રસ ધરાવતી વ્યક્તિને મોડું કર્યા વગર મળીએ
૧ “આજનું કામ આવતી કાલ પર નાખશો નહિ.” ઘણા લોકો આ કહેવતથી જાણકાર હશે. આ કહેવત ઉત્તેજન આપે છે જરૂરી બાબતો કરવા મોડું કરવું જોઈએ નહિ. આ સિદ્ધાંત આપણા પ્રચારકાર્યમાં લાગુ પાડી શકીએ, એ બતાવતો એક અનુભવ જોઈએ.
૨ આપણાં બહેને એક માણસને પુસ્તક આપ્યું અને ફરી આવવાનું વચન આપ્યું. ભૂલથી બીજાં બહેન એક કલાક પછી એ જ ઘરે ગયાં. એ વ્યક્તિ પુસ્તક લઈને બહાર આવી અને બહેનને જણાવ્યું: “જ્યારે તમે કહ્યું કે તમે પાછા આવશો, ત્યારે મેં ધાર્યું ન હતું કે તમે આટલા જલદી આવશો. પણ આવો, હું અભ્યાસ કરવા તૈયાર છું.” કદાચ આવું સામાન્ય રીતે ન બને, પણ આ અનુભવ બતાવે છે કે પ્રચારમાં મળતી રસ ધરાવતી વ્યક્તિઓને મોડું કર્યા વગર ફરી મળવા જવું જોઈએ.
૩ લોકોને વધુ મદદની જરૂર છે: લોકો આપણા સાહિત્યની માહિતી સમજી શકે અને જાણી શકે કે એ તેમના જીવન અને ભાવિને અસર કરે છે, એ માટે આપણે ફરી મુલાકાત કરવાની ગોઠવણ કરવી જોઈએ. પહેલી વાર મળીએ પછી અમુક જ દિવસમાં ફરી મુલાકાત કરવી જોઈએ. આપણે એ કઈ રીતે કરીશું? તમે ફરી મળવા આવવાના છો, એ વ્યક્તિને જણાવવાથી તેને કેટલો રસ છે એ તમે જાણી શકશો.
૪ ફરી મુલાકાત માટે માર્ગ તૈયાર કરો: હાલના સમયમાં મળવા માટે કોઈ ચોક્કસ સમય નક્કી કરવો સહેલું નથી. કદાચ ઘરમાલિક નક્કી કરેલો સમય ભૂલી પણ જાય. તોપણ, જો તમે ધ્યાનથી ફરી મુલાકાતનો સમય નોંધો અને શક્ય હોય તો અમુક જ દિવસમાં ફરી મળો, તો તમે તમારી જવાબદારી સારી રીતે ઉપાડી શકશો. વ્યક્તિ ઘરે ન મળે તેમ છતાં, તેનો સંપર્ક કરવાના પ્રયત્ન ચાલુ રાખો. તમારા પ્રયત્ન જોઈને તેને પણ રસ બતાવવા ઉત્તેજન મળશે.
૫ વ્યક્તિને પહેલી વાર મળીએ ત્યારે, તેને કેટલો રસ છે એ પારખવું અઘરું છે. એટલે, જો વ્યક્તિ થોડો પણ રસ બતાવે, તો તેને ફરી મળવાની નોંધ કરો. મોડું કર્યા વગર એવી વ્યક્તિઓને મળવાથી ઘણો લાભ થશે. તમે કદાચ વ્યક્તિમાં રસ જગાડ્યો હશે અને ફરી મળવા જાઓ ત્યારે સારા આવકારથી કદાચ તમને નવાઈ લાગે. તેથી, ચાલો રસ ધરાવતી વ્યક્તિને મોડું કર્યા વગર મળીએ.