યુવાન ભાઈઓ, શું તમે જવાબદારી ઉઠાવવા ચાહો છો?
૧. એક યુવાન ભાઈએ ૧ તીમોથી ૩:૧ની સલાહ લાગુ પાડવાનું ક્યારથી શરૂ કરવું જોઈએ?
૧ “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.” (૧ તીમો. ૩:૧) ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા એ શબ્દો ભાઈઓને મંડળમાં જવાબદારી ઉઠાવવા માટે પ્રગતિ કરવાનું ઉત્તેજન આપે છે. એ માટે શું તમે મોટા થાઓ ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે? હકીકતમાં, નાની ઉંમરથી જ પ્રગતિ કરવાનું શરૂ કરો એ સારું કહેવાય. આ રીતે તમને તાલીમ મળશે અને તમે મોટા થાઓ ત્યારે સેવકાઈ ચાકર બનવાની યોગ્યતા બતાવી શકશો. (૧ તીમો. ૩:૧૦) જો તમે બાપ્તિસ્મા પામેલા યુવાન ભાઈ હો, તો પ્રગતિ કરવા શું કરી શકો?
૨. સ્વાર્થ વગરની સેવાનું વલણ કઈ રીતે કેળવી અને બતાવી શકાય?
૨ સ્વાર્થ વગરની સેવા: યાદ રાખો કે તમે મોટું નામ મેળવવા નહિ, પણ સારું કામ કરવા પ્રગતિ કરી રહ્યા છો. એટલે, ભાઈબહેનોને મદદ કરવાની ઇચ્છા કેળવો. આમ કરવાની એક રીત છે ઈસુએ બેસાડેલા સરસ દાખલાનું મનન કરો. (માથ. ૨૦:૨૮; યોહા. ૪:૬, ૭; ૧૩:૪, ૫) તમે બીજાઓનો વિચાર કરતા શીખો એ માટે યહોવાની મદદ માંગો. (૧ કોરીં. ૧૦:૨૪) મંડળના ઘરડા કે અપંગ ભાઈબહેનોને શું તમે કોઈ રીતે મદદ કરી શકો? શું તમે રાજ્યગૃહની સાફસફાઈ કરવા અથવા બીજી કોઈ રીતે એની સંભાળ રાખવા ખુશીથી તૈયાર થાઓ છો? શું તમે દેવશાહી સેવા શાળામાં કોઈ ન આપી શકે ત્યારે ટૉક આપવા તૈયાર થાઓ છો? તમને જોવા મળશે કે બીજાઓને મદદ કરવાથી તમને ઘણી ખુશી મળે છે.—પ્રે.કૃ. ૨૦:૩૫.
૩. ભક્તિમાં પ્રગતિ કરવી કેમ મહત્ત્વની છે અને કઈ રીતે એમ કરી શકાય?
૩ ભક્તિમાં પ્રગતિ: મંડળમાં એક ભાઈ માટે વધારે મહત્ત્વનું એ છે કે તે યહોવાની ભક્તિમાં કેવું કરે છે, નહિ કે તેની ખાસ આવડતો કે કુદરતી રીતે મળેલી ક્ષમતા. ભક્તિમાં સારું કરતી વ્યક્તિ બાબતોને યહોવા અને ઈસુની નજરે જોવાની કોશિશ કરે છે. (૧ કોરીં. ૨:૧૫, ૧૬) તે ‘પવિત્ર શક્તિનું ફળ’ બતાવે છે. (ગલા. ૫:૨૨, ૨૩) તે ઉત્સાહી પ્રકાશક છે, જે ઈશ્વરના રાજ્યને પહેલું રાખે છે. (માથ. ૬:૩૩) બાઇબલનો અભ્યાસ કરવાની ટેવ પાડીને તમે ભક્તિમાં પ્રગતિ કરી શકો છો. એમાં દરરોજ બાઇબલ વાંચવાનો, ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંક વાંચવાનો અને મંડળની સભાઓ માટે તૈયારી કરીને એમાં હાજર રહેવાનો સમાવેશ થાય છે. (ગીત. ૧:૧, ૨; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) યુવાન તીમોથીને યહોવાની ભક્તિમાં પ્રગતિ કરવાનું ઉત્તેજન આપતી વખતે, પાઊલે લખ્યું: “તારા ઉપદેશ વિશે સાવધ રહેજે.” (૧ તીમો. ૪:૧૫, ૧૬) એટલે, દેવશાહી સેવા શાળામાં તમને ટૉક મળે ત્યારે દિલથી મહેનત કરો. પ્રચાર માટે તૈયારી કરો અને એમાં નિયમિત ભાગ લો. પાયોનિયરીંગ, બેથેલ સેવા અથવા ભાઈઓ માટે બાઇબલ શાળા જેવા ધ્યેયો બાંધો અને એ પૂરા કરવા મહેનત કરો. ભક્તિમાં પ્રગતિ કરવાથી તમને “જુવાનીના વિષયોથી નાસી” જવા મદદ મળશે.—૨ તીમો. ૨:૨૨.
૪. ભરોસાપાત્ર અને વિશ્વાસુ હોવું કેમ મહત્ત્વનું છે?
૪ ભરોસાપાત્ર અને વિશ્વાસુ હોવું: પ્રથમ સદીમાં અમુક ભાઈઓને કામ સોંપવામાં આવ્યું કે તંગીમાં હોય એવા ખ્રિસ્તીઓને ખોરાક પહોંચાડે. આ ભાઈઓ “પ્રતિષ્ઠિત” અથવા સારી શાખ ધરાવનારા, ભરોસાપાત્ર અને વિશ્વાસુ હતા. તેથી, પ્રેરિતોએ ચિંતા કરવાની જરૂર ન હતી કે કામ થશે કે નહિ. પછી, પ્રેરિતો બીજી મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શક્યા. (પ્રે.કૃ. ૬:૧-૪) એટલે, મંડળમાં તમને કોઈ કામ સોંપવામાં આવે ત્યારે, એ પૂરું કરવા બનતી કોશિશ કરો. નુહને પગલે ચાલો. તેમણે વહાણ બનાવવા આપવામાં આવેલાં સૂચનો ધ્યાનથી પાળ્યાં હતાં. (ઉત. ૬:૨૨) યહોવાની નજરે વિશ્વાસુ વ્યક્તિ કીમતી છે અને એ ભક્તિમાં તમારી પ્રગતિ બતાવે છે.—૧ કોરીં. ૪:૨; “તાલીમથી મળતા લાભો” બૉક્સ જુઓ.
૫. યુવાન ભાઈઓએ કેમ ભક્તિમાં પ્રગતિ કરવી જોઈએ?
૫ ભવિષ્યવાણી પ્રમાણે, લોકોને ભેગા કરવાનું કામ યહોવા ઝડપથી કરી રહ્યા છે. (યશા. ૬૦:૨૨) દર વર્ષે આશરે અઢી લાખ લોકો બાપ્તિસ્મા લે છે. ઘણા નવા લોકો સત્યમાં આવી રહ્યા હોવાથી, મંડળની જવાબદારીઓ સંભાળવા યોગ્ય ભાઈઓની ઘણી જરૂર છે. અગાઉ કદી પણ હોય, એના કરતાં આજે યહોવાની સેવામાં ઘણું કામ કરવાની જરૂર છે. (૧ કોરીં. ૧૫:૫૮) યુવાન ભાઈઓ, શું તમે પ્રગતિ કરી રહ્યા છો? એમ હોય તો, તમે ખરેખર ઘણું સારું કામ કરવા ચાહો છો!
[પાન ૫ પર બ્લર્બ]
ઘણા નવા લોકો સત્યમાં આવી રહ્યા હોવાથી, મંડળની જવાબદારીઓ સંભાળવા યોગ્ય ભાઈઓની ઘણી જરૂર છે
[પાન ૬ પર બોક્સ]
તાલીમથી મળતા લાભો
વડીલો યુવાન ભાઈઓને કામ સોંપે છે અને તાલીમ આપે છે. એનાથી યુવાન ભાઈઓને લાભ થાય છે. એક મંડળમાં સભા પછી સરકીટ નિરીક્ષક એક પ્રકાશક સાથે સ્ટેજ પર બેસીને ઉત્તેજન આપતા હતા. સરકીટ નિરીક્ષકે જોયું કે એક છોકરો સ્ટેજ પાસે ઊભો છે. તેથી, તેમણે પૂછ્યું કે શું તેને વાત કરવી છે? છોકરાએ જણાવ્યું કે તેને દરેક સભા પછી સ્ટેજ પર વૅક્યૂમ કરવાનું કામ સોંપાયું છે. તેનાં માબાપ ઘરે જવા તૈયાર હતાં, પણ તે પોતાનું કામ પૂરું કર્યાં વગર ઘરે જવા ચાહતો ન હતો. એ સાંભળીને સરકીટ નિરીક્ષક તરત ત્યાંથી ખસી ગયા. તેમણે જણાવ્યું: “એ મંડળના વડીલો યોગ્ય યુવાન ભાઈઓને નિયમિત કામ સોંપીને તાલીમ આપતા હતા. તેથી, હું મંડળની મુલાકાત લઉં ત્યારે, તેઓ કોઈને કોઈ યુવાન ભાઈની સેવકાઈ ચાકર તરીકેની ભલામણ કરતા, એમાં નવાઈ ન હતી.”