીધું.
“લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે. તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે. એના લીધે તમને સાક્ષી આપવાની તક મળશે.”—લૂક ૨૧:૧૨, ૧૩