યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ખુશખબર ફેલાવવાના કામમાં આનંદ માણો
શું તમને ક્યારેય પ્રચાર કરવું અઘરું લાગ્યું છે? મોટા ભાગના લોકો કહેશે: “હા.” એવું શા માટે? બની શકે કે આપણા વિસ્તારમાં વારંવાર વિરોધ થતો હોય, લોકો સાંભળતા ન હોય અથવા આપણને અજાણ્યાઓ સાથે વાત કરતા ડર લાગતો હોય. એ બધી બાબતો આપણી ખુશી છીનવી લઈ શકે. પરંતુ, આપણે તો આનંદી ઈશ્વર યહોવાની ભક્તિ કરીએ છીએ. તે ચાહે છે કે આપણે ખુશી-ખુશી તેમની ભક્તિ કરીએ. (ગી ૧૦૦:૨; ૧તિ ૧:૧૧) પ્રચારમાં આનંદ મેળવવાનાં ત્રણ કારણો કયાં છે?
પહેલું, આપણે આશાનો સંદેશો જાહેર કરીએ છીએ. ખરું કે, આજે લોકોની આશા મરી પરવારી છે. પણ, આપણે “કલ્યાણની વધામણી”થી એટલે કે સારા સમાચારથી તેઓના દિલને આનંદથી ભરી શકીએ છીએ. (યશા ૫૨:૭) જોકે, ઈશ્વરના રાજ્યની ખુશખબર આપણા દિલને પણ આનંદથી ભરી શકે છે. પ્રચારમાં જતા પહેલાં એ આશીર્વાદો પર મનન કરો, જે ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર લાવશે.
બીજું, ખુશખબરથી લોકોને શારીરિક રીતે અને ભક્તિમાં મજબૂત થવા મદદ મળે છે. તેઓ શરીરને નુકસાન પહોંચાડતી આદતોને છોડવાનું શીખે છે અને હંમેશ માટેના જીવનની આશા મેળવે છે. (યશા ૪૮:૧૭, ૧૮; રોમ ૧:૧૬) આજે, આપણે પણ જીવન બચાવવાનું કામ કરીએ છીએ. ખરું કે, અમુક લોકો બચવા માંગતા નથી, પણ આપણે એવા લોકોને શોધવાનું ચાલુ રાખીએ જેઓ બચવા ચાહે છે.—માથ ૧૦:૧૧-૧૪.
ત્રીજું અને સૌથી મહત્ત્વનું, પ્રચારકામથી યહોવાને મહિમા મળે છે. આપણા પ્રચારકામને તે ખૂબ કીમતી ગણે છે. (યશા ૪૩:૧૦; હિબ્રૂ ૬:૧૦) એ કામ પૂરું કરવા તે ઉદાર મને આપણને પવિત્ર શક્તિ આપે છે. તેથી, યહોવા પાસે આનંદ માંગો, જે પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતો એક ગુણ છે. (ગલા ૫:૨૨) તેમની મદદથી આપણે ચિંતાઓનો સામનો કરી શકીશું અને હિંમતથી પ્રચાર કરી શકીશું. (પ્રેકા ૪:૩૧) પછી, ભલે પ્રચાર વિસ્તારમાં લોકો ગમે એ રીતે વર્તે, આપણને પ્રચારમાં ખૂબ આનંદ મળશે.—હઝ ૩:૩.
પ્રચારમાં તમે કેવો સ્વભાવ બતાવવા ચાહો છો? તમે કઈ રીતે આનંદ બતાવી શકો?
અભ્યાસ અને મનન દ્વારા આનંદ પાછો મેળવો વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
દર મહિને પ્રચારમાં ઘણા કલાકો વિતાવતા હોઈએ છતાં, શા માટે નિયમિત રીતે અભ્યાસ કરવો જોઈએ?
આપણે કઈ રીતે મરિયમને અનુસરી શકીએ?
તમે બાઇબલના વચનો પર ક્યારે મનન કરો છો?
ખુશખબર જાહેર કરતી વખતે તમને શામાંથી આનંદ મળે છે?