બાઇબલમાં ઈસ્ટર વિશે શું જણાવ્યું છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં ક્યાંય નથી જણાવ્યું કે આપણે ઈસ્ટરનો તહેવાર ઊજવવો જોઈએ. ઈસ્ટરનો ઇતિહાસ તપાસવાથી ખબર પડે છે કે એની શરૂઆત ક્યાંથી થઈ. એ તહેવાર જૂના જમાનાની પ્રજનન વિધિઓ સાથે જોડાયેલો છે. નીચે આપેલા અમુક મુદ્દા પર ધ્યાન આપો.
નામ: ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં જણાવ્યા પ્રમાણે “અંગ્રેજી નામ ઈસ્ટર ક્યાંથી આવ્યું, એ વિશે કોઈ માહિતી નથી. આઠમી સદીના પૂજારી બેદેના જણાવ્યા પ્રમાણે વસંત ૠતુની દેવી ઈઓસ્ટ્રે પરથી પાડવામાં આવ્યું છે.” બીજા પુસ્તકોમાં જણાવ્યું છે કે એ નામ ફિનીકિયાની પ્રજનનની દેવી એસ્તાર્તે પરથી પાડવામાં આવ્યું છે. બાબેલોનમાં એવી જ એક દેવીની પૂજા થતી હતી, જેનું નામ ઈશ્તાર હતું.
સસલાં: એ પ્રજનન શક્તિનું પ્રતીક છે. “એ યુરોપ અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં વસંત ૠતુ દરમિયાન ઊજવાતા એવા તહેવારો સાથે જોડાયેલું છે, જેને સાચા ઈશ્વરની ભક્તિ ન કરતા લોકો ઊજવતા હતા. એમાં જૂના રીતરિવાજો અને પ્રતીકો હતાં. એમાંથી જ આ પ્રતીક લેવામાં આવ્યું છે.”—ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા.
ઈંડાં: ફંક એન્ડ વૅગનૉલ્સ સ્ટાન્ડર્ડ ડિક્ષનરી ઑફ ફોકલોર, માયથૉલૉજી એન્ડ લેજંડ પ્રમાણે ઈસ્ટરના ઈંડાં ઈસ્ટરનું સસલું લાવે છે. “ઈંડાં શોધવાની પ્રથા એ ફક્ત બાળકોની રમત નથી, પણ પ્રજનન શક્તિ સાથે જોડાયેલી ધાર્મિક વિધિ છે.” અમુક સમૂહના લોકો માનતા હતા કે શણગારેલું ઈંડું “ચમત્કારિક રીતે સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને સલામતી લાવી શકે છે.”—ટ્રેડીશનલ ફેસ્ટિવલ્સ.
ઈસ્ટરમાં નવા કપડાં: “સ્કૅન્ડિનેવિયાની વસંત ૠતુની દેવી અથવા એસ્ટેરેનું સ્વાગત નવાં કપડાંમાં ન કરવામાં આવે તો એને અસભ્ય અને અશુભ માનવામાં આવતું.”—ધ જાયન્ટ બુક ઑફ સુપરસ્ટિશન્સ.
સૂરજ ઊગવાના સમયના રીતરિવાજો: આ રીતરિવાજો એવી પ્રથાઓ સાથે જોડાયેલા છે જે જૂના જમાનામાં સૂરજની ભક્તિ કરતા લોકો માનતા હતા. તેઓ માનતા હતા કે આ પ્રથાઓ ‘વસંત ૠતુની શરૂઆતમાં સૂર્યનો આવકાર કરવા અને એની અપાર શક્તિનો મહિમા કરવા પાળતા હતા. તેઓને ભરોસો હતો કે સૂરજ પૃથ્વી પર ઊગતી બધી વસ્તુઓમાં જીવનનો નવો શ્વાસ ફૂંકે છે.’—સેલિબ્રેશન—ધ કમ્પ્લીટ બુક ઑફ અમેરિકન હૉલિડેઝ.
ઈસ્ટરની શરૂઆત વિશે ધી અમેરિકન બુક ઑફ ડેઝ જણાવે છે: “ચર્ચે શરૂઆતના દિવસોમાં જૂના અને ખોટા રીતરિવાજો સ્વીકાર્યા. એ રિવાજોને એ રીતે રજૂ કર્યા જાણે એ ખ્રિસ્તી શિક્ષણનો જ ભાગ હોય.”
બાઇબલમાંથી આપણને ચેતવણી મળે છે કે આપણી ભક્તિમાં એવા રીતરિવાજોનો સમાવેશ ન કરવો જોઈએ જેનાથી ઈશ્વર નાખુશ થાય. (માર્ક ૭:૬-૮) ૨ કોરીંથીઓ ૬:૧૭માં જણાવ્યું છે: “‘પોતાને અલગ કરો,’ યહોવા કહે છે, ‘અશુદ્ધ વસ્તુને અડકતા નહિ.’” ઈસ્ટર સાચા ઈશ્વરની ભક્તિ ન કરતા લોકોનો તહેવાર છે અને જેઓ ઈશ્વરને ખુશ કરવા ચાહે છે તેઓ એનાથી દૂર રહેશે.