હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરું, તો શું મારે યહોવાના સાક્ષી બનવું જ પડશે?
ના, એ તમારો નિર્ણય છે. એમ કરવા ફરજ પાડવામાં આવતી નથી. અમારી સાથે એવા લાખો લોકો બાઇબલ અભ્યાસ કરે છે, જેઓ અમારા મંડળનો ભાગ બનતા નથી.a અભ્યાસનો હેતુ છે કે, બાઇબલ શું શીખવે છે. એ જ્ઞાનનો તમે કેવો ઉપયોગ કરશો, એ તમારી મરજીની વાત છે. અમે માનીએ છીએ કે, શ્રદ્ધા એ દરેકની અંગત બાબત છે.—યહોશુઆ ૨૪:૧૫.
શું હું મારા પોતાના બાઇબલમાંથી અભ્યાસ કરી શકું?
હા. અમે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલ વાપરીએ છીએ. એ આજે બોલાતી ભાષામાં છે, એ વાંચવું અમને ગમે છે. તમારી પાસે બાઇબલ ન હોય તો અમે એ આપી શકીએ. બાઇબલનું કોઈ પણ ભાષાંતર તપાસો તો તમને આશા અને તારણનો સંદેશો જોવા મળશે.
જે લોકો તમારા સંગઠનમાં જોડાતા નથી, તેઓ સાથે તમે કેમ અભ્યાસ કરો છો?
ઈશ્વર યહોવા માટેના પ્રેમને લીધે અમે લોકો સાથે અભ્યાસ ચલાવવા પ્રેરાઈએ છીએ. ઈશ્વર યહોવા ચાહે છે કે તેમના ભક્તો પોતે શીખેલી બાબતો બીજાઓને શીખવે. (માથ્થી ૨૨:૩૭, ૩૮; ૨૮:૧૯, ૨૦) અમે માનીએ છીએ કે “ઈશ્વરના સાથી કામદારો” તરીકે લોકોને બાઇબલમાંથી શીખવવું, એનાથી મોટો બીજો કોઈ લહાવો નથી.—૧ કોરીંથીઓ ૩:૬-૯.
અમે પડોશીને એટલે બીજા લોકોને પ્રેમ કરતા હોવાથી તેઓને બાઇબલમાંથી શીખવવા પ્રેરાઈએ છીએ. (માથ્થી ૨૨:૩૯) શીખેલી બાબતો બીજાઓને જણાવવામાં અમને આનંદ મળે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.
a વર્ષ ૨૦૨૩માં દર મહિને ૭૨,૮૧,૨૧૨ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા હતા. કેટલાક અભ્યાસમાં તો ઘણા લોકો બેસતા. તોપણ, એ વર્ષે ફક્ત ૨,૬૯,૫૧૭ લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યા હતા.