લોકોને સાવચેત કરવા, થોડું વધારે કરી શકો?
લોકોને ગમી જાય એવી અ ટ્રિપ ડાઉન માર્કેટ સ્ટ્રીટ નામની એક મૂક ફિલ્મ ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. એ ફિલ્મ, અમેરિકાના સેન ફ્રૅન્સિસ્કો શહેરના લોકોના રોજિંદા જીવનની ઝલક આપતી હતી. ફિલ્મના નિર્દેશકોએ કૅમેરો ટ્રામ ઉપર ગોઠવ્યો જેથી, જ્યાં પણ ટ્રામ જાય ત્યાંની ચહલપહલ એમાં કેદ કરી શકાય. એ ફિલ્મમાં ઘોડાગાડીઓ, જૂના જમાનાની મોટરગાડીઓ, ખરીદી કરતા લોકો અને ન્યૂઝપેપર પહોંચાડતા છોકરાઓની રોજબરોજની પ્રવૃત્તિઓ જોવા મળે છે.
એ ફિલ્મ પછીથી લોકોને ખૂબ જ કરુણ લાગવા લાગી. શા માટે? કારણ કે, ૧૯૦૬માં એના શૂટિંગના થોડા દિવસો પછી, એપ્રિલ ૧૮ના રોજ ત્યાં મોટો ધરતીકંપ થયો અને ભીષણ આગ લાગી. હજારો લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યાં. અને શહેરનો લગભગ અડધો ભાગ નાશ પામ્યો. ફિલ્મમાં દર્શાવેલા અમુક લોકોને ક્યાં ખબર હતી કે તેઓ પાસે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મના એક નિર્માતાના વંશજ સ્કોટ માઈલ્સે કહ્યું, ‘એ ફિલ્મમાં લોકોને જોઈને મને થાય છે કે, તેઓ સાથે જે બનવાનું છે એનાથી તેઓ કેટલા અજાણ હતા! તેઓ માટે કંઈ કરી ન શકતા હોવાથી આપણું દિલ કરુણાથી ભરાઈ જાય છે.’
વર્ષ ૧૯૦૬માં બનેલા અણધાર્યા ધરતીકંપ અને ભીષણ આગને લીધે સેન ફ્રૅન્સિસ્કો શહેરનો મોટો ભાગ નાશ પામ્યો
એ બનાવ જેવું જ કંઈક આપણા સમયમાં પણ બનવાનું છે. આપણું દિલ પણ પડોશીઓને જોઈ કરુણાથી ભરાઈ જાય છે. રોજબરોજના કામમાં ડૂબેલા આ લોકો દુનિયાના અંતથી સાવ અજાણ છે. સેન ફ્રૅન્સિસ્કોના લોકોને ચેતવણી મળી ન હતી કે ધરતીકંપ આવવાનો છે. જ્યારે કે, યહોવાના ન્યાયના દિવસ વિશે લોકોને સાવચેત કરવાની આપણી પાસે તક છે. એમ કરવા તમે ચોક્કસ અઠવાડિયામાં અમુક સમય ઘર ઘરના પ્રચારમાં આપતા હશો. પણ, શું લોકોને સાવચેત કરવા થોડુંક વધારે કરી શકો?
ઈસુ પ્રચાર કરવા હંમેશાં તૈયાર રહેતા
પ્રચાર કરવામાં હંમેશાં તૈયાર રહીને ઈસુએ આપણા માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તે જેને પણ મળતા તેને રાજ્યનો સંદેશો જણાવતા. પછી ભલે તેમને રસ્તામાં કર ઉઘરાવનાર મળે કે કૂવા પર પાણી ભરતી સ્ત્રી મળે. (લુક ૧૯:૧-૫; યોહા. ૪:૫-૧૦, ૨૧-૨૪) અરે, પોતાનો આરામ જતો કરીને પણ ઈસુ લોકોને ખુશી ખુશી શીખવતા. લોકો માટે પ્રેમને લીધે ઈસુએ તેઓમાં દિલથી રસ બતાવ્યો. (માર્ક ૬:૩૦-૩૪) ઈસુ જે તાકીદથી સંદેશો જણાવતા એને આજે કઈ રીતે અનુસરવામાં આવે છે?
તેઓએ દરેક તક ઝડપી લીધી
મલીકા નામનાં બહેન કડક સુરક્ષા હોય એવા ફ્લૅટ્સમાં રહે છે. તેમનાં ઘણા પડોશીઓ વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ છે. તેઓનાં ફોન નંબર અને નામ ફ્લૅટ્સના બોર્ડ પર મૂકેલાં નથી. મલીકા જાણે છે કે લોકો સાથે બાઇબલમાંથી ચર્ચા કરવાની તેમની પાસે ખાસ તક છે. તેથી, લિફ્ટમાં કે લૉબીમાં લોકો મળે ત્યારે તે તક ઝડપી લે છે. તે જણાવે છે, ‘એક રીતે મારા ફ્લૅટ્સને હું મારો પ્રચાર વિસ્તાર ગણું છું.’ મલીકા પોતાની પાસે જુદી જુદી ભાષામાં સાહિત્ય રાખે છે. ઘણા પડોશીઓ તેમની પાસેથી પત્રિકા અને મૅગેઝિન સ્વીકારે છે. મલીકા તેઓનું ધ્યાન આપણી વેબસાઇટ jw.org તરફ દોરે છે. તેમણે ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો છે.
સોનિયા નામનાં બહેન પણ જેને મળે તેને સાક્ષી આપવા તૈયાર રહે છે. તે એક ડૉક્ટરના ક્લીનીકમાં કામ કરે છે. તેમણે ધ્યેય બાંધ્યો કે સાથે કામ કરનાર દરેકને તે સત્ય વિશે જણાવશે. સૌપ્રથમ, તેઓની જરૂરિયાતો અને ગમતા વિષયો જાણવાનો તેમણે પ્રયત્ન કર્યો. પછી, સોનિયા રીસેસના સમયે કોઈ એકની સાથે બાઇબલ આધારિત ચર્ચા કરતા. પરિણામે, સોનિયા બે બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યાં. સોનિયાએ નક્કી કર્યું છે કે, તે અમુક વાર રીસેસનો સમય ક્લીનીકની લૉબીમાં પસાર કરશે, જેથી ત્યાં રાહ જોતા લોકો સાથે ચર્ચા કરી શકે.
દરેક તક ઝડપી લો
વર્ષ ૧૯૦૬ના ધરતીકંપમાંથી બચી ગયેલી એક વ્યક્તિએ કહ્યું, ‘કોઈ શહેર કે રાજ્ય પર આવેલી એ સૌથી ભયાનક આફત હતી.’ જોકે, દુનિયાની બધી આફતો કરતાં એક ભયાનક આફત ઘણા મોટા પાયે આવી રહી છે. એ આફત એવા લોકો પર આવશે “જેઓ ઈશ્વરને ઓળખતા નથી.” (૨ થેસ્સા. ૧:૮) યહોવા દિલથી ચાહે છે કે તેમના સાક્ષીઓ દ્વારા મળતી ચેતવણીઓ પર લોકો લક્ષ આપીને પોતાનાં વિચારો અને દિલ બદલે.—૨ પીત. ૩:૯; પ્રકટી. ૧૪:૬, ૭.
રોજિંદા જીવનમાં મળતા લોકોને સંદેશો જણાવવાની, શું તમે દરેક તક ઝડપી લેશો?
આ કપરા સમયમાં લોકોની આંખો ખોલવાની તમારી પાસે તક છે. તમે તેઓને સ્વાર્થી દુનિયામાંથી નીકળીને યહોવા પાસે આવવા મદદ કરી શકો છો. (સફા. ૨:૨, ૩) શું તમે પડોશીઓને, સાથે કામ કરનારને અને રોજિંદા જીવનમાં મળતા લોકોને સંદેશો જણાવવાની દરેક તક ઝડપી લો છો? શું તમે લોકોને સાવચેત કરવા થોડુંક વધારે કરશો?