વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

c ફ્રાંસમાં ત્રણ ખાસ સંમેલનો પૅરિસ, બોરડ્યુક્ષ અને લાયોન્સમાં રાખવામાં આવ્યાં હતાં. ઇટાલીમાં એક જ સમયે કુલ નવ મહાસંમેલનો રાખવામાં આવ્યાં હોવા છતાં, અમેરિકાના પ્રતિનિધિઓને રોમ અને મિલાનમાં સોંપણી કરવામાં આવી હતી.

[પાન ૨૯-૩૦ પર બોક્સ/ચિત્ર]

ઠરાવ

ફ્રાંસ અને ઇટાલીમાં “પરમેશ્વરના વચન શીખવનારા” ખાસ મહાસંમેલનો ઑગસ્ટ, ૨૦૦૧માં રાખવામાં આવ્યાં હતાં. એ મહાસંમેલનોમાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો. એ ઠરાવ નીચે જોવા મળે છે.

“યહોવાહના સાક્ષીઓ તરીકે ‘પરમેશ્વરના વચન શીખવનારા’ આ મહાસંમેલનમાં એકઠા થયેલા આપણ સર્વને જે શીખવવામાં આવ્યું છે એ ખૂબ જ લાભદાયી છે. આપણે બધા જ સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે આ શિક્ષણ કોના તરફથી આવે છે. આ શિક્ષણ મનુષ્યો તરફથી નહિ, પણ પ્રાચીન પ્રબોધક યશાયાહે જણાવ્યું તેમ આપણા ‘મહાન શિક્ષક’ તરફથી આવે છે. (યશાયાહ ૩૦:​૨૦, NW) યશાયાહ ૪૮:૧૭માં જણાવ્યા પ્રમાણે યહોવાહે જે યાદ દેવડાવ્યું એને ધ્યાન આપો: ‘હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.’ તે કઈ રીતે આપણને માર્ગદર્શન આપે છે? એ માટે તે દુનિયાની સૌથી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલા અને દૂર દૂર સુધી જાણીતા પુસ્તક બાઇબલનો ઉપયોગ કરી રહ્યા છે જેના વિષે બાઇબલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ‘દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે અને ઉપયોગી છે.’​—⁠૨ તીમોથી ૩:​૧૬.

“આજે માનવજાતને આવા લાભદાયી શિક્ષણની ખૂબ જરૂર છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ? આ જગતના બદલાતા અને મુશ્કેલભર્યા સંજોગોને જોઈને સમજુ લોકો શું સ્વીકારે છે? તેઓ સ્વીકારે છે કે, કરોડો લોકોએ શાળા-કૉલેજનું શિક્ષણ લીધું હોવા છતાં, તેઓમાં નૈતિક મૂલ્યો કે ધોરણોથી ખામી જોવા મળે છે અને તેઓ ખરું-ખોટું પારખવામાં નિષ્ફળ ગયા છે. (યશાયાહ ૫:​૨૦, ૨૧) મોટા ભાગના લોકો પાસે હજુ પણ બાઇબલનું જ્ઞાન નથી. ટેક્નૉલૉજી એટલી આગળ વધી ગઈ છે કે કૉમ્પ્યુટર દ્વારા દરેક ક્ષેત્રને લગતી માહિતી મળી રહે છે. તેમ છતાં, કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો એમાં કોઈ જ જવાબ મળતો નથી. જેમ કે, જીવનનો હેતુ શું છે? આજે જે બનાવો બની રહ્યા છે એને આપણે કઈ રીતે સમજી શકીએ? શું ભવિષ્ય માટેની કોઈ નક્કર આશા છે? શું ક્યારેય શાંતિ અને સલામતી આવશે? વધુમાં, આજે માનવીઓએ મોટા ભાગના દરેક વિષયો પર એટલું બધું જ્ઞાન હાંસલ કર્યું છે કે એના અસંખ્ય ગ્રંથોથી પુસ્તકાલયો ઊભરાઈ રહ્યાં છે. તેમ છતાં, માનવજાત હજુ પણ પહેલાં જેવી જ ભૂલો કરી રહી છે. ગુનાઓ વધતા જાય છે. હજુ એક બીમારીનો ઇલાજ શોધવામાં આવ્યો હોય ત્યાં જ, એઇડ્‌ઝ જેવા પ્રાણઘાતક રોગો ચોંકાવી દેતી હદે ફેલાઈ રહ્યા છે. નવાઈ પમાડે એટલી હદે કુટુંબો તૂટી રહ્યાં છે. પ્રદૂષણ વાતાવરણનો નાશ કરી રહ્યું છે. ત્રાસવાદ અને પુષ્કળ હથિયારોનો ભય હજુ પણ શાંતિ અને સલામતી પર ઝઝૂમી રહ્યો છે. જેનો કોઈ ઉકેલ ન હોય એવી સમસ્યાઓ આવતી જ રહે છે. આવા સંકટના સમયોમાં આપણા સાથી માનવીઓને મદદ કરવામાં આપણી કઈ ભૂમિકા છે? શું એવું કોઈ શિક્ષણ છે જે માનવજાતની સર્વ સમસ્યાઓનું કારણ સમજાવે, આજે સારા જીવનનો માર્ગ બતાવે અને ભવિષ્યમાં પણ અદ્‍ભુત આશાની ખાતરી આપે?

“આપણને એક કામગીરી સોંપવામાં આવી છે કે, ‘જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરીએ અને ઈસુએ જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવીએ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) આ કાર્ય ઈસુએ મરણમાંથી સજીવન થયા પછી સોંપ્યું હતું, જ્યારે તેમણે સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મેળવ્યો. આપણા કોઈ પણ કામ કરતાં આ કાર્ય પ્રથમ સ્થાને છે. પરમેશ્વર ઇચ્છે છે કે ન્યાયીપણાને ઝંખતા લોકોની આત્મિક જરૂરિયાતોને આપણે સૌથી પહેલા સંતોષીએ. એ કાર્યને ગંભીરતાથી લેવાને આપણી પાસે શાસ્ત્રીય કારણો છે.

“આપણે આ કાર્યને જીવનમાં સૌથી પ્રથમ રાખવું જોઈએ. ધાર્મિક અને રાજકીય જૂથો, આ વિશ્વવ્યાપી શૈક્ષણિક કાર્યક્રમની પ્રગતિમાં અડચણો લાવવા કે એનો વિરોધ કરવા ગમે તેટલી યોજનાઓ કરે તોપણ, પરમેશ્વરના આશીર્વાદ અને મદદથી એ કાર્ય પૂરું થશે. આપણને પૂરો ભરોસો છે કે આ કાર્યમાં સતત વૃદ્ધિ થશે અને એને ભવ્ય સફળતા મળશે. શા માટે આપણે એવી ખાતરી રાખી શકીએ? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું છે કે પરમેશ્વરે સોંપેલા સેવાકાર્યમાં તે આપણી સાથે જગતના અંત સુધી હશે.

“દુઃખી માનવજાત હવે અંતની ખૂબ જ નજીક છે. અંત આવે એ પહેલાં, આજે આપણને જે કામ સોંપવામાં આવ્યું છે એ પૂરું થવું જ જોઈએ. તેથી, આપણે યહોવાહના સાક્ષીઓ તરીકે આ ઠરાવ કરીએ છીએ કે:

“પ્રથમ: સમર્પિત સેવકો તરીકે આપણે રાજ્ય હિતોને જીવનમાં પ્રથમ રાખવાનો અને આત્મિક રીતે સતત વધતા રહેવાનો સંકલ્પ કર્યો છે. એમાં આપણે સફળ થઈએ એ માટે આપણી પ્રાર્થનાઓ ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦ના આ શબ્દોના સુમેળમાં છે: ‘મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ.’ એ માટે આપણે ખંતીલા વિદ્યાર્થી બનીને, દરરોજ બાઇબલ વાંચવાનો પ્રયાસ કરીશું અને નિયમિત વ્યક્તિગત અભ્યાસ તથા સંશોધન માટે સમય કાઢીશું. આપણી પ્રગતિ સર્વ લોકોના જાણવામાં આવે માટે, આપણે મંડળની સભાઓ, સરકીટ, ડિસ્ટ્રીક્ટ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાસંમેલનોની તૈયારી કરીને પરમેશ્વર આપણને જે શિક્ષણ આપે છે એમાંથી પૂરેપૂરો લાભ મેળવવા દરેક પ્રયત્નો કરીશું.​—⁠૧ તીમોથી ૪:​૧૫; હેબ્રી ૧૦:૨૩-​૨૫.

“બીજું: પરમેશ્વર પાસેથી શીખવા માટે આપણે તેમની મેજ પરથી જ પૂરેપૂરો ખોરાક લઈશું અને ગેરમાર્ગે દોરી જતા ભૂતપિશાચોનાં શિક્ષણ વિષે બાઇબલની ચેતવણીને કાળજીપૂર્વક ધ્યાન આપીશું. (૧ કોરીંથી ૧૦:૨૧; ૧ તીમોથી ૪:૧) આપણે ધાર્મિક જૂઠાણા, નિરર્થક દલીલો, જાતીય લંપટતા, પોર્નોગ્રાફી કે ભ્રષ્ટ મનોરંજન જેવા સર્વ જોખમી કૃત્યોને અને ‘સત્યના શિક્ષણને અનુકૂળ’ નથી એવી બાબતોને ટાળવા માટે ખાસ તકેદારી રાખીશું. (રૂમી ૧:​૨૬, ૨૭; ૧ કોરીંથી ૩:​૨૦; ૧ તીમોથી ૬:૩; ૨ તીમોથી ૧:​૧૩) આપણે ‘માણસોમાં દાનને’ માન આપીશું અને તેઓના પ્રયત્નોની કદર કરીશું કેમ કે તેઓ સારી બાબતો શીખવવાને યોગ્ય છે. આપણે પરમેશ્વરના વચનના શુદ્ધ, ન્યાયી અને આત્મિક સિદ્ધાંતોને જાળવી રાખવા તેઓને પૂરા હૃદયથી સાથ આપીશું.​—⁠એફેસી ૪:૭, ૮, ૧૧, ૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩; તીતસ ૧:૯.

“ત્રીજું: ખ્રિસ્તી માબાપો તરીકે, આપણે પૂરા હૃદયથી આપણાં બાળકોને ફક્ત શબ્દોથી જ નહીં, પણ આપણા ઉદાહરણથી શીખવવાનો પ્રયત્ન કરીશું. આપણે ખાસ કાળજી રાખીશું કે તેઓને બાળપણથી જ ‘પવિત્ર શાસ્ત્ર શીખવીએ, જેથી તેઓ તારણને સારૂ જ્ઞાન મેળવી શકે.’ (૨ તીમોથી ૩:​૧૫) આપણે હંમેશાં એ યાદ રાખીશું કે તેઓને યહોવાહના નિયમો અને શિસ્તમાં ઉછેરવાથી તેઓને પરમેશ્વરના આ વચનનો અનુભવ કરવાની સૌથી સારી તક મળશે કે, ‘તેઓનું કલ્યાણ થાય અને પૃથ્વી પર તેઓનું આયુષ્ય લાંબું થાય.’​—⁠એફેસી ૬:​૧-૪.

“ચોથું: ચિંતાઓ અને ગંભીર સમસ્યાઓ આવી પડે ત્યારે, આપણે સૌ પ્રથમ “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ આપણું રક્ષણ કરશે એવી ખાતરી સાથે ‘ઉપકારસ્તુતિસહિત આપણી અરજો દેવને જણાવીશું.’ (ફિલિપી ૪:​૬, ૭) ખ્રિસ્તની ઝૂંસરી તળે આવવાથી આપણને તાજગી મળશે. પરમેશ્વર આપણી કાળજી રાખે છે એવું જાણતા હોવાથી આપણે આપણી ચિંતાઓ તેમના પર છોડી દેતા અચકાઈશું નહિ.​—⁠માત્થી ૧૧:૨૮-૩૦; ૧ પીતર ૫:૬, ૭.

“પાંચમુ: પરમેશ્વરના વચનના શીખવનારા તરીકે આપણને જે લહાવો મળ્યો છે એ માટે યહોવાહનો આભાર માનવા, આપણે “સત્યનાં વચન સ્પષ્ટતાથી” સમજાવવા અને ‘આપણું સેવાકાર્ય પૂર્ણ કરવા’ ફરીથી પ્રયત્નો કરીશું. (૨ તીમોથી ૨:૧૫; ૪:૫) એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ સ્પષ્ટ જાણતા હોવાથી, આપણે પૂરા હૃદયથી યોગ્ય વ્યક્તિઓને શોધવાની અને જે બી વાવ્યું છે એને વિકસાવવાની ઇચ્છા રાખીશું. વધુમાં, આપણે અસરકારકપણે વધારે બાઇબલ અભ્યાસો હાથ ધરીને આપણી શીખવવાની કળામાં કુશળ બનીશું. એમ કરીને આપણે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એવી પરમેશ્વરની ઇચ્છાની વધુ નજીક આવીશું.​—⁠૧ તીમોથી ૨:૩, ૪.

“છઠ્ઠું: ગઈ આખી સદી દરમિયાન અને આ સદીમાં પણ યહોવાહના સાક્ષીઓએ ઘણા દેશોમાં વિરોધ અને સતાવણી સહન કર્યા છે. પરંતુ, યહોવાહ આપણા પક્ષે છે એ સાબિત થઈ ગયું છે. (રૂમી ૮:૩૧) તેમનું ભરોસાપાત્ર વચન આપણને ખાતરી આપે છે કે આપણા પ્રચાર કાર્યને અટકાવવા કે ધીમું પાડવા આપણી “વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ,” અને શૈક્ષણિક કાર્ય સફળ થશે. (યશાયાહ ૫૪:૧૭) અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે સત્ય બોલવાનું બંધ કરીશું નહીં. પ્રચાર અને શિક્ષણના કાર્યને આપણે હમણાં પરિપૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો છે. (૨ તીમોથી ૪:​૧, ૨) આપણો ધ્યેય પરમેશ્વરના રાજ્યના સુસમાચારને શક્યપણે સર્વ પ્રજાઓને જણાવવાનો છે. આમ, તેઓને ન્યાયી નવી દુનિયામાં અનંતજીવન મેળવવાની જોગવાઈ વિષે શીખવાની સતત તક મળતી રહેશે. પરમેશ્વરના વચનના શીખવનારા તરીકે, આપણે મહાન શિક્ષક, ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરવાનો અને પરમેશ્વર તરફથી મળેલા તેમના ગુણો પર મનન કરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વ આપણે, આપણા મહાન ઉપદેશક અને જીવન આપનાર યહોવાહ પરમેશ્વરની સ્તુતિ કરવા અને તેમને માન આપવા કરીશું.

“આ મહાસંમેલનમાં હાજર રહેલા સર્વ લોકો આ ઠરાવને સ્વીકારતા હોય તો, કૃપા કરીને હા કહો!”

છેલ્લે પૂછવામાં આવેલા આ પ્રશ્નનો ફ્રાંસમાં ત્રણ મહાસંમેલનોમાં ભેગા મળેલા ૧,૬૦,૦૦૦ અને ઇટાલીમાં બીજાં નવ સ્થળોએ ભેગા મળેલા ૨,૮૯,૦૦૦ લોકોએ ઘણી ભાષાઓમાં મોટા અવાજે પ્રતિનિધિઓ વચ્ચે “હા” કહીને ઠરાવનો સ્વીકાર કર્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો