આખરી વિજય તરફ આગળ વધવું!
“મેં જોયું તો એક શ્વેત ઘોડો મારી સામે ઊભેલો હતો, તેના પર સવાર થયેલાના હાથમાં ધનુષ્ય હતું. તેને માથે મુગટ મૂકવામાં આવ્યો હતો. તે ઘણી લડાઈઓમાં જીતતો જીતતો વિજયકૂચમાં આગળ વધ્યો.”—પ્રકટીકરણ ૬:૨, IBSI.
પરમેશ્વરની પ્રેરણાથી થયેલા સંદર્શનમાં, પ્રેષિત યોહાને કંઈક ૧,૮૦૦ વર્ષ પછી ભાવિમાં થનારી બાબતો જોઈ. એમાં તેમણે ખ્રિસ્તનું રાજા તરીકે વર્ણન કર્યું. યોહાને જે જોયું એ માનવા માટે તેમને વિશ્વાસની જરૂર હતી. આજે આપણી પાસે સ્પષ્ટ પુરાવો છે કે ભાખ્યા પ્રમાણે ૧૯૧૪માં ઈસુને રાજા બનાવાયા છે. વિશ્વાસની આંખોથી, આપણે ઈસુ ખ્રિસ્તને ‘ઘણી લડાઈઓમાં જીતતા વિજયકૂચમાં આગળ વધતા’ જોઈ શકીએ છીએ.
૨ રાજ્ય સ્થપાયા પછી શેતાનને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. એ કારણે તે ઘણો ક્રોધિત થઈને લડાઈ કરી રહ્યો છે, પરંતુ એમાં તે સફળ થશે નહિ. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) તેના ક્રોધના કારણે જગતની પરિસ્થિતિ વધારેને વધારે ખરાબ થતી ગઈ છે. માનવ સમાજનું પતન થઈ રહ્યું છે. યહોવાહના સાક્ષીઓ માટે એ સ્પષ્ટ પુરાવો છે કે તેઓના રાજા ‘વિજયકૂચ તરફ’ આગળ વધી રહ્યા છે.
નવો સમાજ
૩ એક વાર રાજ્ય સ્થપાયા પછી, ખ્રિસ્તી મંડળોને પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળોના સુમેળમાં લાવવાનાં હતાં. એમાં હમણાં વધી રહેલી રાજ્યને લગતી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. આમ, જૂન ૧ અને ૧૫, ૧૯૩૮ના ચોકીબુરજના (અંગ્રેજી) અંકોમાં બતાવવામાં આવ્યું કે કઈ રીતે ખ્રિસ્તી સંગઠને કાર્ય કરવું જોઈએ; પછીથી, ડિસેમ્બર ૧૫, ૧૯૭૧ના (અંગ્રેજી) અંકમાં, “કાનૂની નિગમથી ભિન્ન નિયામક જૂથ” લેખમાં વધારે સ્પષ્ટ રીતે આધુનિક સમયના નિયામક જૂથ વિષે સમજણ આપવામાં આવી. વર્ષ ૧૯૭૨માં, મંડળોને મદદ અને માર્ગદર્શન આપવા માટે વડીલોના જૂથની નિમણૂક કરવામાં આવી.
૪ આમ, દેખરેખ રાખવાની બાબતમાં થયેલા ફેરફારોથી, ખ્રિસ્તી મંડળો વધારે દૃઢ થયા. વળી, નિયામક જૂથ તરફથી વડીલોને પોતાની જવાબદારી વિષે શિક્ષણ આપવાની જે ગોઠવણ કરવામાં આવી, એ ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ. એમાં ન્યાયને લગતી બાબતનો પણ સમાવેશ થતો હતો. પરમેશ્વરના પૃથ્વી પરના સંગઠનમાં ધીમે ધીમે થયેલી પ્રગતિ અને એનાથી મળનાર લાભ વિષે યશાયાહ ૬૦:૧૭માં અગાઉથી ભાખવામાં આવ્યું હતું: “હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.” આ ફેરફારોના લીધે તેઓએ પરમેશ્વરનો આશિષ મેળવ્યો. એ જ સમયે પુરાવો પણ મળ્યો કે, તેમના રાજ્યને ઉત્સાહથી ટેકો આપનારાઓ પર યહોવાહની કૃપા હતી.
૫ રાજ્ય સ્થપાયા પછી, પરમેશ્વરે પોતાના લોકોનું પ્રેમાળ ધ્યાન રાખીને જે માર્ગદર્શન આપ્યું એ શેતાનની ધ્યાન બહાર ન હતું. નીચેનાં ઉદાહરણોનો વિચાર કરો. વર્ષ ૧૯૩૧માં આ ખ્રિસ્તીઓના નાના વૃંદે જાહેર કર્યું કે તેઓ હવે ફક્ત બાઇબલ વિદ્યાર્થીઓ જ નથી. પરંતુ, યશાયાહ ૪૩:૧૦ના સુમેળમાં તેઓ યહોવાહના સાક્ષીઓ છે! એ જ સમયે એવું બન્યું કે શેતાને ગોળાવ્યાપી સતાવણીનો દોર છૂટો મૂક્યો. સામાન્ય રીતે ધર્મની છૂટ આપતા યુનાઈટેડ સ્ટેટ્સ, કૅનેડા અને જર્મની જેવા દેશોમાં પણ, સાક્ષીઓએ ઉપાસનાની સ્વતંત્રતા મેળવવા માટે કાયદાકીય લડત લડવી પડી. વર્ષ ૧૯૮૮ સુધીમાં તો, અમેરિકાની સુપ્રિમ કોર્ટે યહોવાહના સાક્ષીઓને લગતા ૭૧ મુકદ્દમાઓની સમીક્ષા કરી અને એમાંથી પોણા ભાગના મુકદ્દમાઓમાં સાક્ષીઓએ વિજય મેળવ્યો. આજે, પ્રથમ સદીની જેમ જગતમાં કાયદેસર લડત ચાલું જ છે, જેથી “સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં” આવે.—ફિલિપી ૧:૭.
૬ વળી, ૧૯૩૦ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે, સરમુખત્યાર સરકારોએ જર્મની, સ્પેન અને જાપાનમાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ, વર્ષ ૨૦૦૦ સુધીમાં તો ફક્ત આ ત્રણ દેશોમાં જ પરમેશ્વરના રાજ્ય પ્રચારકોની સંખ્યા લગભગ ૫,૦૦,૦૦૦ થવા આવી હતી. એ સંખ્યા ૧૯૩૬માં આખા જગતમાં યહોવાહના સાક્ષીઓ હતા એના કરતાં દસ ગણી હતી! ખરેખર, પ્રતિબંધ અને અવરોધો યહોવાહના લોકોને પોતાના વિજયી આગેવાન, ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ આગળ વધતા રોકી શકતા નથી.
૭ વર્ષ ૧૯૫૮માં ન્યૂયૉર્ક સીટિમાં યહોવાહના સાક્ષીઓએ સૌથી મોટું સંમેલન ભર્યું. એ પરમેશ્વરની ઇચ્છા આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં સરેરાશ ૨,૫૩,૯૨૨ લોકોએ હાજરી આપી હતી. સાક્ષીઓની પ્રગતિનો કેવો અદ્ભુત પુરાવો! વર્ષ ૧૯૭૦ સુધીમાં, જેને પૂર્વ જર્મની કહેવાતું હતું, એ સિવાય ઉપર બતાવેલા ત્રણ દેશોમાં તેઓના કાર્યને ફરીથી છૂટ મળી હતી. પરંતુ, સાક્ષીઓ હજુ પણ સોવિયેટ યુનિયન અને વોર્સો કરાર હેઠળ આવતા ઘણા દેશોમાં પ્રતિબંધ હેઠળ હતા. આજે આ અગાઉના સામ્યવાદી રાષ્ટ્રોમાં, પાંચ લાખ કરતાં વધારે સાક્ષીઓ છે.
૮ યહોવાહના સાક્ષીઓનો વધારો થાય છે, એ આશીર્વાદ છે કારણ કે તેઓએ ‘પહેલાં [પરમેશ્વરના] રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધવાનું’ ચાલુ રાખ્યું છે. (માત્થી ૬:૩૩) શાબ્દિક રીતે, યશાયાહની ભવિષ્યવાણી પૂરી થઈ છે: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવાહ ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” (યશાયાહ ૬૦:૨૨) હજુ વધારો થવાનું ચાલુ જ છે! ફક્ત ગયા દસ વર્ષમાં જ, રાજ્ય પ્રચારકોમાં ૧૭,૫૦,૦૦૦નો વધારો થયો છે. તેઓ ૧૯૫૦ના ચોકીબુરજ (અંગ્રેજી)એ જે બતાવ્યું એનો સ્વેચ્છાએ ભાગ બન્યા છે: “પરમેશ્વર હમણાં નવી દુનિયાના સમાજને તૈયાર કરી રહ્યા છે. . . . તેઓ આર્માગેદનમાંથી બચી જશે, . . . તેઓ ‘નવી પૃથ્વી’ પર જનારા પહેલા લોકો હશે, જેઓ પરમેશ્વરના સંગઠનના માર્ગદર્શન અનુસાર ચાલે છે.” લેખે અંતમાં બતાવ્યું, “તેથી, ચાલો આપણે સર્વ નવી દુનિયાના એક સમાજ તરીકે ભેગા મળીને આગળ વધીએ!”
૯ એ દરમિયાન, આગળ વધતા નવી દુનિયાના આ સમાજે, કઈ રીતે બાબતો સરળ અને અસરકારક રીતે કરવી એ શીખી લીધું છે. એ બાબતો હમણાં અમૂલ્ય પુરવાર થઈ રહી છે અને એમાં કોઈ શંકા નથી કે આરમાગેદન પછી પૃથ્વીને સુંદર બનાવવાના કામમાં પણ એ ખૂબ મદદરૂપ થશે. દાખલા તરીકે, સાક્ષીઓ વિશાળ સંમેલનો, રાહત કામ અને બાંધકામની ઝડપથી ગોઠવણ કરવાનું શીખ્યા છે. એના કારણે ઘણા લોકો યહોવાહના સાક્ષીઓની પ્રશંસા કરે છે અને તેઓને માનથી જુએ છે.
ખોટી છાપ સુધરે છે
૧૦ તેમ છતાં, ઘણા લોકો યહોવાહના સાક્ષીઓ પર આરોપ મૂકે છે કે તેઓ જાણે જુદી જ દુનિયામાં જીવે છે. સાક્ષીઓ લોહીની આપ-લે, તટસ્થતા, ધૂમ્રપાન અને નૈતિકતા વિષે બાઇબલનાં ઊંચાં ધોરણોને વળગી રહે છે એ માટે તેઓ આવો આરોપ મૂકે છે. પરંતુ, લોકોએ હવે સ્વીકારવા માંડ્યું છે કે સાક્ષીઓ જે માને છે એ વિચારવા જેવું છે. દાખલા તરીકે, પોલૅન્ડની એક ડૉક્ટરે યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ ફોન કર્યો અને કહ્યું કે તે અને હૉસ્પિટલમાં કામ કરનારા વચ્ચે લોહીની આપ-લેના વિષય પર કલાકો સુધી ચર્ચા થઈ. એ ચર્ચા એ દિવસના પૉલિશ ભાષાના આજના પશ્ચિમ સમાચારપત્રમાં આવેલા લેખથી શરૂ થઈ હતી. એ ડૉક્ટરે સ્વીકાર્યું કે, “સારવારમાં લોહીનો ઘણો વધારે પડતો ઉપયોગ થાય છે અને એનાથી મને ખૂબ દુઃખ થાય છે. એમાં ફેરફાર થવો જ જોઈએ. મને આનંદ થાય છે કે કોઈએ તો આ વિષય પર પ્રકાશ ફેંક્યો છે. મને આ વિષે વધારે માહિતી જોઈએ છે.”
૧૧ ગયા વર્ષે યોજવામાં આવેલી એક પરિષદમાં કૅનેડા, યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલમાંથી આવેલા તબીબી અધિકારીઓએ લોહીના ઉપયોગ વગર કઈ રીતે દરદીઓની સારવાર કરવી એ વિષે ચર્ચા કરી. સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલી એ પરિષદમાં પ્રખ્યાત માન્યતા વિરુદ્ધ નોંધવામાં આવ્યું કે લોહી નહિ લેનારા દરદીઓ કરતાં, લોહી લીધા પછી પણ વધારે દરદીઓ મરણ પામે છે. સારવારમાં લોહીનો ઉપયોગ કરનારા દરદીઓ કરતાં, લોહી ન લેતા સાક્ષી દરદીઓ, સામાન્ય રીતે હૉસ્પિટલમાંથી જલદી ઘરે પાછા જાય છે. એનાથી સારવારનો ખર્ચ પણ ઘટી જાય છે.
૧૨ બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને એ દરમિયાન યહોવાહના સાક્ષીઓ નાઝી કતલનું મુખ્ય નિશાન બન્યા. એ સમયે, તેઓએ લીધેલા તટસ્થ સ્થાનની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. નવેમ્બર ૬, ૧૯૯૬માં જર્મની, રેવેન્સબર્કમાંની જુલમી છાવણીમાં યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી નાઝીઓના હુમલા સામે યહોવાહના સાક્ષીઓ અડગ રહ્યા (અંગ્રેજી) વિડીયો કૅસેટ પહેલી વાર બતાવાઈ હતી. એ જોઈને ઘણાએ સાક્ષીઓની પ્રશંસા કરી. એવો જ એક કાર્યક્રમ એપ્રિલ ૧૮, ૧૯૯૮માં બર્જન-બેલ્સન નામની કુખ્યાત જુલમી છાવણીમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જર્મનીમાં રાજકીય શિક્ષણ આપતી સંસ્થાના સંચાલક, ડૉ. વૉલ્ફગેન્ગ શીલે કબૂલ્યું: “ઇતિહાસનું શરમજનક સત્ય એ છે કે ખ્રિસ્તી ચર્ચો કરતાં, યહોવાહના સાક્ષીઓએ રાષ્ટ્રો વચ્ચેની લડાઈમાં તટસ્થ સ્થાન લઈને એનો નકાર કર્યો. . . . આપણે યહોવાહના સાક્ષીઓના શિક્ષણ અને ધાર્મિક ઉત્સાહ વિષે ગમે તે માનતા હોઈએ, પરંતુ નાઝી શાસન દરમિયાન તેઓએ જે મક્કમ સ્થાન લીધું એ ખરેખર પ્રશંસનીય છે.”
૧૩ કોઈ જાણીતી વ્યક્તિ કે અદાલત ખૂબ ચર્ચાયેલી બાબતોમાં યહોવાહના સાક્ષીઓના પક્ષે ચુકાદો આપે ત્યારે, સાક્ષીઓ પ્રત્યેની ખોટી છાપ દૂર થાય છે. એનાથી સાક્ષીઓ પ્રત્યેનો પક્ષપાત ઓછો થાય છે. પરિણામે, તેઓનું કદી ન સાંભળનારા સાથે વાત કરવાની તક મળે છે. તેથી, આવી વ્યક્તિઓ અને અદાલતના નિર્ણયને યહોવાહના સાક્ષીઓ આવકારે છે અને ખરેખર એની કદર કરે છે. એ આપણને યરૂશાલેમના પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સાથે જે થયું એની યાદ કરાવે છે. સાન્હેડ્રીન, યહુદી ઉચ્ચ અદાલત ખ્રિસ્તીઓને તેઓના ઉત્સાહી પ્રચાર કાર્યને લીધે મારી નાખવા ચાહતી હતી. પરંતુ, ગમાલીએલ નામે એક “ન્યાયશાસ્ત્રી, જેને સઘળા લોકો માન આપતા હતા,” તેમણે ચેતવણી આપી: “ઓ ઈસ્રાએલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિષે સાવચેત રહો. . . . આ માણસોથી તમે આઘા રહો, અને તેમને રહેવા દો; કેમકે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે; પણ જો દેવનું હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહિ; નહિ તો કદાપિ તમે દેવની સામા પણ લડનારા જણાશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૩-૩૯.
૧૪ ગમાલીએલની જેમ, તાજેતરમાં પણ ઘણી પ્રખ્યાત વ્યક્તિઓએ યહોવાહના સાક્ષીઓની ધાર્મિક સ્વતંત્રતાને ટેકો આપ્યો છે. દાખલા તરીકે, સ્વતંત્રતા અને ધાર્મિક માન્યતા માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષે દલીલ કરી: “કોઈક ધર્મની માન્યતાઓ સમાજના લોકો સ્વીકારતા ન હોય કે એ અસામાન્ય લાગતી હોય એટલે એના ધાર્મિક હક્કોનો નકાર થઈ શકે નહિ.” લીપઝીંગ વિશ્વવિદ્યાલયમાં ધર્મની વૈજ્ઞાનિક તપાસના પ્રાધ્યાપકે, કહેવાતા ધાર્મિક પંથોની જાંચતપાસ કરવા જર્મન સરકારે સ્થાપેલા મંડળ સમક્ષ એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો કર્યો: “શા માટે ફક્ત નાના પંથોની જ જાંચતપાસ થવી જોઈએ, બે મોટા ચર્ચોની [રોમન કૅથલિક ચર્ચ અને લ્યુથરન ચર્ચની] પણ તપાસ કેમ ન થવી જોઈએ?” એના જવાબ માટે આપણે ભૂતપૂર્વ જર્મન અધિકારીના શબ્દોને જ ધ્યાન આપીએ, જેમણે લખ્યું: ‘નિઃશંક, આમાં ચર્ચમાંની રાજકારણ સાથે ભળેલી વ્યક્તિઓનો જ હાથ છે.’
છુટકારો કોણ આપશે?
૧૫ ગમાલીએલે જે કહ્યું એ હકીકત બતાવે છે કે પરમેશ્વરની મદદથી થતા કાર્યને કોઈ અટકાવી શકે નહિ. નિઃશંક, ગમાલીએલે સાન્હેડ્રીનને કહેલા આ શબ્દોથી શરૂઆતના ખ્રિસ્તીઓને ચોક્કસ લાભ થયો હશે. પરંતુ તેઓ ઈસુના શબ્દોને ભૂલી ગયા નહિ કે તેમના શિષ્યોની સતાવણી થશે જ. ગમાલીએલના કારણે ધાર્મિક આગેવાનોએ ખ્રિસ્તીઓને મારી તો ન નાખ્યા, પરંતુ શિષ્યોની સતાવણી કરવાનું તેઓએ બંધ કર્યું નહિ. આપણે વાંચીએ છીએ: “તેઓએ તેનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦.
૧૬ અદાલતમાં ઈસુની પૂછપરછ કરતા પોંતિયસ પીલાતને કોઈ વાંક-ગુનો માલૂમ પડ્યો નહિ. આથી તેણે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એમ કરી શક્યો નહિ. (યોહાન ૧૮:૩૮, ૩૯; ૧૯:૪, ૬, ૧૨-૧૬) સાન્હેડ્રીનના બે સભ્યો નીકોદેમસ અને અરીમથાઈનો યુસફ ઈસુના પક્ષે હતા. પરંતુ તેઓ ઈસુની વિરુદ્ધ અદાલતે લીધેલા નિર્ણયને અટકાવી શક્યા નહિ. (લુક ૨૩:૫૦-૫૨; યોહાન ૭:૪૫-૫૨; ૧૯:૩૮-૪૦) માનવીઓ ગમે તે ઇરાદાથી યહોવાહના લોકોનો બચાવ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ તેઓનો પ્રયત્ન મર્યાદિત છે. જગતના લોકોએ ઈસુને ધિક્કાર્યા હતા તેમ, તેમના સાચા શિષ્યોને પણ ધિક્કારવાનું ચાલુ રાખશે. પરંતુ, સંપૂર્ણ છુટકારો ફક્ત યહોવાહ જ લાવી શકે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૪.
૧૭ ખરું જોતાં, યહોવાહના સાક્ષીઓ જાણે છે કે સતાવણી ચાલુ રહેશે. શેતાનના આ દુષ્ટ જગતનો નાશ થશે ત્યારે જ સતાવણી બંધ થશે. જોકે આ સતાવણી દુઃખ લાવે છે છતાં, એ સાક્ષીઓને રાજ્ય પ્રચાર કામ કરતા રોકી શકતી નથી. તેઓના પક્ષે યહોવાહ પરમેશ્વર હોય તો શા માટે તેઓએ પાછા પડવું જોઈએ? તેઓ પોતાના હિંમતવાન આગેવાન, ઈસુ ખ્રિસ્તને પગલે ચાલે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭-૨૧, ૨૭-૩૨.
૧૮ શરૂઆતથી જ સાચા ધર્મના લોકોની સખત સતાવણી થઈ છે. ટૂંક સમયમાં જ એ ગોગના સખત વિરોધનો સામનો કરશે, કેમ કે શેતાનને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા પછી તેની હાલત એકદમ ખરાબ છે. પરંતુ સાચા ધર્મનો બચાવ થશે. (હઝકીએલ ૩૮:૧૪-૧૬) એ સમયે, “આખા જગતના રાજાઓ” શેતાનના માર્ગદર્શન હેઠળ, “હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમકે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે.” (પ્રકટીકરણ ૧૬:૧૪; ૧૭:૧૪) હા, આપણા રાજા આખરી વિજય મેળવવા જઈ રહ્યા છે અને જલદી જ પોતાની ‘વિજયકૂચ’ પૂરી કરશે. તેમની સાથે સાથે આગળ વધવાનો કેવો લહાવો! જલદી જ, યહોવાહના ઉપાસકોનો વિરોધ કરનાર કોઈ નહિ હોય ત્યારે તેઓ કહેશે: “દેવ આપણા પક્ષનો છે.”—રૂમી ૮:૩૧; ફિલિપી ૧:૨૭, ૨૮.
શું તમે સમજાવી શકો?
• યહોવાહનું રાજ્ય સ્થપાયા પછી, તેમણે કઈ રીતે ખ્રિસ્તી મંડળોને દૃઢ કર્યાં છે?
• ખ્રિસ્તની વિજયકૂચ અટકાવવા શેતાને કયા પ્રયત્નો કર્યા છે અને એનું શું પરિણામ આવ્યું?
• વિધર્મીઓએ કરેલી પ્રશંસા પ્રત્યે આપણે કેવું સમતોલ દૃષ્ટિબિંદુ રાખવું જોઈએ?
• શેતાન થોડા જ સમયમાં શું કરશે અને એનું શું પરિણામ આવશે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યોહાન સંદર્શનમાં કયા ભાવિ બનાવો જુએ છે?
૨. રાજ્ય સ્થપાયું ત્યારે શેતાનનો પ્રતિભાવ શું હતો અને એ શાનો પુરાવો છે?
૩, ૪. (ક) રાજ્ય સ્થપાયા પછી ખ્રિસ્તી મંડળોમાં કયા ફેરફારો કરવામાં આવ્યા અને શા માટે એ જરૂરી હતા? (ખ) યશાયાહે ભાખ્યું હતું તેમ આ ફેરફારોના કયા લાભો થયા છે?
૫. (ક) યહોવાહે પોતાના લોકોને આશીર્વાદો આપ્યા ત્યારે શેતાને શું કર્યું? (ખ) ફિલિપી ૧:૭ના સુમેળમાં, યહોવાહના સાક્ષીઓએ શેતાનના ક્રોધ સામે કેવી પ્રતિક્રિયા બતાવી છે?
૬. શું પ્રતિબંધ અને અવરોધો યહોવાહના લોકોને આગળ વધતા અટકાવી શક્યા?
૭. કયો નોંધપાત્ર બનાવ ૧૯૫૮માં બન્યો અને ત્યારથી કયા ફેરફારો થઈ રહ્યા છે?
૮. યહોવાહે પોતાના લોકોને જે આશિષ આપ્યો એના કારણે શું બન્યું છે અને એ વિષે ૧૯૫૦ના ચોકીબુરજએ શું બતાવ્યું?
૯. યહોવાહના સાક્ષીઓએ શીખેલી બાબતો કઈ રીતે લાભકારક પુરવાર થઈ રહી છે?
૧૦, ૧૧. યહોવાહના સાક્ષીઓ વિષેની ખોટી છાપ કઈ રીતે ભૂંસાઈ રહી છે એનું ઉદાહરણ આપો.
૧૨. યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં ભાગ ન લેવા વિષે તટસ્થ રહ્યા, તેની પ્રખ્યાત લોકોએ કેવી પ્રશંસા કરી?
૧૩, ૧૪. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓ માટે, ધારી પણ ન હોય એવી વ્યક્તિએ કઈ ભલામણ કરી? (ખ) આજે પરમેશ્વરના લોકોના પક્ષે બોલી હોય એવી વ્યક્તિઓના ઉદાહરણ આપો.
૧૫, ૧૬. (ક) ગમાલીએલના પ્રયત્નો શા માટે મર્યાદિત હતા? (ખ) શા માટે બીજી ત્રણ હોદ્દાવાળી વ્યક્તિઓ પણ ઈસુ માટે કંઈ કરી શકી નહિ?
૧૭. યહોવાહના સાક્ષીઓ શું જાણે છે, પરંતુ તેઓ શા માટે પ્રચાર કાર્યમાં પાછા પડતા નથી?
૧૮. યહોવાહના લોકો સામે હજુ કઈ મુશ્કેલીઓ રહેલી છે, પરંતુ તેઓને કઈ ખાતરી છે?
[પાન ૧૮ પર ચિત્ર]
મહાસંમેલનો યહોવાહના લોકોની પ્રગતિ બતાવે છે
[પાન ૨૦ પર ચિત્રો]
બીજા વિશ્વયુદ્ધમાં સાક્ષીઓ તટસ્થ રહ્યા, એનાથી હજુ પણ યહોવાહને માન મળે છે