યહોવાહની નજરે જુઓ!
ચાલો આપણે અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં જઈએ. આ સપ્ટેમ્બર ૧૪, ૨૦૦૨નો સુંદર દિવસ છે. આપણી જેમ, આખી દુનિયામાંથી લગભગ ૬,૫૨૧ લોકોની ભીડ ત્યાં જઈ રહી છે. આપણે યહોવાહના સાક્ષીઓના પેટરસન એજ્યુકેશન સેન્ટર અને બીજાં બે મકાનોમાં ભેગા મળવાના છીએ. શા માટે આટલા બધા લોકો ત્યાં કીડીઓની જેમ ઉભરાઈ રહ્યા છે? આજે તો ગિલયડની વૉચટાવર બાઇબલ સ્કૂલના ૧૧૩માં ક્લાસનું ગ્રેજ્યુએશન છે. એના વિદ્યાર્થીઓ જુદા જુદા ૧૪ દેશોમાંથી આવ્યા હતા. છેલ્લા પાંચ મહિનાથી તેઓને ખાસ શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. એનાથી તેઓને ૧૯ દેશોમાં મિશનરી સેવા કરવા તૈયાર કરવામાં આવ્યા છે.
યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના ભાઈ, કેરી બાર્બર ૯૭ વર્ષથી વધારે ઉંમરના છે. તે પ્રોગ્રામના ચેરમેન છે. તેમણે જણાવ્યું કે ગિલયડ સ્કૂલ લગભગ ૬૦ વર્ષથી શિક્ષણ આપે છે, અને હજારો મિશનરીઓને તૈયાર કરીને મોકલ્યા છે. ભાઈ બાર્બરે કહ્યું કે, “એમ કહેવું ખોટું નથી કે આ ટ્રેનિંગની મહેનતનાં ફળ મીઠાં આવ્યાં છે. આખી દુનિયામાં હજારો લોકો યહોવાહને જાણીને, તેમની ભક્તિ કરવા જીવન અર્પણ કરી શક્યા છે. એ માટે તેઓને મિશનરીઓની ઘણી મદદ મળી છે.”
આ વિદ્યાર્થીઓ ગિલયડ સ્કૂલમાં આવ્યા એ પહેલાં, પ્રચારમાં વધારે ભાગ લેવા ઘણો ઉત્સાહ બતાવ્યો હતો. એક પતિ-પત્નીનો વિચાર કરીએ, જેઓ કેનેડાના છે. તેઓએ ત્યાં રહેતા ચાઈનીઝ લોકોને મદદ કરવા, એક વર્ષથી મેન્ડરીન ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. બીજા એક યુગલે જોયું કે આલ્બેનિયામાં પ્રચાર કરવાની વધારે જરૂર છે. તેથી, તેઓએ ત્યાંની ભાષા શીખવાનું શરૂ કર્યું, અને આલ્બેનિયા રહેવા ગયા. ગિલયડ સ્કૂલના આ ક્લાસમાંના બીજા વિદ્યાર્થીઓ હંગેરી, ગ્વાટેમાલા અને ડોમિનીકન રિપબ્લિકથી આવ્યા હતા. એ દેશોમાં પ્રચાર કરનારાની વધારે જરૂર હોવાથી, તેઓ ત્યાં રહેવા ગયા હતા.
હવે તેઓ આફ્રિકા, પૂર્વ યુરોપ, મધ્ય અને દક્ષિણ અમેરિકા, તથા દૂર પૂર્વના દેશોમાં જવાના હતા. તેઓ એ દેશોમાં જાય એના પહેલાં, બધા વિદ્યાર્થીઓને ખાસ ઉત્તેજન મળ્યું: દરેક બાબત યહોવાહની નજરે જુઓ!
યહોવાહના વિચારો જાણો
ભાઈ બાર્બરે પોતાના પછી, યુનાઇટેડ સ્ટેટ્સની બ્રાંચ કમિટીના ભાઈ, મેક્સવેલ લોઈડને બોલાવ્યા. તેમણે આ વિષય પર ભાર મૂક્યો: “દરેક બાબત યહોવાહની નજરે જુઓ.” ભાઈ લોઈડે દાઊદ પર અને પછી યહોવાહના દીકરા, ઈસુ પર ધ્યાન દોર્યું. (૧ શમૂએલ ૨૪:૬; ૨૬:૧૧; લુક ૨૨:૪૨) ભાઈએ વિદ્યાર્થીઓને યાદ કરાવ્યું કે છેલ્લા પાંચ મહિનામાં તેઓ બાઇબલની મદદથી, દરેક બાબત યહોવાહની નજરે જોતા શીખ્યા છે. પછી, ભાઈએ પૂછ્યું: “બાઇબલની ચર્ચા કરતી વખતે, શું તમે લોકોને યહોવાહની નજરે જોવા મદદ કરશો?” વળી, તેમણે કહ્યું કે બીજાને સલાહ આપતી વખતે, “એમ ન કહેશો કે ‘મને એમ લાગે છે કે મારા ધારવા પ્રમાણે . . .’ એને બદલે, લોકોને યહોવાહની નજરે જોવા મદદ કરો. આ રીતે તમે બીજાઓનું ભલું કરશો.”
પછી, નિયામક જૂથના બીજા એક ભાઈ, ગેરીટ લૉશ આવ્યા. તેમણે આ વિષય પર ટોક આપી: “હું તારી સાથે છું.” તેમણે બાઇબલના અમુક બનાવોની ચર્ચા કરી, જેમાં યહોવાહે પોતાના વહાલા સેવકોને કહ્યું હતું: “હું તારી સાથે છું.” (ઉત્પત્તિ ૨૬:૨૩, ૨૪; ૨૮:૧૫; યહોશુઆ ૧:૫; યિર્મેયાહ ૧:૭, ૮) આપણે યહોવાહને વળગી રહીશું તો, આપણે પણ તેમનામાં એવો જ ભરોસો રાખીશું. ભાઈ લૉશે પૂછ્યું: “શું તમને એમ થાય છે કે મને બાઇબલ સ્ટડી મળશે કે નહિ? યાદ રાખો કે યહોવાહે કહ્યું છે: ‘હું તારી સાથે છું.’ શું તમને રોટી, કપડાં અને મકાનની ચિંતા છે? યહોવાહે કહ્યું છે કે: ‘હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.’” (હેબ્રી ૧૩:૫) છેલ્લે, ભાઈ લૉશે જણાવ્યું કે ઈસુએ વચન આપ્યું છે કે પ્રચાર કામમાં તે આપણી સાથે જ રહેશે.—માત્થી ૨૮:૨૦.
“શું તમે અગ્નિ-પરીક્ષામાં સલામતી અનુભવશો?” ગિલયડના શિક્ષક, લોરન્સ બોવનનો આ વિષય હતો. તેમણે સમજાવ્યું કે એદન બાગમાં મહત્ત્વના પ્રશ્નો ઊભા થયા હતા. જેને કારણે, આપણે બધાએ જ અગ્નિ-પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમણે વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે ઈસુને પગલે ચાલો. ઈસુએ યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખ્યો. એટલે જ, યહોવાહે પોતાના દીકરા, ઈસુ પર જે અગ્નિ-પરીક્ષાઓ આવવા દીધી, એમાં ઈસુએ સલામતી અનુભવી. (હેબ્રી ૫:૮, ૯) યહોવાહને એક સોની સાથે સરખાવી શકાય. સોનાને શુદ્ધ બનાવવા, સોની એને અમુક હદ સુધી જ તાપ પર મૂકશે. ખરેખર, ચોખ્ખા સોના કરતાં પણ, કસોટીમાંથી પાર પડેલો વિશ્વાસ વધારે સલામતી આપે છે. શા માટે એમ કહી શકાય? ભાઈ બોવને કહ્યું કે “ચકાસાયેલો વિશ્વાસ કોઈ પણ કસોટી સહન કરી શકે છે, અને એ આપણને ‘અંત સુધી’ ટકી રહેવા મદદ કરે છે.”—માત્થી ૨૪:૧૩.
હવે ગિલયડના બીજા શિક્ષક, માર્ક નુમેરનો વારો આવ્યો, જે પોતે આફ્રિકામાં દસથી વધારે વર્ષો મિશનરી હતા. તેમણે પૂછ્યું: “શું લોકોને તમે ગમશો?” તેમનો આ વિષય પહેલા શમૂએલ ૨:૨૬માંથી હતો. એ કલમ જણાવે છે કે શમૂએલ પર ‘યહોવાહની તેમજ માણસોની કૃપા હતી.’ શમૂએલની ચર્ચા કર્યા પછી, ભાઈ નુમેરે જણાવ્યું કે “તમને સોંપેલું કામ મન મૂકીને કરશો તો, તમારા પર પણ યહોવાહની કૃપા રહેશે. યહોવાહે તમને મિશનરી તરીકે ખાસ કામ સોંપ્યું છે.” પછી, ભાઈ નુમેરે વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે ‘મિશનરી સેવાને ખાસ જવાબદારી ગણો. એને પૂરી કરવા યહોવાહની નજરે જુઓ.’
ગિલયડ સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓ ઘણી વાર પ્રચારમાં જઈ શક્યા હતા. તેઓએ લોકોને બાઇબલમાંથી “દેવનાં મોટાં કામો વિષે” પ્રચાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧) તેઓએ જુદી જુદી દસ ભાષાઓમાં પ્રચાર કર્યો હતો. ગિલયડના બીજા એક શિક્ષક, વોલીસ લીવરન્સે અમુક વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા. ભાઈનો વિષય આ હતો: “‘દેવનાં મોટાં કામો’ લોકોને કંઈક કરવા પ્રેરે છે.” તેમણે કહ્યું કે “પેન્તેકોસ્તના દિવસે શિષ્યો પર પવિત્ર આત્મા આવ્યો. એણે તેઓને ‘દેવનાં મોટાં કામો વિષે’ બોલવાની હોંશ જગાડી. એ જ પવિત્ર આત્મા આજે આપણને પ્રેરણા આપે છે.” કેટલાક તો વળી નવી ભાષાઓ શીખી રહ્યા છે, જેથી વધારે લોકોને પ્રચાર કરી શકે.
યહોવાહની નજરે કઈ રીતે જોવું?
શરૂઆતના પ્રવચનો પછી, યુનાઇટેડ સ્ટેટ્સ બેથેલના ગેરી બ્રો અને વિલિયમ યંગે ઇન્ટરવ્યૂ લીધા. જ્યાં મિશનરીઓ સેવા આપે છે, એવી અમુક બ્રાંચ કમિટીના ભાઈઓના અને ૪૧ વર્ષથી મિશનરી છે એવા એક યુગલના, તેઓએ ઇન્ટરવ્યૂ લીધા. એમ કહેવામાં આવ્યું કે, “જે મિશનરીઓ ઓછી વસ્તુઓની માંગ કરે છે, તેઓ લાંબું ટકે છે. તેઓ પોતાના ધ્યેય પર નજર રાખે છે. તેઓ ધ્યાનમાં રાખે છે કે તેઓ લોકોને યહોવાહ વિષે શીખવવા આવ્યા છે.”
નિયામક જૂથના બીજા એક ભાઈ, ડેવિડ સ્પ્લેને છેવટે આ વિષય પર ટોક આપી: “તમે દૂર જવાના નથી!” તેમનો કહેવાનો અર્થ શું હતો, કેમ કે ૪૬ વિદ્યાર્થીઓ તો ગ્રેજ્યુએટ થઈને દુનિયાની જુદી જુદી દિશાઓમાં જવાના હતા? તેમણે સમજણ આપી: “તમે યહોવાહને વળગી રહો તો, ભલે દુનિયાના ગમે એ ખૂણામાં જાવ, છતાં હંમેશા યહોવાહના ઘરમાં જ રહેશો.” ખરેખર, ભલે આપણે ગમે ત્યાં હોઈએ, છતાં યહોવાહના આત્મિક ઘરમાં જ સેવા આપી રહ્યા છીએ. એ ઘર પહેલી સદીમાં ઈસુના બાપ્તિસ્મા સમયે બંધાયું હતું. (હેબ્રી ૯:૯) આપણને બધાને પણ એ કેવો દિલાસો આપે છે કે યહોવાહ પોતાના ભક્તોની નજીક છે! ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ, યહોવાહે તેમની સંભાળ રાખી. એમ જ યહોવાહ આપણી પણ સંભાળ રાખે છે, ભલેને આપણે ગમે ત્યાં હોઈએ. તેથી, ભક્તિમાં તો આપણે યહોવાહથી અને ઈસુથી દૂર નથી. તેમ જ, આપણે એકબીજાના હાથમાં હાથ મીલાવીને કામ કરીએ છીએ.
આખરે ચેરમેને દુનિયા ફરતેથી આવેલા અભિનંદન સ્વીકાર્યા. તેમણે વિદ્યાર્થીઓ ક્યાં જવાના છે, એ વાંચી સંભળાવ્યું. વળી, ગિલયડની તાલીમ માટે આભાર માનતો, વિદ્યાર્થીઓનો પત્ર વાંચ્યો. પછી, ચેરમેને કાર્યક્રમનો અંત લાવતા, નવા મિશનરીઓને ઉત્તેજન આપ્યું કે, યહોવાહની સેવામાં આનંદ કરતા રહો!—ફિલિપી ૩:૧.
[પાન ૨૩ પર બોક્સ]
ક્લાસની વિગત
કેટલા દેશોમાંથી આવ્યા? ૧૪
કેટલા દેશોમાં જશે? ૧૯
વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૬
વિદ્યાર્થીની ઉંમર: આશરે ૩૫.૦
સત્યમાં વર્ષો: આશરે ૧૭.૨
પૂરા સમયની સેવાના વર્ષો: આશરે ૧૩.૭
[પાન ૨૪ પર ચિત્ર]
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૩મો ગ્રેજ્યુએશન ક્લાસ
નીચે આપેલા નામો, જેઓ આગળ ઊભા છે, તેઓથી શરૂ થાય છે, અને એ નામો દરેક લાઇનમાં ડાબેથી જમણે આપવામાં આવ્યા છે.
(૧) લીચર્થોટ, એમ; હોસોઈ, એસ.; બર્કટોલ્ડ, એ.; લીમ, સી.; ઑકી, જે. (૨) બૉગીઑસ, જે.; બુકે, એસ.; બોસ્સી, એ.; ઑલ્ટન, જે.; એસકોબૉર, આઈ.; એસકોબૉર, એફ. (૩) સ્ટોઈકૉ, એ.; સ્ટોઈકૉ, ડી.; ફ્રીમથ, એસ.; કૉર્લસોન, એમ.; લબ્લૉન, આર. (૪) બીયાન્કી, આર.; બીયાન્કી, એસ.; કૉમીનસ્કી, એલ.; જોસફ, એલ.; પેરીસ, એસ.; લબ્લૉન, એલ. (૫) પેરીસ, એમ.; સ્કીડમોર, બી.; હોર્ટન, જે.; હોર્ટન, એલ.; સ્કીડમોર, જી. (૬) લીમ, બી.; ઑલ્ટન, જી.; ક્વીરીસી, ઈ.; લૉન્ગલૉવૉ, એમ.; સ્ટીનીન્જર, એસ.; ઑકી, એચ. (૭) લૉન્ગલૉવૉ, જે.; સ્ટીનીન્જર, એમ.; બોસ્સી, એફ.; કૉમીનસ્કી, જે.; બુકે, જે.; લીચર્થોટ, ઈ.; હોસોઈ, કે. (૮) બૉગીઑસ, જે.; ક્વીરીસી, એમ.; કૉર્લસોન, એલ.; ફ્રીમથ, સી.; બર્કટોલ્ડ, ડબલ્યુ.; જોસફ, આર.