ધ્યાનથી સાંભળો અને શીખો
૧. ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ધ્યાનથી સાંભળવા અને શીખવા કેમ વધારે કોશિશ કરવાની જરૂર પડી શકે?
૧ બહુ જલદી ૨૦૧૩નાં ડિસ્ટ્રીક્ટ સંમેલનો શરૂ થશે. દુનિયા ફરતેના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણી મહેનતથી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. શું તમે સંમેલનના ત્રણેવ દિવસો હાજર રહેવાની ગોઠવણો કરી છે? મોટાં સંમેલનોમાં સહેલાઈથી ધ્યાન ભટકી જઈ શકે છે. તેથી, કાર્યક્રમ ધ્યાનથી સાંભળવા કદાચ વધારે કોશિશ કરવી પડે. મંડળની સભાઓ કરતાં કાર્યક્રમ વધારે લાંબો હોય છે. એટલે, ધ્યાન પણ વધારે લાંબો સમય રાખવું પડે. વધુમાં, મુસાફરી અને બીજી બાબતોને લીધે કદાચ થોડું થાકી જવાય. ધ્યાન આપવા શું મદદ કરી શકે, જેથી આપણે સાંભળી અને શીખી શકીએ?—પુન. ૩૧:૧૨.
૨. સંમેલન માટે દિલ તૈયાર કરવા આપણે શું કરી શકીએ?
૨ સંમેલન શરૂ થાય એ પહેલાં: આપણી www.pr2711.com વેબસાઇટ પર સંમેલનનો કાર્યક્રમ હોય છે. એમાં બધી ટૉકના વિષય અને એ દરેકની એક-બે મુખ્ય કલમો આપી છે. આપણે ઇન્ટરનેટ વાપરતા હોઈએ તો, આ માહિતી જોઈ જઈએ. એમ કરવાથી, સંમેલનમાં જે રજૂ કરવામાં આવશે એ માટે આપણને પોતાનું દિલ તૈયાર કરવા મદદ મળશે. (એઝ. ૭:૧૦) કુટુંબ તરીકે ભક્તિની સાંજે શું તમે આ કાર્યક્રમની ચર્ચા કરી શકો, જેથી સંમેલનમાં જવા કુટુંબના બધા જ આતુર હોય?
૩. ધ્યાનથી સાંભળવા આપણને શું મદદ કરશે?
૩ કાર્યક્રમ દરમિયાન: શક્ય હોય તો, કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં બાથરૂમ જઈ આવો. તમારો મોબાઇલ બંધ કરી દો. એમ કરવાથી, ફોન કે એસએમએસથી તમારું ધ્યાન નહિ ભટકે અથવા તમે બીજાને એસએમએસ કરવા લલચાશો નહિ. જો ફોન ચાલુ રાખવો પડે તો એવા સેટિંગ પર મૂકો, જેથી કોઈ ફોન કરે ત્યારે બીજાઓને ખલેલ ન પહોંચે. જો તમે ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ વાપરવાના હો, તો બીજાઓનું ધ્યાન ન ખેંચાય એ રીતે વાપરો. કાર્યક્રમ દરમિયાન ખાવું-પીવું ન જોઈએ. (સભા. ૩:૧) તમારી નજર ટૉક આપનાર પર રાખો. કલમ વાંચવામાં આવે ત્યારે, તમારું બાઇબલ ખોલીને જુઓ. ટૂંકી નોંધ લો.
૪. માબાપ પોતાનાં બાળકોને સાંભળવા અને શીખવા કઈ રીતે મદદ કરી શકે?
૪ આપણે ચાહીએ છીએ કે આપણાં બાળકો પણ સાંભળે અને શીખે. નીતિવચનો ૨૯:૧૫ કહે છે: “સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” એટલે, કુટુંબો એકસાથે બેસે એ સારું કહેવાશે. માબાપ જોઈ શકશે કે પોતાનાં બાળકો વાતો કરવા, એસએમએસ કરવા કે આમતેમ ફરવાને બદલે, કાર્યક્રમને ધ્યાનથી સાંભળી રહ્યાં છે. બાળકો કાર્યક્રમમાંથી બધું જ સમજવા નાનાં હોય તોપણ, તેઓને જાગતા રહેવા અને શાંતિથી બેસવાની તાલીમ આપી શકાય.
૫. કાર્યક્રમનો ફરી વિચાર કરવાથી શું લાભ થાય છે અને એ કઈ રીતે કરી શકાય?
૫ દરરોજ કાર્યક્રમ પત્યા પછી: બહુ મોડે સુધી જાગશો નહિ. પૂરતો આરામ મળે એ માટે વહેલા સૂઈ જાવ. તમે જે સાંભળ્યું, એના પર ફરી વિચાર કરવાથી લાંબો સમય યાદ રાખવા મદદ મળશે. એટલે, દરરોજ સાંજે કુટુંબ તરીકે થોડી મિનિટો કાર્યક્રમની ચર્ચા કરવાથી લાભ થશે. તમે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જવાના હો તો કાર્યક્રમમાં લીધેલી નોંધ સાથે લઈ જાવ, જેથી તમને ખાસ ગમ્યા હોય એવા એક કે બે મુદ્દા તેઓને જણાવી શકો. સંમેલન પૂરું થઈ ગયા પછી, એ માહિતી કુટુંબ તરીકે કઈ રીતે લાગુ પાડી શકાય, એની ચર્ચા કરવા ભક્તિની સાંજે તમે અમુક સમય આપી શકો. જો કોઈ નવું સાહિત્ય બહાર પડ્યું હોય, તો એની ચર્ચા કરવા પણ દર અઠવાડિયે અમુક સમય કાઢી શકો.
૬. સમજાવો કે સંમેલનમાં ફક્ત હાજર રહેવું કેમ પૂરતું નથી.
૬ મિજબાનીમાં ભોજન ખાઈએ અને પચાવીએ નહિ તો, એનો કોઈ ફાયદો નથી. ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં યહોવા તરફથી જે મિજબાની મળશે, એ વિશે પણ એવું જ કહી શકાય. ચાલો આપણે દરેક કાર્યક્રમમાં હાજર રહીએ, ધ્યાનથી સાંભળીએ અને જે શીખ્યા એને લાગુ પાડીએ. એમ કરવાથી આપણે એ મિજબાનીનો પૂરેપૂરો લાભ લઈશું.