વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૮/૧૫ પાન ૧૧-૧૫
  • ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો એ જીવંત છે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો એ જીવંત છે!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • “તારા હાથમાં એ શું છે?”
  • યોગ્ય કલમ પસંદ કરીને વાંચો!
  • લોકો વિચારતા હોય એવા મુદ્દા પર ચર્ચા કરો
  • ઈશ્વરનાં શક્તિશાળી વચનોનો ઉપયોગ કરતા રહીએ
  • રાજ્યનો સંદેશ ફેલાવવા પત્રિકાઓનો ઉપયોગ કરીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • નવી પત્રિકાની અદ્‍ભુત ડિઝાઇન!
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • પત્રિકા આપીને વાતચીત શરૂ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૮/૧૫ પાન ૧૧-૧૫
ઇજિપ્તના રાજા અને તેના દરબારીઓ સામે મુસાની લાકડી સાપ બની જાય છે

ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો એ જીવંત છે!

‘ઈશ્વરનો શબ્દ જીવંત અને ખૂબ શક્તિશાળી છે.’—હિબ્રૂ ૪:૧૨.

તમારો વિચાર જણાવો:

  • આપણી રજૂઆતને વધુ અસરકારક બનાવવા શું મદદ કરશે?

  • પહેલી અને ફરી મુલાકાતમાં બાઇબલનો ઉપયોગ કરવા આપણી પત્રિકાઓ કઈ રીતે મદદ આપે છે?

  • આપણે કઈ રીતે સાક્ષીકાર્યમાં પાઊલને અનુસરી શકીએ?

૧, ૨. યહોવાએ મુસાને કયું કામ સોંપ્યું અને કઈ ખાતરી આપી?

કલ્પના કરો કે તમે આ દુનિયાના એક શક્તિશાળી રાજા સામે ઊભા છો. તમારે તેની આગળ યહોવાના લોકો વતી બોલવાનું છે. એ સમયે તમે કેવું અનુભવશો? તમને કદાચ ઘણી ચિંતા થશે, બીક લાગશે અને મોંમાંથી શબ્દો નહિ નીકળે. તમે રાજા આગળ જે બોલવાના છો, એની તૈયારી કઈ રીતે કરશો? તમારો સંદેશો ઈશ્વર તરફથી છે, એ પૂરા અધિકારથી તેને કઈ રીતે જણાવશો?

૨ મુસા પણ એવા જ સંજોગોમાંથી પસાર થયા હતા. યહોવાએ તેમના વિશે કહ્યું હતું કે “મુસા, પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર” છે. (ગણ. ૧૨:૩) છતાં, યહોવાએ તેમને ફારૂન સાથે વાત કરવા મોકલ્યા, જે ઘણો જ ક્રૂર અને ઘમંડી હતો. એવી વ્યક્તિની આગળ મુસાએ કહેવાનું હતું કે, લાખો ઈસ્રાએલી ગુલામોને મુક્ત કરે. (નિર્ગ. ૫:૧, ૨) તેથી, સમજી શકાય કે શા માટે મુસાએ યહોવાને આ સવાલ કર્યો: “હું કોણ કે ફારૂનની પાસે જઈને ઈસ્રાએલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું?” મુસાને એ વખતે લાગ્યું હશે કે પોતે ફારૂનની આગળ બોલવા સક્ષમ નથી. ત્યારે યહોવાએ ખાતરી આપતા કહ્યું, “હું નિશ્ચે તારી સાથે હોઈશ.”—નિર્ગ. ૩:૯-૧૨.

૩, ૪. (ક) મુસાને શાનો ડર હતો? (ખ) તમને મુસા જેવી લાગણી કઈ રીતે થઈ શકે?

૩ મુસાને શાનો ડર હતો? તેમને લાગતું હતું કે ઈશ્વર યહોવાએ મોકલેલી વ્યક્તિને ફારૂન સ્વીકારશે નહિ અથવા તેનું સાંભળશે નહિ. મુસાને બીજી એક બીક હતી. પોતાના લોકોને મિસરમાંથી કાઢી લાવવા ઈશ્વરે તેમને પસંદ કર્યા છે, એવું તેઓ પણ નહિ સ્વીકારે. તેથી મુસાએ યહોવાને કહ્યું, “તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સાંભળે; કેમ કે તેઓ કહેશે, કે યહોવાએ તને દર્શન દીધું નથી.”—નિર્ગ. ૩:૧૫-૧૮; ૪:૧.

૪ એના જવાબમાં યહોવાએ જે કહ્યું અને એ પછી બનેલા બનાવો આપણામાંના દરેકને એક મહત્ત્વનો પાઠ શીખવે છે. ખરું કે, તમારે કદાચ કોઈ રાજા કે નેતા આગળ જવું ન પડે. છતાં, આજે કેટલાકને તો સામાન્ય વ્યક્તિને પણ ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવો અઘરો લાગે છે. શું તમને પણ એ અઘરું લાગે છે? જો એમ હોય તો, ચાલો મુસાના દાખલામાંથી શીખીએ.

“તારા હાથમાં એ શું છે?”

૫. યહોવાએ મુસાના હાથમાં શું આપ્યું? એનાથી મુસાની હિંમત કઈ રીતે વધી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૫ મુસાએ પોતાનો ડર વ્યક્ત કર્યો ત્યારે યહોવાએ તેમને એ કામમાં સફળ થવા તૈયાર કર્યા. બાઇબલ જણાવે છે: ‘યહોવાએ મુસાને કહ્યું કે, તારા હાથમાં એ શું છે? અને મુસાએ જવાબ આપ્યો કે, લાકડી. યહોવાએ તેમને કહ્યું, કે એને ભૂમિ પર નાખ. અને મુસાએ એને ભૂમિ પર નાખી, એટલે એ સર્પ થઈ ગઈ અને મુસા એની આગળથી ભાગ્યા. યહોવાએ મુસાને કહ્યું, કે તારો હાથ લાંબો કરીને એની પૂંછડી પકડ. મુસાએ પોતાનો હાથ લાંબો કરીને એ પકડી, ત્યારે સર્પ તેમના હાથમાં લાકડી થઈ ગયો. પછી ઈશ્વરે કહ્યું કે, આ એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે ઈશ્વરે તને દર્શન દીધું છે.’ (નિર્ગ. ૪:૨-૫) હા, લોકોની નજરે જે એક સામાન્ય લાકડી કહેવાય, ઈશ્વરની શક્તિથી એ સાપ બની ગઈ. આગળ જતાં, એ ચમત્કાર સાબિતી બનવાનો હતો કે સંદેશો જણાવવા મુસાને ઈશ્વરે મોકલ્યા છે. યહોવાએ મુસાને કહ્યું: “આ લાકડી તારા હાથમાં તું લે, ને તે વડે તું ચિહ્‍નો કરી બતાવ.” (નિર્ગ. ૪:૧૭) મુસાને એનાથી સાબિતી મળી કે યહોવા તેમની સાથે છે. એ કારણે મુસા પૂરા ભરોસાથી ફારૂન અને ઈસ્રાએલીઓ પાસે જઈને વાત કરી શક્યા.—નિર્ગ. ૪:૨૯-૩૧; ૭:૮-૧૩.

૬. (ક) લોકોને ઈશ્વરનો સંદેશો જણાવવા જઈએ ત્યારે આપણા હાથમાં શું હોવું જોઈએ અને શા માટે? (ખ) સમજાવો કે ઈશ્વરનો શબ્દ કઈ રીતે “જીવંત” અને ખૂબ ‘શક્તિશાળી’ છે.

૬ આજે, આપણે પણ ઈશ્વરનો સંદેશો લોકોને જણાવવા જઈએ છીએ. એ વખતે મોટા ભાગે આપણા હાથમાં શું હોય છે? આપણા હાથમાં બાઇબલ હોય છે, જેનો આપણે ઉત્સાહથી ઉપયોગ કરવા માંગીએ છીએ. ખરું કે, અમુક લોકોની નજરે બાઇબલ એક સામાન્ય પુસ્તક જ છે. જ્યારે કે, આપણા માટે એ ઈશ્વરની વાણી છે. (૨ પીત. ૧:૨૧) એમાં ઈશ્વરના વાયદા પણ છે, જે બતાવે છે કે તેમના રાજ્યમાં શું બનશે. પાઊલે લખ્યું: ‘ઈશ્વરનો શબ્દ જીવંત અને ખૂબ શક્તિશાળી છે.’ (હિબ્રૂ ૪:૧૨ વાંચો.) બાઇબલ કયા અર્થમાં જીવંત છે? એમાં આપેલું યહોવાનું દરેક વચન પૂરું થઈ રહ્યું છે, કેમ કે એ માટે તે સતત કાર્ય કરી રહ્યા છે. (યશા. ૪૬:૧૦; ૫૫:૧૧) એ હકીકત જો વ્યક્તિ સમજે અને પછી બાઇબલ વાંચે, તો એ વચનો એટલાં શક્તિશાળી છે કે તેના જીવનને બદલી શકે છે.

૭. ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવવાં’ શું કરવું જોઈએ?

૭ યહોવાએ પોતાનો જીવંત શબ્દ એટલે કે, બાઇબલ આપણા હાથમાં આપ્યું છે. એની મદદથી આપણે સાબિત કરી શકીએ છીએ કે આપણો સંદેશો ઈશ્વર તરફથી છે અને એમાં પૂરો ભરોસો મૂકી શકાય. એ જ કારણે, પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું કે તે “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” એટલે કે યોગ્ય રીતે ઉપયોગ કરનાર બને. (૨ તીમો. ૨:૧૫) આપણે પાઊલની સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ? લોકોને કલમ વાંચી સંભળાવવા એવી કલમ પસંદ કરીએ, જે તેઓનાં દિલને અસર કરે. એમ કરવામાં આપણને મદદ મળે માટે ૨૦૧૩માં અમુક પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે.

યોગ્ય કલમ પસંદ કરીને વાંચો!

૮. એક સેવા નિરીક્ષકે નવી પત્રિકાઓ વિશે શું કહ્યું?

૮ એ નવી પત્રિકાઓમાં માહિતીને એક સરખી રીતે રજૂ કરવામાં આવી છે. તેથી, જો તમે એક પત્રિકાની રજૂઆત શીખી જાઓ તો બીજી પત્રિકાઓની રજૂઆત પણ આવડી જશે. અમેરિકાના હવાઇ ટાપુમાં રહેતા એક સેવા નિરીક્ષકે લખ્યું: ‘અમે વિચાર્યું પણ ન હતું કે જાહેર અને ઘર-ઘરના સાક્ષીકાર્યમાં આ નવી પત્રિકાઓ આટલી અસરકારક રહેશે.’ એ પત્રિકાઓ વાપરવી શા માટે સહેલી છે? ભાઈ જણાવે છે કે પત્રિકામાં પૂછેલા સવાલના શક્ય જવાબો એ જ પાને છે. એમ હોવાથી ઘરમાલિકને જવાબ ખોટો પડવાની ચિંતા રહેતી નથી. ભાઈનું કહેવું છે કે, પત્રિકાઓ એ રીતે બનાવવામાં આવી છે કે એના લીધે લોકો વાત કરવા તૈયાર થાય છે. આમ, રસ જગાડે એવી ચર્ચા શરૂ કરી શકાય છે.

૯, ૧૦. (ક) આપણી પત્રિકાઓ કઈ રીતે બાઇબલનો ઉપયોગ કરવામાં મદદ આપે છે? (ખ) તમને કઈ પત્રિકાથી સૌથી વધારે સફળતા મળી અને શા માટે?

૯ દરેક પત્રિકામાં ધ્યાનથી પસંદ કરેલી એક કલમ જોવા મળે છે, જે આપણે ઘરમાલિકને વાંચી આપી શકીએ. દાખલા તરીકે, શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકાનો વિચાર કરો. ઘરમાલિક જવાબમાં “હા” કે “ના” કે “કદાચ” કહેશે. તેનો જવાબ સાંભળ્યા પછી આપણે અંદરનું પાનું બતાવતાં આમ કહી શકીએ, “એ વિશે, જુઓ પવિત્ર શાસ્ત્ર શું કહે છે?” ત્યાર બાદ પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચી આપો.

૧૦ એ જ રીતે, બાઇબલ વિશે તમે શું વિચારો છો? પત્રિકા પણ વાપરી શકાય. ઘરમાલિક ભલે ત્રણમાંથી કોઈ પણ જવાબ આપે, તમે અંદરનું પાનું બતાવતાં આમ કહી શકો: “બાઇબલ કહે છે કે એમાંનું ‘દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે.’” એ પછી તમે ઉમેરી શકો કે “એમાં બીજું ઘણું જણાવ્યું છે.” ત્યાર બાદ, બાઇબલ ખોલીને ૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.

૧૧, ૧૨. (ક) પત્રિકા વાપરવાથી આપણને કયો સંતોષ મળે છે? (ખ) ફરી મુલાકાત કરવામાં પત્રિકા આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૧ ઘરમાલિકના હાવભાવથી તમે પારખી શકો કે તે આગળ ચર્ચા કરવા માંગે છે કે નહિ. જો તે ચર્ચા કરવા ન માંગે તોપણ તેને પત્રિકામાંથી સંદેશો તો મળી જશે. તેમ જ, તમને પણ તેને બાઇબલમાંથી વાંચી આપવાનો સંતોષ મળશે. ભલે તમે પહેલી મુલાકાતમાં એકાદ કલમ જ વાંચી હોય, ફરી મુલાકાતમાં તમે એ ચર્ચા આગળ વધારી શકો.

૧૨ દરેક પત્રિકાના છેલ્લા પાને “વિચારવા જેવું” મથાળાની નીચે એક સવાલ હોય છે. તેમ જ, કલમો હોય છે જેની મદદથી ફરી મુલાકાતમાં ચર્ચા કરી શકાય. જેમ કે, ભવિષ્ય વિશે તમે શું વિચારો છો? પત્રિકામાં ફરી મુલાકાત માટે આ સવાલ છે: “ઈશ્વર કઈ રીતે દુનિયાને સારી બનાવશે?” ત્યાં માથ્થી ૬:૯, ૧૦ અને દાનીયેલ ૨:૪૪ પણ આપેલી છે. એ જ પ્રમાણે, શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? પત્રિકામાં આ સવાલ છે: “આપણે કેમ ઘરડા થઈએ છીએ અને મરણ પામીએ છીએ?” અને ત્યાં ઉત્પત્તિ ૩:૧૭-૧૯ અને રોમનો ૫:૧૨ની કલમો પણ આપેલી છે.

૧૩. બાઇબલ અભ્યાસ શરૂ કરવા તમે પત્રિકાનો કઈ રીતે ઉપયોગ કરશો?

૧૩ નવી પત્રિકાઓ એ રીતે બનાવવામાં આવી છે, જેથી તમે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકો. વ્યક્તિ પત્રિકાના છેલ્લા પાને આપેલો ક્યુ આર કૉડ (QR Codea) સ્કેન કરીને આપણી વેબસાઇટ પર જઈ શકે. ત્યાં તેને એવી માહિતી મળી રહેશે જેનાથી બાઇબલ અભ્યાસ શરૂ થઈ શકે. એ પત્રિકાઓમાં ઈશ્વર પાસેથી ખુશખબર! નામની પુસ્તિકાનો પણ ઉલ્લેખ થયો છે. પત્રિકાઓ એ પણ જણાવે છે કે પુસ્તિકાના કયા પાઠમાં એ વિષય પર વધુ માહિતી મળશે. જેમ કે, પુસ્તિકાના પાંચમા પાઠનો ઉલ્લેખ દુનિયા પર કોણ રાજ કરે છે? પત્રિકામાં થયો છે. એ જ રીતે, પુસ્તિકાના નવમા પાઠનો ઉલ્લેખ સુખી કુટુંબની ચાવી શું છે? પત્રિકામાં થયો છે. પત્રિકા તમને પહેલી મુલાકાત અને ફરી મુલાકાતમાં બાઇબલનો વધુ સારો ઉપયોગ કરવા મદદ કરશે. એ રીતે તમે વધુ અભ્યાસ મેળવી શકશો. બાઇબલનો વધુ અસરકારક ઉપયોગ કરવા બીજું શું કરી શકાય?

લોકો વિચારતા હોય એવા મુદ્દા પર ચર્ચા કરો

યહોવાના એક સાક્ષી સુખી કુટુંબની ચાવી શું છે? પત્રિકાનો ઉપયોગ કરી રહ્યા છે

૧૪, ૧૫. તમે કઈ રીતે સાક્ષીકાર્યમાં પાઊલને અનુસરી શકો?

૧૪ પાઊલની દિલથી ઇચ્છા હતી કે, “બની શકે તેટલા વધારે લોકો” સુધી સંદેશો પહોંચાડે. (૧ કોરીંથી ૯:૧૯-૨૩ વાંચો.) નોંધ કરો કે પાઊલ ‘યહુદીઓનો, નિયમને આધીન લોકોનો, નિયમ વગરના લોકોનો અને નિર્બળોનો ઉદ્ધાર કરવા’ ચાહતા હતા. એ માટે પાઊલ ‘હરકોઈ રીતે કેટલાએકને તારવા માટે સર્વની સાથે સર્વના જેવા થયા.’ (પ્રે.કૃ. ૨૦:૨૧) આપણા વિસ્તારમાં મળતા “સઘળાં માણસો”ને સત્ય જણાવવા, આપણે પાઊલને કઈ રીતે અનુસરી શકીએ?—૧ તીમો. ૨:૩, ૪.

યહોવાના એક સાક્ષી એક યુવાનને બાઇબલમાંથી કલમ વાંચી આપી રહ્યા છે

૧૫ દર મહિને આપણી રાજ્ય સેવામાં સાહિત્ય આપવાની પ્રસ્તાવના જોવા મળે છે. એનો ઉપયોગ કરી જુઓ. પરંતુ, જો તમારા વિસ્તારમાં લોકોની જરૂરિયાત અલગ હોય, તો એ પ્રમાણે તમે રજૂઆત બદલી શકો. એ માટે સૌથી પહેલા લોકોના સંજોગોનો વિચાર કરો. પારખો કે તેઓ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યાર બાદ, એ વિષયને અનુરૂપ કલમ વિચારી રાખો. ઘરમાલિકનું ધ્યાન બાઇબલ તરફ દોરવા, એક સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની શું કરે છે? તે કહે છે, ‘અમારા પ્રચાર વિસ્તારમાં, સંદેશો ટૂંકો અને મુદ્દાસર રાખવાને લીધે મોટા ભાગના લોકો અમને એકાદ કલમ વાંચવા દે છે. રિવાજ પ્રમાણે અમે વાત શરૂ કરીએ છીએ. એ દરમિયાન, અમે હાથમાં બાઇબલ ખુલ્લું જ રાખીએ છીએ, જેથી તરત કલમ વાંચી શકીએ.’ કેટલાક ભાઈ-બહેનોને અમુક વિષયો, પ્રશ્નો અને કલમોની અમુક રીતે રજૂઆત કરવાથી સારાં પરિણામ મળ્યાં છે. એમાંથી ફાયદો મેળવવા ચાલો એ રજૂઆતો વિશે જોઈએ.

યહોવાના એક સાક્ષી ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા વાપરીને એક અભ્યાસ ચલાવી રહ્યા છે

સાક્ષીકાર્યમાં શું તમે બાઇબલ અને પત્રિકાઓનો અસરકારક રીતે ઉપયોગ કરો છો? (ફકરા ૮-૧૩ જુઓ)

૧૬. સમજાવો કે યશાયા ૧૪:૭નો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

૧૬ જો તમારા વિસ્તારમાં હિંસા અને ગુના વારંવાર થતાં હોય, તો તમે ઘરમાલિકને આવું કંઈક કહી શકો: “શું તમે કલ્પના કરી શકો કે એક દિવસ આવા સમાચાર સાંભળવા મળશે કે, ‘આખી દુનિયામાં ક્યાંય હિંસા નથી, બધે જ શાંતિ છે અને લોકોની ખુશીનો કોઈ પાર નથી?’ એ વિચાર, શાસ્ત્રમાં યશાયા ૧૪:૭માં જોવા મળે છે. અરે, ઈશ્વરે સારા ભાવિ વિશે ઘણાં વચનો આપ્યાં છે.” એ પછી, ઘરમાલિકને પૂછી શકાય કે, “શું હું શાસ્ત્રમાંથી એવું જ એક વચન વાંચી આપું?”

૧૭. માથ્થી ૪:૪ની કલમનો ઉપયોગ કઈ રીતે કરી શકો?

૧૭ શું તમારા વિસ્તારમાં લોકોને ગુજરાન પૂરતું કમાવવું પણ અઘરું પડે છે? જો એમ હોય તો તમે આ રીતે વાતચીત શરૂ કરી શકો: “પોતાના કુટુંબને ખુશ રાખવા વ્યક્તિએ કેટલા પૈસા કમાવવા પડે?” ઘરમાલિકના જવાબ આપ્યા પછી તમે આમ કહી શકો: “ઘણા લોકો એ રકમ કરતાં પણ વધુ કમાય છે, છતાં તેઓનું કુટુંબ સુખી નથી. તો, સવાલ થાય કે સુખી કુટુંબ માટે ખરેખર શું જરૂરી છે?” એ પછી, માથ્થી ૪:૪ વાંચી આપીને બાઇબલ અભ્યાસ કરવા વિશે પૂછો.

૧૮. લોકોને દિલાસો આપવા કઈ રીતે યિર્મેયા ૨૯:૧૧નો ઉપયોગ કરી શકો?

૧૮ શું તમારા વિસ્તારમાં હાલમાં કોઈ દુઃખદ બનાવ બન્યો છે? એમ હોય તો, આ રીતે વાતચીત શરૂ કરી શકો: “હું તમારા ઘરે દિલાસાનો સંદેશો આપવા આવ્યો છું. (યિર્મેયા ૨૯:૧૧ વાંચો.) શું તમે અહીં નોંધ્યું કે ઈશ્વર આપણા માટે ત્રણ બાબતો ઇચ્છે છે. સારું ‘ભાવિ,’ ‘આશા’ અને ‘શાંતિ.’ શું એ જાણીને ખુશી થતી નથી કે ઈશ્વર આપણા માટે સુખી જીવન ઇચ્છે છે? શું તમે જાણવા ચાહશો કે તે એ કઈ રીતે કરશે?” એ પછી, ખુશખબર પુસ્તિકામાંથી યોગ્ય પાઠ પર તેમનું ધ્યાન દોરો.

૧૯. ધાર્મિક લોકો સાથે પ્રકટીકરણ ૧૪:૬, ૭માંથી કઈ રીતે વાત કરી શકાય?

૧૯ શું તમારા વિસ્તારના લોકો ધાર્મિક છે? એમ હોય તો તમે વાતચીત આમ કહીને શરૂ કરી શકો: “જો ઈશ્વરનો દૂત આવીને તમને કંઈક જણાવે તો શું તમે તેમની વાત સાંભળશો? (પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો.) અહીં, દૂત કહી રહ્યા છે કે ‘ઈશ્વરથી બીહો,’ તો શું એ જાણવું મહત્ત્વનું નથી કે કયા ઈશ્વરની તે વાત કરી રહ્યા છે? એ ઈશ્વરને ઓળખવા દૂત આપણને આ નિશાની આપે છે: ‘જેમણે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે.’ શું તમને જાણવું ગમશે કે એ કોણ છે?” એ પછી ગીતશાસ્ત્ર ૧૨૪:૮ની કલમ વાંચો, જ્યાં લખેલું છે: “અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે.” ત્યાર બાદ ઘરમાલિકને યહોવા વિશે વધુ જણાવવા ફરી મુલાકાત ગોઠવો.

૨૦. (ક) કોઈ વ્યક્તિને ઈશ્વરનું નામ જણાવવા તમે કઈ રીતે નીતિવચન ૩૦:૪નો ઉપયોગ કરશો? (ખ) તમને કઈ કલમ વાપરવાથી સારાં પરિણામ મળ્યાં છે?

૨૦ એક યુવાન વ્યક્તિ સાથે તમે આવું કંઈક કહીને ચર્ચા શરૂ કરી શકો: “હું તમને એક શાસ્ત્રમાંથી કંઈક વાંચી આપવા માંગું છું, જેમાં મહત્ત્વનો સવાલ પૂછ્યો છે. (નીતિવચનો ૩૦:૪ વાંચો.) અહીં જણાવેલાં અદ્‍ભુત કામો કોઈ મનુષ્ય તો કરી જ ન શકે. તેથી, એ ચોક્કસ આપણા સર્જનહાર હોવા જોઈએ, ખરું ને?b આપણે એ સર્જનહારનું નામ કઈ રીતે જાણી શકીએ? જો તમે ચાહો તો બાઇબલમાંથી એ નામ બતાવવું મને ગમશે.”

ઈશ્વરનાં શક્તિશાળી વચનોનો ઉપયોગ કરતા રહીએ

૨૧, ૨૨. (ક) અગાઉથી પસંદ કરેલી યોગ્ય કલમ કઈ રીતે વ્યક્તિના જીવનને અસર કરી શકે છે? (ખ) સાક્ષીકાર્ય વધુ અસરકારક બનાવવા તમે શો નિર્ણય કર્યો છે?

૨૧ અગાઉથી પસંદ કરેલી કલમને લીધે ઘરમાલિક પર ખૂબ સારી અસર થઈ શકે છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં બે સાક્ષીઓને ઘર-ઘરના પ્રચારમાં એક યુવાન સ્ત્રી મળી. ભાઈએ એ સ્ત્રીને પૂછ્યું, “શું તમે ઈશ્વરનું નામ જાણો છો?” એ પછી તેમણે ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચી આપી. સ્ત્રી જણાવે છે કે “એ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ બંને ગયા પછી, હું ગાડી લઈને ૫૬ કિ.મી. દૂર એક દુકાને ગઈ. ત્યાં મેં બીજાં બાઇબલોમાં અને એક શબ્દકોશમાં એ નામ વિશે જોયું. મને ખાતરી થઈ ગઈ કે ઈશ્વરનું નામ યહોવા છે. પછી હું વિચારવા લાગી કે મને બાઇબલની બીજી કઈ કઈ હકીકતો ખબર નથી.” થોડા જ સમયમાં, એ સ્ત્રી અને તેમના ભાવિ પતિ પણ બાઇબલનો અભ્યાસ કરવાં લાગ્યાં અને પછી બાપ્તિસ્મા લીધું.

૨૨ બાઇબલમાં વ્યક્તિના જીવનને બદલવાની શક્તિ છે. તેથી, જે કોઈ એને વાંચે છે અને ભરોસો મૂકે છે કે યહોવા પોતાનાં વચનો પૂરાં કરશે જ, તેના જીવન પર એની ઊંડી અસર થાય છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩ વાંચો.) આપણે કંઈ કહીએ એના કરતાં ઘણા મોટા પ્રમાણમાં બાઇબલ એ વ્યક્તિના દિલને અસર કરી શકે છે. એ કારણે જ આપણે દરેક તકે ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરીએ. હંમેશાં યાદ રાખીએ કે, એ જીવંત છે!

a QR Code is a registered trademark of Denso Wave Incorporated.

b જુલાઈ ૧૫, ૧૯૮૭, ધ વૉચટાવરના ૩૧મા પાને “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો