વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ia પ્રકરણ ૬ પાન ૫૧-૫૮
  • તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું
  • તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મથાળાં
  • સરખી માહિતી
  • “તારું મન કેમ ઉદાસ રહે છે?”
  • ‘ત્યાર પછી તે ઉદાસ ન રહી’
  • “અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી”
  • મન શાંત રાખવા યહોવા મદદ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • નિરુત્સાહી ન થાવ!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તમારાં આંસુ યહોવાના ધ્યાન બહાર જતાં નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ia પ્રકરણ ૬ પાન ૫૧-૫૮
પ્રાર્થના કરતી હાન્‍ના

પ્રકરણ છ

તેણે પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું

૧, ૨. (ક) મુસાફરી માટે તૈયારી કરતી વખતે હાન્‍ના કેમ દુઃખી હતી? (ખ) હાન્‍નાની જીવન-કહાણીમાંથી આપણે શું શીખી શકીએ?

હાન્‍ના મુસાફરીની તૈયારીઓમાં પરોવાઈ જાય છે, જેથી તેનું મન ચિંતાઓમાં ડૂબેલું ન રહે. આમ તો આ સમય ખુશીનો છે; તેના પતિ, એલ્કાનાહ મોટા ભાગે આખા કુટુંબને શીલોહમાં આવેલા મંદિરે યહોવાની ભક્તિ માટે દર વર્ષે લઈ જાય છે. યહોવા ચાહે છે કે બધા પૂરા ઉમંગથી આ પ્રસંગો ઊજવે. (પુનર્નિયમ ૧૬:૧૫ વાંચો.) એમાં કોઈ શંકા નથી કે નાનપણથી હાન્‍ના ઘણી હોંશથી એ તહેવારોમાં જાય છે. પરંતુ, હમણાંનાં વર્ષોમાં તેના સંજોગો બદલાયા છે.

૨ ખુશીની વાત છે કે હાન્‍નાના પતિ તેને ખૂબ ચાહે છે. જોકે, એલ્કાનાહને બીજી પત્ની પણ છે. તેનું નામ પનિન્‍ના છે. એવું લાગે છે કે તે હાન્‍નાને શાંતિથી જીવવા દેવા માંગતી નથી. અરે, આ વાર્ષિક પ્રસંગોમાં પણ હાન્‍નાને દુઃખી કરવાનો રસ્તો પનિન્‍નાએ શોધી કાઢ્યો છે. યહોવામાં શ્રદ્ધા રાખવાથી હાન્‍નાને કઈ રીતે આવા મુશ્કેલ સંજોગોનો સામનો કરવા મદદ મળી? જો તમે જીવનની ખુશી છીનવી લેતા પડકારોનો સામનો કરતા હો, તો હાન્‍નાની જીવન-કહાણી તમારા દિલને સ્પર્શી જશે.

“તારું મન કેમ ઉદાસ રહે છે?”

૩, ૪. હાન્‍નાને કઈ બે મોટી તકલીફો હતી અને એ દરેક શા માટે પડકારરૂપ હતી?

૩ હાન્‍નાના જીવનની બે મોટી તકલીફો વિશે બાઇબલ જણાવે છે. પહેલી વિશે તો તે હજુ કંઈ કરી શકતી હતી, પણ બીજી તો તેના હાથ બહારની વાત હતી. સૌપ્રથમ તો તેના પતિને બીજી પત્ની હતી, જે હાન્‍નાને બહુ નફરત કરતી હતી. બીજું કે તે વાંઝણી હતી. ખરું કે જે પત્ની મા બનવા ઝંખતી હોય, તેના માટે આ સહેવું ઘણું મુશ્કેલ હોય છે; પણ, હાન્‍નાના સમય અને સમાજમાં એ ઘણા અફસોસની વાત હતી. દરેક કુટુંબ આશા રાખતું કે કુટુંબનો વારસો જાળવવા પોતાને બાળક હોય. બાળક ન થવું એ મોટા અપમાનની અને શરમની વાત હતી.

૪ જો પનિન્‍નાનો ત્રાસ ન હોત, તો હાન્‍નાએ મન મારીને પોતાની હાલત સહી લીધી હોત. પતિને એકથી વધારે પત્ની હોય તો તકલીફો આવવાની જ. એવા કુટુંબમાં ચડસાચડસી, ઝગડા અને મનદુઃખ થાય એની નવાઈ નહિ. એકથી વધારે પત્ની હોવી, એદન બાગમાં ઈશ્વરે કરેલી ગોઠવણની વિરુદ્ધ હતું, જેમાં એક પતિને એક જ પત્ની હતી. (ઉત. ૨:૨૪) એક કરતાં વધારે પત્નીવાળા કુટુંબના માથે દુઃખનાં વાદળ છવાયેલાં હોય, એવું ચિત્ર બાઇબલ આપે છે. એલ્કાનાહના કુટુંબના ચિત્રમાં આપણે લાગણી દુભાવતો રંગ જોઈ શકીએ છીએ.

૫. પનિન્‍ના કેમ હાન્‍નાને દુઃખી કરવા માંગતી હતી અને તેણે કઈ રીતે એમ કર્યું?

૫ એલ્કાનાહ હાન્‍નાને સૌથી વધારે ચાહતા હતા. યહુદી રીત-રિવાજ પ્રમાણે, એલ્કાનાહે પ્રથમ હાન્‍ના સાથે લગ્‍ન કર્યા અને અમુક વર્ષો પછી પનિન્‍ના સાથે. પનિન્‍નાને હાન્‍નાની ઘણી અદેખાઈ આવતી; તેણે હાન્‍નાને દુઃખી કરવાના ઘણા રસ્તા શોધી કાઢ્યા હતા. હાન્‍ના કરતાં પનિન્‍ના એ રીતે ચડિયાતી હતી કે તેને બાળકો થતાં હતાં. પનિન્‍ના એક પછી એક બાળકને જન્મ આપતી જતી હતી; દરેક બાળકનો જન્મ થતાં જ તે હવામાં ઊડવા લાગતી. હાન્‍નાની હાલત પર તેને જરાય તરસ આવતી ન હતી. તો પછી, તેને દિલાસો આપવાની વાત તો બાજુએ રહી. હાન્‍નાની દુખતી રગ દબાવીને પનિન્‍ના મનોમન હરખાતી હતી. બાઇબલ જણાવે છે કે હાન્‍નાને “ખીજવવા માટે” પનિન્‍ના તેને રાતદિવસ હેરાન કરતી. (૧ શમૂ. ૧:૬) પનિન્‍ના જાણીજોઈને એમ કરતી. તે હાન્‍નાને દુઃખી કરવા માંગતી હતી અને તે એમાં સફળ થઈ.

રડતી હાન્‍નાને બાળકોથી ઘેરાયેલી ઘમંડી પનિન્‍ના લુચ્ચાઈથી જુએ છે

હાન્‍નાને કોઈ બાળક ન થવાથી તે બહુ દુઃખી હતી; પનિન્‍ના દાઝ્યા પર ડામ દેવા બધું જ કરતી હતી

૬, ૭. (ક) એલ્કાનાહે હાન્‍નાને દિલાસો આપવાની કોશિશ કરી તોપણ, તેણે શા માટે તેમને બધું જણાવી દીધું નહિ? (ખ) હાન્‍નાને બાળક થતું ન હતું, એનો અર્થ શું એવો હતો કે યહોવા તેનાથી નારાજ હતા? સમજાવો. (ફૂટનોટ જુઓ.)

૬ એમ લાગે છે કે શીલોહની વાર્ષિક ઉજવણીના સમયે પનિન્‍નાને જોઈતી તક મળી ગઈ. યહોવાને ચડાવેલાં અર્પણોમાંથી એલ્કાનાહે પનિન્‍નાનાં “સર્વ દીકરાદીકરીઓને” ભાગ વહેંચી આપ્યા. પણ, હાન્‍નાને ફક્ત પોતાનો ખાસ હિસ્સો જ મળ્યો. પછી, અદેખી પનિન્‍નાએ હાન્‍નાને હેરાન-પરેશાન કરીને તેને બાળક ન હોવાનો એટલો અહેસાસ કરાવ્યો કે બિચારી હાન્‍ના રડી પડી; અરે, તેણે કંઈ ખાધું પણ નહિ. એલ્કાનાહે જોયું કે તેમની વહાલી હાન્‍ના કેટલી ઉદાસ છે અને કંઈ ખાતી પણ નથી. એટલે, તેમણે તેને દિલાસો આપવાની કોશિશ કરી. તેમણે પૂછ્યું, “હાન્‍ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?”—૧ શમૂ. ૧:૪-૮.

૭ એલ્કાનાહ સમજુ પતિ હોવાથી જોઈ શક્યા કે બાળક ન હોવાને લીધે હાન્‍ના ઉદાસ છે. તેમના પ્રેમાળ શબ્દો હાન્‍નાને મન બહુ કીમતી હતા.a પરંતુ, એલ્કાનાહે પનિન્‍નાના ત્રાસ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નહિ; અથવા બાઇબલ પણ સૂચવતું નથી કે હાન્‍નાએ તેમને એવું કંઈ કહ્યું હોય. કદાચ તેણે જોયું હશે કે પનિન્‍નાનાં કરતૂતો ખુલ્લાં પાડવાથી પોતાની જ હાલત વધારે ખરાબ થશે. શું એલ્કાનાહ કંઈ કરી શકે? પણ એનાથી તો પનિન્‍ના કદાચ હાન્‍નાને વધારે ધિક્કારવા લાગે. કદાચ તેનાં બાળકો અને ચાકરો પણ એ દુષ્ટ સ્ત્રી જેવું કરવા લાગે. જો એમ થાય, તો હાન્‍ના પોતાના જ ઘરમાં પારકી બની જાય.

ઘરમાં હાન્‍નાની સાથે ખરાબ વર્તન થતું હોવાથી, તેણે દિલાસા માટે યહોવા તરફ મીટ માંડી

૮. કોઈ હેરાન કરે અથવા અન્યાય કરે ત્યારે કેમ એ યાદ રાખવાથી દિલાસો મળે છે કે યહોવા ન્યાયના ઈશ્વર છે?

૮ ભલે પનિન્‍નાનાં આવાં કરતૂતોની એલ્કાનાહને પૂરેપૂરી જાણ હોય કે ન હોય, પણ યહોવાની નજર બહાર કશું જ રહ્યું ન હતું. તેમણે બાઇબલમાં એ બધું લખાવી લીધું છે. અમુકને પનિન્‍ના જેવી અદેખાઈ કે તિરસ્કાર કરવામાં કશું ખોટું લાગતું નથી, પણ એમાં મજા આવે છે. એવા લોકો માટે આ દાખલો ચેતવણીરૂપ છે. બીજી બાજુ, હાન્‍ના જેવા નિર્દોષ અને શાંતિચાહક લોકોને એ જાણીને દિલાસો મળે છે કે ન્યાયના ઈશ્વર પોતાના સમયે અને પોતાની રીતે બધી મુશ્કેલીઓનો અંત લાવશે. (પુનર્નિયમ ૩૨:૪ વાંચો.) કદાચ હાન્‍નાને પણ એ ખબર હતી. એટલે જ તેણે મદદ માટે યહોવા તરફ મીટ માંડી.

‘ત્યાર પછી તે ઉદાસ ન રહી’

૯. હાન્‍ના પોતાની શોક્યના ઇરાદા જાણતી હતી છતાં તે શીલોહ જવા તૈયાર થઈ, એમાંથી શું શીખવા મળે છે?

૯ વહેલી સવારે કુટુંબમાં ચહલ-પહલ મચી ગઈ હતી. દરેક જણ મુસાફરી માટે તૈયાર થઈ રહ્યું હતું, અરે બાળકો પણ. એફ્રાઈમના પહાડી વિસ્તારમાંથી શીલોહ સુધી લઈ જતી એ મુસાફરી આ મોટા કુટુંબને લગભગ બત્રીસ કિલોમીટર દૂર લઈ જવાની હતી.b એ પગપાળા મુસાફરીમાં એકથી બે દિવસ લાગે. હાન્‍ના જાણતી હતી કે તેની શોક્ય હેરાન કરવાની એકેય તક જતી નહિ કરે. તોપણ હાન્‍ના ઘરે રોકાઈ નહિ. આમ, તેણે બધા ઈશ્વરભક્તો માટે સરસ દાખલો બેસાડ્યો છે. બીજાઓનાં ખરાબ વાણી-વર્તનને ઈશ્વરની ભક્તિને આડે આવવા દેવું શાણપણ ન કહેવાય. જો એમ કરીશું, તો મુશ્કેલ સંજોગો સહન કરવા આપણી હિંમત વધારે એવા આશીર્વાદો ચૂકી જઈશું.

૧૦, ૧૧. (ક) હાન્‍ના કેમ બને એટલી જલદી યહોવાના મંદિરે પહોંચી ગઈ? (ખ) હાન્‍નાએ કઈ રીતે પોતાના પિતાની આગળ પ્રાર્થનામાં હૈયું ઠાલવી દીધું?

૧૦ એલ્કાનાહનું મોટું કુટુંબ પહાડ પરના વાંકાચૂકા રસ્તાઓ પર ચાલતું રહ્યું. એ લાંબા દિવસની મુસાફરી પછી, આખરે શીલોહ દેખાયું. એ ઊંચી ઊંચી ટેકરીઓ વચ્ચે આવેલું હતું. શીલોહની નજીક પહોંચ્યા તેમ, હાન્‍નાએ ઘણો વિચાર કર્યો હશે કે યહોવાને પ્રાર્થનામાં શું કહેવું. ત્યાં પહોંચ્યા પછી કુટુંબે ભોજન લીધું. હાન્‍ના બને એટલી જલદી કુટુંબથી છૂટી પડીને યહોવાના મંદિરે પહોંચી ગઈ. પ્રમુખ યાજક એલી મંદિરની બારસાખ પાસે બેઠા હતા. પરંતુ, હાન્‍નાનું ધ્યાન તો પોતાના ઈશ્વરમાં હતું. તેને પૂરો ભરોસો હતો કે અહીં મંદિરમાં તેનો પોકાર સાંભળવામાં આવશે. ભલે કોઈ તેના કપરા સંજોગો સમજે કે ન સમજે, સ્વર્ગમાં બિરાજનાર તેના પિતા જરૂર સમજશે. પછી, દિલમાંથી વેદનાનું પૂર બહાર ધસી આવ્યું અને તે રડવા લાગી.

૧૧ હાન્‍નાનાં ડૂસકાંથી તેનું શરીર કાંપવા લાગ્યું. મનમાં ને મનમાં તે યહોવા સાથે વાત કરવા લાગી. પોતાની આપવીતી જણાવવા શબ્દો ગોઠવતી હતી તેમ, તેના હોઠ ફફડતા હતા. તેણે લાંબો સમય પ્રાર્થના કરીને પોતાના પિતાની આગળ હૈયું ઠાલવી દીધું. પોતે મા બને એવી તેના દિલની તમન્‍ના હતી. એ પૂરી કરવા તેણે ઈશ્વરને અરજ કરી. તેણે એનાથી પણ વધારે કર્યું. હાન્‍નાને ફક્ત ઈશ્વર પાસેથી આશીર્વાદો મેળવવા ન હતા, પણ શક્ય હોય એ બધું ઈશ્વરને આપવા તે તૈયાર હતી. તેથી, તેણે માનતા લીધી કે તેને દીકરો થશે તો આખી જિંદગી તેને યહોવાની સેવામાં આપી દેશે.—૧ શમૂ. ૧:૯-૧૧.

૧૨. હાન્‍નાનો દાખલો બતાવે છે તેમ, પ્રાર્થના વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૨ આમ, પ્રાર્થના વિશે હાન્‍નાએ બધા જ ઈશ્વરભક્તો માટે સારો દાખલો બેસાડ્યો છે. યહોવા પોતાના લોકોને પ્રેમથી અરજ કરે છે કે જેમ એક બાળક પોતાનાં પ્રેમાળ માતા-પિતામાં પૂરો ભરોસો મૂકે છે, તેમ તેઓ પણ કરે; ખુલ્લા દિલે તેમની સાથે વાત કરે; જરાય અચકાયા વગર પોતાની બધી ચિંતાઓ તેમને જણાવે. (ગીતશાસ્ત્ર ૬૨:૮; ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭ વાંચો.) યહોવાને પ્રાર્થના કરવા વિશે પ્રેરિત પીતરને આ દિલાસો આપતા શબ્દો લખવાની પ્રેરણા મળી હતી: “તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીત. ૫:૭.

૧૩, ૧૪. (ક) હાન્‍ના વિશે એલી કઈ રીતે ખોટું વિચારી બેઠા? (ખ) હાન્‍નાએ એલીને જે રીતે જવાબ આપ્યો, એનાથી તેણે કઈ રીતે શ્રદ્ધાનો સારો દાખલો બેસાડ્યો?

૧૩ પરંતુ, મનુષ્યો યહોવા જેવા સમજુ અને હમદર્દી બતાવનારા નથી હોતા. હાન્‍ના રડતાં રડતાં પ્રાર્થના કરતી હતી તેમ, તેને એક અવાજ સાંભળીને નવાઈ લાગી. એ પ્રમુખ યાજક એલી હતા, જે ધ્યાનથી તેને જોતા હતા. તેમણે કહ્યું: “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું છોડી દે.” તેમણે હાન્‍નાના ફફડતા હોઠ, તેનાં ડૂસકાં અને લાગણીમય હાવભાવ જોયાં હતાં. તેને શું થયું હતું એ પૂછવાને બદલે, તેમણે માની લીધું કે તે પીધેલી છે.—૧ શમૂ. ૧:૧૨-૧૪.

૧૪ આવી દુઃખદ પળોમાં એવા ખોટા આરોપથી હાન્‍નાનું દિલ કેટલું દુભાયું હશે! એ પણ એક જવાબદાર માણસ તરફથી! તોપણ, હાન્‍નાએ ફરીથી શ્રદ્ધાનો સુંદર દાખલો બેસાડ્યો. તેણે માણસના ભૂલભરેલા વર્તનને યહોવાની ભક્તિને આડે આવવા ન દીધું. તેણે એલીને માનથી જવાબ આપ્યો અને પોતાની હાલત સમજાવી. કદાચ પોતાની ભૂલનો અહેસાસ થતા, એલીએ માયાળુ રીતે કહ્યું: ‘શાંતિએ જા; તેં ઇઝરાયેલના ઈશ્વરની આગળ જે વિનંતી કરી છે, એ વિનંતી તે પૂરી કરો.’—૧ શમૂ. ૧:૧૫-૧૭.

૧૫, ૧૬. (ક) હાન્‍નાએ મંદિરમાં યહોવા આગળ હૈયું ઠાલવ્યું અને તેમની ભક્તિ કરી, એની તેના પર કેવી અસર પડી? (ખ) આપણે નિરાશ થઈ જઈએ ત્યારે કઈ રીતે હાન્‍નાને પગલે ચાલી શકીએ?

૧૫ હાન્‍નાએ મંદિરમાં યહોવા આગળ હૈયું ઠાલવ્યું અને તેમની ભક્તિ કરી, એની તેના પર કેવી અસર પડી? બાઇબલ જણાવે છે: “તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.” (૧ શમૂ. ૧:૧૮) હાન્‍નાનું મન હળવું થઈ ગયું. તેણે જાણે પોતાની લાગણીનો ભારે બોજો પોતાના કરતાં અનેક ગણા શક્તિશાળી પિતા યહોવા પર નાખી દીધો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચો.) શું યહોવાની નજરે કોઈ તકલીફ મોટી હોય શકે? ના. એવું થયું નથી અને કદી થશે પણ નહિ!

૧૬ આપણે ભારે બોજા નીચે કચડાઈ જઈએ, ચિંતાઓથી ઘેરાઈ જઈએ અથવા નિરાશામાં ડૂબી જઈએ ત્યારે, હાન્‍નાને પગલે ચાલવું જોઈએ; તેમ જ, બાઇબલ જેમને “પ્રાર્થનાના સાંભળનાર” કહે છે, તેમની આગળ જઈને હૈયું ઠાલવવું જોઈએ. (ગીત. ૬૫:૨) આપણે પૂરી શ્રદ્ધાથી એમ કરીશું તો, આપણી નિરાશા દૂર થશે અને “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,” એની સહાય મળશે.—ફિલિ. ૪:૬, ૭.

“અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી”

૧૭, ૧૮. (ક) હાન્‍નાની માનતાને એલ્કાનાહે કઈ રીતે સાથ આપ્યો? (ખ) પનિન્‍નાએ હાન્‍ના પરથી કયો કાબૂ ગુમાવી દીધો?

૧૭ હાન્‍ના બીજે દિવસે સવારે એલ્કાનાહ સાથે મંદિરે ગઈ. હાન્‍નાએ તેમને પોતાની માનતા વિશે જરૂર જણાવ્યું હશે. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, જો કોઈ પત્નીએ પોતાના પતિને પૂછ્યા વિના માનતા લીધી હોય તો પતિને એ માનતા રદ કરવાનો હક્ક હતો. (ગણ. ૩૦:૧૦-૧૫) પણ, એ શ્રદ્ધાળુ માણસે એવું કંઈ જ કર્યું નહિ. એના બદલે, તેમણે યહોવાના મંદિરે હાન્‍ના સાથે ભક્તિ કરી અને પછી ઘર તરફ પાછા વળ્યા.

૧૮ પનિન્‍નાને ક્યારે ખબર પડી કે હવેથી પોતે કોઈ પણ રીતે હાન્‍નાને દુઃખી નહિ કરી શકે? બાઇબલ એ વિશે કંઈ જણાવતું નથી. પરંતુ, “ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ,” શબ્દો બતાવે છે કે હાન્‍ના એ સમયથી ખુશ હતી. પનિન્‍નાને જલદી જ જાણ થઈ કે હવે તેના ઝેરીલા વર્તનની કોઈ અસર થતી નથી. એ પછી બાઇબલ તેના નામનો ઉલ્લેખ ક્યાંય કરતું નથી.

૧૯. હાન્‍નાને કયો આશીર્વાદ મળ્યો? તેણે કઈ રીતે એ આશીર્વાદની કદર બતાવી?

૧૯ મહિનાઓ વીત્યા તેમ, હાન્‍નાનું શાંત મન ખુશીઓથી છલકાઈ ગયું. તે મા બનવાની હતી! એ આનંદના સમયમાં હાન્‍ના એક પળ માટે પણ ભૂલી નહિ કે આ આશીર્વાદ ક્યાંથી મળ્યો હતો. હાન્‍નાને દીકરો થયો અને તેનું નામ શમૂએલ રાખ્યું, જેનો અર્થ થાય, “ઈશ્વરનું નામ.” હાન્‍નાએ કર્યું હતું તેમ, એ ઈશ્વરના નામે પોકાર કરવાને બતાવે છે. એ વર્ષે તે એલ્કાનાહ અને કુટુંબ સાથે શીલોહ ન ગઈ. છોકરાને ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તે ત્રણ વર્ષ ઘરે જ રહી. પછી, તેણે પોતાના કાળજાના ટુકડાથી વિખૂટા પડવા માટે હિંમત ભેગી કરી.

૨૦. હાન્‍ના અને એલ્કાનાહે યહોવાને આપેલું વચન કઈ રીતે પાળ્યું?

૨૦ હાન્‍ના માટે દીકરાથી જુદા પડવું જરાય આસાન નહિ હોય. હાન્‍નાને ખબર હતી કે શીલોહના મંદિરમાં સેવા આપતી અમુક સ્ત્રીઓ કદાચ શમૂએલનું સારી રીતે ધ્યાન રાખશે. તોપણ, શમૂએલ હજુ તો નાના હતા. કઈ મા પોતાના બાળક સાથે રહેવા ન ઝંખે? તેમ છતાં, હાન્‍ના અને એલ્કાનાહ પોતાના દીકરાને કચવાતે મને નહિ, પણ ખુશીથી મંદિરે લાવ્યા. તેઓએ ઈશ્વરના મંદિરે અર્પણો ચડાવ્યાં; શમૂએલને એલીના હાથમાં સોંપ્યા અને યાદ કરાવ્યું કે અમુક વર્ષો પહેલાં હાન્‍નાએ આવી માનતા માની હતી.

મંદિરે હાન્‍ના નાનકડા શમૂએલને બાંય વગરનો ઝભ્ભો પહેરાવે છે

હાન્‍ના પોતાના દીકરા શમૂએલ માટે મોટો આશીર્વાદ સાબિત થઈ

૨૧. હાન્‍નાની પ્રાર્થનામાં કઈ રીતે તેની અડગ શ્રદ્ધા દેખાઈ આવે છે? (“બે સુંદર પ્રાર્થનાઓ” બૉક્સ પણ જુઓ.)

૨૧ પછી, હાન્‍નાએ પ્રાર્થના કરી, જે ઈશ્વરે શાસ્ત્રમાં લખાવી લેવા યોગ્ય ગણી. પહેલો શમૂએલ ૨:૧-૧૦માં લખાયેલા તેના શબ્દો વાંચો તેમ, દરેક વાક્યમાં તેની અડગ શ્રદ્ધા દેખાઈ આવશે. યહોવાએ પોતાની શક્તિ દ્વારા જે કર્યું એ માટે તેણે તેમનો જયજયકાર કર્યો. યહોવા પોતાની અજોડ આવડતથી અભિમાનીને નમાવે છે, જુલમ સહેનારાને આશીર્વાદ આપે છે અને કોઈના પણ જીવનનો અંત લાવી શકે છે અથવા તેને મોતના મોંમાંથી બચાવી શકે છે. તેણે યહોવા પિતાની સ્તુતિ કરી, કેમ કે તે અજોડ રીતે પવિત્ર છે, ન્યાયી છે, અને ભરોસાપાત્ર છે. એટલા માટે હાન્‍ના કહી શકી: “અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી.” યહોવા પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય છે; તે કદી બદલાતા નથી. જુલમ સહેતા અને તેમની મદદ માટે પોકારતા લોકોનો તે આશરો છે.

૨૨, ૨૩. (ક) શમૂએલ જાણતા હતા કે માબાપ તેમને ખૂબ પ્રેમ કરે છે, એવી આપણને શા માટે ખાતરી છે? (ખ) યહોવાએ હાન્‍નાને બીજા કયા આશીર્વાદ આપ્યા?

૨૨ યહોવામાં આવી શ્રદ્ધા રાખતી મા હોવી નાનકડા શમૂએલ માટે મોટો આશીર્વાદ હતો. ખરું કે શમૂએલ મોટા થતા ગયા તેમ, તેમને મા ખૂબ યાદ આવતી હશે. પણ તેમને કદી એવું લાગ્યું નહિ કે તે તેમને ભૂલી ગઈ હતી. દર વર્ષે હાન્‍ના શીલોહ આવતી અને મંદિરમાં સેવા આપતા શમૂએલ માટે નાનો ઝભ્ભો બનાવી લાવતી. એના દરેક તાંતણે દીકરા માટે તેની મમતા બંધાયેલી હતી. (૧ શમૂએલ ૨:૧૯ વાંચો.) આપણે કલ્પના કરી શકીએ કે તે નાનકડા શમૂએલને માયાળુ રીતે ઉત્તેજન આપતાં આપતાં નવો ઝભ્ભો પહેરાવે છે, સરખો કરે છે અને પ્રેમભરી નજરે તેને જોઈ રહે છે. આવી મા હોવી, એ શમૂએલ માટે ગર્વની વાત હતી. મોટા થઈને શમૂએલ પણ પોતાનાં માબાપ માટે અને આખા ઇઝરાયેલ માટે આશીર્વાદરૂપ સાબિત થયા.

૨૩ હાન્‍નાને પણ ભૂલી જવામાં આવી ન હતી. યહોવાએ તેને આશીર્વાદ આપ્યો અને તે એલ્કાનાહનાં બીજાં પાંચ બાળકોની મા બની. (૧ શમૂ. ૨:૨૧) જોકે, હાન્‍ના માટે પોતાના પિતા યહોવા સાથેનો સંબંધ સૌથી મોટો આશીર્વાદ હતો. વર્ષો પસાર થયાં તેમ, એ સંબંધ વધારે ગાઢ બનતો ગયો. હાન્‍નાના દાખલાને અનુસરો તેમ, તમારા વિશે પણ એમ જ થાઓ.

બે સુંદર પ્રાર્થનાઓ

પહેલો શમૂએલ ૧:૧૧ અને ૨:૧-૧૦માં લખવામાં આવેલી હાન્‍નાની બે પ્રાર્થનાઓમાં અમુક ખાસ વાત રહેલી છે. અમુક દાખલા લઈએ:

  • બે પ્રાર્થનાઓમાંની પહેલી પ્રાર્થનામાં હાન્‍ના “સૈન્યોના ઈશ્વર” ખિતાબ વાપરે છે. બાઇબલ અહેવાલમાં સૌપ્રથમ હાન્‍નાએ આ ખિતાબ વાપર્યો છે. બાઇબલમાં એ કુલ ૨૮૫ વાર આવે છે અને સ્વર્ગદૂતોના મોટા સૈન્ય પર ઈશ્વરનો અધિકાર બતાવે છે.

  • નોંધ લો કે હાન્‍નાએ બીજી પ્રાર્થના પોતાને દીકરો થયો ત્યારે કરી ન હતી; પણ હાન્‍ના અને એલ્કાનાહે શીલોહમાં ઈશ્વરની સેવામાં પોતાનો દીકરો આપ્યો ત્યારે, એ પ્રાર્થના કરી હતી. પનિન્‍નાની બોલતી બંધ થઈ ગઈ એ કારણે નહિ, પણ યહોવાનો આશીર્વાદ મળ્યો એ કારણે હાન્‍નાને આનંદ થયો હતો.

  • જ્યારે હાન્‍નાએ કહ્યું, “મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે,” ત્યારે તેણે મનમાં શક્તિશાળી બળદનો વિચાર કર્યો હોય શકે, જે પૂરા બળથી પોતાના શિંગડાં વાપરે છે. માનો કે હાન્‍ના કહેતી હતી કે, ‘યહોવા, તમે મને બળવાન બનાવી છે.’—૧ શમૂ. ૨:૧.

  • હાન્‍ના ઈશ્વરના ‘અભિષિક્ત’ વિશે વાત કરે છે એને ભવિષ્યવાણી તરીકે ગણવામાં આવે છે. જે મૂળ શબ્દમાંથી ‘અભિષિક્ત’ ભાષાંતર થયું છે, એના માટે “મસીહ” શબ્દ પણ વપરાયો છે; ભાવિમાં આવનાર અભિષિક્ત રાજાનો ઉલ્લેખ કરતા એ શબ્દો બાઇબલ અહેવાલમાં સૌપ્રથમ હાન્‍નાએ વાપર્યા છે.—૧ શમૂ. ૨:૧૦.

  • લગભગ ૧,૦૦૦ વર્ષો પછી, ઈસુની મા મરિયમે યહોવાની સ્તુતિ કરતા હાન્‍ના જેવી જ અમુક લાગણીઓ પોતાના શબ્દોમાં જણાવી હતી.—લુક ૧:૪૬-૫૫. (પ્રકરણ ૧૭ જુઓ.)

a ખરું કે બાઇબલ કહે છે, “યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું.” તોપણ, એવો કોઈ પુરાવો નથી કે ઈશ્વર આ નમ્ર અને શ્રદ્ધાળુ હાન્‍નાથી નારાજ હોય. (૧ શમૂ. ૧:૫) એનો એવો અર્થ પણ નથી કે એ ઈશ્વરની મરજી હતી. એના બદલે, અહેવાલ એમ કહેવા માંગે છે કે હાન્‍નાને બાળકો ન હતાં એવું ઈશ્વરે અમુક સમય પૂરતું ચાલવા દીધું હતું.

b એલ્કાનાહનું વતન રામા કદાચ એ જ જગ્યા હતું, જે ઈસુના સમયમાં અરિમથાઈ તરીકે જાણીતું હતું. એ જેટલું દૂર હતું, એના આધારે આ અંતર આપવામાં આવ્યું છે.

આનો વિચાર કરો:

  • આકરી કસોટીમાં પણ હાન્‍નાની શ્રદ્ધા કઈ રીતે અડગ રહી?

  • હાન્‍નાની પ્રાર્થનામાં કઈ રીતે તેની શ્રદ્ધા દેખાઈ આવે છે?

  • હાન્‍ના જેવા ભક્તોને યહોવા શા માટે કીમતી ગણે છે?

  • તમે કઈ રીતે હાન્‍નાની શ્રદ્ધાને પગલે ચાલવા માંગો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો