પૈસાની સમસ્યા અને દેવું—શું બાઇબલ મદદ કરી શકે?
શાસ્ત્રમાંથી જવાબ
હા. પૈસાની સમસ્યા અને દેવાને લગતી તકલીફોનો સામનો કરવા તમને બાઇબલના આ ચાર સિદ્ધાંતો મદદ કરી શકે:
૧. કેટલો ખર્ચ કરશો એની યોજના બનાવો. “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.” (નીતિવચનો ૨૧:૫) કોઈ પણ વસ્તુ ફક્ત એટલે જ ન ખરીદો કેમ કે એ સસ્તામાં મળે છે. વિચારો કે તમને ખરેખર શાની જરૂર છે અને તમારી પાસે કેટલા પૈસા છે. એ પછી જ ખર્ચો કરો.
૨. બને ત્યાં સુધી દેવું ન કરો. “અમીર માણસ ગરીબ પર હુકમ ચલાવે છે અને ઉધાર લેનાર ઉધાર આપનારનો ચાકર છે.” (નીતિવચનો ૨૨:૭) જો તમે પહેલેથી જ પૈસા ઉછીના લીધા હોય અને સમયસર ચૂકવી શકતા ન હો, તો જેની પાસેથી પૈસા લીધા હોય, તેને વિનંતી કરતા રહો કે તમે બીજી કોઈ રીતે પૈસા ચૂકવી આપશો. તમે નીતિવચનો ૬:૧-૫માં જણાવેલા વ્યક્તિ જેવું વલણ રાખી શકો, જ્યાં લખ્યું છે: ‘તું નમ્ર બનીને તારા પડોશી પાસે જા અને તેની આગળ કાલાવાલા કર. તારી આંખો ઘેરાવા દેતો નહિ, તારાં પોપચાં ઢળી પડવા દેતો નહિ.’ તમારી પહેલી વિનંતી સ્વીકારવામાં ન આવે, તો હાર ન માનો. વિનંતી કરવાનું ચાલુ રાખજો.
૩. પૈસાને વધારે પડતું મહત્ત્વ ન આપો. “ઈર્ષાળુ માણસ સંપત્તિ પાછળ ભાગે છે, પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી.” (નીતિવચનો ૨૮:૨૨) ઈર્ષા અને લોભને લીધે વ્યક્તિએ પૈસેટકે તંગીનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહિ, ઈશ્વર સાથેનો તેનો સંબંધ પણ તૂટી શકે છે.
૪. જેટલું છે એટલામાં ખુશ રહો. “જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.” (૧ તિમોથી ૬:૮) પૈસાથી સુખ અને સંતોષ ખરીદી શકાતાં નથી. દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ પાસે બહુ બધા પૈસા નથી છતાં તેઓ ખૂબ જ ખુશ છે અને સંતોષી જીવન જીવે છે. એનું કારણ શું છે? તેઓ પાસે કુટુંબ અને મિત્રોનો પ્રેમ છે તેમજ તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ એકદમ પાકો છે.—નીતિવચનો ૧૫:૧૭; ૧ પિતર ૫:૬, ૭.