‘વિશેષ ધ્યાન આપો’
“જે સત્યો આપણે સાંભળ્યા છે તે પર હવે વિશેષ ધ્યાન આપીએ, એ માટે કે આપણે તેમાંથી ભટકી ન જઈએ.”—હિબ્રૂઓને પત્ર ૨:૧, IBSI.
એકલા અમેરિકામાં જ દર વર્ષે વાહન અકસ્માતોમાં આશરે ૩૭,૦૦૦ લોકો પોતાનો જાન ગુમાવે છે. સંશોધકો જણાવે છે કે જો એ ડ્રાઇવરોએ રોડ પર વધારે ધ્યાન આપીને ગાડી ચલાવી હોત તો, મોટા ભાગના અકસ્માતો થયા ન હોત. ઘણી વખત ડ્રાઇવરોનું ધ્યાન રોડની આજુબાજુની જાહેરખબરોથી ફંટાઈ જાય છે. અથવા તેઓ મોબાઈલ ફોન વાપરતા હોવાથી બેધ્યાન બની જાય છે. બીજાઓ ખાતા ખાતા ડ્રાઇવીંગ કરતા હોવાથી, અકસ્માતો કરી બેસે છે. આ બધા સંજોગોમાં બીજી બાબતોમાં ધ્યાન ખેંચાઈ જવાથી કેવા ખરાબ અકસ્માતો થઈ શકે છે.
૨ વાહનની શોધ થઈ એના લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં, પ્રેષિત પાઊલે ધ્યાન ફેરવી દેતી કેટલીક બાબતોને ઓળખી બતાવી હતી. એનાથી અમુક હેબ્રી ખ્રિસ્તીઓના જીવન બરબાદ થઈ ગયા હતા. પાઊલે પૂરા ભરોસાથી જણાવ્યું કે સજીવન થયેલા ઈસુ ખ્રિસ્ત હવે સ્વર્ગમાં પરમેશ્વરના જમણે હાથે બેઠા છે અને તેમને સર્વ દૂતો કરતાં ઊંચો હોદ્દો આપવામાં આવ્યો છે. પછી પાઊલે લખ્યું: “જે સત્યો આપણે સાંભળ્યા છે તે પર હવે વિશેષ ધ્યાન આપીએ, એ માટે કે આપણે તેમાંથી ભટકી ન જઈએ.”—હિબ્રૂઓને પત્ર ૨:૧, IBSI.
૩ હેબ્રી ખ્રિસ્તીઓએ ઈસુ વિષે જે સાંભળ્યું હતું એમાં શા માટે “વિશેષ ધ્યાન” આપવાનું હતું? કેમ કે ઈસુ પૃથ્વી પર મરણ પામ્યા એને લગભગ ૩૦ વર્ષ વીતી ગયા હતા. હવે ઈસુ ખ્રિસ્તની ગેરહાજરીમાં, કેટલાક હેબ્રી ખ્રિસ્તીઓ સાચા વિશ્વાસમાંથી ભટકી જવા લાગ્યા હતા. તેઓ હવે પાછા યહુદી રીતિ-રિવાજો તરફ ઢળવા લાગ્યા હતા.
તેઓએ “વિશેષ ધ્યાન” આપવાની જરૂર હતી
૪ શા માટે અમુક ખ્રિસ્તીઓ ફરીથી યહુદી રીતિ-રિવાજો તરફ ઢળવા લાગ્યા? એનું એક કારણ એ હતું કે, તેઓની નજર સામે જ બધી વસ્તુઓ હતી. તેઓ યાજકોને નજરે જોઈ શકતા હતા અને બળતા બલિદાનોની સુગંધ પણ લઈ શકતા હતા. પરંતુ ખ્રિસ્તી ઉપાસના અમુક રીતે અલગ હતી. ખ્રિસ્તીઓ પાસે પણ પ્રમુખયાજક હતા, પરંતુ તે લગભગ ૩૦ વર્ષથી પૃથ્વી પર દેખાયા ન હતા. (હેબ્રી ૪:૧૪) તેઓ પાસે મંદિર તો હતું પણ એનું ખરું પવિત્રસ્થાન સ્વર્ગમાં હતું. (હેબ્રી ૯:૨૪) નિયમકરાર હેઠળ યહુદીઓ સુનત કરાવતા હતા, જ્યારે ખ્રિસ્તીઓની સુનત શરીરથી નહિ પણ “હૃદયો અને મનોના બદલાણથી” થતી હતી. (રૂમીઓને પત્ર ૨:૨૯, IBSI) તેથી, હેબ્રી ખ્રિસ્તીઓ ઉપાસના કરવાની જૂની યહુદી વ્યવસ્થા તરફ ઢળવા લાગ્યા હતા. કેમ કે તેઓને લાગ્યું કે યહુદી ધર્મ સામે ખ્રિસ્તી ધર્મ તો કંઈ જ નથી.
૫ ઈસુએ શરૂ કરેલી ખ્રિસ્તી ઉપાસના વિષે હેબ્રી ખ્રિસ્તીઓએ કંઈક ખાસ બાબતો જાણવાની જરૂર હતી. આ ઉપાસના કોઈ વસ્તુ કરતાં વિશ્વાસ પર વધારે નભતી હતી. અરે, એ ઉપાસના મુસાએ આપેલા યહુદી નિયમકરારો કરતાં પણ વધારે શ્રેષ્ઠ હતી. પાઊલે લખ્યું: “જો જૂની વ્યવસ્થા પ્રમાણે ગોધા અને બકરાના રક્તથી તથા અર્પણ કરાયેલ વાછરડીની રાખથી માણસોનાં શરીર શુદ્ધ કરવામાં આવતાં હતાં, તો પછી ખ્રિસ્તનું રક્ત આપણાં જીવનો તથા હૃદયોને સંપૂર્ણપણે શુદ્ધ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે! ખ્રિસ્તનું અર્પણ આપણને નિયમપાલનના જડ બંધનમાંથી મુક્ત કરે છે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. સનાતન આત્માની સહાય વડે ખ્રિસ્તે રાજીખુશીથી ઈશ્વરને પોતાનું અર્પણ કર્યું. ઈસુ ખ્રિસ્ત પોતે તો સંપૂર્ણ અને નિષ્કલંક હતા.” (હિબ્રૂઓને પત્ર ૯:૧૩, ૧૪, IBSI) દાખલા તરીકે, જૂના નિયમની વ્યવસ્થા પ્રમાણે માફી મેળવવા માટે બલિદાનો ચઢાવવામાં આવતા હતા. પરંતુ, ઈસુએ પોતાના જીવનનું જે બલિદાન આપ્યું એમાં વિશ્વાસ રાખીને માફી મેળવવાની રીત બધી રીતે સૌથી ઉત્તમ હતી.—હેબ્રી ૭:૨૬-૨૮.
૬ બીજા એક કારણને લીધે પણ હેબ્રી ખ્રિસ્તીઓએ, ઈસુએ કહેલી વાતો તરફ ખાસ ધ્યાન આપવાનું હતું. ઈસુએ અગાઉથી જણાવ્યું હતું કે યરૂશાલેમનો વિનાશ થશે. તેમણે કહ્યું: “કેમકે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકડાવશે, તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે; અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ; કેમકે તારી કૃપાદૃષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”—લુક ૧૯:૪૩, ૪૪.
૭ એ ક્યારે થવાનું હતું? ઈસુએ એ વિષે કોઈ ખાસ દિવસ કે ઘડી જણાવ્યા ન હતા. એને બદલે તેમણે ચેતવણી આપી: “જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.” (લુક ૨૧:૨૦, ૨૧) પછીના ત્રીસેક વર્ષોમાં યરૂશાલેમના કેટલાક ખ્રિસ્તીઓ ઈસુની આ ચેતવણીને ધીમે-ધીમે ભૂલવા લાગ્યા હતા. તેઓનું ધ્યાન ભટકી ગયું હતું અને તેઓ અવળે માર્ગે ફંટાઈ ગયા હતા. જો તેઓ ઈસુની ભવિષ્યવાણીને પાછું ધ્યાન નહિ આપે તો, તેઓ પર જરૂર દુઃખોના ડુંગરો તૂટી પડવાના હતા. ભલે તેઓ ગમે તેમ વિચારે, યરૂશાલેમનો વિનાશ તો નક્કી જ હતો.a તેથી, પરમેશ્વરની ભક્તિમાં સાવ આળસુ થઈ ગયેલા યરૂશાલેમના ખ્રિસ્તીઓ માટે, પાઊલની સલાહ એક ચેતવણી જેવી હતી.
આજે “વિશેષ ધ્યાન આપીએ”
૮ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ બાઇબલના સત્યો તરફ “વિશેષ ધ્યાન” આપવાની જરૂર છે. શા માટે? કેમ કે આપણા સમયમાં પણ એક વિનાશ ઝઝૂમી રહ્યો છે. એમાં ફક્ત એક દેશના જ નહિ, પણ આ દુનિયાના બધા જ દુષ્ટ લોકોનો વિનાશ થશે. (પ્રકટીકરણ ૧૧:૧૮; ૧૬:૧૪, ૧૬) જો કે આપણે એ જાણતા નથી કે યહોવાહ કયા દિવસે અને કઈ ઘડીએ આ વિનાશ લાવશે. (માત્થી ૨૪:૩૬) તેમ છતાં, આજે આપણે આ “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ એનો બાઇબલ ભવિષ્યવાણીઓ ચોક્કસ પુરાવો આપે છે. (૨ તીમોથી ૩:૧-૫) તો પછી, આપણું ધ્યાન ફંટાવી દે એવી કોઈ પણ બાબતથી શું આપણે સાવધ ન રહેવું જોઈએ? હા, આપણે પરમેશ્વરના શબ્દો તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને આપણે એ પણ લક્ષમાં રાખીએ કે આ જગતનો અંત હવે જલદી જ આવશે. એમ કરીશું તો જ આપણે ‘આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને પ્રબળ થઈ શકીશું.’—લુક ૨૧:૩૬.
૯ આ સૌથી મહત્ત્વના સમયે આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે પરમેશ્વરની ભક્તિમાં “વિશેષ ધ્યાન” આપી રહ્યા છીએ? સૌથી પહેલાં, આપણે બધી જ ખ્રિસ્તી સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં જવું જોઈએ. બીજું કે, આપણને બાઇબલમાંથી શીખવાની ખૂબ જ ધગસ હોવી જોઈએ જેથી, આપણે યહોવાહને સારી રીતે ઓળખી શકીએ. (યાકૂબ ૪:૮) જો આપણે પોતે અભ્યાસ કરીને અને સભાઓમાંથી યહોવાહનું જ્ઞાન લેતા રહીશું તો, આપણે પણ કહી શકીશું કે, “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.
૧૦ પરમેશ્વર ભવિષ્યમાં શું કરવાના છે એ વિષે જ્યારે આપણે બાઇબલમાંથી જાણીએ છીએ ત્યારે, એ ‘આપણા માર્ગને અજવાળારૂપ’ બને છે. એ ‘આપણા પગોને સારું પણ દીવારૂપ’ બને છે. દાખલા તરીકે, આપણે જીવનમાં કોઈ દુઃખનો સામનો કરતા હોઈએ ત્યારે કયા પગલાં લેવા જોઈએ, એ બતાવવા બાઇબલ આપણને મદદ કરે છે. તો પછી, આપણે સભાઓમાં જઈએ ત્યારે અને પોતે બાઇબલ વાંચીએ ત્યારે, ખાસ “ધ્યાન” આપીએ એ ખૂબ જ જરૂરી છે. એમાંથી આપણે જે માર્ગદર્શન લઈએ છીએ એ આપણને સારા નિર્ણયો લેવા મદદ કરે છે, અને એમ કરવાથી યહોવાહ ખુશ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧; યશાયા ૪૮:૧૭) આપણે સભાઓમાં જઈએ ત્યારે અને પોતે અભ્યાસ કરતી વખતે કઈ રીતે વધારે ધ્યાન આપી શકીએ?
સભાઓમાં ધ્યાન આપવું અઘરું લાગે તો?
૧૧ અમુક સમયે આપણને સભાઓમાં ધ્યાન આપવું અઘરું લાગે છે. નાનું બાળક રડતું હોય કે સભામાં કોઈ મોડું આવીને સીટ શોધતું હોય ત્યારે, આપણું ધ્યાન સહેલાઈથી એમના તરફ ખેંચાઈ જાય છે. આખો દિવસ કામ કર્યા પછી, કદાચ આપણે ખૂબ થાકી ગયા હોઈએ. એમાં પણ કોઈ સારી રીતે ટોક ન આપે ત્યારે, આપણે બીજા વિચારોમાં ખોવાઈ જઈએ છીએ. અરે, અમુક વાર તો આપણને ઝોકાં પણ આવી જાય છે! પરંતુ જે કંઈ આપણને શીખવવામાં આવે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. તેથી, આપણે મંડળની સભાઓમાં ધ્યાન આપવા મહેનત કરવી જ જોઈએ. આપણે કઈ રીતે એમ કરી શકીએ?
૧૨ આપણે અગાઉથી સારી તૈયારી કરીને સભાઓમાં જઈએ તો, ધ્યાનથી સાંભળવું આપણા માટે સહેલું બનશે. એમ કરવા માટે આપણે સભામાં જે વિષય પર ચર્ચા થવાની હોય એ વિષે અગાઉથી વિચાર કરવો જોઈએ. દર અઠવાડિયે બાઇબલ વાંચન માટે જે અધ્યાયો સોંપવામાં આવ્યા છે એને દરરોજ વાંચીને મનન કરવા માટે થોડા જ સમયની જરૂર પડે છે. જો આપણે પહેલેથી નક્કી કરીએ તો, મંડળના પુસ્તક અભ્યાસ અને ચોકીબુરજ અભ્યાસની તૈયારી માટે પણ સમય કાઢી શકીએ છીએ. આપણે ભલે ગમે એ સમયે તૈયારી કરવાનું નક્કી કરીએ, એક વાત ચોક્કસ છે: આપણે અગાઉથી તૈયારી કરી હશે તો, સભાઓમાં જે ચર્ચા થતી હશે એમાં આપણે સારી રીતે ધ્યાન આપી શકીશું.
૧૩ સારી રીતે તૈયારી કરવા ઉપરાંત, કેટલાકે અનુભવ્યું છે કે તેઓ રાજ્ય ગૃહમાં આગળની સીટો પર બેસીને વધારે ધ્યાન આપી શકે છે. આપણે બીજા કોઈ વિચારોમાં ખોવાઈ ન જઈએ એ માટે, જે કોઈ વાર્તાલાપ આપતું હોય તેમની સામે જોવું જોઈએ; તે બાઇબલમાંથી કોઈ કલમ વાંચતા હોય ત્યારે, તેમની સાથે બાઇબલ ખોલીને કલમમાં ધ્યાન આપવું જોઈએ, અને વાર્તાલાપના મુખ્ય મુદ્દાઓ લખી લેવા જોઈએ. સૌથી મહત્ત્વનું તો એ છે, કે આપણે આ સત્યોની પૂરા દિલથી કદર કરવી જોઈએ. આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે આપણે શા માટે સભાઓમાં ભેગા મળીએ છીએ. આપણે બધા યહોવાહની ભક્તિ કરવા માટે ભેગા મળીએ છીએ. (ગીતશાસ્ત્ર ૨૬:૧૨; લુક ૨:૩૬, ૩૭) ખોરાક આપણી ભૂખ મટાડે છે તેમ, સભાઓમાં પરમેશ્વરનું જ્ઞાન આપણને સંતોષ આપે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) વધુમાં, સભાઓ આપણને ‘પ્રેમ રાખવા તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન’ આપવાની તકો પૂરી પાડે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૧૪ સભામાં જોરદાર ટોક આપવામાં આવે ત્યારે, લોકો કહેશે કે એ સભામાં ખૂબ જ મજા આવી હતી. પરંતુ, જો કોઈ જોરદાર ટોક ન આપે તો, ઘણાને લાગે છે કે એ સભામાં જરાય મજા આવી ન હતી. તો પછી, સભા કેવી હતી એ શું ફક્ત જોરદાર ટોક પર જ આધારિત છે? જરાય નહિ! એ ખરું છે કે જેનો ટોક હોય, તેમણે સારી રીતે શીખવવા મહેનત કરવી જ જોઈએ જેથી, એ શિક્ષણ લોકોના દિલમાં ઊતરી શકે. (૧ તીમોથી ૪:૧૬) પરંતુ, જો કોઈએ એકદમ નિરસ કે ઉત્સાહ વગર ટોક આપ્યો હોય તો, આપણે કચકચ કરવી ન જોઈએ. ભલે ગમે તે ટોક આપતું હોય, આપણે એને ધ્યાન દઈને સાંભળીએ એ ખરેખર મહત્ત્વનું છે. આપણે સભાઓમાં ધ્યાન આપીએ છીએ ત્યારે, આપણે ખરેખર પરમેશ્વરને ખુશ કરીને તેમની ભક્તિ કરીએ છીએ. અને એ જ તો સભાની ખરી મજા છે. આપણને પરમેશ્વર વિષે શીખવાનું ખૂબ જ મન થતું હશે તો, ભલે ગમે એવો ટોક આપવામાં આવે, આપણે સભાઓમાંથી જરૂર લાભ મેળવીશું. (નીતિવચનો ૨:૧-૫) તો પછી, ચાલો આપણે સભાઓમાં “વિશેષ ધ્યાન” આપવાનો નિર્ણય કરીએ.
તમારા પોતાના અભ્યાસમાંથી પૂરો લાભ મેળવો
૧૫ આપણે પોતે અભ્યાસ કરતા હોઈએ ત્યારે, “વિશેષ ધ્યાન” આપવાથી લાભ મેળવીએ છીએ. બાઇબલ અને યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલાં પ્રકાશનો વાંચવાથી અને એના પર ઊંડો વિચાર કરવાથી, આપણે સત્યને આપણા દિલમાં ઊતારી શકીશું. પછી આપણા આચાર-વિચાર પર એની સારી અસર પડશે. ખરેખર, એમ કરવાથી આપણને યહોવાહની સેવા કરવામાં ખૂબ જ મજા આવશે. (ગીતશાસ્ત્ર ૧:૨; ૪૦:૮) ધ્યાન ફંટાવી દેવું ખૂબ સહેલું છે! તેથી, અભ્યાસ કરતી વખતે એમાંથી પૂરો લાભ લેવા આપણે વધારે ધ્યાન આપતા શીખવું જોઈએ. ફોનની રીંગ વાગે કે બીજા નાના-મોટા અવાજથી પણ આપણું ધ્યાન ફંટાઈ જઈ શકે છે. અથવા આપણને વધારે સમય સતત ધ્યાન આપવું અઘરું લાગી શકે. આપણે યહોવાહ વિષે શીખવા માટે હોંશથી બેઠા હોય તોપણ, થોડી જ વારમાં આપણે બીજી ચિંતાઓમાં કે બાબતોમાં ડૂબી જઈ શકીએ છીએ. તો પછી, આપણે બાઇબલનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે, કઈ રીતે “વિશેષ ધ્યાન” આપી શકીએ?
૧૬ અભ્યાસ કરવા માટે આપણને અનુકૂળ હોય એવો સમય ગોઠવવો જોઈએ. પરંતુ, આપણામાંથી મોટા ભાગના પાસે નિરાંતે બેસીને અભ્યાસ કરી શકીએ એવો સમય હોતો નથી. અમુક કદાચ કહેશે કે, “મને તો દિવસે બેસવાનો પણ સમય મળતો નથી.” પરંતુ, આપણે થોડો સમય તો કાઢવો જ જોઈએ. આપણે એમ ન કહેવું જોઈએ કે, “સમય મળશે તો હું કરીશ,” કારણ કે એ સમય પાછો કદી આવવાનો નથી. પરંતુ, આપણે અભ્યાસ કરવાનો સમય નક્કી કરવો જ જોઈએ. (એફેસી ૫:૧૫, ૧૬) અમુક લોકો સવારે જ્યારે શાંતિ હોય છે, ત્યારે થોડો વખત અભ્યાસ કરે છે. બીજા લોકો સાંજે નિરાંતે બેસીને થોડો સમય અભ્યાસ કરે છે. આપણે ભલે ગમે ત્યારે અભ્યાસ કરીએ, પણ મહત્ત્વની બાબત એ છે કે આપણે યહોવાહ અને ઈસુ વિષેનું જીવન આપતું જ્ઞાન લેવું જ જોઈએ. (યોહાન ૧૭:૩) તો પછી, ચાલો આપણે અભ્યાસ કરવા સમય કાઢીએ અને પછી નિયમિત એ પ્રમાણે કરતા રહીએ.
૧૭ આપણે અભ્યાસ દરમિયાન જે કંઈ પણ શીખ્યા હોય એના પર વિચાર કરવાને મનન કહે છે. એ ખૂબ જ મહત્ત્વનું છે. એમ કરવાથી, આપણે જે કંઈ શીખ્યા છીએ એ ફક્ત મનમાં જ નહિ, પણ આપણા દિલમાં ઊતરશે અને આપણા જીવન પર એની ઊંડી અસર પડશે. મનન કરવાથી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે, બાઇબલ સલાહને ક્યાં લાગુ પાડવી જોઈએ. એમ કરીને આપણે ‘વચનના પાળનારા થઈએ છીએ, કેવળ સાંભળનારા જ નહિ.’ (યાકૂબ ૧:૨૨-૨૫) વધુમાં, મનન કરવાથી આપણે યહોવાહના સદ્ગુણો પારખી શકીએ છીએ અને એના પર ઊંડો વિચાર પણ કરી શકીએ છીએ. આપણે એમ કરીએ છીએ ત્યારે, યહોવાહ સાથેનો આપણો સંબંધ એકદમ ગાઢ બને છે.
૧૮ બાઇબલ અભ્યાસ અને મનનમાંથી પૂરો લાભ મેળવવા માટે, આપણે બીજા કોઈ વિચારોમાં ખોવાઈ જવું ન જોઈએ. મનન કરીને નવી નવી બાબતો કે માહિતી શીખતા હોઈએ ત્યારે, આપણે રોજિંદી ચિંતાઓને બાજુ પર મૂકી દેવી જોઈએ અને ધ્યાન ખેંચી લેતી બાબતોથી દૂર રહેવું જોઈએ. એ ખરું છે કે, એ માટે એકાંત અને સમયની જરૂર પડશે, પરંતુ આપણે એમ કરીએ છીએ ત્યારે, બાઇબલના સાગર જેવા જ્ઞાનમાં નહાવાની આપણને કેટલી મજા આવે છે!
૧૯ પરંતુ, જો આપણે થોડો જ સમય ધ્યાન આપી શકતા હોય અને પછી બીજા વિચારોમાં ખોવાઈ જતા હોય તો શું? અમુક વ્યક્તિઓને લાગ્યું છે કે પહેલાં ટૂંકા સમય માટે અભ્યાસ કરવાથી, અને પછી ધીમે ધીમે અભ્યાસનો સમય વધારવાથી તેઓને ઘણો લાભ થઈ શકે છે. આમ કરવાથી, તેઓ હવે અભ્યાસમાં લાંબો સમય કાઢી શકે છે અને એમાં સારું ધ્યાન આપી શકે છે. આપણે ઉતાવળે અભ્યાસ કરવાને બદલે પૂરતો સમય કાઢવો જોઈએ. આપણે જે વિષય પર અભ્યાસ કરતા હોઈએ, એને પૂરા હોંશથી અને ઉત્સાહથી કરવો જોઈએ. એ ઉપરાંત, આપણે વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે પૂરા પાડેલાં અનેક પ્રકાશનોમાં પણ વધારે તપાસ કરી શકીએ છીએ. એમાંથી આપણે ‘દેવના ઊંડા વિચારો’ જાણી શકીશું, જે આપણને ખૂબ જ લાભ કરશે. (૧ કોરીંથી ૨:૧૦) વધુમાં, એમ કરવાથી આપણે યહોવાહને સારી રીતે ઓળખી શકીએ છીએ અને આપણી વિચાર શક્તિ પણ વધે છે. (હેબ્રી ૫:૧૪) જો આપણે પોતે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરીશું તો, આપણે ‘બીજાઓને પણ સારી રીતે શીખવી’ શકીશું.—૨ તીમોથી ૨:૨.
૨૦ સભામાં જવાથી અને પોતે અભ્યાસ કરવાથી, આપણે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકીશું. ગીતશાસ્ત્રના એક લેખકે એમ કરીને પ્રાર્થનામાં પરમેશ્વરને કહ્યું કે “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭) તો પછી, ચાલો આપણે બધી જ સભાઓમાં, સંમેલનોમાં અને મહાસંમેલનોમાં જઈએ. એ ઉપરાંત, આપણે બાઇબલનો અભ્યાસ અને મનન કરવા માટે સમય કાઢીએ. આ રીતે આપણે પરમેશ્વરના શબ્દ બાઇબલમાં “વિશેષ ધ્યાન” આપીશું તો, યહોવાહ આપણા પર પુષ્કળ આશીર્વાદો વરસાવશે.
[ફુટનોટ]
a હેબ્રીઓને આશરે ૬૧ સી.ઈ.માં પત્ર લખવામાં આવ્યો હતો. એમ હોય તો, ફક્ત પાંચ વર્ષ પછી જ સેસ્તીઅસ ગેલસના લશ્કરે યરૂશાલેમને ચારે બાજુથી ઘેરી લીધું હતું. પરંતુ એ લશ્કર ત્યાંથી પાછું ચાલ્યું ગયું ત્યારે, સાવચેત ખ્રિસ્તીઓને યરૂશાલેમથી નાસી જવાનો મોકો મળ્યો. ચાર વર્ષ પછી, સેનાપતિ તાઇતસ અને તેના રૂમી લશ્કરે યરૂશાલેમ શહેરનો નાશ કર્યો હતો.
તમને યાદ છે?
• શા માટે અમુક હેબ્રી ખ્રિસ્તીઓ સત્યથી ફંટાઈ ગયા હતા?
• ખ્રિસ્તી સભાઓમાં આપણે કઈ રીતે ધ્યાનથી સાંભળી શકીએ?
• બાઇબલ અભ્યાસ અને મનનમાંથી લાભ મેળવવા આપણને શું મદદ કરશે?
[Questions]
૧. બીજે ધ્યાન ખેંચાઈ જવાથી કેવા ખરાબ પરિણામો આવી શકે છે?
૨, ૩. પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને કઈ સલાહ આપી અને એ શા માટે યોગ્ય હતી?
૪. શા માટે કેટલાક હેબ્રી ખ્રિસ્તીઓ યહુદી રીતિ-રિવાજો તરફ ઢળવા લાગ્યા હતા?
૫. પાઊલે કઈ રીતે બતાવ્યું કે ઈસુએ શરૂ કરેલી ઉપાસનાની રીત, યહુદી નિયમકરાર કરતાં ચઢિયાતી હતી?
૬, ૭. (ક) કયા સંજોગને લીધે હેબ્રી ખ્રિસ્તીઓએ ‘જે સાંભળ્યું છે તે પર વિશેષ ધ્યાન’ આપવાનું હતું? (ખ) પાઊલે હેબ્રીઓને પત્ર લખ્યો ત્યારે, યરૂશાલેમના વિનાશને કેટલો સમય બાકી રહ્યો હતો? (ફૂટનોટ જુઓ.)
૮. શા માટે આપણે બાઇબલના સત્યને “વિશેષ ધ્યાન” આપવાની જરૂર છે?
૯, ૧૦. (ક) યહોવાહે કરેલી જોગવાઈઓ પ્રત્યે આપણે કઈ રીતે ખાસ ધ્યાન આપી શકીએ? (ખ) બાઇબલ કઈ રીતે આપણા ‘પગોને સારું દીવારૂપ અને આપણા માર્ગને સારું અજવાળારૂપ છે’?
૧૧. શા માટે અમુક વાર ખ્રિસ્તી સભાઓમાં ધ્યાન આપવું અઘરું હોય છે?
૧૨. સભાઓમાં સારી રીતે ધ્યાન આપવા માટે આપણને શું મદદ કરશે?
૧૩. સભાઓમાં ધ્યાન આપવા માટે આપણે શું કરી શકીએ?
૧૪. સભાની ખરી મજા શાના પર આધારિત છે?
૧૫. અભ્યાસ અને મનન આપણને કઈ રીતે લાભ કરે છે?
૧૬. (ક) શા માટે આપણે અભ્યાસ માટે સમય કાઢવો જોઈએ? (ખ) તમે કયા સમયે બાઇબલનો અભ્યાસ કરો છો?
૧૭. મનન કરવું કોને કહેવાય અને એ કઈ રીતે આપણને લાભ કરે છે?
૧૮. મનનમાંથી પૂરો લાભ મેળવવા માટે આપણે શું કરવાની જરૂર છે?
૧૯. (ક) વધારે સમય અભ્યાસમાં ધ્યાન આપવા માટે, અમુક વ્યક્તિઓને શાનાથી મદદ મળી છે? (ખ) બાઇબલ અભ્યાસ વિષે આપણને કેવું લાગવું જોઈએ, અને એમાંથી કેવા આશીર્વાદો મળે છે?
૨૦. આપણે કઈ રીતે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ?
[પાન ૧૧ પર ચિત્ર]
યરૂશાલેમના વિનાશ વિષે હેબ્રી ખ્રિસ્તીઓએ સાવચેત રહેવાની જરૂર હતી
[પાન ૧૩ પર ચિત્ર]
ખ્રિસ્તી સભાઓમાંથી લાભ મેળવવા, માબાપો પોતાનાં બાળકોને મદદ કરી શકે