વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 માર્ચ પાન ૨૪-૨૯
  • પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એકબીજા સાથે શાંતિ જાળવીએ
  • ભેદભાવ ન રાખીએ
  • મહેમાનગતિ બતાવીએ
  • મહેમાનગતિ બતાવવાથી મળતો આનંદ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • પોતાના કામથી ખુશી મેળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 માર્ચ પાન ૨૪-૨૯

અભ્યાસ લેખ ૧૩

પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરીએ

“પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરો.”—૧ પીત. ૧:૨૨.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

ઝલકa

ઈસુ પોતાના વફાદાર શિષ્યો સાથે વાત કરી રહ્યા છે.

પોતાના જીવનની છેલ્લી રાત્રે, ઈસુ શિષ્યોને પ્રેમ વિશે સમજાવી રહ્યા છે (ફકરા ૧-૨ જુઓ)

૧. ઈસુએ શિષ્યોને કઈ ખાસ આજ્ઞા આપી હતી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

મરણની આગલી રાત્રે ઈસુએ શિષ્યોને એક ખાસ આજ્ઞા આપી હતી. તેમણે કહ્યું હતું: “જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો.” પછી તેમણે કહ્યું, “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૪, ૩૫.

૨. એકબીજાને પ્રેમ બતાવવો કેમ જરૂરી છે?

૨ શિષ્યોએ ઈસુની જેમ લોકો પર પ્રેમ રાખવો જોઈએ. ઈસુએ કહ્યું હતું કે જો તેઓ એવું કરશે તો લોકો જોઈ શકશે કે ઈસુના સાચા શિષ્યો કોણ છે. પહેલી સદીમાં એ વાત સાચી પડી હતી અને આજે પણ એ વાત સાચી પડે છે. અઘરા સંજોગોમાં પણ એકબીજાને પ્રેમ બતાવતા રહેવું ખૂબ જરૂરી છે.

૩. આ લેખમાંથી શું શીખીશું?

૩ માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે અમુક વાર એકબીજાને પૂરા દિલથી પ્રેમ કરવો અઘરું હોય છે. પણ આપણે ખ્રિસ્તને અનુસરવા મહેનત કરવી જોઈએ. આ લેખમાંથી શીખીશું કે ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે એકબીજા સાથે શાંતિ જાળવીશું, ભેદભાવ રાખીશું નહિ અને મહેમાનગતિ બતાવીશું. આ લેખનો અભ્યાસ કરો તેમ આ સવાલ પર વિચાર કરી શકો: “અઘરા સંજોગોમાં જે ભાઈ-બહેનોએ એકબીજાને પ્રેમ બતાવ્યો, તેઓ પાસેથી હું શું શીખી શકું?”

એકબીજા સાથે શાંતિ જાળવીએ

૪. કોઈને આપણાથી ખોટું લાગ્યું હોય તો શા માટે તેમની સાથે સુલેહ-શાંતિ કરવી જોઈએ?

૪ ઈસુએ શીખવ્યું કે કોઈને આપણાથી ખોટું લાગ્યું હોય તો, તેમની સાથે સુલેહ-શાંતિ કરવી ખૂબ મહત્ત્વનું છે. (માથ્થી ૫:૨૩, ૨૪ વાંચો.) ઈસુએ સમજાવ્યું કે બીજાઓ સાથે સારો સંબંધ રાખીશું તો યહોવાને ખૂબ ગમશે. આપણે કોઈની સાથે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. પણ જો આપણે મનમાં ખાર ભરી રાખીએ અને સુલેહ-શાંતિ નહિ કરીએ, તો યહોવા આપણી ભક્તિ નહિ સ્વીકારે.—૧ યોહા. ૪:૨૦.

૫. માર્કભાઈને બીજા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરવામાં કેમ અઘરું લાગ્યું?

૫ કેટલીક વાર શાંતિ જાળવવી ખૂબ અઘરું હોય છે. એ સમજવા માર્કભાઈનોb દાખલો જોઈએ. મંડળના એક ભાઈએ માર્કનાં કામમાં વાંધાવચકા કાઢ્યા અને તેમના વિશે બીજાં ભાઈ-બહેનોની કાન-ભંભેરણી કરી. એનાથી માર્ક દુઃખી થઈ ગયા. તે કહે છે, ‘મેં પિત્તો ગુમાવી દીધો અને ભાઈ પર વરસી પડ્યો.’ પણ પછી માર્કને એ વિશે અફસોસ થયો. તેમણે એ ભાઈ પાસે માફી માંગી અને તેમની સાથે સુલેહ-શાંતિ જાળવવાની કોશિશ કરી. પણ ભાઈ એ માટે તૈયાર ન હતા. માર્કને લાગ્યું, ‘જો તેમને મારી સાથે સુલેહ-શાંતિ ના કરવી હોય, તો હું શું કામ કરું?’ પરંતુ એક સરકીટ નિરીક્ષકે માર્કને સમજાવ્યું કે તેમણે હિંમત હારવી ન જોઈએ પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પછી માર્કે શું કર્યું?

૬. (ક) માર્કે સુલેહ-શાંતિ જાળવવા કેવા પ્રયત્ન કર્યા? (ખ) કોલોસીઓ ૩:૧૩, ૧૪ની સલાહ માર્કે કઈ રીતે પાળી?

૬ માર્કે પોતાના વર્તન વિશે વિચાર કર્યો. તેમને ખ્યાલ આવ્યો કે તે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે. તેમને સમજાયું કે તેમણે નમ્ર બનવાનું છે અને વિચારોમાં ફેરફાર કરવાના છે. (કોલો. ૩:૮, ૯, ૧૨) તે ફરી એક વાર એ ભાઈ પાસે ગયા અને માફી માંગી. તેમણે ભાઈને અમુક પત્રો પણ લખ્યા. એમાં લખ્યું, પોતાના ખરાબ વર્તનના લીધે તે ખૂબ દુઃખી છે અને ચાહે છે કે તેઓ પહેલાંની જેમ મિત્રો બને. તેમણે ભાઈને ગમતી નાની નાની ભેટ પણ આપી. પણ તે ભાઈ ટસના મસ ન થયા. તેમ છતાં, માર્કભાઈએ ઈસુએ આપેલી આજ્ઞા પાળી અને એ ભાઈને પ્રેમ બતાવતા રહ્યા તેમજ તેમને માફ કર્યા. (કોલોસીઓ ૩:૧૩, ૧૪ વાંચો.) માર્કના દાખલાથી શીખવા મળે છે કે ભલે બીજાઓ આપણી સાથે સુલેહ-શાંતિ કરવા તૈયાર ન હોય તોપણ તેઓને પ્રેમ બતાવતા રહીએ. આપણે તેઓને માફ કરીએ અને પ્રાર્થના કરીએ કે તેઓની સાથે સુલેહ-શાંતિ કરી શકીએ.—માથ. ૧૮:૨૧, ૨૨; ગલા. ૬:૯.

ચિત્રો: એક બહેન પોતાની બહેનપણીને વારંવાર પ્રેમ બતાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે બહેનપણીને માઠું લાગ્યું છે. ૧. માઠું લાગ્યું છે એ બહેન પોતાના બહેનપણીનો ફોન ઉઠાવતી નથી. ૨. માઠું લાગ્યું છે એ બહેન બહેનપણીની ભેટ સ્વીકારતી નથી. ૩. માઠું લાગ્યું છે એ બહેન ધ્યાનથી સાંભળે છે જ્યારે બહેનપણી પ્રેમથી વાત કરે છે.

કોઈને માઠું લાગે ત્યારે સુલેહ-શાંતિ કરવા આપણે અલગ-અલગ રીતો વાપરવી પડે (ફકરા ૭-૮ જુઓ)c

૭. (ક) ઈસુએ આપણને કઈ સલાહ આપી? (ખ) એક બેને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?

૭ ઈસુએ સલાહ આપી કે બીજાઓ સાથે એવું જ વર્તન કરવું જોઈએ, જેવું આપણે તેઓ પાસેથી ઇચ્છીએ છીએ. વધુમાં, જેઓ આપણને પ્રેમ કરે છે ફક્ત તેઓને જ નહિ, પરંતુ બીજાઓને પણ પ્રેમ બતાવવો જોઈએ. (લુક ૬:૩૧-૩૩) જો કોઈ ભાઈ કે બહેન તમારી સાથે વાત ન કરે અથવા તમને કેમ છો પણ ન કહે, તો તમે શું કરશો? લારાબેન સાથે પણ એવું જ થયું હતું. તે કહે છે, ‘ખબર નહિ કેમ, એક બેન મારાથી દૂર દૂર રહેવા લાગી. એનાથી મને ચિંતા થવા લાગી અને સભાઓમાં જવાનું મન થતું નહિ. પહેલા તો મને લાગ્યું, “મારાથી તો કોઈ ભૂલ નથી થઈ ને!” મંડળનાં બીજાં ભાઈ-બહેનોને પણ લાગતું કે એ બેન થોડી વિચિત્ર છે.’

૮. લારાએ શાંતિ જાળવવા શું કર્યું? તેમના અનુભવમાંથી શું શીખી શકીએ?

૮ લારાબેને શાંતિ જાળવવા પગલાં ભર્યાં. તેમણે યહોવાને પ્રાર્થના કરી અને એ બેન સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. બંને બહેનોએ એ વિશે વાત કરી, એકબીજાને ભેટ્યા અને સુલેહ કરી. એવું લાગ્યું કે બધું બરાબર થઈ ગયું છે. લારાબેન કહે છે, ‘થોડા સમય પછી એ બેન ફરી એવું કરવા લાગ્યાં. હું નિરાશ થઈ ગઈ.’ લારાને લાગ્યું કે જો એ બેનનો સ્વભાવ બદલાશે, તો જ પોતે ખુશ રહી શકશે. પણ લારાએ વિચાર્યું કે ભલે એ બેન તેની સાથે સારી રીતે ન વર્તે, તે એ બેનને પ્રેમ બતાવતા રહેશે અને “દિલથી માફ” કરશે. (એફે. ૪:૩૨–૫:૨) લારા જાણતાં હતાં કે સાચો પ્રેમ “કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી. પ્રેમ બધું સહન કરે છે, બધામાં ભરોસો રાખે છે, બધાની આશા રાખે છે, કશામાં હિંમત હારતો નથી.” (૧ કોરીં. ૧૩:૫, ૭) લારાને મનની શાંતિ પાછી મળી. થોડા સમય પછી એ બેન પણ તેની સાથે સારી રીતે વાત કરવા લાગી. આપણે ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવીએ અને તેઓને પ્રેમ બતાવીએ. એમ કરીશું તો ‘પ્રેમ તથા શાંતિ આપનાર ઈશ્વર આપણી સાથે રહેશે.’—૨ કોરીં. ૧૩:૧૧.

ભેદભાવ ન રાખીએ

૯. આપણે કેમ ભેદભાવ ન રાખવો જોઈએ?

૯ યહોવા કોઈની સાથે ભેદભાવ રાખતા નથી. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫ વાંચો.) આપણે પણ કોઈની સાથે ભેદભાવ ન રાખવો જોઈએ. એમ કરીશું તો દેખાય આવશે કે આપણે યહોવાનાં બાળકો છીએ. આપણને આ આજ્ઞા આપવામાં આવી છે, પોતાને કરીએ છીએ એવો જ પ્રેમ પડોશીને પણ કરવો જોઈએ. આપણે એ આજ્ઞા પાળીને ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી શકીએ છીએ.—રોમ. ૧૨:૯, ૧૦; યાકૂ. ૨:૮, ૯.

૧૦-૧૧. એક બેન કઈ રીતે પોતાના મનમાંથી ખોટા વિચારો કાઢી શક્યા?

૧૦ અમુક લોકો માટે બધા સાથે એક સરખી રીતે વર્તવું અઘરું હોય છે. ચાલો રૂથબેન વિશે જોઈએ. તે નાના હતા ત્યારે બીજા દેશમાંથી આવેલી એક બહેને તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. એની તેમના પર કેવી અસર પડી? રૂથબેન કહે છે, ‘મને એ દેશ અને એ દેશની દરેક બાબતથી નફરત થઈ ગઈ. મને લાગતું કે એ દેશના બધા લોકો એવા જ હશે. અરે, ત્યાંનાં સાક્ષી ભાઈ-બહેનો પણ એવાં હશે.’ રૂથબેન કઈ રીતે પોતાના મનમાંથી એવા વિચારો કાઢી શક્યાં?

૧૧ રૂથને સમજાયું કે તેમણે એવા ખોટા વિચારો સામે લડવું પડશે. તેમણે એ દેશ વિશે યરબુકમાંથી અનુભવો અને અહેવાલો વાંચ્યા. તે કહે છે, ‘મેં એ દેશના લોકો વિશે સારું વિચારવાનો ઘણો પ્રયત્ન કર્યો. હું જોઈ શકી કે એ દેશનાં ભાઈ-બહેનોને યહોવાની ભક્તિ માટે ઘણો ઉત્સાહ છે. મને ખાતરી થઈ કે તેઓ પણ યહોવાના કુટુંબનો ભાગ છે.’ ધીરે ધીરે રૂથને સમજાયું કે તેમણે હજુ કંઈક કરવાની જરૂર છે. તે જણાવે છે, ‘જ્યારે પણ હું એ દેશનાં ભાઈ-બહેનોને મળતી, તેઓની મિત્ર બનવાનો પ્રયત્ન કરતી. તેઓ સાથે વાત કરતી અને તેઓને ઓળખવાનો પ્રયત્ન કરતી.’ એનું શું પરિણામ આવ્યું? રૂથ કહે છે, ‘ધીરે ધીરે મારા મનમાંથી એવા વિચારો જતા રહ્યા.’

પ્રાર્થનાઘરમાં બે યુગલો ફોનમાં જોઈને હસી રહ્યા છે. પાછળ ત્રણ યુવાન ભાઈઓ વાતો કરી રહ્યા છે અને ખુશ છે. એક વૃદ્ધ ભાઈ નિરાશ છે કારણ કે બે યુગલો કે ત્રણ યુવાન ભાઈઓમાંથી કોઈ પણ તેમને પોતાની સાથે વાત કરવા બોલાવતા નથી.

બધાં ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે ભેદભાવ રાખીશું નહિ (ફકરા ૧૨-૧૩ જુઓ)d

૧૨. સારાહબેનને કઈ મુશ્કેલી હતી?

૧૨ અમુક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ભેદભાવ કરી રહ્યા છે. ચાલો સારાહબેનનો દાખલો જોઈએ. તેમને લાગતું કે, ‘ભલેને લોકો ગમે એ દેશના હોય, ગમે એટલા ધનવાન હોય અથવા સંગઠનમાં કોઈ જવાબદારી હોય, હું તેઓ સાથે ભેદભાવ રાખતી નથી.’ પછી સારાહબેનને સમજાયું કે તે તો ભેદભાવ કરી રહ્યાં હતાં. સારાહબેનના કુટુંબના લોકો ભણેલા-ગણેલા હતા એટલે હંમેશાં તેમને એવાં ભાઈ-બહેનો સાથે જ ફાવતું. એકવાર તેમણે પોતાના મિત્રને કહ્યું, ‘હું તો ફક્ત એવા લોકો સાથે દોસ્તી કરું છું, જેઓ ભણેલા-ગણેલા છે. ઓછું ભણેલા હોય તેઓથી તો હું દૂર રહું છું.’ સારાહબેને પોતાનું વલણ બદલવાની જરૂર હતી.

૧૩. સારાહબેને પોતાના વિચારો બદલ્યા એનાથી શું શીખી શકીએ?

૧૩ એક સરકીટ નિરીક્ષકે સારાહબેનને તેમના વિચારો બદલવા મદદ કરી. બેન કહે છે, ‘યહોવાની ભક્તિમાં હું જે કરું છું એની ભાઈએ પ્રશંસા કરી. હું સારા જવાબો આપું છું અને મને બાઇબલ કલમોની સારી સમજણ છે, એના પણ તેમણે વખાણ કર્યા. પછી તેમણે સમજાવ્યું કે જેમ જેમ આપણી સમજણ વધતી જાય છે, તેમ તેમ આપણામાં નમ્રતા, કૃપા અને દયા જેવા ગુણો પણ વધવા જોઈએ.’ સારાહબેને ભાઈની સલાહ પાળી. બેન કહે છે, ‘હું શીખી કે સૌથી મહત્ત્વનું એ છે કે આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ અને તેઓને દયા બતાવીએ છીએ.’ એનું પરિણામ શું આવ્યું? તેમણે ભાઈ-બહેનો વિશેના પોતાનો વિચારો બદલ્યાં. તે કહે છે, ‘ભાઈ-બહેનોના કયા ગુણોને લીધે યહોવા તેઓને કીમતી ગણે છે એ જાણવાની મેં કોશિશ કરી.’ આપણા વિશે શું? જો આપણે વધારે ભણેલા હોઈએ તો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણીએ. બધાં ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે ભેદભાવ નહિ રાખીએ.—૧ પીત. ૨:૧૭.

મહેમાનગતિ બતાવીએ

૧૪. બીજાઓને મહેમાનગતિ બતાવીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે?

૧૪ આપણે બીજાઓને મહેમાનગતિ બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. (હિબ્રૂઓ ૧૩:૧૬ વાંચો.) યહોવા એને ભક્તિનો ભાગ ગણે છે. ખાસ કરીને જેઓને જરૂર હોય તેઓને મદદ કરીએ ત્યારે યહોવા એની કદર કરે છે. (યાકૂ. ૧:૨૭; ૨:૧૪-૧૭) એટલે બાઇબલમાં લખ્યું છે, “પરોણાગત બતાવતા રહો.” (રોમ. ૧૨:૧૩) મહેમાનગતિ બતાવીએ છીએ ત્યારે દેખાય આવે છે કે આપણે પ્રેમાળ અને મળતાવડા છીએ. આપણે ભાઈ-બહેનોને ચા-નાસ્તા, જમવા કે હળવા-મળવા માટે ઘરે બોલાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. (૧ પીત. ૪:૮-૧૦) પણ અમુક બાબતોને લીધે આપણને મહેમાનગતિ બતાવવી અઘરું લાગી શકે.

યુગલે બાંધકામ માટેના કપડાં પહેર્યા છે. એક બહેન પોતાના ઘરમાં તેઓને મહેમાનો માટેનો રૂમ બતાવી રહ્યા છે.

‘પહેલાં હું બીજાઓને મહેમાનગતિ બતાવવાથી અચકાતી હતી, પણ મેં મારા વિચારો બદલ્યા અને મને ખૂબ ખુશી મળી’ (ફકરો ૧૬ જુઓ)e

૧૫-૧૬. (ક) અમુક લોકો શા માટે મહેમાનગતિ બતાવતા અચકાય છે? (ખ) મહેમાનગતિ બતાવવા એડિથબેનને ક્યાંથી મદદ મળી?

૧૫ અમુક સંજોગોને લીધે આપણે મહેમાનગતિ બતાવી ન શકીએ. એડિથબેનને પણ એવું જ લાગ્યું હતું. તે વિધવા છે અને સાક્ષી બન્યા પહેલાં તેમને બીજાઓ સાથે હળવું-મળવું ગમતું ન હતું. એટલે તેમને લાગતું કે બીજાઓની જેમ તે મહેમાનગતિ બતાવી શકતા નથી.

૧૬ સાક્ષી બન્યા પછી એડિથે પોતાના વિચારો બદલ્યા. તેમણે મહેમાનગતિ બતાવવા અમુક પગલાં ભર્યાં. તે કહે છે, ‘અમારા નવા પ્રાર્થનાઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે, એક વડીલે મને કહ્યું કે એક યુગલ આ કામ માટે બીજી જગ્યાએથી આવી રહ્યું છે. તેમણે મને પૂછ્યું કે શું હું તેઓને બે અઠવાડિયા માટે મારા ઘરે રાખી શકું? મને એ વખતે સારફતની વિધવાનો દાખલો યાદ આવ્યો. એ વિધવાએ મહેમાનગતિ બતાવી ત્યારે યહોવાએ તેને આશીર્વાદ આપ્યો હતો.’ (૧ રાજા. ૧૭:૧૨-૧૬) એડિથે એ યુગલને પોતાના ઘરે રાખ્યા. શું તેમને કોઈ આશીર્વાદ મળ્યો? તે કહે છે, ‘તેઓ મારા ઘરે બે અઠવાડિયા નહીં પણ બે મહિના રહ્યા. એટલો સમય સાથે રહેવાને લીધે અમે સારા મિત્રો બની શક્યા.’ એડિથને મંડળમાં પણ ઘણા સારા મિત્રો મળ્યા. હવે તે એક પાયોનિયર છે અને જેઓ સાથે પ્રચારમાં જાય છે, તેઓને ઘરે ચા-નાસ્તા માટે બોલાવે છે. તે કહે છે, ‘બીજાઓ માટે કંઈક કરવું મને ગમે છે! સાચું કહું તો, બીજાઓને કંઈક આપું ત્યારે બદલામાં મને ઘણા આશીર્વાદ મળે છે.’—હિબ્રૂ. ૧૩:૧, ૨.

૧૭. લુકભાઈ અને તેમની પત્નીને કઈ વાત સમજાઈ?

૧૭ આપણે બીજાઓને મહેમાનગતિ બતાવતા હોઈશું, પણ શું હજુ વધારે કરી શકીએ? દાખલા તરીકે, લુકભાઈ અને તેમની પત્નીને મહેમાનગતિ બતાવવી ખૂબ ગમે છે. તેઓ હંમેશાં માતાપિતાને, સગાઓને, મિત્રોને અને સરકીટ નિરીક્ષકને પોતાનાં ઘરે બોલાવતાં હતાં. લુક કહે છે, ‘અમને સમજાયું કે અમે ફક્ત એવા જ લોકોને બોલાવતાં હતાં, જેઓની સાથે અમને ફાવતું હતું.’ લુક અને તેમની પત્નીએ કઈ રીતે ફેરફારો કર્યા?

૧૮. લુકભાઈ અને તેમની પત્નીએ મહેમાનગતિ બતાવવામાં કઈ રીતે ફેરફારો કર્યા?

૧૮ લુકભાઈ અને તેમની પત્નીએ ઈસુના આ શબ્દો પર ધ્યાન આપ્યું, “જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો, તમને શું ફાયદો?” (માથ. ૫:૪૫-૪૭) તેઓને સમજાયું કે યહોવાની જેમ તેઓએ પણ ઉદાર બનવાની જરૂર છે. એટલે તેઓએ નક્કી કર્યું કે હવે એવાં ભાઈ-બહેનોને પણ બોલાવશે, જેઓને પહેલાં ક્યારેય બોલાવ્યાં ન હતાં. લુક કહે છે, ‘હવે અમને બધાની સાથે હળવા-મળવાનું ગમે છે. એનાથી બધાને ઉત્તેજન મળ્યું છે. અમે યહોવાની અને એકબીજાની નજીક આવ્યા છીએ.’

૧૯. કઈ રીતે સાબિત કરી શકીએ કે આપણે ઈસુના શિષ્યો છીએ? તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૯ આપણે શીખ્યા કે ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે એકબીજા સાથે શાંતિ જાળવીશું, ભેદભાવ રાખીશું નહિ અને મહેમાનગતિ બતાવીશું. આપણા દિલમાંથી ભાઈ-બહેનો માટેના ખોટા વિચારો કાઢી નાખવા જોઈએ. તેઓને પૂરા દિલથી પ્રેમ કરવો જોઈએ. એમ કરીશું તો આપણે ખુશ રહીશું અને સાબિત કરીશું કે આપણે ઈસુના શિષ્યો છીએ.—યોહા. ૧૩:૧૭, ૩૫.

કઈ રીતે પૂરા દિલથી પ્રેમ બતાવી શકીએ . . .

  • શાંતિ જાળવીને?

  • ભેદભાવ ન રાખીને?

  • મહેમાનગતિ બતાવીને?

ગીત ૧૧ યહોવાને વળગી રહું

a ઈસુએ કહ્યું હતું કે પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે. ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે એકબીજા સાથે શાંતિ જાળવીશું, ભેદભાવ રાખીશું નહિ અને મહેમાનગતિ બતાવીશું. પણ એમ કરવું દર વખતે સહેલું હોતું નથી. આપણે પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરી શકીએ એ માટે અમુક સૂચનો આ લેખમાં જોઈશું.

b આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

c ચિત્રની સમજ પાન: એક બેન બીજા બેન સાથે સુલેહ-શાંતિ કરવાનો પ્રયત્ન કરે છે પણ એમ થતું નથી. પરંતુ તે હાર માનતા નથી. તે પ્રેમ બતાવવાનું ચાલુ રાખે છે અને આખરે તેઓનું એકબીજા સાથે સમાધાન થાય છે.

d ચિત્રની સમજ પાન: એક વૃદ્ધ ભાઈને લાગે છે કે મંડળમાં ભાઈ-બહેનોને તેમની કંઈ પડી નથી.

e ચિત્રની સમજ પાન: એક બેન મહેમાનગતિ બતાવવામાં અચકાતા હતા. પણ પછીથી તે પોતાના વિચારો બદલે છે અને એનાથી તેમને ખુશી મળે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો