વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧/૧૫ પાન ૧૨-૧૬
  • તમારી અને યહોવાની વચ્ચે કંઈ પણ આવવા ન દો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારી અને યહોવાની વચ્ચે કંઈ પણ આવવા ન દો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • નોકરી-ધંધો અને કારકિર્દી
  • મોજમજા અને મનોરંજન
  • કુટુંબના સંબંધો
  • સારી પસંદગી કરો
  • લાભ થાય એવું મનોરંજન પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • હિતકર મનોરંજન તમે મેળવી શકો છો
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧/૧૫ પાન ૧૨-૧૬
[પાન ૧૨ પર ચિત્ર]

તમારી અને યહોવાની વચ્ચે કંઈ પણ આવવા ન દો

“કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો.”—યહો. ૨૪:૧૫.

તમે કેવો જવાબ આપશો?

  • નોકરી-ધંધો અને કારકિર્દી તમારી અને યહોવાની વચ્ચે ન આવી જાય, એનું કેવી રીતે ધ્યાન રાખશો?

  • મોજમજા અને મનોરંજન માટે કેવી રીતે સારી પસંદગી કરશો?

  • કુટુંબનું કોઈ સભ્ય યહોવાને છોડી દે તો, એ દુઃખ કેવી રીતે સહન કરશો?

૧-૩. (ક) જીવનમાં ખરી પસંદગી કરનારા યહોશુઆ કેમ એક સારું ઉદાહરણ છે? (ખ) નિર્ણય લેવાનો હોય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખીશું?

જીવનમાં કરેલી પસંદગી ઘણી મહત્ત્વની છે. એ બતાવે છે કે પોતાનું જીવન કેવી રીતે વાપરવું એ વ્યક્તિના હાથમાં છે. કલ્પના કરો કે એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહી છે અને અચાનક રસ્તાના બે ફાંટા જુએ છે. એમાંથી તે કયો રસ્તો પસંદ કરશે? જો વ્યક્તિના મનમાં તેની મંજિલ સ્પષ્ટ હશે તો, એક માર્ગ તેને મંજિલ તરફ લઈ જશે. જ્યારે કે બીજો મંજિલથી દૂર લઈ જશે.

૨ બાઇબલમાં એવા ઘણા લોકોના દાખલા છે, જેઓએ એવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. જેમ કે, કાઇને નક્કી કરવાનું હતું કે ગુસ્સાથી વર્તશે કે ગુસ્સાને કાબૂમાં રાખશે. (ઉત. ૪:૬, ૭) યહોશુઆએ પસંદગી કરવાની હતી કે તે સાચા ઈશ્વરની ભક્તિ કરશે કે જૂઠાં દેવોની. (યહો. ૨૪:૧૫) યહોશુઆનો ધ્યેય યહોવાની નજીક રહેવાનો હતો. એટલે તેમણે એવો માર્ગ પસંદ કર્યો કે જે તેમને એમ કરવા મદદ કરે. પણ કાઇનનો એવો કોઈ ધ્યેય ન હતો, એટલે તેણે એવો માર્ગ પસંદ કર્યો, જે તેને યહોવાથી વધુ દૂર લઈ ગયો.

૩ અમુક વાર આપણી સામે પણ બે રસ્તા હોય, એમાંથી એક પસંદ કરવાનો હોય છે. જો એમ હોય તો તમારી મંજિલ કે હેતુ મનમાં રાખો. તમે જે કંઈ કરો એમાં યહોવાને મહિમા આપવાનો તમારો હેતુ હોવો જોઈએ. તેમ જ, યહોવાથી દૂર લઈ જતી બાબતો ટાળવી જોઈએ. (હિબ્રૂ ૩:૧૨ વાંચો.) આ અને પછીના લેખમાં આપણે જીવનનાં સાત પાસાં જોઈશું, જેમાં આપણે ખરા માર્ગ પર રહેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે એ આપણી અને યહોવાની વચ્ચે આવી ન જાય.

નોકરી-ધંધો અને કારકિર્દી

૪. નોકરી-ધંધો કરવો કેમ મહત્ત્વનું છે?

૪ ખ્રિસ્તીઓની જવાબદારી છે કે તેઓ કુટુંબના બધાને રોજીરોટી પૂરી પાડે. બાઇબલ જણાવે છે કે જે વ્યક્તિ કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા માંગતી નથી, તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડી છે. (૨ થેસ્સા. ૩:૧૦; ૧ તીમો. ૫:૮) સાચે જ, નોકરી-ધંધો એ જીવનનો મહત્ત્વનો ભાગ છે. પણ જો ધ્યાન ન રાખીએ તો એ આપણને યહોવાથી દૂર લઈ જઈ શકે. કેવી રીતે?

૫. નોકરી સ્વીકારતી વખતે કઈ મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

૫ ધારો કે તમે નોકરીની શોધમાં છો. જો તમે એવી જગ્યાએ રહેતા હો, જ્યાં સહેલાઈથી કામ મળતું નથી, તો નોકરીની કોઈ પણ તક સ્વીકારવા લલચાઈ જવાશે. જો એ નોકરી બાઇબલના સિદ્ધાંતો વિરુદ્ધ હોય તો? કદાચ નોકરી કે એ માટેની મુસાફરીમાં વધારે સમય જાય અને એના લીધે તમે મંડળ કે કુટુંબથી દૂર થઈ જાવ તો? શું તમારે એવી નોકરી સ્વીકારવી જોઈએ, એમ વિચારીને કે નોકરી ન હોવા કરતાં, ગમે તેવી નોકરી હોવી સારું કહેવાય? એ યાદ રાખો કે ખોટો માર્ગ પસંદ કરશો તો એ તમને યહોવાથી દૂર લઈ જશે. (હિબ્રૂ ૨:૧) જો તમે નોકરીની શોધમાં હો કે તમારી નોકરી બદલવાનું વિચારતા હો, તો કેવી રીતે ખરો નિર્ણય લઈ શકો?

૬, ૭. (ક) નોકરી-ધંધા માટે વ્યક્તિના કયા ધ્યેય હોઈ શકે? (ખ) કયો ધ્યેય તમને યહોવાની નજીક લાવશે, અને કેમ?

૬ આગળ જણાવ્યું તેમ તમારી મંજિલ મનમાં રાખો. પોતાને પૂછો, ‘નોકરી કે કારકિર્દી મને કઈ દિશામાં લઈ જાય, એવું હું ચાહું છું?’ જો નોકરી-ધંધાને પોતાના કુટુંબ માટે, યહોવાની ભક્તિ કરવાનું સાધન ગણતા હશો તો, યહોવા ચોક્કસ તમારા પ્રયત્નોને આશીર્વાદ આપશે. (માથ. ૬:૩૩) તમે નોકરી ગુમાવી દો કે આર્થિક મંદી આવી પડે ત્યારે, યહોવા જાણે છે કે તમને કેવી રીતે મદદ કરવી. (યશા. ૫૯:૧) યહોવા પોતાના “ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.”—૨ પીત. ૨:૯.

૭ બીજી બાજુ, જો તમારો ધ્યેય ફક્ત પૈસાદાર બનવાનો હોય તો શું? કદાચ તમે સફળ પણ થાઓ. પણ યાદ રાખો કે એવી “સફળતા” માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. એ પોસાય એવી નથી. (૧ તીમોથી ૬:૯, ૧૦ વાંચો.) પૈસા અને કારકિર્દીને વધારે મહત્ત્વ આપશો તો, એ તમને યહોવાથી દૂર લઈ જશે.

૮, ૯. નોકરી-ધંધા વિશે વિચારતી વખતે, માતા-પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? સમજાવો.

૮ જો તમે માબાપ હો તો વિચારો કે તમારું ઉદાહરણ બાળકને કેવી રીતે અસર કરે છે. તેઓ શું જુએ છે કે તમારી માટે શું મહત્ત્વનું છે—કારકિર્દી કે યહોવા સાથેની મિત્રતા? જો તેઓને જોવા મળે કે તમારા માટે માનમોભો, પ્રતિષ્ઠા અને ધનદોલત વધારે મહત્ત્વનાં છે, તો શું તેઓ પણ એ જ નાશકારક રસ્તે ચાલશે? શું તમારા પ્રત્યેનું માન, તેઓમાં ઘટી જશે? એક યુવાન બહેન જણાવે છે: “જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, મારા પિતા હંમેશાં તેમના કામકાજમાં વ્યસ્ત રહેતા. શરૂઆતમાં એવું લાગતું કે અમારું કુટુંબ સૌથી સારી ચીજ મેળવે, એ માટે તે મહેનત કરતા. તે ચાહતા કે અમને કશાની ખોટ ન પડે. પણ તાજેતરનાં વર્ષોમાં કંઈક બદલાયું છે. તે કામ જ કર્યે રાખે છે અને એશઆરામની બિનજરૂરી ચીજવસ્તુઓ ઘરે લાવે છે. આ કારણે અમે ફક્ત પૈસાદાર કુટુંબ તરીકે ઓળખાઈએ છીએ, બીજાઓને ઈશ્વરભક્તિમાં ઉત્તેજન આપતા કુટુંબ તરીકે નહિ. જો મારા પિતા પૈસા માટે નહિ, પણ અમારા કુટુંબને યહોવાની નજીક લાવવા મહેનત કરે તો હું વધારે ખુશ થઈશ.”

૯ માતા-પિતાઓ, તમારી કારકિર્દી પર વધારે મહત્ત્વ આપીને પોતાને યહોવાથી દૂર ન લઈ જાઓ! તમારા ઉદાહરણથી બાળકોને બતાવો કે તમારા મને ધનદોલત કરતાં યહોવા સાથેની મિત્રતા વધારે કીમતી છે.—માથ. ૫:૩.

૧૦. કારકિર્દીની પસંદગી કરતી વખતે એક યુવાન શાનો વિચાર કરશે?

૧૦ જો તમે કારકિર્દી વિશે વિચારતા એક યુવાન હો, તો કેવી રીતે ખરો માર્ગ પસંદ કરી શકો? આગળ ચર્ચા કરી ગયા તેમ, તમારે એ જાણવાની જરૂર છે કે તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. જો તમે અમુક પ્રકારની નોકરી મેળવવા કોઈ કોર્સ કરતા હો, તો શું એ તમને યહોવાની ભક્તિને જીવનમાં સૌથી મહત્ત્વની ગણવા મદદ કરશે? કે પછી તમને યહોવાથી દૂર લઈ જશે? (૨ તીમો. ૪:૧૦) શું તમે એવા લોકોને પગલે ચાલવા માંગો છો, જેઓની ખુશીઓ તેઓના બૅન્ક બેલેન્સ કે શેર્સની કિંમત પર નભતી હોય છે? કે પછી તમે દાઊદની જેમ યહોવામાં પૂરો ભરોસો મૂકશો? તેમણે લખ્યું કે “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” (ગીત. ૩૭:૨૫) યાદ રાખો કે એક માર્ગ તમને યહોવાથી દૂર લઈ જશે, જ્યારે કે બીજો માર્ગ તમને સૌથી સારા જીવન તરફ લઈ જશે. (નીતિવચનો ૧૦:૨૨; માલાખી ૩:૧૦ વાંચો.) તમે કયો માર્ગ પસંદ કરશો?

મોજમજા અને મનોરંજન

૧૧. મોજમજા અને મનોરંજન વિશે બાઇબલ શું જણાવે છે, પણ આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૧ બાઇબલ મોજમજા કરવાની મનાઈ કરતું નથી. એ એમ પણ નથી કહેતું કે મોજમજા અને મનોરંજન સમયની બરબાદી છે. પાઊલે તીમોથીને કહ્યું કે કસરત કરવાથી ફાયદો થઈ શકે. (૧ તીમો. ૪:૮) બાઇબલ જણાવે છે કે “હસવાનો” અને ‘નાચવાનો’ વખત હોય છે. તેમ જ, એ પૂરતા પ્રમાણમાં આરામ કરવા વિશે પણ જણાવે છે. (સભા. ૩:૪; ૪:૬) જો તમે ધ્યાન નહિ રાખો તો મોજમજા અને મનોરંજન તમને યહોવાથી દૂર લઈ જશે. કેવી રીતે? મોટા ભાગનું જોખમ બે બાબતો પર આધારિત છે. એક તો તમે કેવું મનોરંજન પસંદ કરો છો અને બીજું, એ માટે કેટલો સમય આપો છો.

[પાન ૧૪ પર ચિત્ર]

યોગ્ય પ્રકારની અને યોગ્ય પ્રમાણમાં કરેલી મોજમજા ખરો આનંદ આપે છે

૧૨. મોજમજા અને મનોરંજનની પસંદગી કરતી વખતે, કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

૧૨ પહેલા એ જોઈએ કે કેવું મનોરંજન પસંદ કરશો. સારું મનોરંજન અને મોજમજા ચોક્કસ મળી શકે છે. પણ એ ખરું છે કે આજનું મોટા ભાગનું મનોરંજન એવાં કામો દર્શાવે છે, જે ઈશ્વરને પસંદ નથી. જેમ કે, હિંસા, જાદુમંતર અને ખોટાં જાતીય સંબંધો. એટલે તમે કેવું મનોરંજન અને મોજમજા કરશો એ વિશે બહુ ધ્યાન રાખવું જોઈએ. વિચારો કે એની તમારા પર કેવી અસર થશે? શું એ તમને હિંસા, તીવ્ર હરીફાઈ કે દેશભક્તિ કરવા ઉત્તેજન આપે છે? (નીતિ. ૩:૩૧) શું એની પાછળ તમારા ઘણા પૈસા વેડફાઈ જાય છે? શું બીજાઓને એનાથી ઠોકર લાગશે? (રોમ. ૧૪:૨૧) મોજમજા કે મનોરંજનને લીધે તમે કેવા લોકોની સંગતમાં આવો છો? (નીતિ. ૧૩:૨૦) શું મનોરંજન તમને ખોટાં કામ કરવા પ્રોત્સાહન આપે છે?—યાકૂ. ૧:૧૪, ૧૫.

૧૩, ૧૪. મોજમજા પાછળ સમય આપતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૩ તમે મોજમજા અને મનોરંજન પાછળ કેટલો સમય આપો છો, એના વિશે પણ વિચારો. પોતાને પૂછો: ‘શું હું મોજમજા પાછળ એટલો બધો સમય આપું છું કે પ્રચાર અને સભાઓ માટે સમય રહેતો નથી?’ જો તમે મનોરંજન પાછળ વધારે પડતો સમય આપશો, તો એમાંથી ખરો આનંદ નહિ મળે. પણ જેઓ યોગ્ય પ્રમાણમાં મોજમજા કરે છે, તેઓને એનો વધારે આનંદ મળે છે. શા માટે? તેઓને ખબર છે કે “શ્રેષ્ઠ” કે મહત્ત્વની બાબતો પહેલાં કરી લીધી છે, એટલે મોજમજા કરતી વખતે દિલ ડંખતું નથી.—ફિલિપી ૧:૧૦, ૧૧ વાંચો.

૧૪ કદાચ મોજમજામાં વધારે સમય પસાર કરવાનું ઘણું મન થાય, પણ એ માર્ગ તમને યહોવાથી દૂર લઈ જઈ શકે. ૨૦ વર્ષની કીમ પોતાના અનુભવથી એ શીખી. તે જણાવે છે: “હું બધી જ પાર્ટીમાં જતી. દર શુક્ર, શનિ અને રવિ કોઈને કોઈ પાર્ટી તો હોય જ. પણ હવે મને સમજાયું કે જીવનમાં બીજી ઘણી મહત્ત્વની બાબતો છે. દાખલા તરીકે, હું પાયોનિયર છું. પ્રચારમાં જવા માટે સવારના ૬ વાગ્યે ઊઠું છું. એટલે રાતના એક-બે વાગ્યા સુધી મિત્રો સાથે સમય પસાર કરવો, મને પોસાય નહિ. મને ખબર છે કે મિત્રો સાથે હળવા-મળવામાં કંઈ ખોટું નથી. પણ ખ્યાલ ન રાખીએ તો તેઓ આપણું ધ્યાન ભટકાવી શકે. બીજી બધી બાબતોની જેમ, તેઓ સાથે પણ યોગ્ય પ્રમાણમાં સમય વિતાવવો જોઈએ.”

૧૫. માતા-પિતા કેવી રીતે બાળકોને સારું મનોરંજન પસંદ કરવા મદદ કરી શકે?

૧૫ માતા-પિતાની જવાબદારી છે કે કુટુંબની જરૂરિયાતો પૂરી પાડે. તેમ જ, કુટુંબને યહોવાની સમીપ રાખવાની જવાબદારી પણ તેઓની જ છે. તેઓએ બાળકોને પ્રેમ અને હુંફ આપવાની સાથે સાથે, મનોરંજનની પણ ગોઠવણ કરવાની છે. તમે માતા-પિતા હો તો એમ ન વિચારો કે બધા પ્રકારની મોજશોખ બેકાર છે. જોકે, એ પણ ધ્યાન રાખો કે કુટુંબને ખરાબ અસર ન થાય. (૧ કોરીં. ૫:૬) પહેલેથી વિચારશો તો કુટુંબ માટે સાચે જ આનંદ આપતું મનોરંજન અને મોજશોખ પસંદ કરી શકશો.a આમ કરવાથી તમે અને બાળકો એવો માર્ગ પસંદ કરશો, જે તમને યહોવાની નજીક લઈ જશે.

કુટુંબના સંબંધો

૧૬, ૧૭. ઘણાં મા-બાપે કઈ દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે યહોવા તેઓના દુઃખને સમજે છે?

૧૬ માતા-પિતા અને બાળક વચ્ચે સંબંધ ગાઢ હોય છે. એટલે જ યહોવાએ પોતાના લોકો માટેના પ્રેમને સમજાવવા એ સંબંધનું ઉદાહરણ વાપર્યું. (યશા. ૪૯:૧૫) જ્યારે કુટુંબનું કોઈ સભ્ય યહોવાને છોડી દે છે, ત્યારે ખૂબ જ દુઃખ થાય એ સ્વાભાવિક છે. એક બહેનની દીકરીને બહિષ્કૃત કરવામાં આવી. તે બહેન જણાવે છે: “હું પડી ભાંગી. એમ વિચારતી કે તેણે કેમ યહોવાને છોડી દીધા? મને બહુ અફસોસ થયો અને પોતાને જ દોષ આપવા લાગી.”

૧૭ યહોવા તમારું દુઃખ સમજી શકે છે. જ્યારે પ્રથમ પુરુષ આદમે અને જળપ્રલય પહેલાંના લોકોએ, યહોવા સામે બળવો કર્યો, ત્યારે તે ‘હૃદયમાં ખેદિત થયા’ હતા. (ઉત. ૬:૫, ૬) જેઓએ કદી આવો અનુભવ કર્યો નથી, તેઓ માટે એ સમજવું અઘરું હોઈ શકે. પણ બહિષ્કૃત થયેલા કુટુંબીજનનું ખોટું આચરણ, તમને યહોવાથી દૂર ન લઈ જાય એનું ધ્યાન રાખો, નહિ તો તમને જ નુકસાન થશે. તો પછી, કુટુંબનું કોઈ સભ્ય યહોવાને છોડી દે ત્યારે, કેવી રીતે એ દુઃખ સહી શકો?

૧૮. બાળક જો યહોવાને છોડી દે તો, માબાપે શા માટે પોતાને દોષ દેવો ન જોઈએ?

૧૮ જે થયું એ માટે પોતાને દોષ ન આપો. યહોવાની ભક્તિ કરવી કે નહિ, એની પસંદગી વ્યક્તિના હાથમાં છે. તેમ જ, બાપ્તિસ્મા પામેલા દરેક કુટુંબના સભ્યએ ‘પોતાનો બોજો ઊંચકવો જ પડશે.’ (ગલા. ૬:૫) આખરે તો, યહોવા તમને નહિ, પણ પાપ કરનાર વ્યક્તિને તેની પસંદગી માટે જવાબદાર ઠરાવે છે. (હઝકી. ૧૮:૨૦) તેમ જ, બીજાઓને દોષ ન દો. શિષ્ત આપવાની યહોવાની જોગવાઈને માન આપો. શેતાનની સામે થાઓ, મંડળનું રક્ષણ કરતા વડીલોની સામે નહિ.—૧ પીત. ૫:૮, ૯.

[પાન ૧૬ પર ચિત્ર]

પ્રિયજન યહોવા પાસે પાછા ફરશે એવી આશા રાખવી ખોટું નથી

૧૯, ૨૦. (ક) બહિષ્કૃત થયેલાં બાળકોનાં માબાપ કેવી રીતે દુઃખ સહી શકે? (ખ) એવા માબાપે કેવી આશા રાખવી જોઈએ?

૧૯ બીજી બાજુ, જો તમે યહોવા પ્રત્યે મનમાં ગુસ્સો ભરી રાખશો, તો યહોવાથી દૂર જતા રહેશો. તમારા કુટુંબીજનોને એ દેખાવું જોઈએ કે તમે તેઓને જેટલો પ્રેમ કરો છો, એના કરતાં યહોવાને વધારે પ્રેમ કરવાનો પાકો નિર્ણય કર્યો છે. આવા સંજોગોનો સામનો કરવા યહોવા સાથેનો તમારો સંબંધ જાળવી રાખો. મંડળનાં ભાઈ-બહેનોથી પોતાને અલગ ન પાડી દો. (નીતિ. ૧૮:૧) પ્રાર્થનામાં તમારી લાગણીઓ યહોવાને જણાવો. (ગીત. ૬૨:૭, ૮) બહિષ્કૃત થયેલાં કુટુંબનાં સભ્યો સાથે સંગત રાખવાના બહાના ન શોધો. જેમ કે, ફોન કે ઈમેઈલથી વાતચીત કરવી. (૧ કોરીં. ૫:૧૧) મંડળની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. (૧ કોરીં. ૧૫:૫૮) આગળ જે બહેનની વાત કરી તે કહે છે: “હું જાણું છું કે મારે યહોવાની ભક્તિમાં વ્યસ્ત રહેવાનું છે અને યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત રાખવાનો છે, જેથી મારી દીકરી યહોવા પાસે પાછી આવે ત્યારે, હું તેને મદદ કરી શકું.”

૨૦ બાઇબલ જણાવે છે કે પ્રેમ “સઘળાની આશા રાખે છે.” (૧ કોરીં. ૧૩:૪, ૭) તમારું પ્રિયજન યહોવા પાસે પાછું આવે એવી આશા રાખવી ખોટું નથી. દર વર્ષે ખોટું કરનારા ઘણા લોકો પસ્તાવો કરે છે અને યહોવાના સંગઠનમાં પાછા ફરે છે. પસ્તાવો કરનારા લોકો પ્રત્યે યહોવા ગુસ્સો ભરી રાખતા નથી, પણ તે “ક્ષમા કરવાને તત્પર છે.”—ગીત. ૮૬:૫.

સારી પસંદગી કરો

૨૧, ૨૨. તમે જીવનમાં કેવી પસંદગી કરશો?

૨૧ યહોવાએ મનુષ્યોને પસંદગી કરવાનો હક્ક આપ્યો છે. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦ વાંચો.) પણ એ સ્વતંત્રતા સાથે જવાબદારી આવે છે. દરેક ખ્રિસ્તીએ પોતાને પૂછવું જોઈએ: ‘હું કયા માર્ગ પર છું? શું નોકરી-ધંધો અને કારકિર્દી; મોજમજા અને મનોરંજન કે કુટુંબના સંબંધો, મને યહોવાથી દૂર લઈ જઈ રહ્યા છે?’

૨૨ યહોવા પોતાના લોકોને પ્રેમ કરવાનું કદી છોડી દેતા નથી. જ્યાં સુધી આપણે ખોટો માર્ગ પસંદ નહિ કરીએ, ત્યાં સુધી કંઈ પણ આપણને યહોવાથી દૂર કરી શકશે નહિ. (રોમ. ૮:૩૮, ૩૯) એટલે ખોટો માર્ગ પસંદ કરશો નહિ! પાકો નિર્ણય કરો કે કોઈ પણ બાબત તમને યહોવાથી દૂર ન લઈ જાય. હવે પછીના લેખમાં આપણે જીવનનાં બીજાં ચાર પાસાંની ચર્ચા કરીશું, જેમાં પસંદગી કરવામાં ધ્યાન રાખવું જોઈએ.

a સૂચનો માટે આ મૅગેઝિન જુઓ: સજાગ બનો! એપ્રિલ-જૂન ૨૦૧૨, પાન ૨૩-૨૫ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો