ખુશખબર ફેલાવવા મહાન દ્વાર ખુલ્લું છે
પાઊલ ખુશખબર ફેલાવવામાં જોશીલા હતા. એટલે, તેમણે એવા વિસ્તારોની શોધ કરી જ્યાં વધારે ખુશખબર ફેલાવવાની જરૂર હતી. એમાંનું એક શહેર, એફેસસ હતું. ખુશખબર ફેલાવવામાં તેમને ત્યાં સફળતા મળી હોવાથી, તેમણે સાથી ખ્રિસ્તીઓને લખ્યું: ‘કાર્ય સફળ થાય એવું મહાન દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે.’ (૧ કોરીં. ૧૬:૯) પાઊલે એફેસસમાં પ્રચાર કરીને ઘણા લોકોને સત્ય શીખવા મદદ કરી. (પ્રે.કૃ. ૧૯:૧-૨૦, ૨૬) આજે આપણી આગળ પણ ખુશખબર ફેલાવવાનું મહાન દ્વાર ખુલ્લું છે. ખાસ ઝુંબેશ દરમિયાન ઘણા લોકોએ રસ બતાવ્યો હતો, ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં પહેલાં પ્રચાર થયો ન હતો. એટલે, આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે કે બહુ પ્રચાર થયો નથી એવા વિસ્તારોમાં ખુશખબર ફેલાવીએ અને રસ બતાવે તેઓને સત્ય શીખવા મદદ કરીએ.—સરખાવો ૨ કોરીં. ૮:૧૩-૧૫.
વધારે જરૂર છે એવા વિસ્તારમાં શું તમે સેવા આપી શકો? શું તમે બીજા વિસ્તારમાં સેવા આપવાનું પ્રાર્થનાપૂર્વક વિચાર્યું છે? થોડા દાયકાઓથી હજારો કુટુંબ, ખુશખબર ફેલાવવાના કાર્યમાં વધારે ભાગ લઈ શકે એવા વિસ્તારોમાં રહેવા ગયા છે. એમાંનું એક યુગલ કહે છે: “યહોવાની સેવામાં અમે વધુ કરી શકીએ એવી જગ્યાએ જવા ચાહતા હતા.” તમારી એવી ઇચ્છા હોય અને બીજા વિસ્તારોમાં તમે જઈ શકતા હો તો, એ વિશે તમારા મંડળના વડીલો સાથે વાત કરો. પછી, સરકીટ નિરીક્ષક સાથે વાત કરો અને તેમની સલાહ લો.
કેવા વિસ્તારોમાં જરૂર છે એ વિશે શું તમે શાખા કચેરીને પૂછવા ચાહતા હો છો? એમ હોય તો, પ્રથમ તમારા મંડળની સેવા સમિતિને તમારી ઇચ્છા શું છે એ પત્ર લખીને જણાવો. તેઓ એની સાથે પોતાની ટીકા લખીને શાખા કચેરીને મોકલી આપશે. જ્યાં સુધી ખુશખબર ફેલાવવાનું મહાન દ્વાર ખુલ્લું છે, ત્યાં સુધી ચાલો આપણે યહોવાની સેવામાં બનતું બધું કરવામાં મંડ્યા રહીએ.—૧ કોરીં. ૧૫:૫૮.