વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૫/૧૫ પાન ૨૧-૨૬
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમયનો સદુપયોગ કરો
  • વાણી અને વર્તનથી શીખવો
  • બાળકોને યહોવાહની સેવામાં પ્રગતિ કરવા મદદ કરો
  • યહોવાહના માર્ગમાં દૃઢ રહો
  • યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખો
  • માબાપ, કુટુંબની દરેક જરૂરિયાતો પૂરી પાડો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • માતા-પિતા અને બાળકો કઈ રીતે ખુશ રહી શકે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૫/૧૫ પાન ૨૧-૨૬

યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો

“પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.

“સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૮) યહોવાહ પરમેશ્વરે આદમ અને હવાને આ આજ્ઞા આપીને કુટુંબની સ્થાપના કરી. (એફેસી ૩:૧૪, ૧૫) આ પ્રથમ યુગલ ભવિષ્યમાં પૃથ્વીને પોતાનાં બાળકો અને કુટુંબથી ભરાઈ જતું જોઈ શકતું હતું. તેઓ બધા જ સંપૂર્ણ હોત અને સુંદર પૃથ્વી પર આનંદથી રહેતા હોત. તેમ જ, તેઓ એકતાથી પરમેશ્વરની ઉપાસના કરતા હોત. પરંતુ આદમ અને હવાએ પાપ કર્યું. તેથી, પૃથ્વી પરમેશ્વરની ઉપાસના કરતા ન્યાયી લોકોથી ભરાઈ નહિ. (રૂમી ૫:૧૨) એના બદલે કુટુંબની હાલત બગડતી ગઈ અને ખાસ કરીને આ “છેલ્લા સમયમાં” કૌટુંબિક જીવનમાં ધિક્કાર અને હિંસા આવવાથી એ “પ્રેમરહિત” થઈ ગયું છે.—૨ તીમોથી ૩:૧-૫; ઉત્પત્તિ ૪:૮, ૨૩; ૬:૫, ૧૧, ૧૨.

૨ આદમ અને હવાને યહોવાહ પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. હવે આદમ પાપી હતો છતાં, યહોવાહે તેને બાળકોને જન્મ આપવાની પરવાનગી આપી. (ઉત્પત્તિ ૧:૨૭, ૫:૧-૪) આદમના સંતાનોમાં પણ પોતાના પિતાની જેમ નૈતિક ક્ષમતા હતી અને ખરું-ખોટું પારખવાનું તેઓ શીખી શકતા હતા. તેઓને પોતાના ઉત્પન્‍નકર્તાની ઉપાસના કરવાનું અને પોતાના પૂરા હૃદય, જીવ, બુદ્ધિ અને સામર્થ્યથી યહોવાહને પ્રેમ કરવાનું મહત્ત્વ પણ શીખવી શકાતું હતું. (માર્ક ૧૨:૩૦; યોહાન ૪:૨૪; યાકૂબ ૧:૨૭) વધુમાં, તેઓને ‘ન્યાયથી વર્તવા, દયાભાવ રાખવા, તથા દેવની સાથે નમ્રતાથી ચાલવા’ માટે પણ તાલીમ આપી શકાઈ હોત. (મીખાહ ૬:૮) પરંતુ પાપી હોવાને કારણે તેઓએ યહોવાહના માર્ગમાં દૃઢ કુટુંબ બનાવવા ખાસ ધ્યાન આપવાની જરૂર હતી.

સમયનો સદુપયોગ કરો

૩ આ કઠિન સમયમાં બાળકોને ‘યહોવાહને પ્રેમ કરનારા’ અને ‘દુષ્ટતાનો દ્વેષ કરનારા’ બનાવવા ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) સમજદાર માબાપ આ કઠિન જવાબદારી નિભાવવા “સમયનો સદુપયોગ” કરશે. (એફેસી ૫:૧૫-૧૭) તમે માબાપ હોવ તો એમ કઈ રીતે કરશો? સૌથી પહેલાં, ‘શ્રેષ્ઠ છે તે પારખી લો’ કે કઈ બાબતો જરૂરી છે, જેમાં તમારાં બાળકોને શિક્ષણ અને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. (ફિલિપી ૧:૧૦, ૧૧) બીજું, તમારું જીવન સાદું રાખો. જરૂરી ન હોય એવી પ્રવૃત્તિઓ કરવાનું તમારે ટાળવું પણ પડે, અથવા એવી બિનજરૂરી માલ-મિલકત કાઢી નાખવી પડે, જેની કાળજી રાખવામાં તમારો ઘણો સમય જતો હોય. એક ખ્રિસ્તી માબાપ તરીકે, તમારાં બાળકોને યહોવાહના ભયમાં ઉછેરવા માટે કરેલા જરૂરી પ્રયત્નો માટે તમને ક્યારેય અફસોસ નહિ થાય.—નીતિવચન ૨૯:૧૫, ૧૭.

૪ તમારા બાળકો સાથે સમય પસાર કરીને ખાસ કરીને યહોવાહની સેવામાં સાથે સમય પસાર કરવાથી એ ક્યારેય નિષ્ફળ નહિ જાય. કુટુંબને એકતામાં રાખવાનો આ સૌથી સારો માર્ગ છે. પરંતુ એવું કદી ન વિચારો કે સમય મળશે તો બાળકો સાથે વિતાવીશું. પહેલેથી સમય નક્કી કરો, જેથી ચોક્કસ સમયે તમે એકસાથે હોવ. પરંતુ એનો અર્થ એ નથી કે તમે બધા એકસાથે ઘરમાં હોવ અને દરેક પોતપોતાનું કામ કરે. બાળકો પર દરરોજ વ્યક્તિગત ધ્યાન આપવાથી એની સારી અસર પડે છે. બાળકો પર પ્રેમ વરસાવવામાં અને તેમની કાળજી રાખવામાં કોઈ સીમા રાખવાની જરૂર નથી. યુગલોએ બાળકોને જન્મ આપવાનો નિર્ણય કરતા પહેલાં આ મહત્ત્વની જવાબદારીઓ વિષે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. (લુક ૧૪:૨૮) આમ કરવાથી, તેઓ પોતાનાં બાળકો ઉછેરવાને સામાન્ય ગણી લેશે નહિ. એના બદલે તેઓ બાળકોને પરમેશ્વરના એક આશીર્વાદ તરીકે જોશે.—ઉત્પત્તિ ૩૩:૫; ગીતશાસ્ત્ર ૧૨૭:૩.

વાણી અને વર્તનથી શીખવો

૫ તમારાં બાળકો યહોવાહને પ્રેમ કરતા શીખે, એ માટે સૌ પ્રથમ તમારે યહોવાહને પ્રેમ કરવાની જરૂર છે. પરમેશ્વર પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે તમે તેમની સર્વ સૂચનાઓ વિશ્વાસુપણે પાળવા પ્રેરાશો. એમાં બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાનો’ સમાવેશ થાય છે. (એફેસી ૬:૪) પરમેશ્વરે માબાપને સલાહ આપી છે કે તેઓ બાળકો માટે સારું ઉદાહરણ બેસાડે, મોકળાશથી વાતચીત કરે અને તેઓને શિક્ષણ આપે. પુનર્નિયમ ૬:૫-૭ જણાવે છે: “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” તમારાં બાળકો સાથે અવારનવાર પરમેશ્વરની આજ્ઞાઓના લાભ વિષે વાતચીત કરીને તથા યાદ દેવડાવીને તમે એ તેઓના હૃદયમાં ઠસાવી શકો છો. આમ તમારાં બાળકો જોશે કે તમને યહોવાહ પ્રત્યે પ્રેમ છે ત્યારે, તેઓ પણ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા પ્રેરાશે.—નીતિવચન ૨૦:૭.

૬ બાળકો ઝડપથી શીખતા હોય છે. તેઓ બહુ ધ્યાનથી બધું જોતા અને સાંભળતા હોય છે. તેઓ તમારું અનુકરણ કરવામાં પણ ઝડપી હોય છે. તેઓ જુએ કે તમે ધનદોલતના પ્રેમી નથી ત્યારે, તેઓને ઈસુની સલાહ લાગુ પાડવામાં મદદ મળે છે. તમે તેઓને ધનદોલતની કે ખાવા-પીવાની અતિશય ચિંતા કરવાનું નહિ, પરંતુ ‘પ્રથમ દેવના રાજ્યને શોધવાનું’ શીખવો. (માત્થી ૬:૨૫-૩૩) તમારાં બાળકો સાથે બાઇબલ સત્યની, યહોવાહના મંડળની અને વડીલોની ઉત્તેજનકારક વાતો કરો. આમ કરીને તમે તેઓને યહોવાહને આદર આપવાનું અને તેમની ગોઠવણોની કદર કરવાનું શીખવો છો. પરંતુ માબાપ બાળકોને શીખવીને પોતે એ પ્રમાણે કરતા ન હોય ત્યારે, બાળકો તરત જ એ ધ્યાનમાં લે છે. તેથી માબાપે પોતે સારી વાણી અને વર્તનથી, યહોવાહની ગોઠવણો માટે ઊંડી કદર બતાવવી જોઈએ. માબાપ પોતાના સારા ઉદાહરણને કારણે બાળકોને દિલથી યહોવાહને પ્રેમ કરતા જુએ એ કેવું આશીર્વાદરૂપ છે!—નીતિવચન ૨૩:૨૪, ૨૫.

૭ બાળકોને બાળપણથી જ તાલીમ આપવાનો લાભ વેનેઝુએલાના ઉદાહરણમાંથી જોવા મળે છે. (૨ તીમોથી ૩:૧૫) ફિલીક્સ અને મેરિલીન નામનું એક યુવાન યુગલ છે. તેઓ બંને પાયોનિયર કાર્ય કરે છે. તેમના પુત્ર ફિલીટોનો જન્મ થયો ત્યારે, તેઓ ઇચ્છતા હતા કે તે યહોવાહનો સાચો ઉપાસક બને. તેથી તેઓ એ રીતે તેનો ઉછેર કરવા લાગ્યા. યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક મેરિલીન પોતાના પુત્ર આગળ મોટેથી વાંચતી હતી. ઘણી નાની ઉંમરે ફિલીટો આ પુસ્તકમાંથી મુસા અને બીજા લોકોને ઓળખી બતાવતો હતો.

૮ ફિલીટોએ ઘણી નાની ઉંમરે, જાતે જ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. તેણે પ્રકાશક બનીને પોતાની ઇચ્છા પૂરી કરી. પછીથી તે બાપ્તિસ્મા પામ્યો અને નિયમિત પાયોનિયર પણ બન્યો. તેના માબાપ કહે છે: “અમારા પુત્રને પ્રગતિ કરતા જોઈને અમે યહોવાહનો આભાર માનીએ છીએ, કેમ કે તેમના શિક્ષણના લીધે જ આ શક્ય બન્યું છે.”

બાળકોને યહોવાહની સેવામાં પ્રગતિ કરવા મદદ કરો

૯ બાળકોના ઉછેર વિષેનાં અગણિત મેગેઝિનો, હજારો પુસ્તકો અને ઇંટરનેટ વેબ સાઈટ છે. ન્યુઝવીકનો બાળકો પરનો ખાસ અંક કહે છે કે મોટા ભાગે બાળકો વિષે આપવામાં આવેલી “માહિતી એકબીજાથી ભિન્‍ન હોય છે. ખાસ કરીને જે માહિતી તમને વિશ્વાસયોગ્ય લાગતી હોય એ ખરેખર ખોટી નીકળે ત્યારે, ખબર નથી પડતી કે કોના પર ભરોસો રાખવો.” તેથી આપણે કેટલા આભારી છીએ કે યહોવાહે કુટુંબને આત્મિક રીતે દૃઢ કરવા અઢળક માહિતી પૂરી પાડી છે! વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વર્ગે જે જોગવાઈ પૂરી પાડી છે એનો શું તમે પૂરેપૂરો લાભ ઊઠાવો છો?—માત્થી ૨૪:૪૫-૪૭.

૧૦ કુટુંબની મહત્ત્વની એક જરૂરિયાત નિયમિત કૌટુંબિક બાઇબલ અભ્યાસ છે, જે શાંત અને આનંદી વાતાવરણમાં થવો જોઈએ. એને માહિતીપ્રદ, આનંદી અને ઉત્તેજનકારક બનાવવા સારી તૈયારી જરૂરી છે. પોતાનાં બાળકોને તેઓનાં વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ કરીને, માબાપ તેઓના મન અને હૃદયમાં શું છે એ જાણી શકે છે. કૌટુંબિક અભ્યાસ કેટલો અસરકારક છે એ તપાસવા નોંધ કરો કે કુટુંબના બધા સભ્યો એની આતુરતાથી રાહ જુએ છે કે નહિ.

૧૧ આત્મિક ધ્યેયો રાખવાથી પણ કુટુંબ યહોવાહની સેવામાં દૃઢ થઈ શકે છે. આવા ધ્યેયો રાખવા પણ માબાપે પોતાનાં બાળકોને મદદ કરવી જોઈએ. એવા ધ્યેયોમાં દરરોજ બાઇબલ વાંચન, પ્રચાર કાર્યમાં નિયમિત ભાગ લેવો અને સમર્પણ તથા બાપ્તિસ્મા પામવાનો સમાવેશ થાય છે. બીજા ધ્યેયોમાં પાયોનિયર કાર્ય, બેથેલ સેવા અને મિશનરિ તરીકે સેવા કરવાનો સમાવેશ થાય છે. જાપાનની અયૂમી પ્રાથમિક શાળામાં ભણતી હતી ત્યારે તેણે વર્ગના બધા વિદ્યાર્થીઓને સાક્ષી આપવાનો ધ્યેય રાખ્યો હતો. તેના શિક્ષક અને વિદ્યાર્થીઓનો રસ જાગૃત કરવા તેણે શાળાના પુસ્તકાલયમાં બાઇબલ પ્રકાશનો રાખવાની પરવાનગી લીધી. પરિણામે, પ્રાથમિક શાળાના પોતાના છ વર્ષમાં તે ૧૩ બાઇબલ અભ્યાસ ચલાવતી હતી. તેઓમાંથી એક છોકરી અને તેના કુટુંબના બીજા સભ્યો બાપ્તિસ્મા પામ્યા.

૧૨ કુટુંબને આત્મિક રીતે દૃઢ બનાવવા સભાઓમાં નિયમિત જવું પણ જરૂરી છે. પ્રેષિત પાઊલે સાથી વિશ્વાસુઓને સલાહ આપી કે, “જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ.” હા, આપણે ભેગા મળવાનું પડતુ ન મૂકીએ કારણ કે યુવાનો, વૃદ્ધો અને સર્વને ખ્રિસ્તી સભાઓમાં નિયમિત આવવાથી લાભ થાય છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫; પુનર્નિયમ ૩૧:૧૨) બાળકોને ધ્યાનથી સાંભળવાનું શીખવો. સભામાં જવાબ આપીને ભાગ લેવાથી પણ ઘણા લાભો મળે છે, પરંતુ એ માટે સભાની તૈયારી કરવી ખૂબ જરૂરી છે. નાનાં બાળકો અમુક શબ્દો કહીને અથવા ફકરામાંથી અમુક ભાગો વાંચીને જવાબ આપવાની શરૂઆત કરી શકે. પરંતુ તેઓને જાતે પ્રશ્નનો જવાબ શોધીને પોતાના શબ્દોમાં આપવાનું શીખવવામાં આવે તો વધારે લાભદાયી થશે. માબાપો, શું તમે સભાઓમાં નિયમિત અને અર્થપૂર્ણ જવાબ આપીને સારું ઉદાહરણ બેસાડો છો? કુટુંબના દરેક સભ્ય પાસે પોતાનું બાઇબલ, ગીતપુસ્તક અને જેનો અભ્યાસ થવાનો છે એ પ્રકાશન હોવું જરૂરી છે.

૧૩ સમજદાર માબાપ પોતાના સ્ફૂર્તિલાં બાળકોને યહોવાહની સેવા કરવા તરફ દોરશે અને પ્રચાર કાર્યને પોતાના જીવનમાં મહત્ત્વનું સ્થાન આપવા તેઓને મદદ કરશે. (હેબ્રી ૧૩:૧૫) પ્રચાર કાર્યમાં પોતાનાં બાળકો સાથે કામ કરીને જ માબાપ જાણી શકે છે કે ‘શરમાયા વગર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર’ સેવક બનવાની તાલીમ તેઓ મેળવે છે કે નહિ. (૨ તીમોથી ૨:૧૫) તમારા વિષે શું? તમે માબાપ હોવ તો તમારા બાળકને પ્રચાર કાર્યની તૈયારી કરવામાં શું તમે મદદ કરો છો? આમ કરવાથી તેઓને આનંદ અને ચોક્કસ હેતુથી સેવા કરવામાં મદદ મળશે, જેના સારાં પરિણામ આવશે.

૧૪ માબાપ અને બાળકો પ્રચાર કાર્યમાં સાથે કામ કરે એનાથી શું લાભ થાય છે? આમ કરવાથી, બાળક પોતાના માબાપના સારા ઉદાહરણની નકલ કરી શકે છે. એ જ વખતે માબાપ પણ પોતાના બાળકનું વલણ, વિવેક અને આવડત જોઈ શકે છે. અલગ અલગ રીતે થતા પ્રચાર કાર્યમાં તમારાં બાળકોને તાલીમ આપો. શક્ય હોય તો, દરેક બાળકની પ્રચાર કાર્યની બેગ પણ અલગ હોવી જોઈએ અને તેઓને પોતાની બેગ સાફ રાખવા વિષે શીખવો. સતત શિક્ષણ અને ઉત્તેજન આપવાથી સેવાકાર્ય પ્રત્યે બાળકોની કદર વધશે અને તેઓ એ પણ જોઈ શકશે કે પ્રચાર કરવાથી તેઓ પરમેશ્વર અને પાડોશી પ્રત્યેનો પ્રેમ બતાવી રહ્યાં છે.—માત્થી ૨૨:૩૭-૩૯; ૨૮:૧૯,૨૦.

યહોવાહના માર્ગમાં દૃઢ રહો

૧૫ કુટુંબને યહોવાહના માર્ગમાં દૃઢ રાખવું બહુ જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૩) દરેક તકે કુટુંબમાં આત્મિક બાબતો વિષે ચર્ચા કરીને તમે આમ કરી શકો. શું તમે તેઓ સાથે દૈનિક વચનની ચર્ચા કરો છો? શું તમે ‘રસ્તે ચાલતા હોવ’ ત્યારે ક્ષેત્રસેવાના અનુભવો અથવા ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકના અમુક મુદ્દાઓ વિષે તેઓ સાથે વાતચીત કરો છો? ‘જ્યારે તમે સૂઈ જાવ ને જ્યારે તમે ઊઠો’ ત્યારે શું તમે પ્રાર્થનામાં દિવસની જોગવાઈઓ માટે આભાર માનો છો? (પુનર્નિયમ ૬:૬-૯) તમે જે કંઈ કરો એમાં પરમેશ્વર માટેનો તમારો પ્રેમ દેખાય છે ત્યારે, આ બાબત તમારા બાળકને સત્ય પ્રમાણે જીવવા મદદ કરશે.

૧૬ અમુક સમયે બાળકોને મુશ્કેલીનો કે અમુક સંજોગોનો સફળતાથી સામનો કરવા માર્ગદર્શનની જરૂર પડશે. એવા સમયે શું કરવું જોઈએ એમ કહેવાને બદલે, શા માટે તમે તેઓને ઉત્તેજન આપતા નથી કે તેઓ જાતે એ વિષે સંશોધન કરીને યહોવાહનું માર્ગદર્શન શોધે? ‘વિશ્વાસુ ચાકર’ દ્વારા પૂરા પાડવામાં આવતાં સાધનો અને પ્રકાશનોનો સારી રીતે ઉપયોગ કરવાનું શીખવાથી તેઓને યહોવાહ સાથે ગાઢ સંબંધ કેળવવામાં મદદ મળશે. (૧ શમૂએલ ૨:૨૧ખ) પછી તેઓ બાઇબલ સંશોધનમાંથી પોતે મેળવેલા લાભોના, ઘરના બીજા સભ્યો સાથે સહભાગી થશે ત્યારે, કુટુંબ આત્મિક રીતે વધુ મજબૂત બનશે.

યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખો

૧૭ કુટુંબમાં માબાપમાંથી કોઈ એક જ હોય તો તેઓ કઈ રીતે આત્મિક રીતે દૃઢ કુટુંબ બનાવી શકે? આવા માતા કે પિતા માટે બાળકોને ઉછેરવા સહેલું નથી. પરંતુ તમે હિંમત ન હારો! તમને પણ સફળતા મળશે. એવા ઘણાં ઉદાહરણો છે, જેમાં એકલા માતા કે પિતાએ પરમેશ્વરમાં વિશ્વાસ મૂકીને તેમની સલાહ લાગુ પાડી છે અને તેઓનાં બાળકો યહોવાહના માર્ગમાં દૃઢ રીતે આગળ વધ્યા છે. (નીતિવચન ૨૨:૬) આવા ખ્રિસ્તી મા કે બાપે યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખવો જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે તે જરૂર મદદ પૂરી પાડશે.—ગીતશાસ્ત્ર ૧૨૧:૧-૩.

૧૮ સમજદાર માબાપ જાણે છે કે ‘હસવાનો અને નૃત્ય કરવાનો વખત’ પણ હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૪) શારીરિક અને માનસિક રીતે બાળકોમાં વિકાસ થવા માટે આરામ અને યોગ્ય મનોરંજનની જરૂર છે. સારું સંગીત, ખાસ કરીને પરમેશ્વરની સ્તુતિના ગીતો ગાવાથી, તેઓને સારું વલણ કેળવવામાં મદદ મળે છે. એ યહોવાહ સાથે તેઓનો સંબંધ ગાઢ બનાવવા મહત્ત્વનો ભાગ ભજવી શકે. (કોલોસી ૩:૧૬) યહોવાહનો ભય રાખનાર વ્યક્તિ બનાવવા માટે બાળકને બાળપણથી જ એની તાલીમ આપવી જોઈએ જેથી, સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવનનો આનંદ માણવાનું તે ચાલુ રાખી શકે.—ગલાતી ૬:૮.

૧૯ યહોવાહ ઇચ્છે છે કે સર્વ ખ્રિસ્તી કુટુંબો તેમના માર્ગમાં દૃઢ રીતે ચાલતા રહે. આપણે યહોવાહને સાચે જ પ્રેમ કરતા હોઈશું અને તેમનાં વચનોને લાગુ પાડવા બનતા બધા જ પ્રયત્નો કરીશું તો, તે આપણા પ્રયત્નોને જરૂર આશીર્વાદ આપશે અને તેમના માર્ગદર્શનને અનુસરવા જરૂરી હિંમત પૂરી પાડશે. (યશાયાહ ૪૮:૧૭; ફિલિપી ૪:૧૩) યાદ રાખો કે તમારાં બાળકોને શિક્ષણ અને તાલીમ આપવાનો આ જ સમય છે અને વીતી ગયેલો સમય ફરીથી આવવાનો નથી. બાઇબલની સલાહ લાગુ પાડવા તમારાથી બનતું બધું જ કરો, અને તમે તમારા કુટુંબને યહોવાહના માર્ગમાં દૃઢ બનાવવા જે પ્રયત્નો કરો છો એને તે જરૂર આશીર્વાદ આપશે.

આપણે શું શીખ્યા?

• બાળકોને તાલીમ આપવામાં સમયનો સદુપયોગ કરવો શા માટે મહત્ત્વનું છે?

• માબાપનું સારું ઉદાહરણ શા માટે જરૂરી છે?

• બાળકો યહોવાહના માર્ગમાં પ્રગતિ કરે એ માટે મદદ કરવા કેટલીક મહત્ત્વની રીતો કઈ છે?

• કઈ રીતે કુટુંબને યહોવાહના માર્ગમાં દૃઢ બનાવી શકાય?

[અભ્યાસ પ્રશ્નો]

૧. કુટુંબ માટે પરમેશ્વરનો હેતુ શું હતો, પરંતુ એના બદલે શું થયું?

૨. આદમનાં સંતાનોમાં કઈ ક્ષમતા હતી, પરંતુ કુટુંબને યહોવાહના માર્ગમાં દૃઢ બનાવવા શું જરૂરી હતું?

૩. કઈ રીતે માબાપ બાળકોને ઉછેરવા “સમયનો સદુપયોગ” કરી શકે?

૪. કુટુંબ કઈ રીતે એકતામાં રહી શકે?

૫. (ક) બાળકો યહોવાહને પ્રેમ કરતા શીખે એ માટે માબાપે શું કરવું જોઈએ? (ખ) પુનર્નિયમ ૬:૫-૭માં માબાપ માટે કઈ સલાહ આપવામાં આવી છે?

૬. બાળકો ઉદાહરણથી શીખે છે એ વાતનો માબાપ કઈ રીતે ફાયદો ઉઠાવી શકે?

૭, ૮. કયું ઉદાહરણ બતાવે છે કે બાળકોને બાળપણથી જ તાલીમ આપવી જોઈએ, તેમ જ એ સફળતાનું માન કોને મળવું જોઈએ?

૯. વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વર્ગ દ્વારા મળતા શિક્ષણ માટે આપણે શા માટે આભારી છીએ?

૧૦. અસરકારક કૌટુંબિક અભ્યાસથી કઈ રીતે માબાપ અને બાળકોને ફાયદો થાય છે?

૧૧. (ક) કયા ધ્યેયો રાખવા માબાપ પોતાનાં બાળકોને મદદ કરી શકે? (ખ) જાપાનની અયૂમીએ કયો ધ્યેય રાખ્યો હતો અને એનું શું પરિણામ આવ્યું?

૧૨. ખ્રિસ્તી સભાઓમાંથી બાળકો કઈ રીતે લાભ મેળવી શકે છે?

૧૩, ૧૪. (ક) પ્રચાર કાર્યમાં શા માટે માબાપે પોતાનાં બાળકો સાથે કામ કરવું જોઈએ? (ખ) બાળકોને પ્રચાર કાર્યમાં આનંદી અને લાભદાયી થવા શું મદદ કરી શકે?

૧૫. કુટુંબને યહોવાહના માર્ગમાં દૃઢ રાખવું મહત્ત્વનું હોવાથી એની અમુક રીતો કઈ છે?

૧૬. બાળકોને જાતે જ સંશોધન કરવાનું ઉત્તેજન આપવાથી કયા લાભો થાય છે?

૧૭. કુટુંબને એકલા ઉછેરતા હોય એવા માતા કે પિતાએ શા માટે હિંમત હારવી જોઈએ નહિ?

૧૮. માબાપે બાળકોની કઈ માનસિક અને શારીરિક જરૂરિયાતોને ધ્યાન આપવું જોઈએ, પરંતુ શાને વધારે ભાર આપવો જોઈએ?

૧૯. બાળકોનો ઉછેર કરવા મહેનત કરતા માબાપ શા માટે યહોવાહના આશીર્વાદની ખાતરી રાખી શકે?

[પાન ૨૪, ૨૫ પર ચિત્રો]

યહોવાહની સેવામાં દૃઢ કુટુંબ ભેગું મળીને બાઇબલનો નિયમિત અભ્યાસ કરે છે, સભાઓમાં જાય છે અને પ્રચાર કાર્ય કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો