વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 માર્ચ પાન ૮-૧૩
  • યહોવા અને ઈસુની જેમ વિચારવાનું શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા અને ઈસુની જેમ વિચારવાનું શીખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા જેવા વિચારો કેળવીએ
  • નમ્ર બનીએ
  • “સમજુ” બનીએ
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • યહોવાની જેમ નમ્ર બનો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • યહોવાના “માર્ગદર્શન” પર હંમેશાં આધાર રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 માર્ચ પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૧૦

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

યહોવા અને ઈસુની જેમ વિચારવાનું શીખીએ

“ખ્રિસ્તે મનુષ્ય તરીકે દુઃખ વેઠ્યું છે, એટલે તમે પણ તેમના જેવું મન રાખીને તૈયાર થાઓ.”—૧ પિત. ૪:૧.

આપણે શું શીખીશું?

ઈસુ જે રીતે વિચારતા હતા એમાંથી પ્રેરિત પિતરને શું શીખવા મળ્યું અને આપણે શું શીખી શકીએ?

૧-૨. (ક) યહોવાને પ્રેમ કરવામાં શાનો સમાવેશ થાય છે? (ખ) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે પૂરા મનથી યહોવાને પ્રેમ કરતા હતા?

“તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.” (લૂક ૧૦:૨૭) ઈસુએ એકદમ સ્પષ્ટ જણાવ્યું કે એ આજ્ઞા મૂસાના નિયમશાસ્ત્રમાં સૌથી મહત્ત્વની છે. ધ્યાન આપો કે આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરવાનો છે. એમાં આપણી ઇચ્છાઓ, લાગણીઓ અને ભાવનાઓનો સમાવેશ થાય છે. આપણે પૂરા જીવથી અને પૂરા બળથી એટલે કે પૂરી તાકાતથી પણ યહોવાને પ્રેમ કરવાનો છે. જોકે, યહોવાને પ્રેમ કરવામાં આપણું મન, એટલે કે આપણા વિચારો પણ સમાયેલા છે. ખરું કે, આપણે યહોવાના વિચારો ક્યારેય પૂરી રીતે નહિ સમજી શકીએ. પણ જો “ખ્રિસ્ત ઈસુનું મન” જાણીશું, તો સારી રીતે યહોવાના વિચારો સમજી શકીશું. કેમ કે ઈસુ તેમના પિતા જેવું જ વિચારે છે.—૧ કોરીં. ૨:૧૬.

૨ ઈસુ પૂરા મનથી યહોવાને પ્રેમ કરતા હતા. તે જાણતા હતા કે તેમના માટે યહોવાની ઇચ્છા કઈ છે. એ પૂરી કરવા તે કંઈ પણ કરવા તૈયાર હતા, દુઃખો સહેવાં પણ તૈયાર હતા. તેમનું પૂરું ધ્યાન તેમના પિતાની ઇચ્છા પૂરી કરવા પર હતું. એટલે તેમણે કોઈ પણ બાબતને આડે આવવા ન દીધી.

૩. પ્રેરિત પિતરને ઈસુ પાસેથી શું શીખવા મળ્યું અને તેમણે ખ્રિસ્તીઓને કયું ઉત્તેજન આપ્યું? (૧ પિતર ૪:૧)

૩ પિતર અને બીજા પ્રેરિતો પાસે ઈસુ સાથે સમય વિતાવવાનો અને તે કઈ રીતે વિચારતા હતા એ શીખવાનો જોરદાર લહાવો હતો. પિતરે ઈશ્વરની પ્રેરણાથી પહેલો પત્ર લખ્યો ત્યારે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે તેઓ ખ્રિસ્ત જેવું મન રાખીને તૈયાર થાય. (૧ પિતર ૪:૧ વાંચો.) “તૈયાર થાઓ” માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દો વપરાયા છે, એ બતાવે છે કે એક સૈનિકે યુદ્ધ માટે તૈયાર થવા હથિયારો સજી લીધાં છે. એવી જ રીતે, જો આપણે ખ્રિસ્ત ઈસુ જેવું મન કેળવીશું, એટલે કે તેમની જેમ વિચારીશું તો પાપી ઇચ્છાઓ અને દુષ્ટ દુનિયાના શાસક શેતાન સામે લડવા તૈયાર થઈ શકીશું.—૨ કોરીં. ૧૦:૩-૫; એફે. ૬:૧૨.

૪. આ લેખમાં શું શીખીશું?

૪ આ લેખમાં શીખીશું કે ઈસુ કઈ રીતે વિચારતા હતા અને આપણે કઈ રીતે તેમના પગલે ચાલી શકીએ. એ પણ શીખીશું કે ઈસુ જેવું મન રાખવા આપણે કઈ રીતે (૧) યહોવા જેવા વિચારો કેળવી શકીએ, (૨) નમ્ર બની શકીએ અને (૩) સમજુ બની શકીએ.

યહોવા જેવા વિચારો કેળવીએ

૫. એક વખતે પિતર કઈ રીતે યહોવાની જેમ વિચારવાનું ચૂકી ગયા?

૫ એક વખતે પિતર યહોવાની જેમ વિચારવાનું ચૂકી ગયા. ઈસુએ પ્રેરિતોને કહ્યું હતું કે તેમણે યરૂશાલેમ જવું પડશે, તેમને ધાર્મિક આગેવાનોના હાથમાં સોંપવામાં આવશે, તેમની ઘણી સતાવણી થશે અને આખરે તેમને મારી નાખવામાં આવશે. (માથ. ૧૬:૨૧) યહોવા ઈસુને મરવા દે એ વાત સ્વીકારવી પિતર માટે બહુ અઘરી હશે, કેમ કે તે જાણતા હતા કે ઈસુ વચન પ્રમાણેના મસીહ છે અને ઈશ્વરના લોકોના છોડાવનાર છે. (માથ. ૧૬:૧૬) એ કારણે પિતરે ઈસુને બાજુએ લઈ જઈને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.” (માથ. ૧૬:૨૨) એ કિસ્સામાં પિતર યહોવા જેવું વિચારી રહ્યા ન હતા. એટલે તેમના અને ઈસુના વિચારો એક જેવા ન હતા.

૬. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમના અને યહોવાના વિચારો મેળ ખાતા હતા?

૬ ઈસુના વિચારો તેમના પિતા યહોવાના વિચારો સાથે એકદમ મેળ ખાતા હતા. ઈસુએ પિતરને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માર્ગમાં નડતર છે. તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.” (માથ. ૧૬:૨૩) પિતરનો ઇરાદો કદાચ સારો હતો. પણ ઈસુ જાણતા હતા કે પિતા યહોવાની ઇચ્છા પૂરી કરવા તેમણે દુઃખો સહેવાનાં હતાં અને મરવાનું હતું. એટલે તેમણે પિતરની સલાહ નકારી કાઢી. એ બનાવમાંથી પિતરને શીખવા મળ્યું કે તેમણે યહોવા જેવા વિચારો કેળવવાના હતા. એ મહત્ત્વનો બોધપાઠ આપણે પણ હંમેશાં યાદ રાખવો જોઈએ.

૭. સમય જતાં પિતરે કઈ રીતે બતાવી આપ્યું કે તે યહોવા જેવા વિચારો કેળવવા માંગે છે? (ચિત્ર જુઓ.)

૭ સમય જતાં પિતરે બતાવી આપ્યું કે તે યહોવા જેવા વિચારો કેળવવા માંગે છે. હવે સમય આવી ગયો હતો કે બીજી પ્રજાના લોકો યહોવાના ભક્ત બને. બીજી પ્રજાના લોકોમાંથી જેઓ સૌથી પહેલા ખ્રિસ્તીઓ બનવાના હતા, તેઓમાંથી એક કર્નેલિયસ હતા. તેમને પ્રચાર કરવાની જવાબદારી પિતરને સોંપવામાં આવી. યહૂદીઓ બીજી પ્રજાના લોકો સાથે હળતા-મળતા ન હતા. એટલે પિતરે સોંપણી પૂરી કરવા પોતાના વિચારોમાં ફેરફાર કરવાની જરૂર હતી. બીજી પ્રજાના લોકો વિશે યહોવાની ઇચ્છા પારખી લીધા પછી તેમણે પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. એટલે યહોવાએ તેમને કર્નેલિયસના ઘરે મોકલ્યા ત્યારે, તે “કોઈ આનાકાની કર્યા વગર” ત્યાં ગયા. (પ્રે.કા. ૧૦:૨૮, ૨૯) તેમણે કર્નેલિયસ અને તેમના ઘરના બધા સભ્યોને પ્રચાર કર્યો અને પછીથી તેઓએ બાપ્તિસ્મા લીધું.—પ્રે.કા. ૧૦:૨૧-૨૩, ૩૪, ૩૫, ૪૪-૪૮.

પિતર અને તેમના સાથીઓને કર્નેલિયસ પોતાના ઘરના ઉપરના માળે લઈ જાય છે.

પિતર કર્નેલિયસના ઘરમાં જાય છે (ફકરો ૭ જુઓ)


૮. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણા અને યહોવાના વિચારો મેળ ખાય છે? (૧ પિતર ૩:૮ અને ફૂટનોટ)

૮ વર્ષો પછી પિતરે ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તેઓ “એકવિચારના” થાય. (૧ પિતર ૩:૮ અને ફૂટનોટ વાંચો.) જો આપણે બધા જ લોકો બાઇબલમાં જોવા મળતા યહોવાના વિચારો કેળવીશું, તો એકવિચારના થઈ શકીશું. દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોને અરજ કરી હતી કે તેઓ ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં સૌથી પહેલું રાખે. (માથ. ૬:૩૩) એને ધ્યાનમાં રાખીને કદાચ કોઈ ભાઈ કે બહેન પાયોનિયરીંગ કરવાનું કે બીજા કોઈ પ્રકારની પૂરા સમયની સેવા કરવાનું વિચારે. એવા સમયે એવું ન કહો, ‘એવું બધું કરવાની શી જરૂર, હમણાં જે કરો છો એ પૂરતું છે!’ એને બદલે, એવા ધ્યેય માટે તેમના વખાણ કરો અને તેમને બનતી બધી મદદ કરો.

નમ્ર બનીએ

૯-૧૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે ખૂબ નમ્ર હતા?

૯ મરણની આગલી રાતે ઈસુએ પિતર અને બીજા પ્રેરિતોને નમ્રતા બતાવવા વિશે એક મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો. ઈસુએ પિતર અને યોહાનને પહેલેથી પાસ્ખાની તૈયારીઓ કરવા મોકલ્યા હતા. ઈસુના મરણ પહેલાં આ તેમનું છેલ્લું ભોજન હતું. ભોજનની તૈયારી કરતી વખતે બંને પ્રેરિતોએ ચોક્કસ એક વાસણ અને રૂમાલ તૈયાર રાખ્યાં હશે, જેથી મહેમાનો ભોજન પહેલાં પોતાના પગ ધોઈ શકે. પણ હવે સવાલ થાય કે બીજાઓના પગ ધોવા જેવું મામૂલી કામ કરવા કોણ આગળ આવશે.

૧૦ ઈસુ અચકાયા વગર એ મામૂલી કામ કરવા આગળ આવ્યા. આમ તેમણે બતાવી આપ્યું કે તે કેટલા નમ્ર છે. પ્રેરિતોને ઘણી નવાઈ લાગી હશે કે ઈસુએ એક એવું કામ કર્યું, જે મોટા ભાગે ચાકરો કરતા હતા. તેમણે પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને રૂમાલ પોતાની કમરે બાંધ્યો. પછી વાસણમાં પાણી લઈને તે શિષ્યોના પગ ધોવા લાગ્યા. (યોહા. ૧૩:૪, ૫) તેમણે ૧૨ પ્રેરિતોના પગ ધોયા. અરે, તેમણે યહૂદા ઇસ્કારિયોતના પણ પગ ધોયા, જે તેમને દગો દેવાનો હતો. બધાના પગ ધોવામાં ખાસ્સો સમય લાગ્યો હશે. પણ ઈસુએ નમ્ર બનીને એ કામ પૂરું કર્યું. તેમણે ધીરજ રાખી અને પ્રેમથી સમજાવ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? તમે મને ‘ગુરુજી’ અને ‘માલિક’ કહો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. જો મેં માલિક અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.”—યોહા. ૧૩:૧૨-૧૪.

નમ્રતા બતાવવામાં આપણા વિચારો પણ સમાયેલા છે

૧૧. પિતરે કઈ રીતે બતાવ્યું કે તે નમ્ર બનવાનું શીખ્યા હતા? (૧ પિતર ૫:૫ અને ફૂટનોટ) (ચિત્ર પણ જુઓ.)

૧૧ પિતર ઈસુ પાસેથી નમ્ર બનવાનું શીખ્યા. ઈસુ સ્વર્ગમાં ગયા એ પછી પિતરે એક ચમત્કાર કર્યો. તેમણે જન્મથી લંગડા માણસને સાજો કર્યો. (પ્રે.કા. ૧:૮, ૯; ૩:૨, ૬-૮) એ ચમત્કાર જોઈને ઘણા બધા લોકો પિતરની આજુબાજુ ભેગા થઈ ગયા. (પ્રે.કા. ૩:૧૧) શું પિતર એ ચમત્કારનો શ્રેય પોતાના માથે લેશે અને બડાઈ હાંકશે? જરા વિચારો, પિતરનો ઉછેર જે સમાજમાં થયો હતો, એમાં લોકો માટે માન-મોભો અને હોદ્દો બહુ મહત્ત્વના હતા. પણ પિતર માટે એવું જરાય ન હતું. તેમણે નમ્ર બનીને એ ચમત્કારનો બધો શ્રેય યહોવા અને ઈસુને આપ્યો. પિતરે કહ્યું: “ઈસુ દ્વારા અને તેમના પરની અમારી શ્રદ્ધા દ્વારા આ માણસને બળ આપવામાં આવ્યું છે, જેને તમે જુઓ છો અને જાણો છો.” (પ્રે.કા. ૩:૧૨-૧૬) વર્ષો પછી પિતરે એક પત્રમાં ભાઈ-બહેનોને લખ્યું કે નમ્રતાને કપડાંની જેમ પહેરી લો. એનાથી આપણને એ બનાવ યાદ આવે છે, જ્યારે ઈસુએ પોતાની કમરે રૂમાલ બાંધીને પ્રેરિતોના પગ ધોયા હતા.—૧ પિતર ૫:૫ અને ફૂટનોટ વાંચો.

પિતર અને યોહાન મંદિરમાં ઊભા છે. પિતરનો હાથ આકાશ તરફ છે. એક માણસ તેઓની બાજુમાં ઊભો છે, જે જન્મથી લંગડો હતો પણ હવે સાજો થયો છે.

ચમત્કાર પછી પિતરે નમ્ર બનીને બધો શ્રેય યહોવા અને ઈસુને આપ્યો. જો આપણે નમ્ર હોઈશું, તો લોકોને સારા ઇરાદાથી મદદ કરીશું, વાહ વાહ કે ઇનામ મેળવવા નહિ (ફકરા ૧૧-૧૨ જુઓ)


૧૨. પિતરની જેમ નમ્ર બની રહેવા આપણે શું કરી શકીએ?

૧૨ પિતરના દાખલામાંથી આપણને નમ્ર રહેવા વિશે ઘણું શીખવા મળે છે. એક વ્યક્તિ નમ્ર છે કે નહિ, એ અમુક હદે તેની વાતોથી જાણવા મળે છે. જોકે પિતરે “નમ્રતા” માટે જે શબ્દ વાપર્યો, એમાં વિચારો પણ સમાયેલા છે. એટલે કે આપણે પોતાના વિશે અને બીજાઓ વિશે જે વિચારીએ છીએ, એમાં પણ નમ્રતા દેખાઈ આવવી જોઈએ. આપણે વાહ વાહ મેળવવા નહિ, પણ યહોવા અને લોકોને પ્રેમ કરીએ છીએ એટલે બીજાઓને મદદ કરીએ છીએ. ભલે લોકોના ધ્યાનમાં આવે કે ન આવે, જો આપણે ખુશી ખુશી યહોવા અને ભાઈ-બહેનોની સેવા કરીશું, તો દેખાઈ આવશે કે આપણે સાચે જ નમ્ર છીએ.—માથ. ૬:૧-૪.

“સમજુ” બનીએ

૧૩. ‘સમજુ બનવું’ એટલે શું?

૧૩ ‘સમજુ બનવું’ એટલે શું? (૧ પિત. ૪:૭) જો સમજુ હોઈશું તો નિર્ણય લેતી વખતે યહોવાના વિચારો ધ્યાનમાં રાખીશું. આપણે યાદ રાખીશું કે યહોવા સાથેની દોસ્તી જીવનમાં સૌથી મહત્ત્વની છે. એટલું જ નહિ, વાજબી બનીને સ્વીકારીશું કે આપણી પાસે બધા સવાલોના જવાબ હોતા નથી. વધુમાં માર્ગદર્શન માટે યહોવાને વારંવાર પ્રાર્થના કરીશું, જેથી દેખાઈ આવે કે આપણે યહોવા પર ભરોસો રાખીએ છીએ.a

૧૪. એકવાર પિતર કઈ રીતે યહોવા પર ભરોસો રાખવાનું ચૂકી ગયા?

૧૪ ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને આ ચેતવણી આપી હતી: “આજે રાતે મને જે થશે એનાથી તમારી શ્રદ્ધા ડગમગી જશે.” પણ પિતરે છાતી ઠોકીને કહ્યું: “તમને જે થવાનું છે એનાથી ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!” એ રાતે ઈસુએ અમુક શિષ્યોને સલાહ આપી: “જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો.” (માથ. ૨૬:૩૧, ૩૩, ૪૧) દુઃખની વાત છે કે પિતરે એ સલાહ ન પાળી. જો તેમણે એ સલાહ પાળી હોત, તો હિંમતથી કહી શક્યા હોત કે તે ઈસુના શિષ્ય છે. એના બદલે તેમણે પોતાના માલિકને ઓળખવાની ના પાડી દીધી અને એનો તેમને પછીથી ઘણો પસ્તાવો થયો.—માથ. ૨૬:૬૯-૭૫.

૧૫. ઈસુએ પોતાના મરણની આગલી રાતે કઈ રીતે સમજદારી બતાવી?

૧૫ ઈસુએ યહોવા પર પૂરો આધાર રાખ્યો. તેમનામાં જરાય પાપ ન હતું, તોપણ તે વારંવાર પ્રાર્થના કરતા રહ્યા. એનાથી તેમને યહોવાની ઇચ્છા પૂરી કરવા હિંમત મળી. (માથ. ૨૬:૩૯, ૪૨, ૪૪; યોહા. ૧૮:૪, ૫) સાચે જ, પિતર કદી ભૂલ્યા નહિ હોય કે ઈસુએ પોતાના મરણની આગલી રાતે કેટકેટલી પ્રાર્થનાઓ કરી હતી.

૧૬. પિતરે કઈ રીતે બતાવ્યું કે તે સમજુ બન્યા હતા? (૧ પિતર ૪:૭)

૧૬ સમય જતાં પિતર વધારે પ્રાર્થના કરવાનું અને યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યા. ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તેમણે પિતર અને બીજા પ્રેરિતોને ખાતરી આપી કે તેઓને પવિત્ર શક્તિ આપવામાં આવશે, જેથી તેઓ ખુશખબરનો પ્રચાર કરી શકે. જોકે એવું થાય ત્યાં સુધી ઈસુએ તેઓને યરૂશાલેમમાં રાહ જોવાનું કહ્યું. (લૂક ૨૪:૪૯; પ્રે.કા. ૧:૪, ૫) રાહ જોતી વખતે પિતરે શું કર્યું? તે અને બીજા ખ્રિસ્તીઓ “સતત પ્રાર્થના કરતા” રહ્યા. (પ્રે.કા. ૧:૧૩, ૧૪) પછીથી પિતરે પોતાના પહેલા પત્રમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તેઓ સમજુ બને અને યહોવા પર ભરોસો રાખવા પ્રાર્થના કરતા રહે. (૧ પિતર ૪:૭ વાંચો.) પિતર યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યા અને મંડળના સ્તંભ બન્યા.—ગલા. ૨:૯.

૧૭. આપણે શું કરતા રહેવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ સમજુ બનવા વારંવાર યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ભલે આપણી પાસે કોઈ આવડત હોય અથવા કોઈ કામ સારી રીતે કરતા આવડતું હોય, તોપણ પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ. એટલે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં તો આપણે માર્ગદર્શન માટે યહોવાને ખાસ પ્રાર્થના કરીએ છીએ. તેમ જ, ભરોસો રાખીએ છીએ કે આપણું ભલું શામાં છે એ યહોવા સારી રીતે જાણે છે.

પિતર પ્રાર્થનામાં યહોવા પર આધાર રાખવાનું શીખ્યા. આપણે પણ મદદ માટે યહોવાને પ્રાર્થના કરતા રહીએ, ખાસ કરીને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે. આમ આપણે સમજુ બની શકીશું (ફકરો ૧૭ જુઓ)b


૧૮. તમે કયો પાકો નિર્ણય લીધો છે?

૧૮ યહોવાનો આભાર કે તેમણે આપણને તેમના જેવા બનાવ્યા છે. એટલે આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ છીએ. (ઉત. ૧:૨૬) એ સાચું છે કે આપણે યહોવાને પૂરી રીતે અનુસરી શકતા નથી. (યશા. ૫૫:૯) પણ પિતરની જેમ આપણે મહેનત કરી શકીએ છીએ, જેથી આપણા વિચારો યહોવાના વિચારોની સુમેળમાં આવે. તો ચાલો યહોવાની જેમ વિચારવાનું શીખતા રહીએ તેમજ નમ્ર અને સમજુ બનવા મહેનત કરતા રહીએ.

આપણે કઈ રીતે . . .

  • યહોવા જેવા વિચારો કેળવી શકીએ?

  • નમ્ર બની શકીએ?

  • “સમજુ” બની શકીએ?

ગીત ૫૧ યહોવા અમારો આધાર

a સમજુ બનવાનો અર્થ શું થાય એ વિશે વધારે જાણકારી મેળવવા jw.org/gu પર કે JW લાઇબ્રેરીમાં “બાઇબલ કલમોની સમજણ” વિભાગમાં “૨ તિમોથી ૧:૭ની સમજણ—‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક બનાવતી નથી’” લેખનો આ મુદ્દો જુઓ: “સમજદાર.”

b ચિત્રની સમજ: એક બહેન નોકરીના ઇન્ટરવ્યૂ માટે ઑફિસની બહાર બેઠાં છે. તે મનમાં પ્રાર્થના કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો