વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૧૨/૧ પાન ૧૦-૧૨
  • જ્યારે લગ્‍નસાથીની ખાસ સંભાળ રાખવાની જરૂર હોય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જ્યારે લગ્‍નસાથીની ખાસ સંભાળ રાખવાની જરૂર હોય
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • એકબીજાનો વિચાર કરો
  • સારું શેડ્યુલ બનાવો
  • સારું વિચારવાની કોશિશ કરો
  • જીવનસાથીને આદર બતાવો
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • તમારું લગ્‍ન ટકી શકે છે!
    સજાગ બનો!—૨૦૦૧
  • સારા સાંભળનાર કઈ રીતે બનવું?
    સજાગ બનો!—૨૦૧૪
  • લગ્‍નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે
    સજાગ બનો!—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૧૨/૧ પાન ૧૦-૧૨

કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

જ્યારે લગ્‍નસાથીની ખાસ સંભાળ રાખવાની જરૂર હોય

મને ‘ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ’ નામની બીમારી ઘર કરી ગઈ છે. એ કારણે મને હંમેશાં થાક રહે છે. આ બીમારીની જાણ થઈ ત્યારથી જ મારા પતિ ઘરની બધી જવાબદારી ઉપાડે છે. ઘરનાં બીલ વિષે અને પૈસાને લગતી કદી મારી સાથે વાત કરતા નથી. એટલે મને થતું કે એ વિષે તે કેમ મારી સાથે વાત કરતા નથી? શું પૈસેટકે અમારી હાલત બહુ ખરાબ છે? એની જાણ મને થાય તો હું બહુ ચિંતા કરીશ એટલે મને કંઈ જણાવતા નથી?—નેન્સી.a

લગ્‍નજીવન સહેલું નથી. ખાસ કરીને લગ્‍નસાથીમાંથી કોઈ એકને બીમારી ઘર કરી જાય ત્યારે એકબીજાની સંભાળ રાખવી અઘરી બની જાય છે.b શું તમે બીમાર સાથીની કાળજી રાખી રહ્યા છો? એમ હોય તો, તમને પણ થતું હશે: ‘મારા સાથીની તબિયત વધારે બગડે તો હું શું કરીશ? હું કઈ રીતે મારા સાથીની કાળજી રાખવાની સાથે સાથે રસોઈ બનાવી શકું? ઘરની સાફ-સફાઈ કરી શકું? નોકરી કરી શકું? મારા સાથીને બદલે મને કેમ બીમારી ન થઈ?’

જો તમે બીમાર સાથી હોવ, તો તમને થઈ શકે: ‘હું જવાબદારી ઉપાડી શકતો નથી તો શું હું નકામો છું? મારી બીમારીથી શું મારા સાથીને ચીડ ચઢે છે? યુગલ તરીકે શું અમારા જીવનનો કોઈ આનંદ નથી?’

દુઃખની વાત છે કે લાંબી બીમારીના લીધે અમુક લગ્‍ન ભાંગી પડ્યાં છે. પણ એનો અર્થ એ નથી કે તમારું લગ્‍નજીવન પણ ભાંગી પડશે.

બીમારી ઘર કરી જાય તોપણ ઘણાં યુગલોનું લગ્‍નજીવન ટકી રહ્યું છે અને તેઓ વચ્ચે પ્રેમ વધ્યો છે. ચાલો આપણે યસ અને કાજલનો અનુભવ જોઈએ. યસને કરોડરજ્જુમાં ઇજા થવાથી કોઈની મદદ વગર તે જરાય હલન-ચલન કરી શકતા નહિ. કાજલ જણાવે છે: “મારા પતિને દરેક બાબતમાં મદદની જરૂર પડે છે. તેમની સંભાળ રાખવાને લીધે મારી ગરદન, ખભો અને હાથ દુખવા લાગે છે. મારે પણ અમુક વખતે ઑરથોપેડિક હૉસ્પિટલમાં જઈને સારવાર લેવી પડે છે. ઘણી વાર મને તેમની સંભાળ રાખવી મુશ્કેલ લાગે છે.” આવી મુશ્કેલીઓ છતાં કાજલ કહે છે: “યુગલ તરીકે અમારા વચ્ચેનો સંબંધ વધારે ગાઢ થયો છે.”

આવા મુશ્કેલ સંજોગોમાં પણ ઘણાં યુગલ ખુશી જાળવી રાખે છે. બીમારીએ કોઈ એક પર નહિ પણ બંને પર હુમલો કર્યો છે એ રીતે તેઓ જુએ છે. ભલે કોઈ એક સાથી બીમાર હોય પણ અસર તો બંનેને થાય છે, કેમ કે પતિ-પત્ની એકબીજા પર આધારિત છે. ઉત્પત્તિ ૨:૨૪માં જોવા મળે છે: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” તેથી પતિ-પત્ની ભેગા મળીને બીમારીનો સામનો કરે એ જરૂરી છે.

સંશોધન બતાવે છે કે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય ત્યારે તેઓ લાંબી બીમારીનો સામનો કરે છે. તેમ જ, એનો સામનો કરવા અલગ અલગ રીતો અપનાવે છે. બીમારી સહન કરવા તેઓ જે સૂચનો લાગુ પાડે છે એ બાઇબલમાં પણ જોવા મળે છે. ચાલો બાઇબલમાંથી ત્રણ સૂચનનો વિચાર કરીએ.

એકબીજાનો વિચાર કરો

સભાશિક્ષક ૪:૯ કહે છે કે “એક કરતાં બે ભલા છે.” શા માટે? એની સમજણ ૧૦મી કલમ આપે છે: ‘એક પડી જાય, તો બીજો પોતાના સાથીને ઉઠાડશે.’ શું તમે ઉત્તેજનભર્યા શબ્દોથી ‘સાથીને’ મદદ કરો છો?

એકબીજાને મદદ કરવાથી ઘણો ફાયદો થાય છે. જૉનની પત્નીના અડધા શરીરમાં લકવો મારી ગયો છે. જૉન કહે છે, “હું દરેક પ્રસંગે મારી પત્નીનો વિચાર કરું છું. મને તરસ લાગી હોય ત્યારે હું વિચારું કે તે પણ તરસી હશે. જો મને ઘરની બહાર બેસવાનું મન થાય તો હું તેને પણ પૂછું છું કે ‘તને મારી સાથે બેસવું છે?’ અમે દુઃખ વહેંચી લઈએ છીએ અને ભેગા મળીને સંજોગોનો સામનો કરીએ છીએ.”

પણ જો તમારા સાથી તમારી કાળજી રાખતા, હોય તો તેને ટેકો આપવા શું એવી કોઈ બાબત કરી શકો જેનાથી તમારી તબિયત પર ખરાબ અસર ન પડે? એમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને કદાચ સાથીને તમારી સંભાળ રાખવામાં વધારે મદદ મળશે.

તમને સાથીની સંભાળ રાખવાની ખબર છે એવું માની ન લો. એના કરતાં તેમને જ પૂછો કે શું કરવાથી વધારે મદદ મળશે. આગળ જોઈ ગયા તેમ નેન્સીના પતિએ ઘરનાં બીલ વિષે તેની સાથે કોઈ વાત કરી નહિ. પણ પછીથી તેણે પતિને જણાવ્યું કે એની તેના પર કેવી ખરાબ અસર થાય છે. હવે તેના પતિ તેની સાથે આ વિષય પર વધારે વાતચીત કરે છે.

આમ કરી જુઓ: તમારા હાલના સંજોગોમાં કઈ બાબતો કરવાથી તમને રાહત થઈ શકે એનું લિસ્ટ બનાવો. પછી તમારું લિસ્ટ સાથીને આપો ને તેનું તમે જુઓ. લાગુ પાડી શકાય એવી એક-બે બાબતો પસંદ કરો.

સારું શેડ્યુલ બનાવો

રાજા સુલેમાને લખ્યું: ‘દરેક બાબતને માટે વખત હોય છે.’ (સભાશિક્ષક ૩:૧) ઘણાં કુટુંબમાં દરેક બાબત માટે શેડ્યુલ હોય છે. પણ જ્યારે કોઈને લાંબા સમયની બીમારી હોય ત્યારે એ શેડ્યુલને વળગી રહેવું મુશ્કેલ પડે છે. પણ શેડ્યુલને અમુક હદ સુધી પાળવા શું કરી શકીએ?

બીમારી આવતા પહેલાં તમે જે બાબતો ભેગા મળીને કરતા હતા એનો આનંદ માણવાની કોશિશ કરો. એમ ન થઈ શકે તો, શું કોઈ નવી બાબત કરી શકો છો? શું તમે સાથે કંઈક વાંચી શકો કે નવી ભાષા શીખી શકો? બીમારીમાં પણ તમે જે બાબતો સાથે કરી શકતા હોય એ કરો. આમ કરવાથી તમારા વચ્ચે પ્રેમ વધશે.

બીજાઓ સાથે હળવા મળવાથી પણ મદદ મળી શકે. બાઇબલ નીતિવચનો ૧૮:૧માં જણાવે છે, “જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” આ બતાવે છે કે એકલા પડવાથી વ્યક્તિના મનમાં ખોટા વિચારો આવી શકે. એટલે જો તમે સમયે સમયે બીજાઓ સાથે હળો-મળો, તો તમે ખુશ રહેશો અને સારું વિચારશો. કેમ નહિ કે તમે પહેલ કરીને કોઈને તમારા ઘરે બોલાવો?

અમુક સમયે સાથીની સંભાળ રાખવી મુશ્કેલ થઈ શકે. ઘણું કામ માથે લેવાથી તમે થાકી જઈ શકો અને સમય જતાં તમારી તબિયત બગડી શકે. પછી તમે બીમાર સાથીની સંભાળ નહિ રાખી શકો. તેથી તમે સાથીની કાળજી રાખતા હોય તો, પોતાની જરૂરિયાતોની અવગણના ન કરો. મન પ્રફુલ્લિત કરવા નિયમિત રીતે થોડો સમય કાઢો.c ઘણા લોકો પોતાની ચિંતાઓ વિષે ખાસ મિત્ર સાથે વાત કરે છે. દાખલા તરીકે, પતિને જિગરી દોસ્ત સાથે અને પત્નીને પોતાની બહેનપણી સાથે ચિંતા વ્યક્ત કરવાથી ફાયદો થયો છે.

આમ કરી જુઓ: તમારા સાથીની સંભાળ રાખવામાં કેવી મુશ્કેલી પડે છે એ લખી લો. પછી એને હલ કરવા કેવાં પગલાં ભરશો એ પણ લખી લો. પોતાને પૂછો, ‘પરિસ્થિતિ સુધારવાની સૌથી સારી અને સરળ રીત કઈ છે?’

સારું વિચારવાની કોશિશ કરો

બાઇબલ ચેતવે છે: ‘વીતેલો સમય આજના સમય કરતાં કેમ સારો હતો એવું તું ન પૂછ.’ (સભાશિક્ષક ૭:૧૦) તેથી એવા વિચારોમાં ન ડૂબી જાઓ કે બીમારી ન હોત તો જીવન કેવું સારું હોત. ભૂલો નહિ કે આ દુનિયામાં ખરું સુખ મળવાનું નથી. હમણાંના સંજોગો સ્વીકારીને એમાં આનંદ માણવા કોશિશ કરો.

એમ કરવા તમને અને તમારા સાથીને કઈ રીતે મદદ મળી શકે? તમને મળેલા આશીર્વાદો પર સાથે મળીને ચર્ચા કરો. તબિયતમાં થોડો ઘણો સુધારો થાય તો ખુશ થાઓ. એવી સારી બાબતોનો વિચાર કરો જે તમે ભાવિમાં થવાની આશા રાખો છો. તમે પૂરા કરી શકો એવા ધ્યેય બાંધો.

શેમ્યૂલ અને એનીએ ઉપરની સલાહ લાગુ પાડી એના સારાં પરિણામ આવ્યાં. જ્યારે એનીને સ્નાયુ અને સાંધાઓના દુઃખાવાની (ફાઇબ્રોમાઈએલ્જીઆ) બીમારી ઘર કરી ગઈ ત્યારે તેઓએ ફૂલટાઈમ મિનિસ્ટ્રી છોડવી પડી. ખરું કે તેઓ થોડા નિરાશ થઈ ગયા. તોપણ નિરાશ નહિ થવા શેમ્યૂલ કહે છે, ‘જે બાબતો આપણા હાથમાં નથી એનો વિચાર કરવાનો કોઈ ફાયદો નથી. હંમેશાં સારો વિચાર કરીએ. એવી આશા હોય કે એક દિવસે સાજા થઈ જઈશું, તોય હમણાંના જીવન પર ધ્યાન આપીએ.’ શેમ્યૂલ આ સલાહ પોતે પણ લાગુ પાડે છે અને બધું ધ્યાન પત્નીને મદદ કરવામાં આપે છે. આવી સલાહ તે બીજાઓને પણ આપે છે. જો તમારા સાથી બીમાર હોય અને ખાસ ધ્યાનની જરૂર હોય, તો આ સલાહ તમને પણ મદદ કરી શકે છે. (w09 11/01)

[ફુટનોટ્‌સ]

a નામ બદલવામાં આવ્યાં છે.

b લગ્‍નસાથીને બીમારી ઘર કરી ગઈ હોય એ વિષે આ લેખમાં વાત કરી છે. તેમ છતાં, અકસ્માતના લીધે શારીરિક તકલીફો હોય કે પછી ડિપ્રેસન જેવી માનસિક બીમારી હોય એવાં યુગલો પણ આ લેખમાં આપેલી માહિતીમાંથી મદદ મેળવી શકે છે.

c તમારા સાથીને મદદ કરવા અમુક સમય નર્સ અને દવાખાનાની મદદ લો, જેથી તમને રાહત મળે.

પોતાને પૂછો . . .

મારે અને મારા સાથીએ સૌથી પહેલા શું કરવાની જરૂર છે?

▪ બીમારી વિષે વધારે વાત કરવાની

▪ બીમારી વિષે ઓછી વાત કરવાની

▪ ચિંતા ઓછી કરવાની

▪ એકબીજાનો વધારે વિચાર કરવાની

▪ બીમારી સિવાય બીજી કોઈ બાબતમાં રસ રાખવાની

▪ બીજાઓ સાથે વધારે હળવા-મળવાની

▪ સરખા ધ્યેય રાખવાની

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

શું તમે ગમતી બાબતો હજી પણ સાથે કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો