બાઇબલ શું કહે છે
મિત્રોને નાણાં ઉછીના આપવા અને લેવા
“દુષ્ટ ઉછીનું લે છે, અને પાછું આપતો નથી;
પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૧.
“કોઈની પાસેથી નાણાં ઉછીના લેશો નહિ, કે આપશો નહિ; કેમ કે ધીરાણથી હંમેશા નાણાં અને મિત્ર બંને ગુમાવાય છે.” અંગ્રેજી નાટ્યકાર વિલ્યમ શેક્સપીયરે યુગોથી વાપરવામાં આવેલા ડહાપણનું પુનરાવર્તન કરતા એમ લખ્યું. નિશ્ચે, પૈસા ઉછીના આપવાની કે લેવાની બાબત આવે છે ત્યારે માનવ સંબંધની થોડીક બાબતો સંભવત બગડે છે. સૌથી સારી યોજનાઓ કરવામાં આવી હોય અને સૌથી નિખાલસ પ્રયોજનો કરવામાં આવ્યા હોય છતાં, બાબતો ધાર્યા પ્રમાણે થતી નથી.—સભાશિક્ષક ૯:૧૧, ૧૨.
નાણાં ઉછીના લેનારને પોતાનું વચન પૂરું કરવા મુશ્કેલ કે અશક્ય બનાવે એવા સંજોગો ઊભા થઈ શકે. અથવા નાણાં ઉછીના આપનારને પોતાના નાણાંની તત્કાળ જ જરૂર ઊભી થઈ શકે. આવી બાબતો બને ત્યારે, શેક્સપીયરે નોંધ્યું હતું તેમ, મિત્રતા અને સંબંધો જોખમમાં આવી જાય છે.
અલબત્ત, વ્યક્તિને નાણાં ઉછીના લેવા માટે યોગ્ય કારણો હોય શકે. નાણાકીય નડતર ગંભીર અકસ્માત કે નોકરી ગુમાવવાને કારણે તેમને ઉછીનું લેવું એ જ એકમાત્ર સહારો લાગી શકે. બાઇબલ ઉત્તેજન આપે છે કે વ્યક્તિ કંઈક કરવા માટે શક્તિમાન હોય શકે ત્યારે જરૂરિયાતના સમયમાં મદદ કરવી જોઈએ. (નીતિવચન ૩:૨૭) એમાં નાણાં ઉછીના આપવાનો સમાવેશ થઈ શકે. તો પછી, આવી વ્યવસ્થામાં સામેલ થનાર ખ્રિસ્તીએ પોતાના વચનને કઈ દૃષ્ટિથી જોવું જોઈએ?
વિચારવા માટેના સિદ્ધાંતો
બાઇબલ કંઈ નાણાકીય માર્ગદર્શિકા નથી. એ નાણાં ઉછીના લેવાની કે આપવાની સર્વ બાબતોની ચર્ચા કરતું નથી. વ્યાજ લેવું કે ન લેવું અને કેટલું લેવું જેવા વાદવિવાદો વ્યક્તિગત બાબત છે.a તેમ છતાં, બાઇબલ જે સિદ્ધાંતો પૂરા પાડે છે એ સ્પષ્ટ અને પ્રેમાળ છે જે નાણાં ઉછીના લેનાર અને આપનારના વલણ અને વર્તણૂકને દોરે છે.
a ધીરાણ પર વ્યાજ ગણવાની બાબતે વધુ માહિતી માટે, કૃપા કરી ઑક્ટોબર ૧૫, ૧૯૯૧ના અંગ્રેજી ચોકીબુરજના પાન ૨૫-૮ પર જુઓ.
ઉછીનું લેનારને લાગુ પડતા સિદ્ધાંતોનો વિચાર કરો. પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી “એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો.” (રૂમી ૧૩:૮) પાઊલે એક સામાન્ય સિદ્ધાંત વિષે જણાવ્યું ત્યારે, તેમની સલાહ નિશ્ચે જ દેવાની જવાબદારી વિરુદ્ધ ચેતવણીરૂપ લઈ શકાય. કોઈ વાર દેવાદાર બનવા કરતાં પૈસા વગર ચલાવી લેવું સારું છે. શા માટે? નીતિવચન ૨૨:૭ જણાવે છે કે “દેણદાર લેણદારનો દાસ છે.” નાણાં પરત કરવામાં ન આવે ત્યાં સુધી, ઉછીના લેનારને ખ્યાલ રહેવો જોઈએ કે પોતે વચન હેઠળ છે. સિદ્ધાંત અનુસાર, તેની સંપત્તિ પૂરી રીતે તેની પોતાની નથી. નિશ્ચિત મુદતના સુમેળમાં પોતાનું દેવું ચૂકતે કરવું એ તેના જીવનમાં સૌથી પહેલો અગ્રતાક્રમ બનવો જોઈએ, અથવા શક્યપણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે.
ઉદાહરણ તરીકે, નાણાંની ચૂકવણીનો સમય વીતી જાય ત્યારે, ઉછીના આપનાર ગુસ્સે થઈ શકે. ઉછીના લેનાર વ્યક્તિ કપડાં ખરીદતો હોય, રેસ્ટોરંટમાં જમતો હોય, અથવા વેકેશન જતો હોય ત્યારે એ જોઈને ઉછીના આપનાર શંકામાં મૂકાઈ શકે. રોષ ભભૂકી ઊઠે. તેમનો અને તેમના કુટુંબ વચ્ચેનો સંબંધ પણ તણાવમાં આવી શકે કે બગડી શકે. ઉછીના લેનાર પોતાનો શબ્દ ન પાળે તો આવી દુઃખદ અસરો આવી શકે.—માત્થી ૫:૩૭.
પરંતુ ઉછીના લેનાર પોતાના કાબૂ બહારના સંજોગોને કારણે પોતાની વચનબદ્ધતાને પહોંચી વળવામાં નિષ્ફળ જાય તો શું? શું એનું દેવું માફ થઈ જાય છે? જરૂરી નથી. ગીતકર્તા કહે છે કે ન્યાયી “પોતાના હિત વિરૂદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.” (ગીતશાસ્ત્ર ૧૫:૪) આવા કિસ્સામાં, પ્રેમાળ અને શાણી બાબત એ છે કે નાણાં ઉછીના લેનાર ઉછીના આપનારને તત્કાળ મળે અને પરિસ્થિતિ જણાવે. પછી તેઓ કોઈ વૈકલ્પિક ગોઠવણો માટે સહમત થઈ શકે. આ બાબત શાંતિની ખાતરી આપે છે, અને એ યહોવાહ દેવને ખુશ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧; ૨ કોરીંથી ૧૩:૧૧.
વાસ્તવમાં, વ્યક્તિ પોતાનું દેવું કઈ રીતે હાથ ધરે છે એ રીતથી એ વિષે ઘણું જણાવી શકે. પરત કરવાની બાબતે બેપરવા, અસ્થાયી વલણ બીજાઓ માટેની ચિંતાનો અભાવ દર્શાવે છે. હકીકતમાં, એવા વલણવાળી વ્યક્તિ સ્વાર્થીપણું બતાવે છે—તેની ઇચ્છાઓ અને અભિલાષાઓ પ્રથમ આવે છે. (ફિલિપી ૨:૪) એક ખ્રિસ્તી જાણીજોઈને અને ઇરાદાપૂર્વક પોતાનું દેવું ચૂકવવા ઇનકાર કરે તો તેનું દેવ સમક્ષનું સ્થાન ભયમાં મૂકે છે, અને તે લોભી, દુષ્ટ હૃદયવાળો છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૧.
નાણાં ઉછીના આપનાર
ઉછીનું લેનાર મુખ્ય વચન હેઠળ આવે છે એ જ સમયે, નાણાં આપનારે પણ સિદ્ધાંતો પાળવાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે આપણે જરૂરિયાતવાળાઓને મદદ કરી શકતા હોઈએ તો આપણે કરવી જોઈએ. (યાકૂબ ૨:૧૪-૧૬) પરંતુ એનો અર્થ એ થતો નથી કે વ્યક્તિ પૈસા ઉછીના આપવા માટે બંધાયેલો છે, ભલેને માંગનાર વ્યક્તિ આત્મિક ભાઈ હોય. બાઇબલ કહે છે “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિવચન ૨૨:૩.
નાણાં ઉછીના આપવા અને લેવામાં સમાયેલો ફાંદો જાણી અને સમજીને, પારખું વ્યક્તિ પોતે મેળવેલા ઉધાર માટેની કોઈ પણ અરજ માટે કાળજીપૂર્વક ધ્યાન આપશે. શું અરજ યોગ્ય છે? વ્યક્તિ એ માટે પૂછે તો શું બાબતને કાળજીપૂર્વક તપાસવી જોઈએ? શું શક્ય ઉછીનું લેનાર સંગઠિત અને સારી રીતે વાત કરવા યોગ્ય છે? કરારની નિશ્ચિત મુદતની રૂપરેખાના કાગળ પર સહી કરવાની ઇચ્છા રાખે છે? (સરખાવો યિર્મેયાહ ૩૨:૮-૧૪.) શું એ પરત કરવા માટે ખરેખર તૈયાર છે?
એ એમ સૂચવતું નથી કે ખ્રિસ્તી, જરૂરિયાતવાળા વ્યક્તિની અવગણના કરી રહ્યો છે જેને શક્યપણે ઉધાર જોખમકારક લાગે. ખ્રિસ્તીની બીજાઓ પ્રત્યેની વ્યક્તિગત વચનબદ્ધતા સારા ધંધાદારી કરતાં વિસ્તૃત જાય છે. “જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે?” પ્રેષિત યોહાને પૂછ્યું. હા, ખ્રિસ્તીઓએ “શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ” કરવી જોઈએ.—૧ યોહાન ૩:૧૭, ૧૮.
કેટલાક કિસ્સાઓમાં એક વ્યક્તિ નક્કી કરી શકે કે જરૂરિયાતવાળા પોતાના ભાઈને નાણાં ઉછીના ન આપે. તે તેમને ભેટ કે અન્ય પ્રકારની મદદ આપવાનું પસંદ કરી શકે. એ જ રીતે, નાણાં ઉછીના લેવાની ગોઠવણે મુશ્કેલી ઊભી થાય ત્યારે, નાણાં આપનાર દયાપૂર્વક વર્તવાનું પસંદ કરી શકે. તે ઉછીનું લેનારના સંજોગોમાં આવેલા પરિવર્તનને વિચારણામાં લેવાનું અને પરત કરવાની મુદત લંબાવવાનું, રકમ ઘટાડવાનું, કે દેવું માફ કરવાનું ઇચ્છી શકે. આ વ્યક્તિગત નિર્ણયો છે જે દરેક વ્યક્તિએ પોતે જ લેવાના છે.
ખ્રિસ્તી મનમાં રાખી શકે કે દેવ બધી બાબતો અવલોકે છે અને આપણી પોતાની વર્તણૂક અને સંપત્તિના ઉપયોગ માટે જવાબદાર ગણે છે. (હેબ્રી ૪:૧૩) બાઇબલ સલાહ આપે છે ‘જે કંઈ આપણે કરીએ એ પ્રીતિથી કરીએ’ જેમાં નિશ્ચે મિત્રોને નાણાં ઉછીના આપવાની અને લેવાની બાબતનો પણ સમાવેશ થાય છે.—૧ કોરીંથી ૧૬:૧૪.
“નાણાવટી અને તેની પત્ની” (૧૫૧૪)
ક્વિન્ટિન મૅસી દ્વારા
Scala/Art Resource, NY