ઈશ્વર તરફથી મહિમા મેળવતા તમને કંઈ ન રોકે!
“નમ્ર મનવાળો માન પામશે.”—નીતિ. ૨૯:૨૩.
૧, ૨. (ક) મૂળ ભાષામાં ‘માન’ કે ‘મહિમા’ શબ્દનો શું અર્થ થાય? (ખ) આ લેખમાં કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
માન-મહિમા, આ શબ્દો સાંભળો છો ત્યારે તમારા મનમાં શું આવે છે? ઈશ્વરે બનાવેલી સુંદર સૃષ્ટિ? (ગીત. ૧૯:૧) કે પછી જેઓ પાસે અઢળક સંપત્તિ, જ્ઞાન કે સિદ્ધિ છે, તેઓને મળતાં માન-મહિમા? બાઇબલની મૂળ ભાષામાં ‘માન’ અને ‘મહિમા’ માટે વપરાયેલા બંને શબ્દોનો સરખો અર્થ થાય છે અને એ ‘વજનʼનો વિચાર આપે છે. પહેલાંના સમયમાં ચલણી સિક્કા મૂલ્યવાન ધાતુથી બનાવવામાં આવતા. સિક્કો જેટલો વજનદાર એટલું વધારે એનું મૂલ્ય. ‘વજન’ કે ‘ભારેપણાʼને દર્શાવતા શબ્દો ‘કીમતી, પ્રભાવશાળી કે અજોડʼનો અર્થ આપતા.
૨ લોકો કદાચ વ્યક્તિની સત્તા, હોદ્દો કે ખ્યાતિ જોઈને માન-સન્માન આપે. પણ વ્યક્તિને મહિમા આપવા, ઈશ્વર તેનામાં શું જુએ છે? નીતિવચનો ૨૨:૪ (ઈઝી-ટુ-રીડ વર્ઝન) જણાવે છે, “નમ્રતા અને યહોવા માટેનો આદર રાખવાથી સંપત્તિ, સન્માન અને જીવન મળે છે.” શિષ્ય યાકૂબે લખ્યું: ‘યહોવાની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે.’ (યાકૂ. ૪:૧૦) યહોવા કઈ રીતે મનુષ્યને મહિમા આપે છે? એ મેળવતા આપણને શું અટકાવી શકે? એ મહિમા મેળવવામાં બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ?
૩-૫. યહોવા આપણને કયા મહિમા તરફ લઈ જશે?
૩ ગીતશાસ્ત્રના લેખકે ભરોસો બતાવ્યો કે તેમનો જમણો હાથ પકડીને યહોવા, તેમને ખરા મહિમા તરફ લઈ જશે. (ગીતશાસ્ત્ર ૭૩:૨૩, ૨૪ વાંચો.) યહોવા પોતાના વફાદાર ભક્તોને કઈ રીતે મહિમા આપે છે? તેઓની ભક્તિ સ્વીકારીને અને ઘણા આશીર્વાદ આપીને. દાખલા તરીકે, યહોવા પોતાની ઇચ્છા વિશે સમજણ આપે છે. (૧ કોરીં. ૨:૭) જેઓ તેમનું સાંભળે છે અને માને છે, તેઓની સાથે યહોવા ગાઢ મિત્રતા બાંધે છે.—યાકૂ. ૪:૮.
૪ યહોવાએ પોતાના સેવકોને પ્રચારકાર્યની જવાબદારી સોંપીને પણ માન આપ્યું છે. (૨ કોરીં. ૪:૧, ૭) એ જવાબદારી આપણને મહિમા તરફ લઈ જાય છે. જેઓ એ લહાવો સ્વીકારીને યહોવાની ભક્તિ અને બીજાઓને મદદ કરે છે, તેઓને યહોવા આ વચન આપે છે: “જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ.” (૧ શમૂ. ૨:૩૦) એવા ભક્તો યહોવા સાથે સારું નામ બનાવે છે અને ઈશ્વરના બીજા ભક્તો તેમના વખાણ કરે છે.—નીતિ. ૧૧:૧૬; ૨૨:૧.
૫ જેઓ ‘યહોવાની રાહ જુએ છે અને તેમના માર્ગે ચાલે છે,’ તેઓ માટે કેવું ભાવિ રહેલું છે? બાઇબલ તેઓને વચન આપે છે: ‘પૃથ્વીનો વારસો પામવાને યહોવા તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.’ (ગીત. ૩૭:૩૪) ઉપરાંત, તેઓ અનંતજીવનનો આનંદ મેળવવાના અજોડ સન્માનની રાહ જુએ છે.—ગીત. ૩૭:૨૯.
“હું માણસો તરફથી મહિમા લેતો નથી”
૬, ૭. ઘણા લોકો કેમ ઈસુમાં શ્રદ્ધા મૂકવા માંગતા નહોતા?
૬ જેઓનો યહોવા સાથે કોઈ સંબંધ નથી એવા લોકોના વિચારોને વધારે મહત્ત્વ આપીશું તો, યહોવા આપણને જે મહિમા આપવા માંગે છે, એ મેળવતા અટકીશું. પ્રેરિત યોહાને ઈસુના સમયના આગેવાનો વિશે શું લખ્યું હતું એ પર ધ્યાન આપો. તેમણે કહ્યું: ‘તોપણ અધિકારીઓમાંના ઘણાએ ઈસુ પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એવી બીકથી તેઓએ તેને કબૂલ ન કર્યો. કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.’ (યોહા. ૧૨:૪૨, ૪૩) જો એ આગેવાનોએ ફરોશીઓના શિક્ષણને વધારે મહત્ત્વ ન આપ્યું હોત તો કેટલું સારું થાત!
૭ પોતાના સેવાકાર્યની શરૂઆતમાં જ ઈસુએ કારણ જણાવ્યું હતું કે ઘણા લોકો કેમ તેમને સ્વીકારશે નહિ અને તેમનામાં શ્રદ્ધા નહિ મૂકે. (યોહાન ૫:૩૯-૪૪ વાંચો.) સદીઓથી ઈસ્રાએલીઓ મસીહની આતુરતાથી રાહ જોતા હતા. ઈસુએ જ્યારે લોકોને શીખવવાનું શરૂ કર્યું ત્યારે, દાનીયેલની ભવિષ્યવાણી પરથી અમુકને ખબર પડી હશે કે ખ્રિસ્તના આવવાનો સમય થઈ ગયો છે. એના અમુક મહિનાઓ પહેલાં, જ્યારે યોહાન બાપ્તિસ્મકે પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણાએ કહ્યું: “એ ખ્રિસ્ત હશે કે નહિ.” (લુક ૩:૧૫) જે મસીહની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે તેઓ વચ્ચે શીખવી રહ્યા હતા. પણ, નિયમશાસ્ત્રના જાણકારો, મસીહને સ્વીકારવામાં નિષ્ફળ ગયા. એનું કારણ આપતા ઈસુએ પૂછ્યું: “તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?”
૮, ૯. પ્રકાશનું ઉદાહરણ વાપરીને સમજાવો કે કઈ રીતે મનુષ્ય તરફથી આવતો મહિમા, ઈશ્વર તરફથી મળતા મહિમાને ઝાંખો પાડી દે છે.
૮ મનુષ્ય તરફથી આવતો મહિમા કઈ રીતે ઈશ્વર તરફથી મળતા મહિમાને ઝાંખો પાડી દે છે? એ સમજવા ચાલો એક ઉદાહરણ જોઈએ, એમાં આપણે મહિમાને પ્રકાશ સાથે સરખાવીશું. આપણું આકાશ ઝગમગતા તારાઓથી સજેલું છે. તમે છેલ્લી વાર આકાશમાં હજારો તારા જોયા હતા, એ રાત યાદ કરો! ચોક્કસ તમે તારાઓનું તેજ જોઈને નવાઈ પામ્યા હશો. (૧ કોરીં. ૧૫:૪૦, ૪૧) પણ શહેરના પ્રકાશમાં એ જ આકાશ કેવું દેખાય છે? શા માટે શહેરના પ્રકાશને લીધે આપણે દૂરના તારાઓનો પ્રકાશ સાફ જોઈ શકતા નથી? શું લાઇટથી ઝળહળતા રસ્તા, સ્ટેડિયમ અને ઇમારતોનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે છે? ના. કારણ તો એ છે કે શહેરનો પ્રકાશ આપણી નજીક છે અને એ યહોવાની સૃષ્ટિ જોતા આપણને અટકાવે છે. રાતના અદ્ભુત આકાશનો આનંદ માણવા આપણે શહેરના પ્રકાશથી દૂર જવું પડે.
૯ એવી જ રીતે, જો ખોટાં પ્રકારના માન-મહિમા આપણાં દિલની નજીક હશે, તો યહોવા આપણને જે મહિમા આપવા ચાહે છે એની કદર કરતા અને એને મેળવતા અટકીશું. ઓળખીતા લોકો અને કુટુંબના સભ્યો શું વિચારશે, એ ડરને લીધે ઘણા લોકો ઈશ્વરના રાજ્યની ખુશખબર સ્વીકારતા નથી. શું મનુષ્યોથી મળતો મહિમા યહોવાના ભક્તોને પણ અસર કરી શકે? ધારો કે, એક યુવાનને એવા પ્રચાર વિસ્તારમાં જવાનું કહેવામાં આવે, જ્યાં તેને ઘણા લોકો ઓળખે છે. પણ તે યહોવાનો સાક્ષી છે, એમ તેઓ નથી જાણતા. શું ડરને લીધે તે પીછેહઠ કરશે? બીજા એક કિસ્સાનો વિચાર કરો. કોઈ ભાઈ કે બહેને ઈશ્વરની ભક્તિ માટે અમુક ધ્યેયો રાખ્યા છે, એના લીધે કોઈ તેમનો મજાક ઉડાવે તો? શું તે પોતાના જીવનની પસંદગી પર એવા લોકોના વિચારોની અસર થવા દેશે, જેઓ પાસે ઈશ્વરનું જ્ઞાન નથી? અથવા કોઈ ભાઈ કે બહેને કદાચ ગંભીર પાપ કર્યું હોય. શું તે પોતાનું પાપ એ ડરથી છુપાવશે કે તેને મંડળમાં મળેલા લહાવા ગુમાવવા પડશે કે પછી સ્નેહીજનો દુઃખી થશે? આ કિસ્સામાં, જો વ્યક્તિ માટે યહોવા સાથેનો સંબંધ સુધારવો વધારે મહત્ત્વનું હશે, તો ‘તે મંડળના વડીલોને બોલાવશે’ અને તેઓની મદદ લેશે.—યાકૂબ ૫:૧૪-૧૬ વાંચો.
૧૦. (ક) સલાહનો લાભ મેળવવા શું નહિ કરીએ? (ખ) જો નમ્ર મન રાખીશું તો શું થશે?
૧૦ કદાચ તમને લાગે કે યહોવાના વધારે સારા ભક્તો બનવા મહેનત કરો છો, પણ કોઈ ભાઈ તમને વારંવાર સલાહ આપે તો શું? જો પોતાનો બચાવ કરવા ઘમંડ બતાવીશું, પોતાની શાખ બચાવવાની ઇચ્છા રાખીશું કે પોતાને ખરા સાબિત કરવાનો પ્રયત્ન કરીશું, તો તેમણે આપેલી જરૂરી સલાહનો લાભ નહિ મળે. બીજા સંજોગનો વિચાર કરો. તમે મંડળના એક ભાઈ સાથે મળીને કોઈ ખાસ કામ કરો છો. શું તમે એ વાતની ચિંતા કરશો કે તમારા સારા વિચારો અને મહેનતનાં વખાણ કોને મળશે? જો તમે એવા કોઈ સંજોગોમાં આવી જાવ તો યાદ રાખો કે “નમ્ર મનવાળો માન પામશે.”—નીતિ. ૨૯:૨૩.
૧૧. આપણને માન-મહિમા મળે ત્યારે, કઈ રીતે વર્તવું જોઈએ? કેમ?
૧૧ વડીલો અને જે ભાઈઓ મંડળમાં વધારે જવાબદારીઓ ઉપાડવાની “ઇચ્છા રાખે છે,” તેઓએ પણ ધ્યાન રાખવું જોઈએ. (૧ તીમો. ૩:૧) નહિતર, તેઓ મનુષ્ય તરફથી મહિમા મેળવવાની કોશિશ કરશે. (૧ થેસ્સા. ૨:૬) જો ભાઈએ કોઈ સારું કામ કર્યું હોય અને એ માટે તેમના વખાણ કરવામાં આવે તો તે કઈ રીતે વર્તશે? ખરું કે, રાજા શાઊલે બાંધ્યો તેમ તે પોતાનો કીર્તિસ્તંભ નહિ બાંધે. (૧ શમૂ. ૧૫:૧૨) પણ શું તે એવું વિચારે છે કે તેમને જે સિદ્ધિ મળી છે, એ યહોવાની કૃપાને લીધે છે? શું ભાવિમાં જે કોઈ પણ સફળતા મળશે તે યહોવાના આશીર્વાદ અને મદદને લીધે જ હશે? (૧ પીત. ૪:૧૧) આપણને જ્યારે માન-મહિમા મળે છે, ત્યારે આપણને કેવું લાગે છે, એ બતાવશે કે આપણે કોનો મહિમા મેળવવાની ઇચ્છા રાખીએ છીએ.—નીતિ. ૨૭:૨૧.
“તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો”
૧૨. અમુક યહુદીઓ ઈસુનો સંદેશો કેમ સાંભળવા નહોતા માંગતા?
૧૨ પોતાની ઇચ્છાઓ પણ આપણને યહોવા તરફથી મળતો મહિમા પામવાથી અટકાવી શકે. ખોટી ઇચ્છાઓ આપણને સત્ય વિશે કંઈ પણ સાંભળતા અટકાવી શકે. (યોહાન ૮:૪૩-૪૭ વાંચો.) અમુક યહુદીઓ ઈસુનો સંદેશો સાંભળવા નહોતા માંગતા. એટલે, ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે તમારા બાપ શેતાનની દુર્વાસના પ્રમાણે કરવા ચાહો છો.’
૧૩, ૧૪. (ક) સંશોધકોએ આપણા સાંભળવાની રીત વિશે શું શોધી કાઢ્યું છે? (ખ) આપણે કોને સાંભળીશું એની પસંદગી શું બતાવે છે?
૧૩ અમુક વાર આપણને જે સાંભળવું હોય, એ જ સાંભળીએ છીએ. (૨ પીત. ૩:૫) યહોવાએ આપણામાં એવી અજોડ ક્ષમતા મૂકી છે, જેને લીધે ઘોંઘાટ પર ધ્યાન આપવાનું ટાળી શકીએ છીએ. થોડી વાર માટે થોભો અને ધ્યાન આપો કે તમે કેટલા અવાજો સાંભળી શકો છો. એમાંના ઘણા અવાજો પર પહેલાં ધ્યાન નહોતું ગયું, ખરુંને! અવાજો તો ભલે ઘણા હતા પણ તમારું મગજ એક જ બાબત પર ધ્યાન આપવા મદદ કરતું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આપણી સાથે એકથી વધારે વ્યક્તિઓ બોલતી હોય ત્યારે, એક પર ધ્યાન આપવું અઘરું બને છે. એટલે કે, તમે એક જ સમયે બે વ્યક્તિઓના અવાજ સાંભળો ત્યારે, તમારે પસંદ કરવાનું હોય છે કે કોનું સાંભળશો. તમે જેને સાંભળવા ચાહશો એના તરફ ધ્યાન આપશો. યહુદીઓએ ઈસુનું સાંભળવાને બદલે, પોતાના બાપ શેતાનનું સાંભળવા ચાહ્યું!
૧૪ ‘જ્ઞાનનું ઘર’ અને ‘મૂર્ખનું ઘર’ આપણને જાણે બોલાવે છે. (નીતિ. ૯:૧-૫, ૧૩-૧૭) એટલા માટે આપણે પસંદ કરવાનું છે કે કોનું સાંભળીશું? યહોવા અને ઈસુનું કે પછી શેતાનનું? આપણો જવાબ બતાવશે કે આપણે કોની ઇચ્છા પ્રમાણે કરવા માંગીએ છીએ. ઈસુનાં ઘેટાં તેમનો અવાજ સાંભળે છે અને તેમનાં પગલે ચાલે છે. (યોહા. ૧૦:૧૬, ૨૭) તેઓ ‘સત્યનાં છે.’ (યોહા. ૧૮:૩૭) તેઓ ‘અજાણ્યાઓનો સાદ ઓળખતાં નથી.’ (યોહા. ૧૦:૫) આવા નમ્ર લોકો મહિમા પામે છે.—નીતિ. ૩:૧૩, ૧૬; ૮:૧, ૧૮.
‘એ તમારો મહિમા છે’
૧૫. કયા અર્થમાં પાઊલે સહન કરેલી તકલીફો બીજાઓ માટે “મહિમા” હતી?
૧૫ યહોવાની ઇચ્છા પ્રમાણે કરતા રહીએ છીએ ત્યારે, બીજાઓને પણ મહિમા મેળવવા મદદ મળે છે. એફેસી મંડળને પાઊલે લખ્યું: “હું માગું છું, કે તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.” (એફે. ૩:૧૩) કયા અર્થમાં પાઊલે સહન કરેલી તકલીફો, એફેસીનાં ભાઈ-બહેનો માટે “મહિમા” હતી? ઘણી સતાવણીઓ છતાં, પાઊલ એફેસી મંડળની સેવા કરતા રહ્યા. એના લીધે એ મંડળ જોઈ શક્યું કે ખ્રિસ્તીઓ તરીકે તેઓ જે લહાવાનો આનંદ માણે છે, એ સૌથી મૂલ્યવાન છે. પાઊલ જો સતાવણીઓ સામે હારી ગયા હોત, તો એફેસી મંડળ પર કેવી અસર થઈ હોત? કદાચ તેઓએ યહોવા સાથેનો સંબંધ, તેઓનું સેવાકાર્ય અને તેઓની આશાને મૂલ્યવાન ગણી ન હોત. પાઊલે ઘણું સહન કરીને ખ્રિસ્તી ધર્મને ઊંચું સ્થાન આપ્યું અને બતાવ્યું કે ઈસુના શિષ્ય બનવા માટે આપેલા ભોગ નકામા નહિ જાય.
૧૬. લુસ્ત્રામાં પાઊલે કેવી મુશ્કેલી સહી?
૧૬ પાઊલના ઉત્સાહ અને ધીરજની ભાઈ-બહેનો પર ઘણી અસર થઈ. પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯, ૨૦ જણાવે છે: ‘અંત્યોખ તથા ઈકોનીથી કેટલાક યહુદીઓ ત્યાં આવ્યા; તેઓએ લોકોને ઉશ્કેરીને પાઊલને પથ્થરો માર્યા, અને તે મરી ગયા છે એવું ધારીને તેઓ તેમને લુસ્ત્રા શહેર બહાર ઘસડી લઈ ગયા. પણ, પાઊલની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યા; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દર્બે ગયા.’ જરા વિચાર કરો, પાઊલ એક દિવસે મરવાની અણી પર હતા અને બીજે જ દિવસે તે ૧૦૦ કિલોમીટર મુસાફરી કરે છે. એય આધુનિક વાહનોથી નહિ, પણ ચાલીને!
૧૭, ૧૮. (ક) કયા અર્થમાં તીમોથીએ લુસ્ત્રામાં બનેલા બનાવો ‘ધ્યાનમાં રાખ્યા’? (ખ) પાઊલના દાખલાની તીમોથી પર કેવી અસર થઈ? (ચિત્ર જુઓ.)
૧૭ પાઊલને મદદ કરનારા એ “શિષ્યો”માં શું તીમોથી પણ એક હતા? પ્રેરિતોનાં કૃત્યોનો અહેવાલ એ વિશે સ્પષ્ટ નથી જણાવતું, પણ તીમોથી હોય શકે. તીમોથીને લખેલા બીજા પત્રમાં પાઊલે જે જણાવ્યું એનો વિચાર કરો: “મારો ઉપદેશ, આચરણ . . . અંત્યોખમાં [મને બહાર કાઢવામાં આવ્યો], ઈકોનીમાં [મને પથ્થરો મારવાની કોશિશ કરી] તથા લુસ્ત્રામાં [લોકોએ ખરેખર પથ્થરો માર્યા] જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો.”—૨ તીમો. ૩:૧૦, ૧૧; પ્રે.કૃ. ૧૩:૫૦; ૧૪:૫, ૧૯.
૧૮ પાઊલ સાથે જે બનાવો બન્યા, એ તીમોથીએ ‘ધ્યાનમાં રાખ્યા’ હતા. તેમ જ, પાઊલ મુશ્કેલી છતાં અડગ રહ્યા એ વિશે તીમોથી સારી રીતે જાણતા હતા. તીમોથીના મન પર એની ઊંડી અસર પડી હતી. પાઊલે જ્યારે લુસ્ત્રાની મુલાકાત લીધી ત્યારે, તે જોઈ શક્યા કે તીમોથી સારી પ્રગતિ કરી રહ્યા હતા. ‘લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં તીમોથીની શાખ સારી હતી.’ (પ્રે.કૃ. ૧૬:૧, ૨) સમય જતા, તે ભારે જવાબદારીઓ ઉપાડવા માટે લાયક બન્યા.—ફિલિ. ૨:૧૯, ૨૦; ૧ તીમો. ૧:૩.
૧૯. આપણા સારા દાખલાની બીજાઓ પર શું અસર થાય છે?
૧૯ આપણે જ્યારે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરતા રહીએ છીએ, ત્યારે બીજાઓ પર પણ સારી અસર થાય છે. ખાસ કરીને, યુવાનો ઉપર, જેઓમાંથી ઘણા ઈશ્વરના બહુ મૂલ્યવાન સેવકો બનશે. આપણે શું કરીએ છીએ એ તેઓ જુએ છે, પ્રચારમાં આપણી શીખવવાની અને બોલવાની રીત તેઓ જુએ છે. એટલું જ નહિ, તેઓ એ પણ જુએ છે કે આપણે જીવનની મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરીએ છીએ. પાઊલ ‘સઘળું સહન કરતા રહ્યા,’ જેથી યહોવાને સદા વળગી રહેનારાઓ ‘તારણ અને હંમેશ માટેનો મહિમા પામે.’—૨ તીમો. ૨:૧૦.
મોટી ઉંમરના ભક્તો ઈશ્વરની સેવા કરતા રહે છે, એની કદર યુવાનો કરે છે
૨૦. શા માટે ઈશ્વર તરફથી મળતો મહિમા શોધતા રહેવું જોઈએ?
૨૦ તો પછી, શું આપણે ‘જે માન એકલા ખરા ઈશ્વરથી છે એ શોધવાનું’ ચાલુ ન રાખવું જોઈએ? (યોહા. ૫:૪૪; ૭:૧૮) ચોક્કસ રાખવું જોઈએ! (રોમનો ૨:૬, ૭ વાંચો.) જેઓ યહોવા પાસેથી આવતા ‘મહિમા, માન શોધે છે તેઓને અનંતજીવન’ મળે છે. વધુમાં, આપણે ‘ધીરજથી કરેલાં સારાં કામ’ જોઈને, બીજાઓને પોતાની શ્રદ્ધામાં ટકી રહેવા મદદ મળશે. આમ, તેઓ હંમેશ માટેના આશીર્વાદો મેળવશે. એટલે, ઈશ્વર જે મહિમા આપે છે, એ મેળવતા જોજો તમને કોઈ પણ બાબત અટકાવે નહિ!