અભ્યાસ લેખ ૧૬
ગીત ૨૦ સભાને આશિષ દો
એકબીજાની નજીક આવવામાં આપણું ભલું છે!
“જુઓ! ભાઈઓ સંપીને રહે, એ કેવું સારું અને આનંદ આપનારું છે!”—ગીત. ૧૩૩:૧.
આપણે શું શીખીશું?
એકબીજાની નજીક આવવા શું કરવું જોઈએ એ વિશે અમુક સૂચનો જોઈશું. એ પણ જોઈશું કે ભાઈ-બહેનોના દોસ્તો બનીએ છીએ ત્યારે કયા આશીર્વાદો મળે છે.
૧-૨. યહોવા માટે શું મહત્ત્વનું છે? તે આપણી પાસેથી શું ચાહે છે?
આપણે એકબીજા સાથે કઈ રીતે વર્તીએ છીએ, એ યહોવા માટે ઘણું મહત્ત્વનું છે. ઈસુએ શીખવ્યું હતું કે આપણે જેવો પ્રેમ પોતાના પર રાખીએ છીએ, એવો પ્રેમ પડોશી પર રાખીએ. (માથ. ૨૨:૩૭-૩૯) એમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ યહોવાની ભક્તિ કરતા નથી. તેઓને પ્રેમ બતાવીએ છીએ ત્યારે યહોવા ઈશ્વરને અનુસરીએ છીએ, જે “સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે” તેમજ “નેક અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.”—માથ. ૫:૪૫.
૨ ખરું કે, યહોવા બધા લોકોને પ્રેમ કરે છે, પણ તેમની આજ્ઞા પાળતા લોકો તેમના માટે બહુ ખાસ છે. (યોહા. ૧૪:૨૧) તે ચાહે છે કે આપણે તેમના જેવા બનીએ. તે આપણને અરજ કરે છે કે આપણે ભાઈ-બહેનોને “ગાઢ પ્રેમ” અને “હૂંફ” બતાવીએ. (૧ પિત. ૪:૮; રોમ. ૧૨:૧૦) એ એવી લાગણી છે, જે આપણે કોઈ વહાલા સ્નેહીજનને કે જિગરી દોસ્તને બતાવીએ છીએ.
૩. પ્રેમ વિશે કઈ વાત સાચી છે?
૩ પ્રેમ બાગમાં રોપેલા છોડ જેવો છે. જેમ છોડને વધવા સારસંભાળની જરૂર હોય છે, તેમ પ્રેમ વધારવા મહેનતની જરૂર હોય છે. પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને સલાહ આપી: “ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.” (હિબ્રૂ. ૧૩:૧) યહોવા ચાહે છે કે આપણે એકબીજાના પ્રેમમાં વધતા જઈએ. આ લેખમાં ચર્ચા કરીશું કે આપણે કેમ ભાઈ-બહેનોની વધારે નજીક આવવું જોઈએ અને કઈ રીતે એમ કરતા રહી શકીએ.
કેમ એકબીજાની વધારે નજીક આવવું જોઈએ?
૪. ગીતશાસ્ત્ર ૧૩૩:૧ પ્રમાણે ભાઈ-બહેનો માટે કદર વધારવા શું કરી શકીએ? (ચિત્રો પણ જુઓ.)
૪ ગીતશાસ્ત્ર ૧૩૩:૧ વાંચો. કલમમાં લખ્યું છે તેમ, યહોવાને પ્રેમ કરતા લોકો સાથેની દોસ્તી ‘સારી’ અને ‘આનંદ આપનારી’ છે. તમને પણ ગીતશાસ્ત્રના એ લેખક જેવું લાગતું હશે, ખરું ને? પણ આ દાખલાનો વિચાર કરો: જો આપણે કોઈ ઘટાદાર વૃક્ષને દરરોજ જોતા હોઈએ, તો કદાચ એની સુંદરતા જોવાનું ચૂકી જઈ શકીએ. એવી જ રીતે, આપણે ભાઈ-બહેનોને વારંવાર, અઠવાડિયામાં અનેક વાર મળીએ છીએ. એટલે કદાચ એ જોવાનું ચૂકી જઈ શકીએ કે આપણા વચ્ચેની એકતા કેટલી સુંદર છે. તો પછી ભાઈ-બહેનો માટે કદર વધારવા શું કરી શકીએ? સમય કાઢીને વિચાર કરીએ કે મંડળની એકેએક વ્યક્તિ કેમ મંડળ માટે અને આપણા માટે ખૂબ કીમતી છે. એમ કરીશું તો, ભાઈ-બહેનો માટેનો પ્રેમ વધતો ને વધતો જશે.
ભાઈ-બહેનો વચ્ચેની એકતા બહુ સુંદર છે, એને મામૂલી ગણી લેશો નહિ (ફકરો ૪ જુઓ)
૫. આપણા પ્રેમની બીજાઓ પર કેવી અસર થાય છે?
૫ જે લોકો આપણી સભાઓમાં પહેલી વાર આવે છે, તેઓ આપણી વચ્ચેનો પ્રેમ જોઈને દંગ રહી જાય છે. એ પ્રેમને લીધે જ અમુકને ખાતરી થઈ જાય છે કે આપણે ઈસુના ખરા શિષ્યો છીએ. ઈસુએ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૫) ચિત્રા નામની એક યુવાન બહેનનો દાખલો લો. તે યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખતી હતી. તેને મહાસંમેલનનું આમંત્રણ મળ્યું અને તે ત્યાં આવવા રાજી થઈ ગઈ. પહેલા દિવસના અંતે તેણે બાઇબલમાંથી શીખવનાર બહેનને કહ્યું: “મારાં મમ્મી-પપ્પાએ મને કદી ગળે લગાવી નથી. પણ આજે, તમારા સંમેલનમાં, એક જ દિવસમાં બાવન લોકોએ મને ગળે લગાવી. મને એવું લાગ્યું કે જાણે એ લોકો દ્વારા યહોવા મને પ્રેમ બતાવી રહ્યા છે. મારે પણ આ કુટુંબનો ભાગ બનવું છે.” ચિત્રા બાઇબલમાંથી શીખતી રહી અને ૨૦૨૪માં તેણે બાપ્તિસ્મા લીધું. હા, એ વાત સાચી છે કે આપણી સભાઓમાં અને સંમેલનોમાં પહેલી વાર આવતા ઘણા લોકોને આપણાં સારાં કામો અને એકબીજા માટેનો આપણો પ્રેમ જોઈને યહોવાની ભક્તિ કરવાનું મન થાય છે.—માથ. ૫:૧૬.
૬. ભાઈ-બહેનોની નજીક આવવાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે?
૬ ભાઈ-બહેનોની નજીક આવવાથી આપણું રક્ષણ થાય છે. પાઉલે ખ્રિસ્તીઓને અરજ કરી હતી: “રોજ એકબીજાને ઉત્તેજન આપતા રહો, જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈનું દિલ કઠણ ન બનાવે.” (હિબ્રૂ. ૩:૧૩) બની શકે કે અમુક વાર એટલા નિરાશ થઈ જઈએ કે નેકીના માર્ગ પરથી આપણો પગ લપસી જવાની તૈયારીમાં હોય. એવા વખતે યહોવા કદાચ કોઈ ભાઈ કે બહેનના દિલમાં ઇચ્છા જગાડે કે તે આપણા પર ધ્યાન આપે અને આપણને જરૂરી મદદ કરે. (ગીત. ૭૩:૨, ૧૭, ૨૩) એવી મદદ ખરેખર આપણા ભલા માટે છે.
૭. પ્રેમ અને એકતા કઈ રીતે એકબીજા સાથે જોડાયેલાં છે? (કોલોસીઓ ૩:૧૩, ૧૪)
૭ આપણે બધા એક એવા જૂથનો ભાગ છીએ, જેમાં લોકો એકબીજાને પ્રેમ બતાવવા મહેનત કરે છે. (૧ યોહા. ૪:૧૧) એટલે આપણને ઘણા આશીર્વાદો મળે છે. દાખલા તરીકે, પ્રેમને લીધે આપણે ‘એકબીજાનું સહન કરીએ છીએ’ અને એનાથી ભાઈ-બહેનો વચ્ચેની એકતા વધે છે. (કોલોસીઓ ૩:૧૩, ૧૪ વાંચો; એફે. ૪:૨-૬) આમ, આપણી સભાઓમાં એકદમ પ્રેમાળ માહોલ હોય છે. એવો માહોલ દુનિયાના બીજા કોઈ પણ જૂથમાં જોવા મળતો નથી.
એકબીજાને માન આપો
૮. એકતા જાળવી રાખવા યહોવા કઈ રીતે મદદ કરે છે?
૮ દુનિયા ફરતે ભાઈ-બહેનો વચ્ચે જોવા મળતી અજોડ એકતા શું એક ચમત્કાર નથી? આપણે તો ભૂલભરેલા છીએ, પણ યહોવાની મદદથી જ એવી એકતા શક્ય બની છે. (૧ કોરીં. ૧૨:૨૪, ૨૫) બાઇબલમાં જણાવ્યું છે કે ‘ઈશ્વરે પોતે આપણને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે.’ (૧ થેસ્સા. ૪:૯) બીજા શબ્દોમાં કહીએ તો બાઇબલ દ્વારા યહોવા આપણને જણાવે છે કે એકબીજાની નજીક જવા શું કરવું જોઈએ. જો યહોવાના શિક્ષણ પર ધ્યાન આપીશું અને એ લાગુ પાડીશું, તો તેમની પાસેથી શીખી શકીશું. (હિબ્રૂ. ૪:૧૨; યાકૂ. ૧:૨૫) યહોવાના સાક્ષીઓ એવું જ કરવાની પૂરી કોશિશ કરે છે.
૯. એકબીજાને માન આપવા વિશે રોમનો ૧૨:૯-૧૩માંથી શું શીખવા મળે છે?
૯ એકબીજાની નજીક આવવા બાઇબલથી કઈ રીતે મદદ મળે છે? નોંધ લો કે પાઉલે રોમનો ૧૨:૯-૧૩માં એ વિશે શું લખ્યું. (વાંચો.) ત્યાં લખેલા આ શબ્દો આપણું ખાસ ધ્યાન ખેંચે છે: “એકબીજાને માન આપવામાં પહેલ કરો.” એનો શું અર્થ થાય? આપણે અલગ અલગ રીતોએ એકબીજાને “પ્રેમ અને હૂંફ” બતાવવાની તક શોધવી જોઈએ. જેમ કે, માફ કરવું, મહેમાનગતિ બતાવવી અને ઉદાર હાથે મદદ કરવી. (એફે. ૪:૩૨) તમારે એવી રાહ જોવાની જરૂર નથી કે ભાઈ-બહેનો તમારી નજીક આવે. તમે પોતે “પહેલ” કરી શકો છો. જો તમે એમ કરશો, તો ઈસુના આ શબ્દો સાચા પડતા જોશો: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
૧૦. “એકબીજાને માન આપવામાં” આપણે કઈ રીતે મહેનતુ બની શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૦ નોંધ લેવા જેવી વાત તો એ છે કે “એકબીજાને માન આપવામાં પહેલ કરો,” એ સલાહ આપ્યા પછી પાઉલ તરત કહે છે: “મહેનતુ બનો, આળસુ નહિ.” મહેનતુ વ્યક્તિ ઉત્સાહી હોય છે અને મહેનત કરવામાં પાછી પડતી નથી. જ્યારે તેને કોઈ કામ સોંપવામાં આવે, ત્યારે તે ખંતથી એને પૂરું કરે છે. નીતિવચનો ૩:૨૭, ૨૮માં વિનંતી કરવામાં આવી છે: “જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય, તો તેને ના પાડીશ નહિ.” એટલે કોઈને મદદની જરૂર છે એ જોઈને આપણે બેસી રહેતા નથી, તેને મદદ કરવા બનતું બધું કરીએ છીએ. આપણે આળસ કરતા નથી. એવું પણ ધારી લેતા નથી કે બીજું કોઈ તેની મદદે આવશે.—૧ યોહા. ૩:૧૭, ૧૮.
જે ભાઈ-બહેનોને મદદની જરૂર છે, તેઓને મદદ કરવા આપણે પહેલ કરવી જોઈએ (ફકરો ૧૦ જુઓ)
૧૧. એકબીજાની નજીક આવવા બીજું શું કરી શકીએ?
૧૧ એકબીજાને માન આપવાની બીજી એક રીત છે, કોઈ આપણને માઠું લગાડે ત્યારે તરત માફ કરી દઈએ. એફેસીઓ ૪:૨૬માં લખ્યું છે: “સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો.” જો આપણે ગુસ્સે રહીશું તો કલમ ૨૭માં લખ્યું છે તેમ, આપણે “શેતાનને તક” આપીશું. બાઇબલમાં યહોવા વારંવાર જણાવે છે કે આપણે એકબીજાને માફ કરીએ. કોલોસીઓ ૩:૧૩માં અરજ કરી છે કે આપણે “એકબીજાને દિલથી માફ” કરતા રહીએ. ભૂલચૂક માફ કરવી, એ ભાઈ-બહેનોની નજીક આવવાની એક સારી રીત છે. એમ કરીને આપણે “પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી” રાખીએ છીએ. (એફે. ૪:૩) ટૂંકમાં, માફીનો ગુણ યહોવાના સંગઠનની એકતા અને શાંતિમાં વધારો કરે છે.
૧૨. બીજાઓને માફ કરવા યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે?
૧૨ ખરું કે, જેઓએ આપણને દુઃખ પહોંચાડ્યું છે, તેઓને માફ કરવા અઘરું લાગી શકે. પણ યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણે તેઓને માફ કરી શકીએ છીએ. “એકબીજાને પ્રેમ અને હૂંફ બતાવો” તેમજ “મહેનતુ બનો” એ સલાહ આપ્યા પછી બાઇબલમાં લખ્યું છે: “પવિત્ર શક્તિથી જોશીલા બનો.” (રોમ. ૧૨:૧૧) એનો અર્થ થાય કે જે ખરું છે એ કરવા પવિત્ર શક્તિ આપણામાં ઉત્સાહ અને જોમ ભરી શકે છે. પવિત્ર શક્તિની મદદથી આપણે બીજાઓને પ્રેમ અને હૂંફ બતાવી શકીએ છીએ તેમજ દિલથી માફ કરી શકીએ છીએ. એટલે જ તો આપણે અચકાયા વગર યહોવા આગળ મદદનો હાથ લંબાવીએ છીએ.—લૂક ૧૧:૧૩.
“તમારામાં ભાગલા પડવા ન દો”
૧૩. આપણામાં શાના લીધે ભાગલા પડી શકે છે?
૧૩ આપણા મંડળમાં ‘બધા પ્રકારના લોકો’ છે. (૧ તિમો. ૨:૩, ૪) તેઓ અલગ અલગ સમાજ, દેશ અને ભાષાના છે. પણ જો ધ્યાન ન રાખીએ તો એ વિવિધતા ભાગલાનું કારણ બની શકે છે. કઈ રીતે? આનો વિચાર કરો. આપણે બધા અલગ અલગ છીએ. એટલે પહેરવેશ, દેખાવ, સારવાર અથવા મનોરંજન વિશે આપણી પસંદગીઓ જુદી હોય શકે છે. (રોમ. ૧૪:૪; ૧ કોરીં. ૧:૧૦) આપણે બીજાઓ આગળ એવું જતાવવું ન જોઈએ કે આપણી પસંદગી તેઓ કરતાં વધારે સારી છે, કેમ કે ઈશ્વરે પોતે આપણને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે.—ફિલિ. ૨:૩.
૧૪. આપણે કેવી વ્યક્તિ બનવા મહેનત કરવી જોઈએ અને કેમ?
૧૪ બીજી એક રીતે પણ આપણે મંડળમાં ભાગલા પડતા અટકાવી શકીએ છીએ. કઈ રીતે? હંમેશાં બીજાઓને તાજગી અને ઉત્તેજન આપનાર બનીએ. (૧ થેસ્સા. ૫:૧૧) હાલમાં એવા ઘણા લોકો મંડળમાં પાછા આવ્યા છે, જેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા અથવા જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આપણે તેઓનો ભાવભીનો આવકાર કરીએ છીએ! (૨ કોરીં. ૨:૮) ચાલો એક બહેનનો અનુભવ જોઈએ. તે દસ વર્ષથી નિષ્ક્રિય હતાં. પછી એકવાર તે પ્રાર્થનાઘરમાં આવ્યાં. તે કહે છે: “બધાએ હસતાં મોંએ મારી સાથે વાત કરી અને મારી સાથે હાથ મિલાવ્યો.” (પ્રે.કા. ૩:૧૯) પ્રેમ બતાવવાની એ સાદી રીતનું કેવું પરિણામ આવ્યું? બહેન કહે છે: “મને લાગ્યું કે જાણે યહોવા મારો હાથ પકડીને પાછી મને ખુશીઓ તરફ લઈ જઈ રહ્યા છે.” જો આપણે ઉત્તેજન આપનાર બનવા મહેનત કરીશું, તો “થાકી ગયેલા અને બોજથી દબાયેલા” લોકોને તાજગી આપવા ખ્રિસ્ત આપણો ઉપયોગ કરશે.—માથ. ૧૧:૨૮, ૨૯.
૧૫. ભાઈ-બહેનો વચ્ચેની એકતા વધારવાની બીજી એક રીત કઈ છે? (ચિત્ર પણ જુઓ.)
૧૫ આપણા શબ્દોથી પણ આપણે ભાઈ-બહેનો વચ્ચેની એકતા વધારી શકીએ છીએ. અયૂબ ૧૨:૧૧માં લખ્યું છે: “જેમ જીભ સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દોની સચ્ચાઈ પારખતા નથી?” જરા આનો વિચાર કરો: એક સારો રસોઇયો વાનગી પીરસતા પહેલાં એને ચાખે છે, જેથી ખાતરી કરી શકે કે એ સ્વાદિષ્ટ છે. એવી જ રીતે, આપણે બોલતા પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ. (ગીત. ૧૪૧:૩) આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે જે કહેવાના છીએ એનાથી લોકોને તાજગી અને ઉત્તેજન મળે તેમજ “સાંભળનારાઓને લાભ થાય.”—એફે. ૪:૨૯.
બોલતા પહેલાં વિચાર કરો (ફકરો ૧૫ જુઓ)
૧૬. કોણે કોણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓના શબ્દોથી બીજાઓને ઉત્તેજન મળે?
૧૬ પતિઓ અને માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓના શબ્દોથી બીજાઓને ઉત્તેજન મળે. (કોલો. ૩:૧૯, ૨૧; તિત. ૨:૪) વડીલો યહોવાના ટોળાના ઘેટાંપાળકો છે. એટલે તેઓએ પણ બીજાઓને તાજગી અને દિલાસો આપવાં જોઈએ. (યશા. ૩૨:૧, ૨; ગલા. ૬:૧) બાઇબલનું એક સુવાક્ય આપણને યાદ અપાવે છે: “ખરા સમયે કહેલો શબ્દ કેટલો સારો લાગે છે!”—નીતિ. ૧૫:૨૩.
“કાર્યોથી અને સાચા દિલથી” પ્રેમ કરો
૧૭. ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરવા આપણે શું કરી શકીએ?
૧૭ પ્રેરિત યોહાને આપણને ઉત્તેજન આપ્યું છે કે “આપણે શબ્દોથી કે જીભથી નહિ, પણ કાર્યોથી અને સાચા દિલથી પ્રેમ કરવો જોઈએ.” (૧ યોહા. ૩:૧૮) આપણે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરવા માંગીએ છીએ. એ માટે શું કરી શકીએ? ભાઈ-બહેનો સાથે વધારે સમય વિતાવીએ. એમ કરીશું તો તેઓની વધારે નજીક જઈશું અને તેઓ માટેનો પ્રેમ પણ વધારે ગાઢ થશે. એટલે તેઓ સાથે સમય વિતાવવાની તક ઊભી કરીએ, જેમ કે સભાઓમાં અને પ્રચારમાં. સમય કાઢીને તેઓને મળવા જઈએ. આમ સાબિત કરીશું કે ‘ઈશ્વરે પોતે આપણને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે.’ (૧ થેસ્સા. ૪:૯) એટલું જ નહિ, આપણે પોતે અનુભવ કરીશું કે “ભાઈઓ સંપીને રહે, એ કેવું સારું અને આનંદ આપનારું છે!”—ગીત. ૧૩૩:૧.
ગીત ૫૩ સંપીને રહીએ