અભ્યાસ લેખ ૪૩
ગીત ૬ અમારી પ્રાર્થના
બીજાઓ માટે પ્રાર્થના કરવાનું ન ભૂલીએ
“એકબીજા માટે પ્રાર્થના કરો, . . . નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.”—યાકૂ. ૫:૧૬.
આપણે શું શીખીશું?
બીજાઓ માટે પ્રાર્થના કરવી કેમ મહત્ત્વનું છે અને એવું કઈ રીતે કરી શકીએ?
૧. કેમ કહી શકીએ કે આપણી પ્રાર્થનાઓ યહોવા માટે ખૂબ કીમતી છે?
પ્રાર્થના એક અનોખી ભેટ છે. આનો વિચાર કરો: યહોવાએ દૂતોને અમુક જવાબદારીઓ સોંપી છે. (ગીત. ૯૧:૧૧) તેમણે પોતાના દીકરાને પણ ભારે જવાબદારીઓ સોંપી છે. (માથ. ૨૮:૧૮) પણ પ્રાર્થના સાંભળવા વિશે શું? તેમણે એ જવાબદારી ફક્ત પોતાની પાસે રાખી છે. “પ્રાર્થનાના સાંભળનાર” યહોવા પોતે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે.—ગીત. ૬૫:૨.
૨. બીજાઓ માટે પ્રાર્થના કરવા વિશે પ્રેરિત પાઉલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
૨ એ વાત સાચી કે આપણે પ્રાર્થનામાં દિલ ખોલીને પોતાની ચિંતાઓ વિશે યહોવાને જણાવી શકીએ છીએ. જોકે આપણે બીજાઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. પ્રેરિત પાઉલે એવું જ કર્યું હતું. દાખલા તરીકે, તેમણે એફેસસ મંડળને લખ્યું: “મારી પ્રાર્થનાઓમાં હું તમને હંમેશાં યાદ કરું છું.” (એફે. ૧:૧૬) પાઉલે અલગ અલગ ભાઈ-બહેનો માટે નામ દઈને પણ પ્રાર્થના કરી. જેમ કે, તેમણે તિમોથીને કહ્યું: “હું ઈશ્વરનો આભાર માનું છું અને રાત-દિવસ મારી વિનંતીઓમાં તને યાદ કરું છું.” (૨ તિમો. ૧:૩) પાઉલના પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી, જેના વિશે તે પ્રાર્થના કરી શકતા હતા. (૨ કોરીં. ૧૧:૨૩; ૧૨:૭, ૮) તોપણ તેમણે બીજાઓ માટે પ્રાર્થના કરવા સમય કાઢ્યો.
૩. આપણે કેમ બીજાઓ માટે પ્રાર્થના કરવાનું ચૂકી જઈ શકીએ?
૩ અમુક વાર આપણે બીજાઓ માટે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ. એવું કેમ? એનું એક કારણ જણાવતા સબરીનાબહેનa કહે છે: “આજે આપણું જીવન એકદમ ભાગદોડવાળું થઈ ગયું છે. આપણે કદાચ પોતાની તકલીફો વિશે એટલું બધું વિચારવા લાગીએ કે બસ પોતાની જરૂરિયાતો વિશે જ પ્રાર્થના કરીએ.” શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે? જો બન્યું હોય, તો આ લેખથી તમને મદદ મળશે. આપણે જોઈશું કે બીજાઓ માટે પ્રાર્થના કરવી કેમ મહત્ત્વનું છે. એ પણ જોઈશું કે કઈ રીતે બીજાઓ માટે પ્રાર્થના કરી શકીએ.
બીજાઓ માટે કેમ પ્રાર્થના કરવી જોઈએ?
૪-૫. બીજાઓ માટે કરેલી પ્રાર્થનાની કઈ રીતે “જોરદાર અસર થાય છે”? (યાકૂબ ૫:૧૬)
૪ બીજાઓ માટે કરેલી પ્રાર્થનાની “જોરદાર અસર થાય છે.” (યાકૂબ ૫:૧૬ વાંચો.) બીજાઓ માટે પ્રાર્થના કરવાથી શું કોઈ ફરક પડે છે? હા, કદાચ તેઓના સંજોગો બદલાઈ શકે છે. ઈસુ જાણતા હતા કે બહુ જલદી પ્રેરિત પિતર તેમનો નકાર કરવાના છે. એટલે તેમણે કહ્યું: “મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ.” (લૂક ૨૨:૩૨) પાઉલ પણ જાણતા હતા કે કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરવાથી તેના સંજોગો બદલાઈ શકે છે. જ્યારે તેમને રોમમાં ખોટી રીતે કેદ કરવામાં આવ્યા, ત્યારે તેમણે ફિલેમોનને લખ્યું: “મને આશા છે કે તમારી પ્રાર્થનાઓને લીધે હું તમારી પાસે પાછો આવીશ.” (ફિલે. ૨૨) અને એવું જ થયું! જલદી જ પાઉલને આઝાદ કરવામાં આવ્યા અને તે ફરીથી પ્રચાર કરવા લાગ્યા.
૫ પણ એનો અર્થ એ નથી કે આપણે પ્રાર્થનામાં જે અરજ કરીએ, એ પ્રમાણે યહોવાએ કરવું જ પડશે. યહોવા તેમના ભક્તોની ચિંતાઓ પર ધ્યાન આપે છે અને અમુક વાર તે તેઓની અરજ પ્રમાણે કરવાનું પસંદ કરે છે. એ વાત યાદ રાખવાથી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી વિશે દિલ ખોલીને યહોવાને જણાવી શકીએ છીએ. એટલું જ નહિ, પૂરો ભરોસો રાખી શકીએ છીએ કે યહોવા એ મુશ્કેલીને સૌથી સારી રીતે હાથ ધરશે.—ગીત. ૩૭:૫; ૨ કોરીં. ૧:૧૧.
૬. બીજાઓ માટે પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થાય છે? (ફિલિપીઓ ૨:૧)
૬ બીજાઓ માટે પ્રાર્થના કરવાથી ‘કરુણાનો’ ગુણ કેળવી શકીએ છીએ. (ફિલિપીઓ ૨:૧ વાંચો.) કરુણા બતાવનાર વ્યક્તિ બીજાઓની તકલીફો પર ધ્યાન આપે છે અને તેઓને મદદ કરવાની ઇચ્છા રાખે છે. (માર્ક ૧:૪૦, ૪૧) માઇકલ નામના વડીલ કહે છે: “જ્યારે હું બીજાઓની જરૂરિયાતો વિશે પ્રાર્થના કરું છું, ત્યારે તેઓની તકલીફો વધારે સારી રીતે સમજી શકું છું અને તેઓ માટેનો મારો પ્રેમ વધે છે. કદાચ તેઓને ખબર ન હોય, પણ હું તેઓની વધારે નજીક મહેસૂસ કરું છું.” ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાથી બીજો કયો ફાયદો થાય છે? એ વિશે રિચર્ડ નામના વડીલ કહે છે: “કોઈના માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેમને મદદ કરવાનું વધારે મન થાય છે.” તે આગળ જણાવે છે: “એ વ્યક્તિને મદદ કરીએ છીએ ત્યારે એક રીતે આપણે એ પ્રાર્થનાનો જવાબ આપવામાં નાનો ભાગ ભજવીએ છીએ.”
૭. બીજાઓ માટે પ્રાર્થના કરવાથી કઈ રીતે પોતાની તકલીફો વિશે યોગ્ય વલણ રાખી શકીએ છીએ? (ફિલિપીઓ ૨:૩, ૪) (ચિત્રો પણ જુઓ.)
૭ બીજાઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પોતાની તકલીફો વિશે યોગ્ય વલણ રાખી શકીએ છીએ. (ફિલિપીઓ ૨:૩, ૪ વાંચો.) આજની દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. એટલે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. (૧ યોહા. ૫:૧૯; પ્રકટી. ૧૨:૧૨) બીજાઓ માટે પ્રાર્થના કરવાની આદત પાડીએ છીએ ત્યારે યાદ રાખવા મદદ મળે છે કે “[આપણા] બધા ભાઈઓ એવાં જ દુઃખો સહન કરે છે.” (૧ પિત. ૫:૯) કેથરીનબહેન પાયોનિયર છે. તે કહે છે: “બીજાઓ માટે પ્રાર્થના કરવાથી મને યાદ રહે છે કે તેઓ પણ મુશ્કેલીઓનો સામનો કરે છે. એનાથી હું પોતાની તકલીફો વિશે વધારે પડતું વિચારતી નથી.”
બીજાઓ માટે પ્રાર્થના કરવાથી પોતાની તકલીફો વિશે યોગ્ય વલણ રાખવા મદદ મળે છે (ફકરો ૭ જુઓ)d
તેઓને આપણી પ્રાર્થનાની જરૂર છે!
૮. આપણે કોના માટે પ્રાર્થના કરી શકીએ?
૮ આપણે કોના માટે પ્રાર્થના કરી શકીએ? અલગ અલગ મુશ્કેલીઓ પ્રમાણે ભાઈ-બહેનોને અલગ અલગ જૂથોમાં વહેંચી લઈએ, પછી તેઓ માટે પ્રાર્થના કરી શકીએ. જેમ કે, બીમારીઓનો સામનો કરતા ભાઈ-બહેનો. સ્કૂલમાં મજાક-મશ્કરી અને દબાણનો સામનો કરતા યુવાનો. વધતી ઉંમરને લીધે તકલીફો સહેતાં ભાઈ-બહેનો. કુટુંબીજનો કે સરકાર તરફથી વિરોધનો સામનો કરતા ભાઈ-બહેનો. (માથ. ૧૦:૧૮, ૩૬; પ્રે.કા. ૧૨:૫) રાજકીય ઊથલ-પાથલને લીધે પોતાનું ઘર છોડવું પડ્યું હોય એવાં ભાઈ-બહેનો. કુદરતી આફતનો ભોગ બનેલાં ભાઈ-બહેનો. આપણે કદાચ એ દરેકેદરેક ભાઈ-બહેનને ઓળખતા ન હોઈએ. પણ તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈસુની આ આજ્ઞા પાળીએ છીએ: “એકબીજાને પ્રેમ કરો.”—યોહા. ૧૩:૩૪.
૯. સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ અને તેઓની પત્નીઓ માટે કેમ પ્રાર્થના કરવી જોઈએ?
૯ સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ માટે પણ પ્રાર્થના કરી શકીએ. જેમ કે, નિયામક જૂથના ભાઈઓ અને તેઓના મદદનીશો, શાખા સમિતિમાં સેવા આપતા ભાઈઓ, શાખા કચેરીમાં સેવા આપતા નિરીક્ષકો, સરકીટ નિરીક્ષકો, મંડળના વડીલો અને સહાયક સેવકો. એમાંના ઘણા ભાઈઓનાં જીવનમાં મુશ્કેલીઓ છે. તેમ છતાં, તેઓ આપણા માટે પોતાની જાત ઘસી નાખે છે. (૨ કોરીં. ૧૨:૧૫) માર્કભાઈ સરકીટ નિરીક્ષક છે. તે કહે છે: “મારા જીવનમાં અલગ અલગ મુશ્કેલીઓ છે. એમાંની એક મોટી મુશ્કેલી છે કે હું મારાં ઘરડાં માબાપથી દૂર રહું છું. તેઓની તબિયત એટલી સારી રહેતી નથી. મારી બહેન અને જીજાજી તેઓની સંભાળ રાખે છે. પણ હું તેઓ માટે વધારે નથી કરી શકતો એ વાતનો વસવસો છે.” ભલે આપણે એ મહેનતુ ભાઈઓની મુશ્કેલીઓ વિશે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, આપણે હંમેશાં તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) આપણે તેઓની પત્નીઓ માટે પણ પ્રાર્થના કરી શકીએ. તેઓ પોતાના પતિને વફાદારીથી ટેકો આપે છે, જેથી તેઓ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે.
૧૦-૧૧. બધાં ભાઈ-બહેનો માટે એકસાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું યહોવા એનાથી ખુશ થાય છે? સમજાવો.
૧૦ આપણે જોઈ ગયા કે ઘણી વાર આપણે અલગ અલગ મુશ્કેલીઓ સહેતાં ભાઈ-બહેનોનાં જૂથ માટે પ્રાર્થના કરીએ છીએ. દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને મનમાં રાખ્યા વગર આપણે કદાચ એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ જેઓ જેલમાં છે, જેથી યહોવા તેઓને મદદ કરે. અથવા આપણે એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ જેઓએ મરણમાં પોતાનાં સગાં-વહાલાંને ગુમાવ્યાં છે, જેથી યહોવા તેઓને દિલાસો આપે. ડોનાલ્ડ નામના વડીલ કહે છે: “આપણાં ઘણાં ભાઈ-બહેનો અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. એટલે અમુક વાર આપણે તેઓ બધાં માટે એક પ્રાર્થના કરીએ છીએ, જાણે એક મોટી છત્રીમાં બધાને સમાવી લઈએ છીએ.”
૧૧ શું યહોવા એવી પ્રાર્થનાઓથી ખુશ થાય છે? હા ચોક્કસ! આપણે કંઈ દરેકેદરેક ભાઈ-બહેનોની જરૂરિયાતો વિશે જાણતા નથી. એટલે આપણી પ્રાર્થનાઓમાં અલગ અલગ મુશ્કેલીઓ સહેતાં ભાઈ-બહેનોને સમાવી લઈએ તો એમાં કંઈ ખોટું નથી. (યોહા. ૧૭:૨૦; એફે. ૬:૧૮) એવી પ્રાર્થનાઓથી સાબિત કરીએ છીએ કે આપણે “સર્વ ભાઈઓને પ્રેમ” બતાવીએ છીએ.—૧ પિત. ૨:૧૭.
કોઈ ભાઈ કે બહેન માટે પ્રાર્થના
૧૨. ધ્યાન આપવાથી કોઈ ભાઈ કે બહેન માટે પ્રાર્થના કરવા કઈ રીતે મદદ મળશે?
૧૨ ભાઈ-બહેનો પર ધ્યાન આપીએ. અલગ અલગ ભાઈ-બહેનોનાં જૂથ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે આપણે કોઈ ભાઈ કે બહેનનું નામ દઈને પણ પ્રાર્થના કરવી જોઈએ. શું તમારા મંડળમાં કોઈ ભાઈ કે બહેન મોટી બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે? શું કોઈ યુવાન ભાઈ કે બહેન નિરાશ થઈ ગયાં છે, કેમ કે સ્કૂલમાં તેમના પર ખોટાં કામ કરવાનું દબાણ આવે છે? શું કોઈ ભાઈ કે બહેન “યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને” એકલા હાથે પોતાના બાળકનો ઉછેર કરે છે? (એફે. ૬:૪) જો ભાઈ-બહેનો પર ધ્યાન આપીશું, તો તેઓ માટેનો આપણો પ્રેમ વધશે. આમ, તેઓ માટે પ્રાર્થના કરવાનું વધારે મન થશે.b—રોમ. ૧૨:૧૫.
૧૩. ઓળખતા ન હોઈએ એવાં ભાઈ-બહેનો માટે કઈ રીતે પ્રાર્થના કરી શકીએ?
૧૩ નામ દઈને પ્રાર્થના કરીએ. જે ભાઈ-બહેનોને આપણે કદી મળ્યા નથી, તેઓનું પણ નામ દઈને પ્રાર્થના કરી શકીએ છીએ. જેમ કે, ક્રિમીયા, એરિટ્રિયા, રશિયા અને સિંગાપુર જેવા દેશોમાં જે ભાઈ-બહેનો કેદમાં છે તેઓનો વિચાર કરો. તેઓનાં નામ આપણને jw.org પરથી મળી શકે છે.c બ્રાયન નામના સરકીટ નિરીક્ષક કહે છે: “જેલમાં છે એવા ભાઈ કે બહેનનું નામ હું લખી લઉં છું અને પછી એ મોટેથી બોલું છું. એમ કરવાથી હું તેમનું નામ યાદ રાખી શકું છું અને તેમના માટે પ્રાર્થના કરી શકું છું.”
૧૪-૧૫. કોઈ ચોક્કસ બાબત માટે પ્રાર્થના કરવા શું કરી શકીએ?
૧૪ ભાઈ-બહેનોના સંજોગોને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ બાબત માટે પ્રાર્થના કરીએ. અગાઉ આપણે માઇકલભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે: “જેલમાં હોય એવા ભાઈઓ વિશે jw.org પર વાંચું છું ત્યારે, કલ્પના કરવાની કોશિશ કરું છું કે હું તેઓની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત. મને ચોક્કસ મારી પત્નીની ચિંતા થઈ હોત. મેં ખાતરી કરી હોત કે તેને જીવન-જરૂરી વસ્તુઓ મળી રહે. આમ, જે ભાઈઓ પરણેલા છે અને જેલમાં છે, તેઓ માટે હું પ્રાર્થનામાં અમુક ચોક્કસ બાબતો માંગી શકું છું.”—હિબ્રૂ. ૧૩:૩.
૧૫ કલ્પના કરીએ કે જેલમાં હોય એવાં ભાઈ-બહેનોનું જીવન કેવું હશે. એનાથી બીજી ઘણી બાબતો માટે પ્રાર્થના કરી શકીશું. દાખલા તરીકે, આપણે પ્રાર્થના કરી શકીએ કે જેલના ચોકીદારો આપણાં ભાઈ-બહેનો સાથે સારી રીતે વર્તે અને અધિકારીઓ તેઓને જેલમાં યહોવાની ભક્તિ કરવા દે. (૧ તિમો. ૨:૧, ૨) આપણે બીજા શાના માટે પ્રાર્થના કરી શકીએ? જેલમાં હોય એવાં ભાઈ-બહેનોની વફાદારીથી તેઓનાં મંડળને ઉત્તેજન મળે એ માટે તેમજ એ ભાઈ-બહેનોનાં સારાં વાણી-વર્તનથી યહોવાની ભક્તિ કરતા ન હોય એવા લોકોને સંદેશો સાંભળવાનું મન થાય એ માટે પ્રાર્થના કરી શકીએ. (૧ પિત. ૨:૧૨) બીજી કસોટીઓનો સામનો કરતા ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ ત્યારે પણ આપણે આ રીત અજમાવી શકીએ. ભાઈ-બહેનો પર ધ્યાન આપીને, તેઓનું નામ દઈને પ્રાર્થના કરીને અને કોઈ ચોક્કસ બાબત માટે પ્રાર્થના કરીને બતાવી શકીએ છીએ કે ‘એકબીજા માટે આપણો પ્રેમ વધતો ને વધતો જાય છે.’—૧ થેસ્સા. ૩:૧૨.
પ્રાર્થના કરતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૧૬. પ્રાર્થના કરતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ? (માથ્થી ૬:૮)
૧૬ આપણે જોઈ ગયા તેમ કોઈના માટે પ્રાર્થના કરવાથી તેમના સંજોગો બદલાઈ શકે છે. જોકે, આપણે પ્રાર્થના કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે યહોવા બધું જ જાણે છે અને આપણે તેમને કંઈ નવું નથી જણાવી રહ્યા. તેમ જ, કોઈ સંજોગને કઈ રીતે હાથ ધરવો એ માટે તેમને આપણી સલાહની જરૂર નથી. યહોવા જાણે છે કે તેમના ભક્તોને શાની જરૂર છે. અરે, એ ભક્તને પોતાની જરૂરિયાત વિશે ખબર પડે અથવા આપણને તેની જરૂરિયાત વિશે ખબર પડે એ પહેલાં, યહોવાને ખબર હોય છે. (માથ્થી ૬:૮ વાંચો.) તો પછી આપણે કેમ બીજાઓ માટે પ્રાર્થના કરવી જોઈએ? આ લેખમાં જે કારણો જોઈ ગયા એ ઉપરાંત બીજાઓ માટે પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણને તેઓની કેટલી ચિંતા છે. પ્રેમને લીધે બીજાઓ માટે પ્રાર્થના કરવાની ઇચ્છા થાય છે. યહોવા એ જોઈને ઘણા ખુશ થાય છે કે તેમના ભક્તોમાં તેમના જેવો પ્રેમ છલકાય છે.
૧૭-૧૮. દાખલો આપીને સમજાવો કે આપણે કેમ બીજાઓ માટે પ્રાર્થના કરીએ છીએ.
૧૭ ભલે આપણને લાગે કે બીજાઓ માટે પ્રાર્થના કરવાથી તેઓના સંજોગોમાં કોઈ ફરક પડતો નથી. પણ પ્રાર્થના કરતા રહેવાથી ભાઈ-બહેનો માટેનો પ્રેમ દેખાઈ આવે છે અને યહોવા એની નોંધ લે છે. ચાલો એ સમજવા એક દાખલો લઈએ. એક કુટુંબમાં બે નાનાં બાળકો છે, એક છોકરો અને એક છોકરી. છોકરો ખૂબ બીમાર પડે છે. છોકરી પિતા આગળ કરગરે છે: “પપ્પા, ભાઈને નથી સારું. કંઈક કરો ને!” છોકરો બીમારીમાંથી સાજો થાય એ માટે પિતાએ પહેલેથી અમુક પગલાં ભર્યાં છે. તે પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરે છે અને તેની દિલથી સંભાળ રાખે છે. પણ જરા પિતાની ખુશીનો તો વિચાર કરો! દીકરીને પોતાના ભાઈની એટલી ચિંતા છે કે તેને મદદ કરવા તે કરગરીને વિનંતી કરે છે. એ જોઈને પિતા ચોક્કસ ગદ્ગદ થઈ ગયા હશે.
૧૮ એવી જ રીતે, યહોવા આપણને ઉત્તેજન આપે છે કે આપણે એકબીજાની ચિંતા કરીએ અને એકબીજા માટે પ્રાર્થના કરીએ. એમ કરીને બતાવી આપીએ છીએ કે આપણને પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા છે. એ વાત યહોવાના ધ્યાન બહાર જતી નથી. (૨ થેસ્સા. ૧:૩; હિબ્રૂ. ૬:૧૦) આપણે એ પણ જોઈ ગયા કે કોઈના માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમુક વાર તેમના સંજોગો બદલાઈ શકે છે. એટલે ક્યારેય એકબીજા માટે પ્રાર્થના કરવાનું ન ભૂલીએ.
ગીત ૫૩ સંપીને રહીએ
a અમુક નામ બદલ્યાં છે.
b jw.org/gu પર આ વીડિયો જુઓ: ટકેશી શીમીઝુ: “યહોવા પ્રાર્થનાના સાંભળનાર” છે.
c જેલમાં છે એવાં ભાઈ-બહેનોનાં નામ શોધવા jw.org (અંગ્રેજી) પર “શોધો” બૉક્સમાં લખો: “જેહોવાઝ વિટનેસીસ ઇમપ્રિઝન્ડ ફોર ધેઅર ફેઇથ—બાય લોકેશન.”
d ચિત્રની સમજ: પોતે મુશ્કેલીઓ સહેતાં ભાઈ-બહેનો બીજાઓ માટે પ્રાર્થના કરે છે.