વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧૦/૧૫ પાન ૧૩-૧૮
  • યહોવાહ આપણી સંભાળ રાખે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહ આપણી સંભાળ રાખે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહ આપણા પ્રેમાળ પિતા
  • ‘તમે યહોવાહના મિત્ર બની શકો’
  • શા માટે યહોવાહના મિત્ર બનવું
  • ‘શું યહોવાહ મારા મિત્ર છે?’
  • યહોવાહ આપણા મિત્ર છે!
  • યહોવાહને વળગી રહો
  • ઈશ્વરના માર્ગે ચાલો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવાહનું નામ રોશન કરતા યુવાનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧૦/૧૫ પાન ૧૩-૧૮

યહોવાહ આપણી સંભાળ રાખે છે

‘તમારી સર્વ ચિંતા પરમેશ્વર પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.’​—⁠૧ પીતર ૫:⁠૭.

યહોવાહ પરમેશ્વર અને શેતાનમાં આભ જમીનનો ફરક છે. જે કોઈ યહોવાહની નજીક છે, તેઓને શેતાનથી સખત નફરત છે. એ તફાવત એક જાણીતા લખાણમાં બતાવાયો છે. બાઇબલના અયૂબ નામના પુસ્તકમાં જણાવેલા શેતાનનાં પરાક્રમો વિષે, એ લખાણ (એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા, ૧૯૭૦) કહે છે: ‘શેતાનની આદત એ છે કે તે દુનિયામાં આમ-તેમ રખડીને લોકોની ભૂલો શોધે છે. જ્યારે કે “પ્રભુની નજર” તો દુનિયામાં ભલા લોકોને સહાય કરવા શોધતી રહે છે. આમ, પરમેશ્વર શેતાનથી તદ્દન અલગ જ છે. (૨ કાળવૃત્તાંત ૧૬:​૯, IBSI) શેતાનને વાતવાતમાં મનુષ્ય પર શંકા ઉઠાવવાની ટેવ છે. તેથી, પરમેશ્વરે તેને અમુક હદે મનુષ્યોની કસોટી કરવાની છૂટ આપી છે.’ ખરેખર, તેઓમાં આભ જમીનનો ફરક છે!​—⁠અયૂબ ૧:૬-૧૨; ૨:૧-૭.

૨ શેતાનનું બીજું નામ ડેવિલ છે. ડેવિલનો ગ્રીકમાં આ અર્થ થાય છે, “ખોટી રીતે દોષ મૂકનાર” અને “નિંદા કરનાર.” અયૂબના પુસ્તક પ્રમાણે, શેતાને આરોપ મૂક્યો કે યહોવાહના ભક્ત અયૂબ સ્વાર્થી હતા. તેણે કહ્યું: “શું અયૂબ કારણ વગર ઇશ્વરની ભક્તિ કરે છે?” (અયૂબ ૧:૯) અયૂબના અનુભવ પરથી જોવા મળે છે કે તેમના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેમ છતાં યહોવાહથી દૂર જવાને બદલે તે તેમને વળગી રહ્યા. (અયૂબ ૧૦:૯, ૧૨; ૧૨:૯, ૧૦; ૧૯:૨૫; ૨૭:૫; ૨૮:૨૮) અયૂબના જીવનમાંનું તોફાન પસાર થઈ ગયા પછી, તેમણે યહોવાહને કહ્યું: ‘મેં મારા કાનથી તારા વિષે સાંભળ્યું હતું; પણ હવે હું તને નજરે જોઉં છું.’​—⁠અયૂબ ૪૨:⁠૫.

૩ યહોવાહના ભક્ત અયૂબના અનુભવ પરથી, શું શેતાન કંઈ શીખ્યો? બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે તે બદલાયો જ નથી. આજે પણ શેતાન અભિષિક્ત થયેલા ભાઈઓ અને આપણા પર આરોપો મૂકતો જ રહે છે. (૨ તીમોથી ૩:૧૨; પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૭) તેથી આપણે શું કરવું જોઈએ? જેમ બાળક પોતાના મા-બાપને હંમેશાં વળગી રહે છે, તેમ આપણે આપણા પ્રેમાળ પિતા યહોવાહને વળગી રહીને, આધીન થવું જોઈએ. બાળક જેમ નાની નાની વાતોમાં પણ મા-બાપને ખુશ કરશે, તેમ આપણે પૂરા દિલથી ભક્તિ કરીને યહોવાહને ખૂબ જ ખુશ કરીએ છીએ. આમ, આપણે શેતાનને જૂઠો સાબિત કરીએ છીએ.​—⁠નીતિવચનો ૨૭:⁠૧૧.

યહોવાહ આપણા પ્રેમાળ પિતા

૪ શેતાન દુનિયામાં આમતેમ રખડતો રહીને, લાગ શોધે છે કે આને ફસાવું કે પેલાને? (અયૂબ ૧:૭, ૯; ૧ પીતર ૫:૮) પરંતુ, યહોવાહ એવા લોકોને શોધે છે, જેઓને મદદ જોઈએ છે. હનાની પ્રબોધકે, રાજા આસાને કહ્યું: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય . . . આપે.” (૨ કાળવૃત્તાંત ૧૬:૯) ખરેખર, બંનેમાં કેવો આભ જમીનનો ફરક છે!

૫ યહોવાહ કદી આપણી ભૂલો શોધતા નથી. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) એનો જવાબ છે કે કોઈ જ નહિ. (સભાશિક્ષક ૭:૨૦) જેમ કોઈ પિતાની ગોદમાં તેનું બાળક દોડી જાય છે, તેમ આપણે પૂરા દિલથી યહોવાહની પાસે જઈશું તો, તેમનો પ્રેમ હંમેશાં આપણા પર રહેશે. જેમ રડતા બાળકને તેની મા તરત જ ઉપાડી લેશે, તેમ આપણો વાંક કાઢવાને બદલે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળશે. પ્રેષિત પીતરે લખ્યું: “ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ [અથવા વિરુદ્ધ] છે.”​—⁠૧ પીતર ૩:⁠૧૨.

૬ દાઊદ આપણા જેવા જ હતા અને તેમણે મોટું પાપ કર્યું હતું. (૨ શમૂએલ ૧૨:૭-૯) પરંતુ, તેમણે પ્રાર્થનામાં કાલાવાલા કરીને, યહોવાહની આગળ પોતાનું હૈયું ઠાલવી નાખ્યું. (ગીતશાસ્ત્ર ૫૧:૧-૧૨, અને ૫૧માં અધ્યાય ઉપરનું લખાણ.) યહોવાહે તેમની અરજ સાંભળી અને દરિયા જેવા દિલથી માફ કરી દીધા. તેમ છતાં, દાઊદે પોતે પોતાના પગ પર કુહાડો માર્યો હતો, જેનું દુઃખ તેમણે સહેવું પડ્યું. (૨ શમૂએલ ૧૨:૧૦-૧૪) આ દિલાસો આપે છે કે આપણે દિલથી પસ્તાવો કરીએ તો, યહોવાહ આપણાં પાપ માફ કરવા તૈયાર છે. પરંતુ, સાથે સાથે એ આપણને સબક પણ શીખવે છે કે, જેવું વાવો એવું લણો. (ગલાતી ૬:૭-૯) જો આપણે યહોવાહના દિલોજાન મિત્ર બનવું હોય, તો કોઈ પણ રીતે તેમનું દિલ ન દુખાવીએ.​—⁠ગીતશાસ્ત્ર ૯૭:⁠૧૦.

‘તમે યહોવાહના મિત્ર બની શકો’

૭ દાઊદે તેમના એક ગીતમાં લખ્યું: “જોકે યહોવાહ મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) વળી, બીજું એક ગીત એમ પણ કહે છે: “આપણા દેવ યહોવાહ જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં [અથવા સ્વર્ગમાં] રાખે છે. આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે.” (ગીતશાસ્ત્ર ૧૧૩:૫-૭) આપણે ‘સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા તથા રડતા હોઈએ’ છીએ. (હઝકીએલ ૯:૪) એક પ્રેમાળ પિતા પોતાના રડતા બાળકને તરત જ નીચા નમીને ગોદમાં ઉઠાવી લેશે. એ જ રીતે, વિશ્વના માલિક યહોવાહ સ્વર્ગમાંથી છેક નીચે ધૂળમાંથી, અરે ઉકરડા પરથી કંગાલનો પોકાર સાંભળીને મદદ કરે છે. કઈ રીતે? ઈસુએ કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો; . . . બાપ તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.” (યોહાન ૬:૪૪, ૬૫) આમ, યહોવાહ આપણને ઈસુ દ્વારા પોતાનો પ્રેમ બતાવે છે.

૮ યહોવાહનો પ્રેમ કઈ રીતે જોવા મળે છે? આપણે સર્વ પાપી હતા અને તેમની દયા પર જીવતા હતા. અરે, યહોવાહની મિત્રતા તો શું, આપણે તેમની સાથે કોઈ સંબંધ બાંધવા પણ લાયક ન હતા. (૨ કોરીંથી ૫:૨૦) પરંતુ, યહોવાહની મહાનતા તો જુઓ: તેમણે રાહ જોઈ નહિ કે આપણે તેમની પાસે ભીખ માંગતા કહીએ: ‘કંઈ દયા કરો અને બચાવો.’ ના! એના બદલે, “આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. કેમકે જ્યારે આપણે શત્રુ હતા, ત્યારે . . . તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું.” (રૂમીઓને પત્ર ૫:૮, ૧૦) ખરેખર, આપણે ઈસુના બલિદાનમાં પૂરા દિલથી વિશ્વાસ મૂકીએ તો, આપણે યહોવાહ અને ઈસુ સાથે પાક્કી દોસ્તી બાંધી શકીશું.​—⁠યોહાન ૩:૩૬.

૯ પ્રેષિત યોહાને પણ એ સચ્ચાઈ પર ભાર મૂકતા લખ્યું: “દેવે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે.” (૧ યોહાન ૪:૯, ૧૦) યહોવાહ પરમેશ્વર કેવા મહાન છે કે તેમણે પહેલું પગલું ભર્યું! ખરેખર આપણે યહોવાહના લંબાયેલા હાથમાં હાથ મીલાવીને ચાલવા માંગીએ છીએ. તેમણે ફક્ત પાપીઓ પર જ નહિ, દુશ્મનો પર પ્રેમ રાખ્યો છે.​—⁠યોહાન ૩:⁠૧૬.

શા માટે યહોવાહના મિત્ર બનવું

૧૦ યહોવાહ તેમની ભક્તિ કરવા આપણને બળજબરી કરતા નથી. એના બદલે આપણે પોતાની મરજીથી યહોવાહને શોધીએ, જેથી તેમના મિત્રો બની શકીએ કેમ કે તે આપણાથી દૂર નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭) જેમ બાળક પોતાના ભલા માટે પ્રેમાળ પિતાનું કહેવું માનશે, એમ જ આપણે યહોવાહનું કહેવું માનીએ. ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: “તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો; અને, ઓ બે મનવાળાઓ, તમે તમારાં મન પવિત્ર કરો.” (યાકૂબ ૪:૭, ૮) આપણે યહોવાહનો સાથ કોઈ પણ કિંમતે છોડવો ન જોઈએ. આમ આપણે શેતાનની સામા થઈ શકીશું.

૧૧ આપણી અને શેતાનના જગતની વચ્ચે આપણે ઊંડી ખાઈ બનાવી દેવી જોઈએ, જે પાર કરી ન શકાય. યાકૂબે એમ પણ લખ્યું: “શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) એવી જ રીતે જો આપણે યહોવાહના મિત્ર બનીશું, તો શેતાનનું જગત ચોક્કસ આપણું દુશ્મન બનશે.​—⁠યોહાન ૧૫:૧૯; ૧ યોહાન ૩:⁠૧૩.

૧૨ શેતાન આપણો વિરોધ કરે, ત્યારે આપણે યહોવાહને એ વિષે પ્રાર્થના કરવી જોઈએ. બાળક રડતું હોય ત્યારે, પિતાની ગોદની હૂંફ તેને દિલાસો આપે છે. એ જ રીતે ઘણી વાર દાઊદનો જીવ જોખમમાં હતો, ત્યારે યહોવાહે તેમને દિલાસો આપ્યો હતો. તેથી, તેમણે લખ્યું: “જેઓ તેને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે. જેઓ યહોવાહ પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮-૨૦) દાઊદની જેમ, જ્યારે આપણી કસોટી થાય ત્યારે યહોવાહ જરૂર આપણને બચાવશે. તેમ જ, “મોટી વિપત્તિમાંથી” પણ તે તેમના લોકોને બચાવશે. (પ્રકટીકરણ ૭:૧૪) આપણે યહોવાહના મિત્ર બનીશું તો, તે આપણા મિત્ર બનશે. યહોવાહે પ્રબોધક અઝાર્યાહને જે કહ્યું, એને સનાતન સત્ય કહી શકાય: “જ્યાં સુધી તમે યહોવાહના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેને તજશો, તો તે તમને તજી દેશે.”​—⁠૨ કાળવૃત્તાંત ૧૫:૧, ૨.

‘શું યહોવાહ મારા મિત્ર છે?’

૧૩ પ્રેષિત પાઊલે મુસા વિષે લખ્યું કે ‘જાણે તે અદૃશ્યને [અથવા યહોવાહને] જોતા હોય એમ તે અડગ રહ્યા.’ (હેબ્રી ૧૧:૨૭) જો કે મુસાએ કદી યહોવાહને નજરોનજર જોયા ન હતા. (નિર્ગમન ૩૩:૨૦) પરંતુ, યહોવાહ સાથે તેમની દોસ્તી એટલી ગાઢ હતી કે જાણે તે તેમને નજરે જોઈ શકતા હતા. એ જ રીતે, અયૂબે પોતાના અનુભવથી યહોવાહને જોયા. તેમને ખબર પડી કે યહોવાહ એવા મિત્ર છે જે સુખ-દુઃખમાં સાથ આપે. (અયૂબ ૪૨:૫) હનોખ અને નુહ, યહોવાહ ‘સાથે ચાલ્યા.’ તેઓ હંમેશા યહોવાહને આધીન રહીને, તેમનું દિલ જીતી લીધું. (ઉત્પત્તિ ૫:૨૨-૨૪; ૬:૯, ૨૨; હેબ્રી ૧૧:૫, ૭) જો હનોખ, નુહ, અયૂબ અને મુસાની જેમ યહોવાહને ‘આપણા સર્વ કાર્યોમાં પ્રથમ સ્થાન આપીશું,’ તો યહોવાહ આપણા પણ મિત્ર બનશે. તેમ જ ‘તે આપણને દોરશે અને સફળતા પમાડશે.’​—⁠નીતિવચનો ૩:૫, ૬, IBSI.

૧૪ ઈસ્રાએલી લોકો વચનના દેશની અંદર જવાની તૈયારીમાં હતા, એ સમયનો વિચાર કરો. મુસાએ તેઓને સલાહ આપી: “તમે યહોવાહ તમારા દેવની પાછળ ચાલો, ને તેનો ડર રાખો, ને તેની આજ્ઞાઓ પાળો, ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો, ને તેને વળગી રહો.” (પુનર્નિયમ ૧૩:૪) તેઓએ યહોવાહના માર્ગમાં ચાલીને તેમનો ડર રાખવાનો હતો. તેમ જ તેમની આજ્ઞાઓ પાળીને તેમને વળગી રહેવાનું હતું. હેબ્રી ભાષામાં ‘વળગી રહેવાનો’ અર્થ થાય “ગાઢ સંબંધ હોવો.” ગીતશાસ્ત્રમાં રાજા દાઊદે કહ્યું: “જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓને તે પોતાના મિત્રો બનાવે છે.” (ગીતશાસ્ત્ર ૨૫:​૧૪, IBSI) આપણો જિગરી દોસ્ત નારાજ ન થાય એ માટે આપણે બધું જ કરીશું, ખરું ને? જો આપણે એનાથી પણ વધારે પ્રેમ યહોવાહ પર રાખીશું, તો યહોવાહના મિત્ર બનીશું.​—⁠ગીતશાસ્ત્ર ૧૯:૯-૧૪.

યહોવાહ આપણા મિત્ર છે!

૧૫ દરેક મા ડગલેને પગલે બાળકની માવજત કરે છે. એ જ રીતે, યહોવાહ પોતાના સેવકોની સંભાળ લે છે. પરંતુ, કપટી શેતાન આપણાં મન બીજી બાબતોથી ભરી દે છે, જેથી આપણને લાગે કે યહોવાહ આપણને પ્રેમ કરતા નથી. રાજા દાઊદ જ્યારે મોતના મોંમાં આવી પડ્યા, ત્યારે પણ તેમણે યહોવાહના રક્ષણનો અનુભવ કર્યો હતો. પોતાનો જીવ બચાવવા ગાથના રાજા આખીશ સામે, તેમણે ગાંડા હોવાનો ઢોંગ કરવો પડ્યો હતો. ત્યાર પછી તેમણે એક સુંદર ગીતની રચના કરી, જેમાં યહોવાહ માટેનો પ્રેમ દેખાય આવે છે: “મારી સાથે યહોવાહને મોટો માનો, અને આપણે એકઠાં મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાહનો શોધ કર્યો, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે; જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે. ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.”​—⁠ગીતશાસ્ત્ર ૩૪:૩, ૪, ૭, ૮, ૧૮, ૧૯; ૧ શમૂએલ ૨૧:૧૦-૧૫.

૧૬ શું તમે યહોવાહના રક્ષણનો અનુભવ કર્યો છે? યહોવાહ તેમના સ્વર્ગ દૂતો દ્વારા આપણી આસપાસ રક્ષણની દિવાલ ઊભી કરે છે. શું તમે પોતે યહોવાહની કૃપા અનુભવી છે? યાદ કરો કે છેલ્લે ક્યારે તમને લાગ્યું હતું કે ‘હે યહોવાહ, આ તો તમે જ કર્યું છે’? એ તમે પ્રચાર કાર્યમાં હતા ત્યારે બન્યું હોય શકે. તમને લાગ્યું હોય કે ‘હવે હું એક પણ વધારે ઘર કરી શકું એમ નથી’. પછી, એ છેલ્લા ઘરે જ તમને સરસ અનુભવ થયો હોય. યહોવાહનો આભાર માનતા તમે જે કહ્યું હતું, એ યાદ છે? (૨ કોરીંથી ૪:૭) તમે કહેશો કે ‘મને તો એવું કંઈ યાદ આવતું નથી.’ એમ હોય તો શું કરી શકીએ? આપણે એક અઠવાડિયું, મહિનો કે વરસ પહેલાંનો વિચાર કરીએ. જુઓ કે કઈ રીતે યહોવાહ નાની નાની બાબતમાં પણ તમારી સંભાળ રાખે છે. આમ કરીને આપણે યહોવાહના મિત્ર થવાનો ખાસ પ્રયત્ન કરીશું. પ્રેષિત પીતર આપણને સલાહ આપે છે: “એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો . . . તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૬, ૭) ખરેખર, જેમ માબાપ બાળકોને આંખના તારાની જેમ સાચવે છે, એવી જ રીતે યહોવાહ આપણને સાચવે છે!​—⁠ગીતશાસ્ત્ર ૭૩:⁠૨૮.

યહોવાહને વળગી રહો

૧૭ બે જિગરી દોસ્તને દરરોજ ભેગા મળ્યા વગર ચેન પડશે નહિ. યહોવાહ સાથેની આપણી મિત્રતા એવી જ હોવી જોઈએ. ઈસુએ પ્રાર્થના કરતા કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) એટલે કે યહોવાહ અને તેમના દીકરા ઈસુના પાક્કા મિત્ર બનવા, આપણે દરરોજ તેમના વિષે વધારેને વધારે જાણતા રહેવાની જરૂર છે. એ કઈ રીતે કરી શકાય? આપણે ‘દેવના ઊંડા વિચારો’ સમજવા માટે પ્રાર્થના કરીએ, જેથી તેમના પવિત્ર આત્માની મદદ મળે. (૧ કોરીંથી ૨:૧૦; લુક ૧૧:૧૩) આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી મદદની પણ ખૂબ જરૂર છે. તેઓ “વખતસર” માર્ગદર્શન અને જ્ઞાન આપે છે. (માત્થી ૨૪:૪૫) તેમના દ્વારા જ યહોવાહે આપણને દરરોજ બાઇબલ વાંચવાની અને મિટીંગોમાં જવાની સલાહ આપી છે. વળી, આપણે “રાજ્યની આ સુવાર્તા” પણ પૂરા દિલથી ફેલાવીએ. (માત્થી ૨૪:૧૪) આમ આપણા પાક્કા મિત્ર, યહોવાહ સાથે ભેગા મળ્યા વગર આપણને પણ ચેન પડશે નહિ.

૧૮ શેતાન બને એટલાં દબાણો લાવીને, આપણા માર્ગમાં કાંટા બિછાવી રહ્યો છે. તે ચાહતો નથી કે આપણે યહોવાહના માર્ગમાં ચાલતા રહીએ. તે યહોવાહ સાથેની આપણી મિત્રતા તોડવાની એકેય તક જવા દેતો નથી. આપણે બીજાને યહોવાહના મિત્ર બનાવીએ છીએ, એ તેની આંખમાં કાંકરીની જેમ ખૂંચે છે. પરંતુ, આપણા મિત્ર યહોવાહ આપણને શેતાનના પંજામાંથી જરૂર છોડાવશે! પણ કઈ રીતે? તેમણે આપણને બાઇબલ આપ્યું છે, જેની સલાહ પ્રમાણે આપણે ચાલીએ. વળી, તેમના બીજા ભક્તો સાથે હળીમળીને રહીએ જેથી આપણે બધા યહોવાહના પાક્કા મિત્ર બનીશું. ચાલો આપણે છેલ્લા શ્વાસ સુધી, યહોવાહને જ વળગી રહીએ.​—⁠યશાયાહ ૪૧:૮-૧૩.

૧૯ હા, ચાલો આપણા વહાલા મિત્ર યહોવાહને વળગી રહીએ. તે આપણને હંમેશાં “સ્થિર તથા બળવાન કરશે.” (૧ પીતર ૫:૮-૧૧) વળી, તે આપણને શેતાનનાં ચાલાક કામો અને કપટનો સામનો કરવા મદદ કરશે. આમ, આપણે ‘અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, દેવની પ્રીતિમાં સ્થિર રહીશું.’​—⁠યહુદા ૨૧.

આપણો જવાબ શું છે?

• ‘ડેવિલનો’ અર્થ શું છે, અને કઈ રીતે નામ જેવા જ તેનાં કામ છે?

• યહોવાહ અને શેતાન આપણને જુએ છે, એમાં કઈ રીતે આભ જમીનનો ફરક છે?

• યહોવાહના મિત્ર બનવા શા માટે આપણે ઈસુમાં વિશ્વાસ મૂકવો જ જોઈએ?

• યહોવાહને ‘વળગી રહેવાનો’ શું અર્થ થાય છે, અને આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. યહોવાહ અને શેતાનમાં કઈ રીતે આભ જમીનનો ફરક છે?

૨, ૩. (ક) ડેવિલનો અર્થ શું છે, અને તેણે અયૂબને શું કર્યું? (ખ) આજે પણ શેતાન બદલાયો નથી, એમ શા માટે કહી શકાય?

૪, ૫. (ક) શેતાનથી વિરુદ્ધ, યહોવાહ કોને શોધે છે? (ખ) યહોવાહની કૃપા મેળવવા આપણે શું કરવાની જરૂર છે?

૬. દાઊદનો અનુભવ કઈ રીતે દિલાસો અને સબક આપે છે?

૭. યહોવાહ કેવા લોકોનો પોકાર સાંભળે છે, અને કઈ રીતે તેઓને પોતાનો પ્રેમ બતાવે છે?

૮, ૯. (ક) યહોવાહના મિત્ર બનવા ઈસુ કઈ રીતે મદદ કરે છે? (ખ) શા માટે યહોવાહ મહાન છે?

૧૦, ૧૧. (ક) યહોવાહના મિત્ર બનવા આપણે શું કરવું જોઈએ? (ખ) શા માટે આપણે શેતાનના જગત સાથે મિત્રતા ન બાંધીએ?

૧૨. (ક) દાઊદે પોતાના અનુભવથી શું લખ્યું? (ખ) યહોવાહે પ્રબોધક અઝાર્યાહ દ્વારા શું કહ્યું?

૧૩. યહોવાહ સાથેની આપણી મિત્રતા કેવી હોવી જોઈએ?

૧૪. યહોવાહને ‘વળગી રહેવાનો’ અર્થ શું થાય છે?

૧૫, ૧૬. (ક) ગીતશાસ્ત્ર ૩૪માં કઈ રીતે યહોવાહનો પ્રેમ જોવા મળે છે? (ખ) યહોવાહ સાથે ગાઢ મિત્રતા બાંધવા આપણે શું કરવું જોઈએ?

૧૭. કઈ રીતે આપણે યહોવાહના પાક્કા મિત્ર બની શકીએ?

૧૮, ૧૯. (ક) છેલ્લા શ્વાસ સુધી આપણો કયો નિર્ણય હોવો જોઈએ? (ખ) આપણે યહોવાહને વગળી રહીએ તો કયા આશીર્વાદો મળશે?

[પાન ૧૫ પર ચિત્ર]

મુસીબતો છતાં, અયૂબે યહોવાહના પ્રેમનો અનુભવ કર્યો

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

બાઇબલ વાંચન, સભાઓ, અને પ્રચાર કાર્યમાં દિલ લગાડવાથી, આપણે પણ યહોવાહનો પ્રેમ અનુભવીશું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો