૧૯૨૫માં ઇંડિયાના રાજ્યના ઇંડિયાનાપોલિસ શહેરમાં મહાસંમેલન
૧૯૨૫—સો વર્ષ પહેલાં
જાન્યુઆરી ૧, ૧૯૨૫ના ધ વૉચ ટાવરમાં આમ જણાવ્યું હતું: “આપણે આશા રાખીએ છીએ કે આ વર્ષે ઘણા મહત્ત્વના બનાવો બનશે.” જોકે લેખમાં આગળ જણાવ્યું હતું: “પણ આપણે વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ કે ભાવિમાં શું થશે. જો એમ કરીશું તો આપણું ધ્યાન ભટકી શકે છે અને યહોવા આપણી પાસેથી જે ચાહે છે એ નહિ કરી શકીએ.” ૧૯૨૫માં બાઇબલ વિદ્યાર્થીઓ શાની આશા રાખતા હતા? તેઓની આશા પૂરી ન થઈ તોપણ, તેઓ પ્રચારકામમાં કઈ રીતે વ્યસ્ત રહ્યા?
આશા પૂરી થવામાં વાર લાગી
ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ આશા રાખતા હતા કે ૧૯૨૫માં પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે, નવી દુનિયા આવી જશે. ભાઈ આલ્બર્ટ શ્રોડર જે પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા, તેમણે સમજાવ્યું: “આપણે માનતા હતા કે ૧૯૨૫માં અભિષિક્તો સ્વર્ગમાં જતા રહેશે. ઇબ્રાહિમ અને દાઉદ જેવા ઈશ્વરભક્તોને મરણની ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે. એ ઈશ્વરભક્તો ઈશ્વરના રાજ્યમાં પૃથ્વી પર આગેવાની લેશે.” પણ એવું ન થયું ત્યારે અમુક ભાઈ-બહેનો નિરાશ થઈ ગયાં.—નીતિ. ૧૩:૧૨.
ભલે નિરાશા હાથ લાગી, પણ મોટા ભાગના બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચારકામ ચાલુ રાખ્યું. તેઓને ખ્યાલ આવ્યો કે યહોવા વિશે સાક્ષી આપવાનું કામ તેઓ માટે સૌથી મહત્ત્વનું છે. ચાલો જોઈએ કે તેઓએ કઈ રીતે રેડિયો દ્વારા દૂર દૂર સુધી સંદેશો ફેલાવ્યો.
યહોવાના સાક્ષીઓએ વધારે રેડિયો સ્ટેશન ઊભાં કર્યાં
૧૯૨૪માં ઘણા લોકોએ ડબ્લ્યુ.બી.બી.આર રેડિયો સ્ટેશનના કાર્યક્રમો સાંભળ્યા હતા. એટલે ૧૯૨૫માં ઇલિનોઈ રાજ્યના શિકાગો શહેર નજીક બાઇબલ વિદ્યાર્થીઓએ એક શક્તિશાળી, એટલે કે દૂર દૂર સુધી પ્રસારણ કરતું રેડિયો સ્ટેશન ઊભું કર્યું. એનું નામ પાડ્યું, ડબ્લ્યુ.ઓ.આર.ડી. (એટલે કે “વર્ડ” જેનો અર્થ થાય “શબ્દ”). ભાઈ રાલ્ફ લેફ્લર રેડિયો એન્જિનિયર હતા, જેમણે એ સ્ટેશનના બાંધકામમાં મદદ કરી હતી. તેમણે કહ્યું: “શિયાળાની ઠંડી ઠંડી રાતોમાં પણ લોકો દૂર દૂર સુધી આ સ્ટેશનના કાર્યક્રમો સાંભળી શકતા હતા.” દાખલા તરીકે, ૫,૦૦૦થી પણ વધારે કિલોમીટર દૂર અલાસ્કાના પાઇલોટ સ્ટેશન નામના શહેરમાં એક કુટુંબ રહેતું હતું. તેઓએ શરૂઆતના કાર્યક્રમોમાંથી એક કાર્યક્રમ સાંભળ્યો હતો. પછી તેઓએ સ્ટેશન પર કામ કરતા ભાઈ-બહેનોને પત્ર લખ્યો. પત્રમાં તેઓએ આ કાર્યક્રમ માટે આભાર માન્યો, કેમ કે એનાથી તેઓને ઘણું ઉત્તેજન મળ્યું હતું તેમજ તેઓને બાઇબલ અને ઈશ્વર વિશે વધારે શીખવા મળ્યું હતું.
ડાબે: ઇલિનોઈ રાજ્યના બટાવિઆ શહેરમાં “વર્ડ” નામનું ટ્રાન્સમિશન ટાવર
જમણે: ભાઈ રાલ્ફ લેફ્લર રેડિયો સ્ટેશનમાં કામ કરી રહ્યા છે
ડિસેમ્બર ૧, ૧૯૨૫ના ધ વૉચ ટાવરમાં સમજાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશનથી કેમ દૂર દૂર સુધી પ્રસારણ કરવું શક્ય હતું. એમાં લખ્યું હતું: “વર્ડ રેડિયો સ્ટેશન અમેરિકાનાં સૌથી શક્તિશાળી સ્ટેશનોમાંથી એક છે. આખા અમેરિકામાં, ક્યૂબામાં અને એકદમ દૂર અલાસ્કાના ઉત્તરીય ભાગોમાં પણ લોકો એ સ્ટેશનના કાર્યક્રમો સાંભળી શકે છે. જે લોકોએ પહેલાં ક્યારેય સત્ય વિશે સાંભળ્યું ન હતું, તેઓને આ સ્ટેશનના કાર્યક્રમો સાંભળીને વધારે જાણવાનું મન થયું છે.”
જ્યોર્જ નેશ
એ સમયગાળામાં કેનેડાના બાઇબલ વિદ્યાર્થીઓ પણ રેડિયો દ્વારા ખુશખબરનો પ્રચાર કરવા માંગતા હતા. ૧૯૨૪માં તેઓએ સૅસ્કેચિવનના સાસ્કાટૂન શહેરમાં સી.એચ.યુ.સી નામનું રેડિયો સ્ટેશન બાંધ્યું. એ કેનેડાનું સૌથી પહેલું ધાર્મિક રેડિયો સ્ટેશન હતું. પણ ૧૯૨૫ સુધીમાં તો એ જગ્યા નાની પડવા લાગી. એટલે સંગઠને એ રેડિયો સ્ટેશનની માલિકી લીધી અને સાસ્કાટૂન શહેરનું એક જૂનું થિયેટર ખરીદ્યું. ત્યાં રેડિયો સ્ટેશન ઊભું કરવા સમારકામ કરવામાં આવ્યું.
આ સ્ટેશનને લીધે પહેલી વાર સૅસ્કેચિવનના દૂર દૂરના ગામડાઓ સુધી ખુશખબર પહોંચી. દાખલા તરીકે, દૂરના ગામડામાં રહેતી એક સ્ત્રીએ કાર્યક્રમ સાંભળ્યા પછી, બાઇબલ સાહિત્ય મોકલી આપવા પત્ર લખ્યો. ભાઈ જ્યોર્જ નેશે એ યાદ કરતા કહ્યું: “એ સ્ત્રી જાણે મોટા અવાજે પોકારી રહી હતી ‘અમને શીખવો!’ એટલે તરત અમે શાસ્ત્રવચનોનો અભ્યાસનો (અંગ્રેજી) આખેઆખો સેટ મોકલી આપ્યો.” બહુ જલદી એ સ્ત્રીએ દૂર દૂરના વિસ્તારોમાં ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવાનું શરૂ કરી દીધું.
સમજણમાં સુધારો થયો
માર્ચ ૧, ૧૯૨૫ના ધ વૉચ ટાવરમાં એક બહુ મહત્ત્વનો લેખ હતો. એનો વિષય હતો: “એક રાષ્ટ્રનો જન્મ.” એ લેખ કેમ મહત્ત્વનો હતો? બાઇબલ વિદ્યાર્થીઓ જાણતા હતા કે શેતાન દુષ્ટ દૂતો પર તેમજ ધાર્મિક, રાજકીય અને વેપારી સંગઠનો પર રાજ કરે છે. એ બધું શેતાનના કાબૂમાં છે. પણ એ લેખ દ્વારા ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ ભાઈ-બહેનોને વધારે સમજવા મદદ કરી કે યહોવાનું પણ એક સંગઠન છે, જે શેતાનના સંગઠનથી સાવ અલગ છે અને એનો વિરોધ કરે છે. (માથ. ૨૪:૪૫) વિશ્વાસુ ચાકરે એ પણ સમજાવ્યું કે ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય શરૂ થઈ ગયું હતું. એ જ વર્ષે ‘સ્વર્ગમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું’ એના લીધે શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા.—પ્રકટી. ૧૨:૭-૯.
અમુક બાઇબલ વિદ્યાર્થીઓને આ નવી સમજણ સ્વીકારવી ખૂબ અઘરું લાગ્યું. એટલે એ લેખમાં આવું કહ્યું હતું: “અમે સલાહ આપીએ છીએ કે જો વૉચ ટાવરના કોઈ વાચક આ નવી સમજણ સાથે સહમત ન થાય, તો તેમણે ધીરજ રાખવી અને યહોવા પર ભરોસો રાખીને વફાદારીથી તેમની ભક્તિ કરતા રહેવું.”
ભાઈ ટોમ અર બ્રિટનથી હતા અને કોલ્પોર્ચર (જેને આજે પાયોનિયર કહેવાય છે) હતા. તેમણે જણાવ્યું કે મોટા ભાગના બાઇબલ વિદ્યાર્થીઓને એ લેખ વિશે કેવું લાગ્યું હતું: “ભાઈઓને પ્રકટીકરણ અધ્યાય ૧૨ની નવી સમજણ બહુ જ ગમી. ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે એ હકીકત જાણ્યા પછી, અમને બીજાઓને એ વિશે જણાવવાની ખૂબ તાલાવેલી હતી. એનાથી પ્રચારમાં વધારે કરવાનો અમારો ઉત્સાહ વધ્યો. અમને એ જોવા પણ મદદ મળી કે યહોવા ભાવિમાં કેટલી અદ્ભુત બાબતો કરવાના છે.”
યહોવા વિશે સાક્ષી આપી
આજે યહોવાના સાક્ષીઓને યશાયા ૪૩:૧૦ના શબ્દો સારી રીતે ખબર છે. “યહોવા કહે છે: ‘તમે મારા સાક્ષી છો. હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે.’” જોકે, ૧૯૨૫ પહેલાં આ કલમ ભાગ્યે જ આપણાં સાહિત્યમાં ટાંકવામાં આવતી હતી. પણ બહુ જલદી એ બદલાવાનું હતું. ૧૯૨૫ના વર્ષ દરમિયાન ધ વૉચ ટાવરના ૧૧ અંકોમાં યશાયા ૪૩:૧૦ અને ૧૨ વિશે વાત કરવામાં આવી હતી!
ઑગસ્ટ ૧૯૨૫ના અંતે બાઇબલ વિદ્યાર્થીઓનું એક મહાસંમેલન હતું. એ ઇંડિયાના રાજ્યના ઇંડિયાનાપોલિસ શહેરમાં હતું. ભાઈ રધરફર્ડે મહેમાનોને આવકારવા અમુક શબ્દો લખ્યા હતા. એ શબ્દો મહાસંમેલનના કાર્યક્રમ પર છાપવામાં આવ્યા હતા. તેમણે લખ્યું હતું: “આ મહાસંમેલનમાં આપણે ઈશ્વર પાસેથી શક્તિ મેળવવા આવ્યા છીએ, જેથી આપણે પૂરા ઉત્સાહથી તેમના વિશે સાક્ષી આપીએ.” આખા આઠ દિવસના કાર્યક્રમમાં બધાને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ યહોવા વિશે સાક્ષી આપવાની દરેક તક ઝડપી લે.
શનિવાર, ૨૯ ઑગસ્ટના દિવસે ભાઈ રધરફર્ડે આ વિષય પર પ્રવચન આપ્યું: “ધગશથી કામ કરવા એક હાકલ.” પોતાના પ્રવચનમાં તેમણે ભાર મૂક્યો કે પ્રચારકામ કેમ મહત્ત્વનું છે. તેમણે કહ્યું: “યહોવા પોતાના લોકોને કહે છે: ‘તમે મારા સાક્ષી છો અને હું જ સાચો ઈશ્વર છું.’ પછી યહોવા એકદમ સ્પષ્ટ શબ્દોમાં આ આજ્ઞા આપે છે: ‘લોકો માટે નિશાની ઊભી કરો.’ જેઓ પર ઈશ્વરની પવિત્ર શક્તિ છે અને આમ તેમના સાક્ષી છે, બસ તેઓ જ લોકો માટે નિશાની ઊભી કરી શકે છે, બીજું કોઈ નહિ.”—યશા. ૪૩:૧૨; ૬૨:૧૦.
આશાનો સંદેશો (અંગ્રેજી) પત્રિકા
ભાઈ રધરફર્ડે પ્રવચન પછી એક સંદેશો વાંચ્યો, જેનો વિષય હતો “આશાનો સંદેશો.” ત્યાં હાજર બધા લોકો એ સંદેશા સાથે સહમત થયા. એમાં લખ્યું હતું, “ઈશ્વરનું રાજ્ય જ શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી, કાયમનું જીવન, આઝાદી અને હંમેશ માટેની ખુશી આપી શકે છે.” એ સંદેશાનું આગળ જતાં ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને એને છાપવામાં પણ આવ્યો, જેથી પ્રચારમાં વાપરી શકાય. એની આશરે ચાર કરોડ પ્રતો લોકોને વહેંચવામાં આવી.
બાઇબલ વિદ્યાર્થીઓને યહોવાના સાક્ષી નામ અપનાવતા બીજાં અમુક વર્ષો લાગ્યાં. પણ ધીરે ધીરે તેઓ સમજી રહ્યા હતા કે યહોવા વિશે સાક્ષી આપવી કેટલું મહત્ત્વનું હતું.
રસ ધરાવતા લોકોને ફરી મળ્યા
આખી દુનિયામાં બાઇબલ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હતી. એટલે ભાઈઓએ ઉત્તેજન આપ્યું કે ફક્ત સાહિત્ય આપવાને બદલે, જે લોકોએ ખુશખબરમાં રસ બતાવ્યો હોય તેઓને પાછા મળવા જાઓ. આશાનો સંદેશો (અંગ્રેજી) પત્રિકા આપવાની ઝુંબેશ પૂરી થઈ એ પછી બુલેટિનમાંa આ માર્ગદર્શન મળ્યું: “તમે જેઓને આશાનો સંદેશો પત્રિકા આપી હોય, તેઓને પાછા મળવા જાઓ.”
જાન્યુઆરી ૧૯૨૫ના બુલેટિનમાં ટેક્સસ રાજ્યના પ્લાનો શહેરમાં રહેતા એક બાઇબલ વિદ્યાર્થીએ જણાવેલો આ અહેવાલ છપાયો: “અમને નવાઈ લાગી કે નવા પ્રચાર વિસ્તારની સરખામણીમાં પહેલાં પ્રચાર કર્યો હોય એવા વિસ્તારમાં પાછા જવાથી સારાં પરિણામો મળે છે. અમારા વિસ્તારના એક નાનકડા શહેરને અમે પાછલાં દસ વર્ષોમાં પાંચ વખત આવરી લીધું છે. . . . પણ હાલમાં બહેન હેન્ડ્રીક્સ અને મારાં મમ્મી ત્યાં ફરીથી પ્રચાર કરવા ગયાં અને આ વખતે તેઓએ પહેલાં કરતાં પણ વધારે પુસ્તકો આપ્યાં.”
પનામામાં રહેતા એક કોલ્પોર્ચરે લખ્યું: “પહેલી મુલાકાતમાં ઘણા લોકોએ મારા મોં પર દરવાજો બંધ કર્યો હતો. પણ જ્યારે હું બીજી કે ત્રીજી વાર મળવા ગયો, ત્યારે તેઓનું વલણ બદલાઈ ગયું. આ વર્ષે મેં મોટા ભાગનો સમય એવા લોકોને મળવામાં વિતાવ્યો, જેઓ સાથે મેં અગાઉ વાત કરી હતી. મને ઘણા સારા અનુભવો થયા.”
ભાવિ પર એક નજર
૧૯૨૫ના અંતે ભાઈ રધરફર્ડે બધા પાયોનિયરને એક પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે આખા વર્ષ દરમિયાન પ્રચારકામ કેવું રહ્યું અને આગળ તેઓએ શું કરવું જોઈએ. તેમણે કહ્યું: “આ વર્ષ દરમિયાન દુખિયારાઓને દિલાસો આપવાનો તમને અનેરો લહાવો મળ્યો. એનાથી તમને ઘણી ખુશી મળી. હવે આવનાર વર્ષ દરમિયાન તમને ઈશ્વર અને તેમના રાજ્ય વિશે સાક્ષી આપવાની તેમજ લોકો આગળ ગર્વથી તેમનાં ધોરણો પાળવાની અનેક તક મળશે. તો ચાલો હંમેશાં બુલંદ અવાજે સાથે મળીને આપણા ઈશ્વર અને આપણા રાજાનો મહિમા ગાઈએ.”
૧૯૨૫ના અંત ભાગમાં ભાઈઓ બ્રુકલિન બેથેલને મોટું કરવાની યોજનાઓ ઘડી રહ્યા હતા. ૧૯૨૬માં એક મોટા બાંધકામની શરૂઆત થવાની હતી, જે એ સમયનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો.
૧૯૨૬માં ન્યૂ યૉર્ક રાજ્યના બ્રુકલિન શહેરની એડમ્સ સ્ટ્રીટમાં બાંધકામ
a એ હવે આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા કહેવાય છે.