મુખ્ય વિષય | સારી આદતો કેળવવા શું કરશો?
૨ તમારા સંજોગોનો વિચાર કરો
તમે નક્કી કર્યું છે કે આચરકૂચર નહિ ખાઓ. પણ, તમે પાણીપુરીની લારી જુઓ છો અને તમારાથી રહેવાતું નથી.
તમે ધૂમ્રપાન છોડવાનું નક્કી કર્યું છે. તમારો મિત્ર એ વાત જાણતો હોવા છતાં, તે તમને સિગારેટ આપે છે.
તમે આજે એક્સર્સાઇઝ કરવાનું નક્કી કર્યું છે, પણ એ માટે બૂટ શોધવાનો કંટાળો આવે છે.
ઉપરનાં ઉદાહરણોમાં શું સમાનતા છે? વર્ષોનો અનુભવ બતાવે છે કે આપણા સંજોગોની અસર આપણી આદતો પર પડે છે. આપણે કેવા માહોલમાં છીએ અને કેવા લોકો સાથે સમય પસાર કરીએ છીએ એના આધારે સફળતા મળે છે. સફળતા એટલે કે, સારી આદતો કેળવવી અને ખરાબ આદતોથી છૂટકારો મેળવવો.
શાસ્ત્રનો સિદ્ધાંત: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩.
શાસ્ત્ર સલાહ આપે છે કે આપણે આગળનું વિચારીએ. એમ કરીને આપણે એવા સંજોગોથી સાવધ રહી શકીશું, જેનાથી આપણા ધ્યેયો પર ખોટી અસર પડી શકે છે. વધુમાં, પહેલેથી વિચાર્યું હશે તો, સંજોગોને કાબૂમાં રાખી શકીશું. (૨ તિમોથી ૨:૨૨) આમ, આપણે સમજદાર બનીને પરિસ્થિતિને કાબૂમાં રાખી શકીએ છીએ.
ખોટી આદતોને માર્ગમાં આવવા ન દો અને સારી આદતો કેળવવા પ્રયત્ન કરો
તમે શું કરી શકો?
ખોટી આદતોને માર્ગમાં આવવા ન દો. દાખલા તરીકે, તમને ફાસ્ટ ફુડ ખાવાની આદત છે. જો તમે એને છોડવા માંગતા હો, તો રસોડામાં એવું ખાવાનું રાખશો જ નહિ. એટલે જ્યારે તમને ફાસ્ટ ફુડ ખાવાની ઇચ્છા થશે, ત્યારે તમને એ સહેલાઈથી નહિ મળી રહે, પણ મહેનત કરવી પડશે.
સારી આદતો કેળવવા પ્રયત્ન કરો. દાખલા તરીકે, જો તમે સવારમાં ઊઠીને તરત જ એક્સર્સાઇઝ કરવાના હો, તો રાત્રે જ તમારા એક્સર્સાઇઝનાં કપડાં પલંગ પાસે મૂકી દો. જો તમે પહેલેથી સારી શરૂઆત કરશો, તો તમે સહેલાઈથી આગળ વધી શકશો.
દોસ્તોની પસંદગી સમજી-વિચારીને કરો. આપણે જેવા લોકો સાથે સમય પસાર કરીશું, આપણે એવા બની જઈશું. (૧ કોરીંથીઓ ૧૫:૩૩) આપણે ખરાબ આદતો છોડવા માંગતા હોઈએ ત્યારે, એવા લોકોની સંગત નહિ કરીએ, જેઓ એવી આદતોને વશ થવા દબાણ કરતા હોય. એના બદલે, સારી આદતો કેળવવા મદદ કરે એવા લોકોની સંગત કરીશું. (g16-E No. 4)