શું તારણ માટેની કોઈ આશા છે?
માનવજાતિએ જોયેલી સદીઓમાં, ૨૦મી સદીને સૌથી લોહિયાળ સદી કહેવામાં આવી છે. છેલ્લા દાયકાઓ દરમિયાન ગુના, યુદ્ધો, કોમી સંઘર્ષ, કેફી પદાર્થનો દુરુપયોગ, અપ્રમાણિકતા અને હિંસામાં વધારો જોવા મળ્યો છે. એ ઉપરાંત, લોકો માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણને લીધે પણ દુઃખ અને તકલીફો અનુભવે છે. આજે દુનિયામાં ચાલી રહેલી આવી સમસ્યાઓથી કોણ મુક્ત થવાનું ઇચ્છતું નથી? આપણે ભવિષ્યને જોઈએ તો શું તારણ માટેની કોઈ આશા છે?
લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં, પ્રેષિત યોહાને જોયેલા સંદર્શનનો વિચાર કરો. તેમણે લખ્યું: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, [દેવ] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) એવું જ યશાયાહ પ્રબોધકે પણ ભાખ્યું: “તેણે સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવાહ સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકનું મહેણું દૂર કરશે: કેમકે યહોવાહનું વચન એવું છે.”—યશાયાહ ૨૫:૮.
વિચાર કરો કે પરમેશ્વરનાં વચનો પરિપૂર્ણ થવાનો શું અર્થ થાય છે! માનવજાતને દુઃખ અને યાતનાનાં કારણો તરીકે જુલમ અને હિંસાથી મુક્તિ કે છુટકારો આપવામાં આવશે. તેમ જ, બીમારી, વૃદ્ધાવસ્થા અને મરણ પણ નહિ હોય! પરમેશ્વરનો શબ્દ બાઇબલ પૃથ્વી પરની સંપૂર્ણ પરિસ્થિતિ હેઠળ અનંતજીવનનું વચન આપે છે. (લુક ૨૩:૪૩; યોહાન ૧૭:૩) એ અનંતજીવન ઇચ્છનારા સર્વને મળશે. “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [પરમેશ્વરની] ઇચ્છા છે.”—૧ તીમોથી ૨:૩, ૪.
તેમ છતાં, પરમેશ્વરના વચનમાંથી લાભ લેવા અને આપણા તારણ માટે, ઈસુ ખ્રિસ્તની ભૂમિકાને સમજવાની તથા તેમનામાં વિશ્વાસ આચરવાની જરૂર છે. ઈસુએ પોતે કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) આ બાબત વિષે ઈસુ ખ્રિસ્તની મહત્ત્વની ભૂમિકાને ચીંધતા, પ્રેષિત પીતરે કહ્યું: “બીજા કોઈથી તારણ નથી; કેમકે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઇ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૨) તારણ માટે શું કરવું એવું પૂછનાર માણસને પ્રેષિત પાઊલ અને તેમના સાથી સીલાસે વિનંતી કરી: “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૦, ૩૧.
હા, ઈસુ ખ્રિસ્ત ‘જીવનના અધિકારી’ છે અને ફક્ત તેમના દ્વારા જ આપણું તારણ શક્ય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૫) પરંતુ, આપણા તારણ માટે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત મહત્ત્વની વ્યક્તિ હોય શકે? આ બાબતે તેમની ભૂમિકાને સ્પષ્ટ રીતે સમજવાથી તારણ માટેની આપણી આશા દૃઢ થવી જોઈએ.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
પાન ૩: બૉમ્બમારો કરતા વિમાનો: USAF photo; ભૂખે મરતાં બાળકો: UNITED NATIONS/J. FRAND; બળતું યુદ્ધજહાજ: U.S. Navy photo