વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧/૧ પાન ૨૧-૨૩
  • ‘પૉલિશ ભાઈઓનો પંથ’ - શા માટે તેઓની સતાવણી થઈ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘પૉલિશ ભાઈઓનો પંથ’ - શા માટે તેઓની સતાવણી થઈ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • પંથના ભાગલા
  • બુડનીનું મહત્ત્વનું કાર્ય
  • તેઓએ શિક્ષણને પ્રોત્સાહન આપ્યું
  • ચર્ચ અને સરકારે વિરોધ કર્યો
  • તેઓએ જીવનનો માર્ગ પસંદ કર્યો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • પહેરવેશ અને શણગાર મારા માર્ગમાં કાંટા જેવા હતા
    સજાગ બનો!: પહેરવેશ અને શણગાર મારા માર્ગમાં કાંટા જેવા હતા
  • ઈશ્વરભક્તિમાં અમારું સંતોષી જીવન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ભાષાઓ અનેક પણ પ્રેમનો રંગ એક
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧/૧ પાન ૨૧-૨૩

‘પૉલિશ ભાઈઓનો પંથ’ - શા માટે તેઓની સતાવણી થઈ?

પોલૅન્ડની ધારાસભાએ, ૧૬૩૮માં પૉલિશ ભાઈઓના પંથ તરીકે જાણીતા એક નાના ધાર્મિક વૃંદ પર આકરો હુમલો કર્યો. તેઓના ચર્ચ અને છાપકામના મશીનનો નાશ કરવામાં આવ્યો. તેમ જ, રાકૉવની યુનિવર્સિટી પણ બંધ કરવામાં આવી, અને ત્યાં જે પ્રાધ્યાપકો શીખવતા હતા તેઓનો દેશનિકાલ કરવામાં આવ્યો.

વીસ વર્ષ પછી ધારાસભાએ આગળ પગલાં લીધા. એ દેશમાં આ નાનકડા પંથના લગભગ ૧૦,૦૦૦થી વધારે સભ્યો હતા, અને તેઓ સર્વને દેશ છોડી જવાનો હુકમ કર્યો. પરંતુ આખા યુરોપમાં જે સૌથી વધુ સહિષ્ણું દેશ કહેવાતો હતો, એ દેશમાં આવી પરિસ્થિતિ કઈ રીતે થઈ? પૉલિશ ભાઈઓના પંથે એવું શું કર્યું હતું કે તેઓએ ક્રૂર સજા ભોગવવી પડી?

પોલૅન્ડના કાલવીનીસ્ટ ચર્ચમાં પડેલી ફાટફૂટથી એની શરૂઆત થઈ. એ ઝઘડાનું મુખ્ય કારણ ત્રૈક્યની માન્યતા હતી. આ ચર્ચમાંથી નવા વિચારો ધરાવનારા કેટલાક ઊભા થયા, જેઓએ એ માન્યતા શાસ્ત્રીય નથી, એમ કહીને નકારી કાઢી. એનાથી ચર્ચના આગેવાનો ગુસ્સે ભરાયા, અને આ નવા વિચારો ધરાવનારા તેઓથી છૂટા પડ્યા.

કાલવીનીસ્ટ ચર્ચે તેઓને એરીયન કહ્યા,a પરંતુ આ નવા પંથના સભ્યોએ પોતાને માટે ખ્રિસ્તીઓ અથવા પૉલિશ ભાઈઓનો પંથ નામ પસંદ કર્યું. તેઓ ઇટાલીયન લીલયસ સોકીનસના નામ પરથી સોકીનીઅન્સ તરીકે પણ જાણીતા છે, જે સર્વેટુસથી પ્રભાવિત થયા હતા. તેનો ભત્રીજો ફૉસ્ટસ સોકીનસ પોલૅન્ડ આવ્યો અને આ પંથનો આગેવાન થયો.

એ સમયે પોલૅન્ડના પ્રખ્યાત યાન સેનઇનસ્કી એક નવું ચર્ચ બાંધવા માટે “શાંત અને એકાંત જગ્યા” શોધી રહ્યા હતા જેથી એની વૃદ્ધિ થાય. એ ધર્મના કામ માટે પોલૅન્ડના રાજાએ પરવાનગી આપી. તેથી, સેનઇનસ્કીએ રાકૉવ શહેર પસંદ કર્યું, જ્યાં સમય જતાં પોલૅન્ડમાં સોકીનીઅન્સનું કેન્દ્ર બન્યું. સેનઇનસ્કીએ રાકૉવના નાગરિકોને અનેક હક્ક આપ્યા હતા, જેમાં ઉપાસનાની સ્વતંત્રતા પણ હતી.

કારીગરો, ડૉક્ટરો, દવાના ઉત્પાદકો, સામાન્ય લોકો, અને જુદા જુદા પંથના સભ્યો આ નવા શહેરથી લલચાયા. એ ઉપરાંત, પોલૅન્ડ, લિથુએનિયા, ટ્રાન્સીલવેનિઆ, ફ્રાંસ, અરે ઇંગ્લૅંડથી પણ પાદરીઓ ત્યાં રહેવા આવ્યા. તેમ છતાં, એ બધાએ કંઈ સોકીનીઅન્સની માન્યતા અપનાવી નહિ. તેથી, ૧૫૬૯થી ૧૫૭૨ સુધીમાં રાકૉવ શહેરમાં અગણિત ધાર્મિક ચર્ચાઓ થઈ રહી હતી. એનું પરિણામ શું આવ્યું?

પંથના ભાગલા

સમય જતા સોકીનીઅન પંથમાં બે ભાગલા પડ્યા. એક તરફ અમુક વધારે પડતા ચુસ્ત હતા, અને બીજી તરફના સમતોલ માન્યતાવાળા હતા. તેઓમાં મતભેદ હોવા છતાં સામાન્ય રીતે તેઓની માન્યતાઓ સ્પષ્ટ હતી. તેઓએ ત્રૈક્યનો નકાર કર્યો; તેઓએ નાના બાળકોના બાપ્તિસ્માનો ઇન્કાર કર્યો; સામાન્ય રીતે તેઓ હથિયાર ન ઉપાડતા અને રાજકારણમાં પણ ભાગ ન લેતા.b વળી, તેઓએ રિબાવનારી જગ્યા તરીકે નર્કની માન્યતાનો નકાર કર્યો. આમ, તેઓએ પ્રખ્યાત ધાર્મિક રીતરિવાજોને પકડી રાખ્યા નહિ.

કાલવીનીસ્ટ અને કૅથલિક પાદરીઓએ એ પંથનો સખત વિરોધ કર્યો. પરંતુ, સાગીસમંડ બીજો ઑગસ્ટસ અને સ્ટીફન બાથૉરી જેવા પૉલિશ રાજાઓએ ધાર્મિક સહનશીલતાનું વાતાવરણ ઊભું કર્યું. તેથી, સોકીનીઅન્સ પાદરીઓએ બીજાઓને પોતાના વિચારો શીખવવા એનો લાભ ઊઠાવ્યો.

બુડનીનું મહત્ત્વનું કાર્ય

એ સમયે, મોટા ભાગે કાલવીનીસ્ટ બાઇબલ ભાષાંતરનો ઉપયોગ થતો હતો. પરંતુ, વાચકોને એનાથી સંતોષ ન હતો. એનું કારણ એ હતું કે, એ ભાષાંતર મૂળ ભાષામાંથી થયું ન હતું. પરંતુ, એ લૅટિન વલ્ગેટમાંથી અને એ સમયના ફ્રેન્ચ ભાષાંતરોમાંથી થયું હતું. એક સત્તાએ જણાવ્યા પ્રમાણે, “સુંદર શબ્દોની શોધમાં એની ભરોસાપાત્રતા અને ચોક્સાઈ ગુમાવી દેવાઈ.” એ ઘણી બધી ભૂલોથી ભરેલું હતું. તેથી, જાણીતા વિદ્વાન, સિમૉન બુડનીને ભાષાંતરમાં સુધારો કરવા માટે બોલાવવામાં આવ્યા. તેમણે વિચાર્યું કે જૂનામાં સુધારો કરવાના બદલે નવેસરથી ભાષાંતર કરવું સહેલું પડશે. બુડનીએ ૧૫૬૭માં ભાષાંતરનું કામ શરૂ કર્યું.

બુડનીએ ભાષાંતર કરતી વખતે દરેક શબ્દ અને એના જુદા જુદા પ્રકારનો ઊંડો અભ્યાસ કર્યો. આ રીતે પોલૅન્ડમાં અગાઉ કોઈએ પણ કર્યું ન હતું. હેબ્રીમાંથી ભાષાંતર કરવાનું અઘરું થતું ત્યારે, તેમણે હાંસિયામાંની નોંધમાં શાબ્દિક ભાષાંતર પણ કર્યું. જરૂર હોય ત્યાં તેમણે નવા શબ્દો બનાવી, અને એ સમયની પોલૅન્ડની સાદી ભાષામાં ભાષાંતર કરવાનો પ્રયત્ન કર્યો. તેમનો ધ્યેય વાચકોને ભરોસાપાત્ર અને ચોક્સાઈભર્યું બાઇબલ ભાષાંતર આપવાનો હતો.

બુડનીનું આખા બાઇબલનું ભાષાંતર ૧૫૭૨માં પ્રકાશિત થયું. છતાં, પ્રકાશકોએ ગ્રીક શાસ્ત્રવચનોના તેમના ભાષાંતરમાં ફેરફાર કર્યો. હિંમત હાર્યા વિના, બુડનીએ સુધારો કરવાનું શરૂ કર્યું અને તે પૂરું કરતા બે વર્ષ લાગ્યાં. બુડનીનું ગ્રીક શાસ્ત્રવચનોનું ભાષાંતર એ અગાઉના બધા પૉલિશ ભાષાંતરો કરતાં ચઢિયાતું હતું. વધુમાં, ઘણી જગ્યાઓએ તેમણે દેવનું નામ, યહોવાહ ફરીથી મૂક્યું.

સોળમી સદીના અંતમાં અને ૧૭મી સદીની શરૂઆતનાં ત્રીસ વર્ષોમાં, રાકૉવ, એ પંથનું મુખ્યમથક, ધાર્મિક અને શૈક્ષણિક કેન્દ્ર બન્યું. પૉલિશ ભાઈઓના પંથના આગેવાનો અને લેખકોએ પત્રિકાઓ અને બીજાં પ્રકાશનો ત્યાં છાપ્યાં.

તેઓએ શિક્ષણને પ્રોત્સાહન આપ્યું

લગભગ ૧૬૦૦માં પૉલિશ ભાઈઓના પંથે રાકૉવમાં છાપકામનું મશીન નાખ્યા પછી તેઓનું છાપવાનું કામ વધતુંને વધતું જ ગયું. આ છાપકામના મશીનથી નાની પત્રિકાઓ અને મોટાં પુસ્તકો અનેક ભાષાઓમાં છાપી શકાતાં. રાકૉવમાંનું છાપકામ યુરોપમાં ઝડપથી વખણાવા લાગ્યું. એવું માનવામાં આવે છે કે એ છાપકામ મશીનથી ૪૦ વર્ષમાં જ, ૨૦૦ જેટલાં પ્રકાશનો છાપવામાં આવ્યાં હતાં. નજીકમાંની પેપર મીલના માલિક પણ પૉલિશ ભાઈઓના પંથના જ હતા. તેથી, તે તેઓને સાહિત્ય માટે કાગળનો પૂરતો પુરવઠો પૂરો પાડતા.

પૉલિશ ભાઈઓના પંથના સભ્યોએ જોયું કે સાથી વિશ્વાસીઓને અને બીજાઓને પણ ભણતરની જરૂર છે. એ માટે ૧૬૦૨માં રાકૉવમાં યુનિવર્સિટી ખોલવામાં આવી. ત્યાં તેઓના પુત્રો, તેમ જ કૅથલિક અને પ્રોટેસ્ટંટ છોકરાઓ ભણવા આવ્યા. યુનિવર્સિટી ધર્મશાળા હોવા છતાં, ત્યાં ફક્ત ધાર્મિક વિષયો જ શીખવવામાં આવતા ન હતા. પરંતુ, પરદેશી ભાષાઓ, નીતિનિયમો, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, કાયદાકાનૂન, તર્કશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ભિન્‍નભિન્‍ન પ્રકારની કસરતો, એ સર્વ ભણતરનો ભાગ હતો. યુનિવર્સિટીમાં મોટું પુસ્તકાલય પણ હતું, જેમાં સ્થાનિક છાપખાનાની કૃપાથી કાયમ વધારો થતો હતો.

સત્તરમી સદી શરૂ થઈ તેમ, એવું લાગતું હતું કે પૉલિશ ભાઈઓનો પંથ તો વધતો જ જશે. પરંતુ એમ થયું નહિ.

ચર્ચ અને સરકારે વિરોધ કર્યો

વિજ્ઞાનની પૉલિશ શાળાના ઝબેગનિઍવ ઑગોનૉવસ્કી સમજાવે છે: “સત્તરમી સદીના ત્રીજા દાયકા પછી પોલૅન્ડમાં એરીઅનની પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી.” એનું કારણ કૅથલિક પાદરીઓની વધતી જતી જોશીલી પ્રવૃત્તિઓ હતી. પૉલિશ ભાઈઓના પંથને બદનામ કરવા પાદરીઓએ બનતું બધુ જ કર્યું. તેઓએ પત્રિકાઓ વહેંચીને ખોટા આરોપો મૂકયા અને નિંદા પણ કરી. પોલૅન્ડમાં રાજકારણમાં ફેરફારો થવાથી તેઓ માટે વિરોધ કરવાનું સહેલું બન્યું. પોલૅન્ડનો નવો રાજા, સીગિસમુંડ ત્રીજો વાસા પૉલિશ ભાઈઓના પંથનો દુશ્મન હતો. ખાસ કરીને, તેના પછી આવનાર જોન બીજો કાઝમીર વાસાએ પણ તેઓનો વિરોધ કર્યો અને કૅથલિક ચર્ચને ટેકો આપ્યો.

રાકૉવ યુનિવર્સિટીના અમુક વિદ્યાર્થીઓએ જાણી જોઈને ક્રૉસને અભડાવ્યો ત્યારે, પરિસ્થિતિ વધારે ખરાબ થઈ. આ બનાવથી પૉલિશ ભાઈઓના મથકનો નાશ કરવાનું બહાનું મળી ગયું. રાકૉવના માલિકને ધારાસભાની અદાલતમાં બોલાવવામાં આવ્યા, અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યો કે, તે રાકૉવ યુનિવર્સિટીને અને એના છાપકામને ટેકો આપીને ‘દુષ્ટતા ફેલાવે’ છે. પૉલિશ ભાઈઓના પંથ પર આરોપ મૂકવામાં આવ્યો કે, તેઓ દારૂની મહેફિલો માણી અને અનૈતિક જીવન જીવીને સમાજમાં ઊથલપાથલ કરે છે. ધારાસભાએ નક્કી કર્યું કે રાકૉવ યુનિવર્સિટી બંધ થવી જોઈએ, અને પૉલિશ ભાઈઓના પંથના છાપકામના મશીનો અને ચર્ચનો નાશ થવો જોઈએ. એ પંથના લોકોને શહેર છોડી જવાનો હુકમ કરવામાં આવ્યો. યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને દેશનિકાલ કરવામાં આવ્યા અને પાછા આવશે તો મોતની સજા થશે એમ કહેવામાં આવ્યું. પૉલિશ ભાઈઓના પંથના અમુક સભ્યો સીલેસ્યા અને સ્લોવાકિયા જેવા સલામત દેશોમાં ચાલ્યા ગયા.

ધારાસભાએ ૧૬૫૮માં નિયમ બહાર પાડ્યો કે, પૉલિશ ભાઈઓના પંથના દરેક જણે પોતાની માલમિલકત વેચીને ત્રણ વર્ષની અંદર દેશ છોડી જવો. પછીથી, એ સમય મર્યાદા ઘટીને બે વર્ષની થઈ ગઈ. એ પછી, જણાવવામાં આવ્યું કે તેઓના પંથનો કોઈ પણ જોવા મળશે તો તેને મોતની સજા થશે.

સોકીનીઅન્સના અમુક સભ્યો નેધરલૅન્ડમાં ચાલ્યા ગયા અને ત્યાં છાપકામ ચાલુ રાખ્યું. ટ્રાન્સીલ્વેનીઆમાં તેઓનું મંડળ ૧૮મી સદીની શરૂઆત સુધી હતું. તેઓની સભા સપ્તાહમાં ત્રણ વખત થતી, જેમાં તેઓ ગીત ગાતા, પ્રવચન સાંભળતા, અને તેઓની માન્યતા સમજાવવા તૈયાર કરવામાં આવેલાં પુસ્તકો વાંચતા. મંડળને શુદ્ધ રાખવા માટે તેઓ સાથી વિશ્વાસીઓની ભૂલ સુધારતા, ઠપકો આપતા, અને જરૂર પડે તો બહિષ્કૃત પણ કરતા.

પૉલિશ ભાઈઓના પંથના સભ્યો દેવના શબ્દના વિદ્યાર્થીઓ હતા. તેઓએ અમુક કીમતી સત્યો શોધી કાઢયા હતા, અને અચકાયા વગર બીજાઓને શીખવતા હતા. આખરે, તેઓ યુરોપમાં વિખેરાઈ ગયા અને તેઓમાં એકતા જાળવી રાખવી વધારે મુશ્કેલ બન્યું. સમય જતાં, પૉલિશ ભાઈઓના પંથનું નામનિશાન રહ્યું નહિ.

[ફુટનોટ્‌સ]

a એરીઅસ (૨૫૦-૩૩૬ સી.ઈ.) એલેક્ષાંડ્રિયાનો પાદરી હતો, અને તેણે દલીલ કરી કે, ઈસુ પિતા સમાન નથી. નાઈસીઆની કાઉન્સલે ૩૨૫ સી.ઈ.માં તેના વિચારોનો નકાર કર્યો.—જૂન ૨૨, ૧૯૮૯ (અંગ્રેજી) સજાગ બનો! પાન ૨૭ જુઓ.

b નવેમ્બર ૨૨, ૧૯૮૮ (અંગ્રેજી) સજાગ બનો! પાન ૧૯, “સોકીનીઅન્સ—શા માટે તેઓ ત્રૈક્યમાં માનતા ન હતા?” જુઓ.

[પાન ૨૩ પર ચિત્ર]

સોકીનીઅન્સના પાદરીનું ઘર

[પાન ૨૩ પર ચિત્રો]

ઉપર: આજનું રાકૉવ; જમણી બાજુ ૧૬૫૦માં મઠ બાંધવામાં આવ્યો, જેથી “એરીએનવાદ” બચે જ નહિ; નીચે: કેથલિક પાદરીઓએ પૉલિશ ભાઈઓ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા ક્રોસની સ્થાપના કરી

[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Title card of Biblia nieświeska by Szymon Budny, 1572

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો