હું કેવી રીતે પ્રચાર કરી શકીશ!
૧. જો આપણને લાગે કે ‘હું કેવી રીતે પ્રચાર કરી શકીશ!’ તો શું યાદ રાખવું જોઈએ?
૧ જો તમને આવું લાગતું હોય તો હિંમત હારશો નહિ. યહોવાહ વિષે લોકોને જણાવવા માટે જરૂરી નથી કે આપણે ભણેલા-ગણેલા હોઈએ કે પછી આપણામાં કોઈ ખાસ આવડત હોય. પહેલી સદીના શિષ્યોનો વિચાર કરો. તેઓ “અભણ તથા અજ્ઞાન” હોવા છતાં, સારી રીતે લોકોને સંદેશો આપી શક્યા. એનું કારણ એ હતું કે તેઓએ ઈસુના પગલે ચાલવાની મનમાં ગાંઠ વાળી હતી.—પ્રે.કૃ. ૪:૧૩; ૧ પીત. ૨:૨૧.
૨. ઈસુએ લોકોને કેવી રીતે શીખવ્યું?
૨ ઈસુની શીખવવાની રીત: તેમણે એકદમ સહેલી અને સમજાય એવી સરળ ભાષામાં લોકોને શીખવ્યું. તે એવા સવાલો પૂછતા કે લોકોને એમાં રસ પડતો. તે એવા ઉદાહરણો વાપરતા કે લોકોને યાદ રહી જતા. અરે, તે એવી સાદી રીતે વાત શરૂ કરતા કે લોકોને સાંભળવાનું મન થતું. (માથ. ૬:૨૬) ખરેખર, ઈસુ દિલથી લોકોને ચાહતા હતા. (માથ. ૧૪:૧૪) તે જે શીખવતા હતા એ યહોવાહ તરફથી હતું, એટલે પૂરી ખાતરીથી તેમણે લોકોને શીખવ્યું. એ કામ પૂરું કરવા યહોવાહે ઈસુને હિંમત અને શક્તિ આપી.—લુક ૪:૧૮.
૩. આપણે લોકોને સારી રીતે શીખવી શકીએ, એ માટે યહોવાહ આપણને કેવી રીતે મદદ કરે છે?
૩ યહોવાહ મદદ કરે છે: લોકોને સંદેશો કેવી રીતે આપવો એ વિષે યહોવાહ, આપણને બાઇબલ અને તેમની સંસ્થા દ્વારા શીખવે છે. (યશા. ૫૪:૧૩) ઈસુએ જે રીતે લોકોને શીખવ્યું, એની માહિતી યહોવાહે આપણા માટે બાઇબલમાં સાચવી રાખી છે. એ માહિતીને વાંચીને આપણે ઈસુની શીખવવાની રીતને અનુસરી શકીએ છીએ. યહોવાહ પોતાની શક્તિ દ્વારા આપણને શીખવી રહ્યા છે. તેમ જ મિટિંગ દ્વારા પણ આપણને શિક્ષણ આપે છે. (યોહા. ૧૪:૨૬) એ ઉપરાંત, યહોવાહે આપણને અનુભવી ભાઈ-બહેનો આપ્યા છે. તેઓના અનુભવમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે.
૪. આપણે લોકોને પ્રચાર કરી શકીએ છીએ, એમ શા માટે કહી શકીએ?
૪ આપણે જરૂર પ્રચાર કરી શકીએ છીએ, કેમ કે ‘આપણી યોગ્યતા ઈશ્વર તરફથી છે.’ (૨ કોરીં. ૩:૫) આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ અને દરેક ગોઠવણનો પૂરો લાભ લઈએ, જેથી ‘સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થઈએ.’—૨ તીમો. ૩:૧૭.